મુકુન્દ પરમારઃ ક્રિકેટના 'જો અને તો'માં ખોવાઈ ગયેલા પ્રતિભાશાળી ગુજરાતી ક્રિકેટર

સારાંશ
  • જે ખેલાડી સારો દેખાવ કરી શકે તેની કદર થવી જોઈએ પણ કમનસીબે મુકુન્દને તે કદર મળી નહીં જેના તેઓ હકદાર હતા
  • તે સમયના વેસ્ટ ઝોનના પસંદગીકારો પણ મોટા નામ અને મોટા ઍસોસિયેશનના ખેલાડીથી અંજાઈ જતા હશે
  • આજની માફક બારે માસ ક્રિકેટ રમાતું હોત અને વિવિધ લીગ મેચો રમાતી હોત કે ભારત-એ ટીમને વારંવાર વિદેશ મોકલાતી હોત તો મુકુન્દ પરમાર તથા 1980 અને 1990ના દાયકાના ઘણા ક્રિકેટરની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી વધારે ઊજળી બની ગઈ હોત
  • મુકુન્દ માટે વિદાય પ્રવચનમાં ગાયકવાડે એ વખતે કહ્યું હતું કે જ્યારે મુકુન્દ બૅટિંગમાં આવે ત્યારે હું સ્લિપમાં હાથ જોડીને ઊભો રહી જતો હતો

1993ના અંતમાં ગુજરાતની ટીમ મુંબઈ સામેની રણજી ટ્રૉફી મૅચ રમવાની તૈયારી કરી રહી હતી. સ્થળ હતું અમદાવાદનું પુરાણું સરદાર પટેલ સ્ટેડિયમ અને બંને ટીમના ખેલાડીઓ લગભગ નજીક નજીકમાં પ્રૅક્ટિસ કરી રહ્યા હતા.

આ એ સમય હતો જ્યારે પત્રકારોને કે બીસીસીઆઈના ઑફિશિયલને પ્રૅક્ટિસ એરિયામાં આવનજાવન માટે કોઈ રોકટોક ન હતી. એવામાં રવિ શાસ્ત્રીનો અવાજ કાને પડ્યો અને ચોંકી જવાયું. ચોંકવાનું એટલા માટે થયું કેમકે તેની વાત જ કાંઇક અનોખી હતી.

બાઉન્ડરી નજીકની રેલિંગ પાસે ગુજરાતના સૌથી સફળ અને પ્રતિભાશાળી બૅટ્સમૅન મુકુન્દ પરમાર સ્ટ્રેચિંગ કરી રહ્યા હતા અને રવિ શાસ્ત્રી પણ તેની સાથે એ કસરતમાં જોડાયા અને બોલ્યા કે, "ભાઈ મુકી (મુકુન્દને આ રીતે બોલાવતા હતા) મુંબઈ આવી જા તને ટેસ્ટમાં રમવાની તક મળી જશે. બાકી ગુજરાત માટે રમતો રહીશ તો ભારતીય ટીમમાં ક્યારેય સ્થાન મળશે નહીં ભલે તું ઢગલાબંધ રન કરે."

રવિ શાસ્ત્રી જેવા એ સમયના સુપર સ્ટાર ખેલાડી આવી ઑફર કરતા હોય તો સ્વાભાવિકપણે મન લલચાઈ જાય.

શાસ્ત્રીનું સૂચન માન્યું હોત તો?

પોતે ગુજરાતી છે અને મૂળ ગુજરાતમાં જ જન્મ્યા છે, અમદાવાદમાં સારી બૅન્કમાં નોકરી છે તો શા માટે બીજે જવું તેવા વિચાર સાથે મુકુન્દે એ વખતે રવિ શાસ્ત્રીનું સૂચન માન્યું નહીં. પણ જો માન્યું હોત તો...

ક્રિકેટમાં આ જો અને તો હંમેશાં સંકળાયેલા રહ્યા છે અને રહેશે. જો એ સૂચન માન્યું હોત તો બની શકે છે કે આજે આપણે ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર મુકુન્દ પરમાર વિશે વાત કરી રહ્યા હોત. મુકુન્દ આજે ગુજરાતની ટીમના ચીફ કોચ છે, અગાઉ તે છત્તીસગઢની ટીમને કોચિંગ આપી ચૂક્યા છે.

ભારતીય જુનિયર ટીમના કોચ રહી ચૂક્યા છે પણ પેલા જો અને તોની વાત કરીએ તો કદાચ આપણે ભારતીય ટેસ્ટ ટીમના કોચ મુકુન્દ પરમારની વાત કરી રહ્યા હોત તેમ પણ બની શકે.

ખેર, ગુજરાતે એવા સંખ્યાબંધ પ્રતિભાશાળી ક્રિકેટર ભારતને આપ્યા છે તો તેના કરતાં પણ વધારે સંખ્યામાં એવા અમર્યાદિત પ્રતિભાના માલિક ખેલાડીઓ પણ છે જેમને ટેસ્ટ રમવાની ક્યારેય તક સાંપડી નથી.

જ્યારે હકીકત એ હતી કે તેમની રમત અને તેમના રેકોર્ડ અત્યંત ઊજળા હતા તથા ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શકેલા સંખ્યાબંધ ખેલાડીઓ કરતાં વધારે ઉમદા રેકોર્ડ હતા. મુકુન્દનું જ ઉદાહરણ લઇએ તો સતત બે દાયકા સુધી તેના ફોર્મમાં સાતત્ય રહ્યું હતું. એ અરસામાં વૅસ્ટ ઝોનમાં અન્ય ટીમની સરખામણીએ ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમ નબળી મનાતી હતી.

ભલે આ બંને ટીમમાં ઘણા પ્રતિભાવાન ખેલાડીઓ હોય પણ મુંબઈ અને મહારાષ્ટ્ર અને ક્યારેક બરોડાની ટીમ નોકઆઉટ માટે મેદાન મારી જતી હતી.

આ સંજોગોમાં ગુજરાત સામે રમવું અન્ય ટીમના ખેલાડીઓ માટે તો આસાન રહેતું પરંતુ ગુજરાતના બૅટ્સમૅન કે બૉલર માટે મુંબઈ, મહારાષ્ટ્ર સામે રમવું આસાન ન હતું. આવા સંજોગોમાં જે ખેલાડી સારો દેખાવ કરી શકે તેની કદર થવી જોઈએ પણ કમનસીબે મુકુન્દને તે કદર મળી નહીં જેના તેઓ હકદાર હતા.

ઍસોસિયેશનની અંદરની સાઠમારી

તે સમયના વૅસ્ટ ઝોનના પસંદગીકારો પણ મોટા નામ અને મોટા ઍસોસિયેશનના ખેલાડીથી અંજાઈ જતા હશે.

એક વાર એક અનૌપચારિક વાતમાં વૅસ્ટ ઝોનના જ એક પસંદગીકારે આ લખનારને કહ્યું હતું કે મુકુન્દને અમે લઈ તો લઈએ પણ કોને સ્થાને લેવો અથવા તો તેને સ્થાન આપવા માટે કોને બાકાત રાખવો. તેમ કહીને તેમણે વેસ્ટ ઝોનની ટીમના બૅટિંગ ક્રમને ગણાવ્યો.

પ્રારંભમાં શિશિર હટ્ટંગડી, લાલચંદ રાજપૂત, રવિ શાસ્ત્રી, દિલીપ વેંગસરકર, સંજય માંજરેકર, સચિન તેંડુલકર, વિનોદ કાંબલી. તેમણે તો એવો દાવો પણ કર્યો હતો કે આ ખેલાડીઓમાંથી મુકુન્દ કહે તેને બાકાત રાખીને હું તેને સમાવું.

આવા ધુરંધરો હોવાને કારણે તથા પસંદગીકારોના આવા વલણને કારણે મુકુન્દ પરમારને વૅસ્ટ ઝોન માટે દુલીપ ટ્રૉફીમાં માંડ પાંચ મૅચ રમવાની તક સાંપડી હતી. આ ઉપરાંત હકીકત એ પણ રહી કે એ જમાનામાં રણજી ટ્રૉફી, દુલીપ ટ્રૉફી અને વર્ષે એક વાર રમાતી ઇરાની કપની મૅચ સિવાય ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ખાસ રમાતું ન હતું.

આજની માફક બારે માસ ક્રિકેટ રમાતું હોત અને વિવિધ લીગ મેચો રમાતી હોત કે ભારત-એ ટીમને વારંવાર વિદેશ મોકલાતી હોત તો મુકુન્દ પરમાર તથા 1980 અને 1990ના દાયકાના ઘણા ક્રિકેટરની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી વધારે ઊજળી બની ગઈ હોત. ખેર, આ તમામ વાતો કરતાંય અગત્યની વાત એ છે કે કારકિર્દીના પ્રારંભથી જ મુકુન્દ પરમાર એક ખડ્ડુસ બૅટ્સમૅન તરીકે પંકાઈ ગયા હતા.

2006માં મુકુન્દે નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે મોટેરા સ્ટેડિયમ પર ગુજરાતની ટીમ કર્ણાટક સામે રમી રહી હતી અને ટીમના કોચ હતા અંશુમન ગાયકવાડ.

મુકુન્દ માટે આપેલા પોતાના પ્રવચનમાં ગાયકવાડે એ વખતે કહ્યું હતું કે જ્યારે મુકુન્દ બૅટિંગમાં આવે ત્યારે હું સ્લિપમાં હાથ જોડીને ઊભો રહી જતો હતો.

એટલા માટે નહીં કે કૅચ આવશે, પરંતુ હું એ રીતે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે આ ખેલાડીની વિકેટ અપાવી દે. મુકુન્દ પરમાર વિશે આથી વધુ સારી પ્રશસ્તિ બીજી શું હોઈ શકે કે એક જમાનાના તેના હરીફ અને ભારતના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન અંશુમન ગાયકવાડ તેની આ રીતે કદર કરતા હોય.

18 વર્ષની કારકિર્દી

મુકુન્દ પરમારે 1988ની દસમી જાન્યુઆરીએ તેની કારકિર્દીનો પ્રારંભ કર્યો અને યોગાનુયોગે તેની અંતિમ મૅચ 2006ની દસમી જાન્યુઆરીએ શરૂ થઈ હતી. આમ તેઓ ગુજરાત માટે બરાબર 18 વર્ષ રમ્યા.

તેમણે 79 રણજી મૅચમાં 6644 રન ફટકાર્યા જેમાં 20 સદીનો સમાવેશ થતો હતો.

મુકુન્દ બાદ પાર્થિવ પટેલ કે પ્રિયંક પંચાલ જેવા ખેલાડીઓ તેના કરતાં બહેતર રેકોર્ડ નોંધાવી શક્યા છે પરંતુ તેમને બીસીસીઆઈની વર્તમાન પોલીસીને કારણે વધારે મેચો રમવાની તક પણ મળી છે જ્યારે મુકુન્દની કારકિર્દીમાં તેને દર વર્ષે ગણીને ચાર મૅચ રમવા મળતી હતી.

ક્યારેક ગુજરાતની ટીમ નૉકઆઉટ માટે ક્વોલિફાઈ થાય અથવા તો બૉર્ડે તેના માળખામાં ફેરફાર કર્યો તેને કારણે તેને વૅસ્ટ ઝોન સિવાયની ટીમ સામે રમવાની તક સાંપડી હતી. ગુજરાત માટે તેની સરેરાશ 51.90ની રહી હતી. સળંગ 79 મૅચ રમ્યા બાદ આ સરેરાશ જાળવી રાખવી આસાન બાબત નથી.

મુકુન્દ પરમારની કારકિર્દીનું સૌથી ઊજળું અને યાદગાર પાસું તેની બૅટિંગની સાતત્યતા હતી અને તેનામાં રહેલી રનની ભૂખ હતી.

તેમણે કારકિર્દીમાં ચાર વખત તો એક મૅચના બંને દાવમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરેલી છે.

ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં કોઈ બૅટ્સમૅન એક મૅચના બંને દાવમાં સદી ફટકારવાની સિદ્ધિ એક વાર નહીં પણ ચાર ચાર વાર નોંધાવી હોય તેવા મુકુન્દ પરમાર એકમાત્ર બૅટ્સમૅન છે.