મેદાન પર પાકિસ્તાની ટીમે કરી એક ચૂક અને હાથમાંથી નીકળી ગયો વર્લ્ડકપ

ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટ હરાવીને ટી20 વર્લ્ડકપ જીતી લીધો છે.

મૅલબર્નમાં રમાયેલી ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમે શરૂઆત નબળી કરી હતી અને ઇંગ્લૅન્ડને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ઇંગ્લૅન્ડ કોઈ ખાસ મુશ્કેલી વગર હાંસલ કરી લીધો હતો.

શાહીનશાહ આફ્રિદીનું 16મી ઓવરે ઘાયલ થવું પાકિસ્તાનને ભારે પડ્યું. ત્યાં સુધી પાકિસ્તાનની ટીમ મુકાબલામાં હતી.

આ વિજય સાથે જ ઇંગ્લૅન્ડની ટીમ ટી20 અને વનડે એમ બન્ને ફૉર્મેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ગઈ છે. એક જ વખતે તે વનડે અને ટી20 વર્લ્ડકપ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

જોકે, આ મૅચની બેન સ્ટૉક્સે પાકિસ્તાન માટે મુશ્કેલ બનાવી દીધી હતી. સ્ટૉક્સે અણબન 52 (49 બૉલ) બનાવ્યા. ટી20માં સ્ટૉક્સે પ્રથમ હાફ સૅન્ચુરી ફટકારી અને તેમની શાનદાર રમતની મદદથી ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને હરાવી દીધું.

ખેર, આ તો થઈ વર્લ્ડકપની હાર-જીતની ઉપરછલ્લી વાત. હવે જોઈએ કે ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પાકિસ્તાનની હાર પાછળ કયાં ત્રણ પ્રમુખ પરિબળો જવાબદારં હતાં?

શાહીનશાહ આફ્રિદીની ઈજા

ઘૂંટણની ઈજામાંથી પરત ફરેલ શાહીનશાહ આફ્રિદી પાકિસ્તાનનું ‘મુખ્ય હથિયાર’ હતા. આ પહેલાં ઈજાના કારણે તેઓ એશિયા કપમાંથી પણ ખસી ગયા હતા.

શાહીનશાહ આફ્રિદીએ વર્લ્ડકપ ફાઇનલમાં ઍલેક્સ હેલ્સને પાછળ રાખીને શાનદાર શરૂઆત કરી હતી.

વચ્ચેની ઓવરોમાં હારિસ રઉફ અને નસીમ શાહે ઇંગ્લૅન્ડ પર દબાણ વધાર્યું હતું. હૅરી બ્રૂકનો શાદાબ ખાનની બૉલિંગ પર શાહીનશાહ આફ્રિદીના હાથે કૅચ પકડાયો હતો.

પાકિસ્તાનના ખેલાડીઓ અને પ્રશંસકો આ વિકેટથી ઝૂમી ઊઠ્યા હતા પરંતુ આ ખુશી ભીતરમાં માઠા સમાચાર છૂપાયેલા હતા. કારણ કે શાહીનશાહ આફ્રિદી કૅચ લેતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા.

તેમણે સારવાર માટે મેદાન છોડીને પૅવેલિયન પરત ફરવાની ફરજ પડી હતી. ઇંગ્લૅન્ડની ટીમ દબાણ હેઠળ આવી ગઈ હતી ત્યારે તેઓ મેદાનમાં પાછા ઊતર્યા હતા. તેમણે વૉર્મઅપ માટે રન-અપ કર્યું. ત્રીજી ઓવરનો પહેલો બૉલ ફેંકતી વખતે તેમને તકલીફ થતી જોવા મળી હતી. બૉલ ફેંકાયા બાદ તેમણે કૅપ્ટન બાબર આઝમ સાથે ચર્ચા કરી અને અમ્પાયર પાસેથી કૅપ પાછી લઈને ડગઆઉટમાં પરત ફર્યા.

ઇંગ્લૅન્ડને ચોગ્ગા અને છગ્ગા ફટકારવાની જગ્યા નહોતી મળતી ત્યારે પાકિસ્તાનના આધારસ્તંભ બૉલરનું આ રીતે મેદાન છોડવું ઇંગ્લૅન્ડ માટે જીતની આશા જન્માવી ગયું. કેમ કે આ ઘટના જ્યારે ઘટી ત્યારે તેમના બૅટ્સમૅનો ધાર ગુમાવી રહ્યા હતા.

ઈફ્તિખાર અહેમદ શાહીનની બાકી ઓવરના પાંચ બૉલ ફેંકવા આવ્યા ત્યાં સુધી તેમણે એક પણ ઓવર ફેંકી નહોતી.

શાહીનના સ્થાને ઇફ્તિખારની બૉલિંગમાં બેન સ્ટૉક્સ અને મોઇન અલી જામ્યા અને 5 બૉલમાં 13 રન ફટકારી દીધા.

આ ઓવર સાથે જ મૅચનું પાસું ઇંગ્લૅન્ડના પક્ષમાં પલટાઈ ગયું હતું. ઇંગ્લૅન્ડને બીજો વર્લ્ડકપ જીતાડવા માટે બેન સ્ટૉક્સે પોતાના અનુભવને કામે લગાડ્યો.

મોટું મેદાન

પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલ સિડનીમાં રમી હતી. તે પછી ફાઈનલ મૅલબર્નમાં રમાઈ. મૅલબર્નનું ક્રિકેટ ગ્રાઉન્ડ મોટું છે.

બાઉન્ડ્રીની સીમા ઘણી દૂર છે. તેથી, અન્ય મેદાનો પર સરળતાથી છગ્ગા મારતી હિટ અહી ફિલ્ડરના હાથમાં ઝલાઈ જાય છે અને એ આઉટ થઈ જાય છે. ફાઇનલમાં આવુ જ થયું હતું.

પાકિસ્તાનને મોહમ્મદ હારિસ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ આદિલ રશીદની બૉલિંગમાં તેમનો શૉટ બેન સ્ટૉક્સના હાથમાં ગયો.

શાન મસૂદે સેમ કરનના બૉલને ફ્લિક કર્યો હતો પરંતુ લાઇમ લિવિંગસ્ટૉને આગળ આવીને બાઉન્ડ્રી પરથી કૅચ પકડી લીધો હતો.

મોહમ્મદ નવાઝનો શૉટ પણ લાઇમ લિવિંગસ્ટોને બાઉન્ડ્રી નજીક ઝીલ્યો હતો અને મોહમ્મદ વસીમ સાથે પણ આવું જ થયું.

મોહમ્મદ વસીમના ફટકાને પણ લાઇમ લિવિંગસ્ટોને બાઉન્ડ્રી પર આગળ આવીને ઝીલ્યો હતો. પાકિસ્તાનના બૅટ્સમૅનો મેદાનની સાઇઝનો અંદાજો લગાવવામાં થાપ ખાઈ ગયા અને નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા.

બાબર અને રિઝવાન પર વધુ પડતો મદાર

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે એશિયા કપ વખતે જ કહ્યું હતું કે પાકિસ્તાનને સારા મિડલ ઑર્ડરની જરૂર છે.

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન બંનેએ પાકિસ્તાનને મજબૂત ઑપનિંગ જોડી આપી છે અને ઘણી મૅચ જીતાડી છે.

જોકે, એ પ્રશ્ન હંમેશાં ઉપસ્થિત થતો રહ્યો છે કે જો આ બંને ઉપરાછાપરી આઉટ થઈ ગયા તો શું?

બાબર-રિઝવાને ફાઇનલમાં 29 રનની ઑપનિંગ ભાગીદારી નોંધાવી હતી. રિઝવાન આઉટ થયા બાદ બાબરે કમાન સંભાળી હતી પરંતુ ટીમના 45 રનના સ્કૉર પર રાશિદે બાબરની ઇનિંગનો પણ અંત આણ્યો અને પાકિસ્તાનની ટીમ મોટો સ્કૉર બનાવવામાં નિષ્ફળ રહી.

ફાઇનલ જેવી મોટી મૅચમાં પાકિસ્તાન માત્ર 137 રન જ બનાવી શક્યું હતું. આમ, બે ઑપનરો પર ભરોસો રાખવો પાકિસ્તાનને મોંઘો પડ્યો છે.