ઇંગ્લૅન્ડનો એ ખેલાડી જે પાકિસ્તાન પાસેથી મૅચ આંચકી ગયો

ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટ હરાવીને ટી20 વર્લ્ડકપ જીતી લીધો છે.

મૅલબર્નમાં રમાયેલી ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમે શરૂઆત નબળી કરી હતી અને ઇંગ્લૅન્ડને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ઇંગ્લૅન્ડ કોઈ ખાસ મુશ્કેલી વગર હાંસલ કરી લીધો હતો.

શાહીનશાહ આફ્રિદીનું 16મી ઓવરે ઘાયલ થવું પાકિસ્તાનને ભારે પડ્યું. ત્યાં સુધી પાકિસ્તાનની ટીમ મુકાબલામાં હતી.

આ વિજય સાથે જ ઇંગ્લૅન્ડની ટીમ ટી20 અને વનડે એમ બન્ને ફૉર્મેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ગઈ છે. એક જ વખતે તે વનડે અને ટી20 વર્લ્ડકપ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

જોકે, આજની મૅચની બેન સ્ટૉક્સે પાકિસ્તાન માટે મુશ્કેલ બનાવી દીધી હતી. સ્ટૉક્સે અણબન 52 (49 બૉલ) બનાવ્યા. ટી20માં સ્ટૉક્સે પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી અને તેમની શાનદાર રમતની મદદથી ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને હરાવી દીધું.

સ્ટૉક્સ છેલ્લી સુધી છવાયેલા રહ્યા

મેદાનમાં હાજર 80 હજારથી વધારે દર્શકો સામે નાના સ્કોરનો બચાવ કરી રહેલી પાકિસ્તાનની ટીમને શાહીનશાહ આફ્રિદી અને હારિસ રફઉની બૉલિંગે સારી શરૂઆત અપાવી હતી. પાકિસ્તાનના બૉલરોએ મૅચને રોમાંચક બનાવી દીધી હતી પણ એ સૌને બેન સ્ટૉક્સ ભારે પડ્યા હતા અને તેમણે ઇંગ્લૅન્ડને વિજય અપાવ્યો હતો.

10 ઓવર બાદ ઇંગ્લૅન્ડના ખાતામાં 77 રન આવી ચૂક્યા હતા અને બાકીના દસ ઓવરમાં તેને જીતવા માટે 61 રનની જરૂર હતી અને સાત વિકેટ એના હાથમાં હતી.

એ બાદ બેન સ્ટૉક્સ અને હૅરી બ્રૂકની જોડીએ રન બનાવવાની એક પણ તક નહોતી ગુમાવી અને મૅચને ધીમેધીમે પાકિસ્તાનની પહોંચથી દૂર કરતા રહ્યા હતા.

જોકે, શાદાબ ખાને આ જોડીને તોડવામાં સફળતા મળી. 13 ઓવરમાં તેમણે બ્રૂકને આફ્રિદીના હાથે કૅચઆઉટ કરાવી દીધા. બ્રુક એ વખતે 22એ બૉલમાં 20 રન કરી ચૂક્યા હતા. સ્ટૉક્સે બ્રૂક સાથે મળીને 39 રનની ભાગદારી કરી હતી.

એ બાદ 14મી ઓવરમાં સ્ટૉક્સ આઉટ થતાંથતાં બચ્યા હતા. એ વખતે ઇંગ્લૅન્ડના સદનસીબે રઉફનો થ્રો સ્ટમ્પ નહોતો લાગ્યો. 15મી ઓવરમાં ઇંગ્લૅન્ડના ખાતામાં વધુ આઠ રન આવ્યા હતા અને રઉફની એ ઓવરમાં સ્ટૉક્સે ચોગ્ગો ફટકાર્યો હતો.

16 ઓવરમાં આફ્રિદી ઘાયલ થતા મૅચમાંથી બહાર નીકળી ગયા અને બૉલિંગ પર આવ્યા ઇફ્તિખાર. આ એ ક્ષણ હતી, જ્યારે પાકિસ્તાનના હાથમાંથી મૅચ ઝડપથી સરકવા લાગી હતી. સ્ટૉક્સ આ ઓવરના ચોથા બૉલ પર ફૉર અને પાંચમા બૉલ પર સિક્સર ફટકારી પાકિસ્તાન પર દબાણ વધારી દીધું હતું.

એ બાદ મોહમ્મદ વસીમની ઓવરમાં મોઇન અલીએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા. આ 17મી ઓવરમાં મૅચ એકદમ ઇંગ્લૅન્ડના હાથમાં આવી ગઈ. 18મી ઓવર પાકિસ્તાન માટે થોડી રાહત લાવી અને આ ઓવરમાં ઇંગ્લૅન્ડને માત્ર પાંચ રન જ મળી.

જોકે, એ બાદ 19મી ઓવરમાં મોહમ્મદ વસીમે મોઇન અલી (19 રન, 12 બૉલ)ને બૉલ્ડ કર્યા એ વખતે ઇંગ્લૅન્ડનો સ્કોર પાંચ વિકેટના નુકસાન 132 રન થઈ ગયો હતો અને જીતવા માટે માત્ર છ રનની જરૂર હતી.

એ બાદ ફરી સ્ટ્રાઇક પર આવેલા સ્ટૉક્સે ચોથા બૉલે ફૉર ફટકાર્યો અને સ્કોર બરોબર કરી દીધો. 19મી ઓવરના અંતિમ બૉલે સ્ટૉક્સે એક રન લીધો અને મૅચ જ નહીં વર્લ્ડકપ જીતી લીધો.

પાકિસ્તાનની શરૂઆત નબળી

પાકિસ્તાનના ઑપનર કૅપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન શરૂઆતથી રન લઈ શકતા નહોતા.

રિઝવાને ચોથી ઓવરમાં પાકિસ્તાનની ઇનિંગની પહેલી બાઉન્ડરી મારી હતી. આ ઓવરમાં પાકિસ્તાને 12 રન લીધા હતા, પણ પછી ઓવરમાં સૅમ કરને તેમને બોલ્ડ માર્યા હતા. રિઝવાને 14 બૉલમાં 15 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની પહેલી વિકેટ 29 રન પર પડી હતી.

તો ત્રીજા નંબરે આવેલા મોહમ્મદ હૅરિસ પહેલા છ બૉલમાં ખાતું ખોલાવી શક્યા નહોતા. સાતમા બૉલે તેમણે ચોગ્ગો મારીને ખાતું ખોલાવ્યું હતું.

પાવર પ્લેની છ ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર હતો એક વિકેટ પર 39 રન.

પાકિસ્તાનને બીજો ઝટકો આઠમી ઓવરમાં આદિલ રશીદે આપ્યો હતો. તેમણે પોતાના સ્પૅલના પહેલા બૉલે જ મોહમ્મદ હૅરિસને બેન સ્ટૉક્સના હાથે કૅચઆઉટ કર્યા હતા.

હૅરિસ 12 બૉલમાં માત્ર 8 રન બનાવી શક્યા હતા. આ ઓવરમાં પાકિસ્તાનના 50 રન પૂરા થયા. પાકિસ્તાનના બૅટ્સમૅનોને બાઉન્ડરી મારવામાં મુશ્કેલી પડી રહી હતી. ચોથા નંબરે આવેલા બૅટ્સમૅન શાન મસૂદે પોતાની ઇનિંગના 12મા બૉલે પહેલો ચોગ્ગો ફટકાર્યો હતો.

બૉલર હતા લિયામ લિવિંગસ્ટોન. પછી બૉલે શાને છગ્ગો માર્યો. આ ઓવરમાં 16 રન આવ્યા.

ઉપરાઉપરી ઝટકા

એ પછી બૉલર આદિલ રશીદે પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમનો પોતાની જ ઓવરમાં કૅચ કરી લીધો. તેઓ 28 બૉલમાં 32 રન બનાવી શક્યા.

ત્રીજી વિકેટે પાકિસ્તાનનો સ્કોર હતો 84 રન. આદિલે આ ઓવરમાં એક પણ રન આપ્યો નહોતો. બાબર બાદ ક્રીઝ પર આવેલા ઇફ્તિખાર અહમદ છ બૉલ સુધી ખાતું ખોલાવી ન શક્યા, તેમને બેન સ્ટૉક્સે આઉટ કર્યા.

બાદમાં શાન મસૂદ અને શાદાબ ખાને પાંચમી વિકેટ માટે 36 રન કર્યા. પાકિસ્તાનની ઇનિંગના 100 રન 15મી ઓવરમાં પૂરા થયા. 17મી ઓવરમાં સૅમ કરને આ જોડી તોડી અને શાન મસૂદ લિવિંગસ્ટોનના હાથે કૅચઆઉટ થયા. શાન મસૂદે 28 બૉલમાં 38 રન કર્યા હતા.

આમ છેલ્લી ઓવરોમાં પાકિસ્તાન ધાર્યા પ્રમાણે રન ન કરી શક્યું. 19મી ઓવરમાં સૅમ કરને મોહમ્મદ નવાઝને આઉટ કર્યા, તેઓ માત્ર પાંચ રન કરી શક્યા. તો મોહમ્મદ વસીમ ચાર કરીને ક્રિસ જૉર્ડનનો શિકાર બન્યા. શાહીનશાહ આફ્રિકી પાંચ અને હારિસ રઉફ એક રન બનાવીને અણનમ રહ્યા.