You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સૉરી બ્રધર, આને કહેવાય...', પરાજય પર મોહમ્મદ શમીનું ટ્વીટ પાકિસ્તાનમાં વાઇરલ કેમ થઈ ગયું?
- લેેખક, બીએસએન મલ્લેશ્વર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયા આવી રહી છે.
પાકિસ્તાની લોકો અને ક્રિકેટચાહકો ટ્વિટર પર ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં પાકિસ્તાનની હાર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
શોએબ અખ્તરે હાર્ટ બ્રેક ઇમોજી ટ્વીટ કરીને કહ્યું કે આ હારથી તેમનું દિલ તૂટી ગયું છે.
ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ આનો જવાબ આપતા કહ્યું, 'માફ કરજો ભાઈ, આને કહેવાય કર્મ' અને ત્રણ હાર્ટ બ્રેક ઇમોજિસ ઉમેર્યાં.
આ અંગે હવે જોરદાર ચર્ચા ચાલી રહી છે.
સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે ભારતની 10 વિકેટે હાર બાદ શોએબ અખ્તરે ભારતીય ટીમ મૅનેજમૅન્ટ, બૉલરો અને ખાસ કરીને શમી પર નિશાન સાધતા ટિપ્પણીઓ કરી હતી.
આને ધ્યાનમાં લઈને કેટલાક યૂઝર્સ ટ્વીટ કરી રહ્યા છે કે શમીએ હવે વળતો હુમલો કર્યો છે.
ભારતીય ક્રિકેટરોની મજાક ઉડાવનાર શાહીનશાહ આફ્રિદી સામે 'કર્મ' કહેતા ટ્વીટ્સનો મારો ચલાવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, 2021માં યુએઈમાં યોજાયેલા ટી20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ ત્યારે પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહીનશાહ આફ્રિદીએ ભારતના ટૉપ ઑર્ડરને બૉલિંગ આક્રમણથી ધ્વસ્ત કર્યો હતો.
બાદમાં આફ્રિદીએ મેદાન પર ભારતીય પ્રેક્ષકોની મજાક ઉડાવતા કહ્યું હતું કે ભારતીય બૅટ્સમૅનો યોગ્ય રીતે બેટિંગ કરી શક્યા નથી.
ટર્નિંગ પૉઇન્ટ
રવિવારે ઇંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમ નિર્ણાયક તબક્કામાં હતી ત્યારે શાહીનશાહ આફ્રિદી 16મી ઓવર ફેંકવા આવ્યા હતા અને તેઓ માત્ર એક બૉલ ફેંકી શક્યા હતા. પગ મચકોડાઈ જતા તેમણે પેવેલિયન ભેગા થવું પડ્યું.
ત્યાર બાદ સ્પિનર ઇફ્તિખાર અહમદે પાંચ બૉલ ફેંક્યા, જેમાં ઇંગ્લૅન્ડે કુલ 13 રન બનાવ્યા.
અહીંથી પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની સ્પર્ધાત્મક મૅચમાં ઇંગ્લૅન્ડનો હાથ ઉપર રહ્યો હતો.
આગલી ઓવરમાં 16 રન બનાવ્યા બાદ તેઓ જીતની નજીક પહોંચ્યા હતા.
શાહીનશાહ આફ્રિદીએ માત્ર 2.1 ઓવર નાંખી, 13 રન આપ્યા અને એક વિકેટ લીધી હતી. તેમના સ્પેલમાં હજુ 7 બૉલ બાકી હતા.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કપ્તાન માઇકલ વોનનું પણ માનવું છે કે શાહીનશાહ આફ્રિદીની ઈજા ફાઇનલ મૅચમાં ટર્નિંગ પૉઇન્ટ બની રહી હતી.
દરમિયાન દેશના કેટલાક ક્રિકેટચાહકો એવી ટિપ્પણીઓ કરી રહ્યા છે કે પાકિસ્તાનની ટીમે ટી-20 વર્લ્ડકપને બદલે શાહીનશાહ આફ્રિદીને રાખી લીધો છે.
'પાકિસ્તાન.. શ્રેષ્ઠ બૉલિંગ ટીમ'
આ દરમિયાન ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમ માત્ર 137 રન બનાવી શકી અને તેમને બચાવી શકી નહીં તે અંગે પણ ટ્વીટ કરાઈ રહ્યાં છે.
ઘણા ક્રિકેટ વિશ્લેષકો પાકિસ્તાનને 'શ્રેષ્ઠ બૉલિંગ ટીમ' ગણાવે છે. હવે આ વિશ્લેષણોને પણ કેટલાક દ્વારા પડકારવામાં આવી રહ્યા છે.
પોતાના બીજા ટ્વીટમાં શમીએ ઇંગ્લૅન્ડને વર્લ્ડકપ જીતવા બદલ અને સૅમ કરનને સારી બૉલિંગ કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. પાકિસ્તાને પણ થોડો સમય સારી બૉલિંગ કરી હતી.
ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વીટ કર્યું, "પાકિસ્તાનને અભિનંદન આપવા જોઈએ. પાકિસ્તાનની જેમ બહુ ઓછી ટીમો 137 રનનો બચાવ કરી શકી હોત. બેસ્ટ બૉલિંગ ટીમ."