You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતને હરાવનાર એ ખેલાડી જેણે ડ્રગ લીધું અને બે વર્લ્ડકપમાંથી બહાર કરી દેવાયો
- લેેખક, પરાગ ફાટક
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
કારકિર્દીમાં જોરદાર ઉતાર-ચઢાવ જોઈ ચૂકેલા ઈંગ્લૅન્ડના બૅટ્સમૅન ઍલેક્સ હેલ્સ માટે આ ટી-20 વર્લ્ડકપ ખરેખર મહત્ત્વનો છે, કારણ કે મેદાન બહારની પ્રવૃત્તિઓના કારણે તેણે આ પહેલાં બે વર્લ્ડકપમાંથી બહાર રહેવું પડ્યું હતું.
“વર્લ્ડકપની સેમિફાઈનલમાં ટીમના વિજયમાં યોગદાન આપનારી મારી આ ઇનિંગ્સ મારા માટે બહુ મોટી ક્ષણ છે. હું જે રીતે રમ્યો તે મારા માટે આનંદદાયક હતું. બેટિંગ માટે ઍડિલેડ વિશ્વનાં સર્વોત્તમ મેદાનો પૈકીનું એક છે.”
“બંને બાજુની બાઉન્ડ્રી નાની હોવાના કારણે ફટકા મારવાની મજા આવે. આ મેદાન પર રમ્યાની મારી અનેક સુખદ સ્મૃતિ છે. હું વર્લ્ડકપમાં ફરી ક્યારેય રમી શકીશ કે કેમ તેની મને ખાતરી નહોતી. આ વર્લ્ડકપમાં રમવાની તક મને મળી અને સેમિફાઇનલ જેવી મહત્વની મૅચમાં મોટી ઈનિંગ્સ રમી શક્યો તેનો મને સંતોષ છે. ઑસ્ટ્રેલિયામાં રમવાની બહુ મજા પડે છે.”
ભારત સામેની ગુરુવારની મૅચમાં ‘મૅન ઑફ ધ મૅચ’ બનેલા ઍલેક્સ હેલ્સે તેની લાગણી આ શબ્દોમાં વ્યક્ત કરી હતી.
ઍલેક્સ તેની આક્રમક બેટિંગ શૈલી માટે જાણીતા છે. ઍલેક્સના પિતા પણ ક્રિકેટર હતા. સ્થાનિક મૅચોમાં હેલ્સની બૅટિંગનો પ્રભાવ ઘણા બૉલરોએ અનુભવ્યો છે. 2005માં એક ઓવરમાં 55 રન ફટકારીને હેલ્સ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. હેલ્સે નવ બૉલની તે ઓવરમાં આઠ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રણ નો-બૉલને કારણે તે ઓવર નવ બૉલની થઈ હતી.
નૉટિંઘમશાયરની ટીમ તરફથી રમતી વખતે હેલ્સના સાતત્યપૂર્ણ દેખાવને કારણે ઇંગ્લૅન્ડના પસંદગીકારોનું ધ્યાન તેના ભણી ખેંચાયું હતું. હેલ્સે 2015માં ઇંગ્લૅન્ડમાં ઘરેલુ ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટમાં 86 રન બનાવ્યા હતા. તેમાં બે ઓવરમાં છ છગ્ગાનો સમાવેશ થાય છે. 2017માં હેલ્સ 30 બૉલમાં 95 રનની અવિશ્વસનિય ઇનિંગ્સ રમ્યા હતા.
ઍલેક્સ હેલ્સે 2011માં ઈંગ્લૅન્ડ તરફથી ટ્વેન્ટી-20માં પદાર્પણ કર્યું હતું. હેલ્સે બીજી જ મૅચમાં અણનમ 62 રન બનાવ્યા હતા. પાંચમી મૅચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમતાં તેઓ માત્ર એક રનથી સદી ચૂકી ગયા હતા. 2014માં તેમણે એ કસર પૂરી કરી હતી. ચટ્ટોગ્રામ ખાતેની શ્રીલંકા સામેની મૅચમાં હેલ્સે 64 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 116 રન બનાવ્યા હતા.
હેલ્સે એ જ વર્ષે ઇંગ્લૅન્ડ તરફથી વન-ડેમાં પદાર્પણ કર્યું હતું. જોકે, તે વર્ષે હેલ્સનું પ્રદર્શન સારું રહ્યું ન હતું, પરંતુ 2015માં તેણે અબુ ધાબીમાં પાકિસ્તાન સામેની મૅચમાં 109 રન ફટકાર્યાં હતાં. હેલ્સને શરૂઆતમાં ટ્વેન્ટી-20 ફોર્મેટ માટે યોગ્ય ખેલાડી ગણવામાં આવતો હતો, પરંતુ તેમણે વન-ડેમાં પણ પોતાનું કૌવત દેખાડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનું પરિણામ એ આવ્યું કે, ઈંગ્લૅન્ડની પસંદગી સમિતિએ તેને 2015માં ટેસ્ટ ફોર્મેટમાં રમવાની તક આપી હતી. જોકે, ટેસ્ટ મૅચોમાં તેઓ વન-ડે અને ટ્વેન્ટી-20ની સફળતાનું પુનરાવર્તન કરી શક્યા નહોતા. હેલ્સે બે વર્ષમાં 11 ટેસ્ટ રમી, પરંતુ તેમની સરેરાશ 30ની રહી હતી.
મૅચનું પાસું બદલી નાખનાર ખેલાડી
તેમણે પાંચ અર્ધી સદી ફટકારી હતી, પરંતુ એકેય સદી નોંધાવી શક્યા નહોતો. સારી બૉલિંગ અને જીવંત પીચ પર રમવાનું હેલ્સ માટે મુશ્કેલ છે, તે સ્પષ્ટ થયું હતું.
હેલ્સનું ટેકનિકલ કૌશલ્ય પ્રભાવશાળી નથી, પરંતુ તેમનામાં મૅચનું ચિત્ર થોડીક ઓવરમાં બદલી નાખવાની ક્ષમતા જરૂર છે. તેથી તેમને આઈપીએલમાં પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ અને બાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, તેઓ બંનેમાંથી એકેય ટીમનો અવિભાજ્ય હિસ્સો બની શક્યા નહોતા.
2019માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લૅન્ડમાં કરવામાં આવ્યું હતું. ઈંગ્લૅન્ડની ટીમમાં કોણ-કોણ હશે એ વિશે સ્વાભાવિક રીતે જ ઉત્સુકતા હતી. ટીમની જાહેરાત કરવામાં આવી અને હેલ્સને ઑપનર તરીકે તક મળી હતી, પરંતુ માત્ર બે દિવસમાં હેલ્સે પોતે ડૉમેસ્ટિક ક્રિકેટમાં એક મૅચ માટે ઉપલબ્ધ નહીં હોવાનું જાહેર કર્યું હતું.
નૉટિંઘમશાયરે પણ સ્પષ્ટ કર્યું ન હતું કે, હેલ્સ ટીમમાં ક્યારે પાછા ફરશે. થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે હેલ્સ ડ્રગ ટેસ્ટમાં દોષિત સાબિત થયા હતા. તેને પગલે જોરદાર હોબાળો થયો હતો.
વર્લ્ડકપ માટેની ટીમનો એક ખેલાડી આ રીતે ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયો હોવાથી ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડની નૈતિકતા સામે સવાલ સર્જાયા હતા. તેના પરિણામે હેલ્સ પર 21 દિવસનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે હેલ્સને વર્લ્ડકપ માટેની ટીમમાંથી કાઢી મૂક્યા હતા.
ઇંગ્લૅન્ડની ટીમના કૅપ્ટન ઈયાન મૉર્ગન અને હેલ્સ વચ્ચે અણબનાવ હોવાના સમાચાર બહાર આવ્યા હતા. મૉર્ગને કહ્યું હતું કે હેલ્સે ટીમનો ભરોસો ગુમાવી દીધો છે. હેલ્સ જેવો ફટકાબાજ ઑપનર ટીમમાં ન હોવાથી ઇંગ્લૅન્ડે તેની વ્યૂહરચના બદલવી પડી હતી. હેલ્સને સ્થાને જૅસન રૉયને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
ઍલેક્સ હેલ્સ માટે બદનસીબીનો સમય ચાલુ રહ્યો હતો અને 2021ના ટ્વેન્ટી-20 વર્લ્ડકપ માટે તેમની નોંધ પણ લેવામાં આવી નહોતી.
ટ્વેન્ટી-20 વર્લ્ડકપ પહેલાં ઇંગ્લૅન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. એ પ્રવાસ માટે હેલ્સને ટીમમાં સામેલ કરીને પસંદગી સમિતિએ પ્રશંસકોને આંચકો આપ્યો હતો. તેજસ્વી બૅટ્સમૅન જૉની બૅરિસ્ટો ઘાયલ થવાના કારણે હેલ્સને ટીમમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મૉર્ગનની નિવૃત્તિ પછી ઇંગ્લૅન્ડ ટીમની કૅપ્ટનશિપ જૉસ બટલરને સોંપવામાં આવી હતી. બટલર ઘાયલ થયા ત્યારે ટીમનું કૅપ્ટનપદ મોઈન અલીએ સંભાળ્યું હતું. નવા કૅપ્ટન, નવા કોચ અને નવી દૃષ્ટિ હેઠળ હેલ્સને પણ પાકિસ્તાન પ્રવાસ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
ત્રણ વર્ષ પછી ટીમમાં પાછા ફરેલા હેલ્સે પહેલી ટેસ્ટમાં અડધી સદી ફટકારીને ટીમે તેનામાં મૂકેલા વિશ્વાસને સાર્થક કર્યો હતો. એ ટેસ્ટ શ્રેણીની છ મૅચમાં હેલ્સે 130 રન કર્યા હતા, પરંતુ એ પર્ફોર્મન્સના આધારે વર્લ્ડકપ માટેની ઇંગ્લૅન્ડની ટીમમાં તેમની પસંદગી શક્ય ન હતી.
આ વર્ષના વર્લ્ડકપ માટે ઇંગ્લૅન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી. ફટકાબાજ ઑપનેર જૉની બેરિસ્ટોને ગોલ્ફ રમતી વખતે ઘાયલ થતાં તેમને ટીમમાં સમાવવાનું અશક્ય હતું. વૈકલ્પિક ઑપનેર જૅસન રોયને સંતોષકારક પર્ફોર્મન્સના અભાવે ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. આખરે પસંદગી સમિતિએ હેલ્સને ટીમમાં સામેલ કર્યા હતા.
અકસ્માતે મળેલી તકનો હેલ્સે બરાબર લાભ લીધો. અફઘાનિસ્તાન અને આયર્લૅન્ડ સામેની મૅચમાં તેઓ મોટી ઈનિંગ્સ રમી શક્યા નહોતા, પરંતુ ઇંગ્લૅન્ડના પસંદગીકારોને હેલ્સની ક્ષમતામાં ભરોસો હતો. ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં 52 રન ફટકારીને હેલ્સે તેમના ભરોસાને સાર્થક સાબિત કર્યો હતો. શ્રીલંકા સામેની મૅચમાં તેઓ ત્રણ રનથી અર્ધી સદી ચૂકી ગયા હતા. તેની કસર હેલ્સે ભારત સામેની મૅચમાં પૂરી હતી અને 47 બૉલમાં ચાર બાઉન્ડ્રી તથા સાત સિક્સર સાથે 86 રન ફટકાર્યા હતા.
રવિવારે રમાનારી ફાઈનલમાં પણ ઍલેક્સ હેલ્સ પાકિસ્તાની ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
'બિગ બેશ'માં રમવાનું ફાયદાકારક કેમ?
ડ્રગ કેસમાં દોષિત સાબિત થવાના કારણે ઇંગ્લૅન્ડની પસંદગી સમિતિએ હેલ્સને ટીમમાંથી પડતા મૂક્યા હોવા છતાં તેમણે દુનિયાભરમાં ટ્વેન્ટી-20 લીગ રમવાનું ચાલુ રાખ્યું હતું.
ઑસ્ટ્રેલિયામાં આઈપીએલ જેવી જ ‘બિગ બૅશ ટૂર્નામેન્ટ’ રમાય છે. આ સ્પર્ધામાં હેલ્સ ‘મૅલબોર્ન રેનેગેડ્ઝ’, ‘ઍડીલેડ સ્ટ્રાઈકર્સ’, ‘હૉબાર્ટ હરિકેન્સ’ અને ‘સીડની થન્ડર’ જેવી ચાર ટીમો માટે રમી ચૂક્યા છે.
બિગ બૅશ ટૂર્નામેન્ટમાં નિયમિત રીતે રમતા હોવાના કારણે હેલ્સ પાસે ઑસ્ટ્રેલિયામાં રમવાનો પૂરતો અનુભવ છે અને હેલ્સે તેનો પૂરેપૂરો લાભ લીધો છે.
ઑસ્ટ્રેલિયામાં મેદાનોના આકાર અને હવામાનને હેલ્સ કેટલી સારી રીતે સમજે છે એ તેની ગેઇમ જોતાં સમજી શકાય છે.
મૉર્ગન પ્રત્યે દુર્લક્ષ
ઇંગ્લૅન્ડની ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન ઈયોન મૉર્ગનને હેલ્સ પર ભરોસો ન હતો એ સ્પષ્ટ થઈ ગયું છે. થોડા દિવસ પહેલાંની એક મૅચ બાદ મહિલા પ્રેઝન્ટર, હેલ્સ અને મૉર્ગન વાત કરી રહ્યાં હતાં.
મૉર્ગનની બાજુમાં હેલ્સ ઊભા હતા. મહિલા પ્રેઝન્ટરે પૂછેલા સવાલનો જવાબ હેલ્સે તેની તરફ જોઈને આપ્યો હતો, પરંતુ બાજુમાં ઉભેલા મૉર્ગન પર નજર પણ કરી નહોતી.
તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. હેલ્સે ખુલ્લેઆમ ટીકા કરવાનું ટાળીને મૉર્ગનને આકરો જવાબ આપ્યો હતો.
હેલ્સે વર્લ્ડકપની સેમિફાઇનલમાં 84 રનની નિર્ણાયક ઇનિંગ્સ રમીને મૉર્ગન તથા અન્ય ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે.