You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી 20 વર્લ્ડકપ : 'બધુ બરબાદ, નિરાશા...' હાર બાદ હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ટી-20 વિશ્વકપની સેમિફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમની હાર બાદ હવે ખેલાડીઓ પોતાનું દુ:ખ ઠાલવી રહ્યા છે. હાર્દિક પંડ્યાથી લઈને સૂર્યકુમાર યાદવ સુધીના ખેલાડીઓએ ભારતની ખરાબ હાર પર હવે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતની ટીમે ઇંગ્લૅન્ડ સામે ગુરુવારે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લૅન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરીને ભારતને હરાવી દીધું હતું.
જે બાદ હવે વર્લ્ડકપમાં ભારતની ટીમની સફરનો અંત આવી ગયો છે અને કેટલાક ખેલાડીઓ ઘરે પરત આવવા રવાના પણ થઈ ગયા છે.
"ભારતે આ વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કર્યું પરંતુ..." હાર બાદ કોહલીએ શું કહ્યું?
ભારત તરફથી આ વર્લ્ડકપના સ્ટાર રહેલા વિરાટ કોહલીએ ટ્વીટ કરીને નિરાશા વ્યક્ત કરી છે.
ઑસ્ટ્રેલિયાથી ભારત જવા રવાના થતાં પહેલાં તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “અમારું સપનું પૂરું કર્યા વગર નિરાશા સાથે ઑસ્ટ્રેલિયાથી જઈ રહ્યા છીએ.”
તેમણે લખ્યું છે કે, “એક ગ્રૂપના રૂપમાં અમે ઘણી યાદગાર પળો સાથે લઈને અને અહીંથી ઘણું સારું કરવાના લક્ષ્ય સાથે જઈ રહ્યા છીએ.” વિરાટ કોહલીએ મોટી સંખ્યામાં ભારતીય ટીમનું સમર્થન કરવા માટે સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટચાહકોનો આભાર પણ માન્યો હતો.
તેમણે લખ્યું છે કે, “દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશાં ગર્વનો અનુભવ કરાવે છે. ભારતે આ વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કર્યું પરંતુ સેમિફાઇનલમાં ભારતની ટીમ હારી ગઈ.”
ભારત આ વર્લ્ડકપમાં માત્ર બે મૅચ હાર્યુ છે. ગ્રૂપ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામે અને સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે. ભારત તરફથી સૌથી સારા ખેલાડી વિરાટ કોહલી સાબિત થયા છે. તેમણે છ મૅચમાં 292 રન કર્યા છે, જે આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન છે. સેમિફાઇનલમાં પણ તેમણે અડધી સદી ફટકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પંડ્યાએ લખ્યું, 'બધું બરબાદ થઈ ગયું'
સેમિફાઇનલમાં ભારતની હાર બાદ ખેલાડીઓ તો દુ:ખી થયા છે સાથે સાથે કરોડો ફેન્સ પણ આ હારથી દુ:ખી થયા છે. જોકે, કેટલાક ફેન્સે ભારતની ટીમને ખૂબ ટ્રોલ પણ કરી છે.
પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો પણ ભારતની ટીમની ખામીઓ વિશે ચર્ચા કરી રહ્યા છે, તો કેટલાક પૂર્વ ક્રિકેટરો ટીમના સપૉર્ટમાં આવ્યા છે.
બીજી તરફ ભારતની ટીમના ખેલાડીઓ હવે સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યા છે.
ટીમના ઓલરાઉન્ડર અને સેમિફાઇનલમાં બૅટથી કમાલ કરનારા હાર્દિક પંડ્યાએ લખ્યું, "બધું બરબાદ, ખૂબ જ દુ:ખી, નિરાશાજનક. અમારા માટે આ સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ છે. ટીમની રીતે અમારા વચ્ચે જે સમજણ બંધાઈ તેનો આનંદ લીધો. અમે એક-એક પગલે એકબીજા સાથે લડ્યા. સપૉર્ટ સ્ટાફ અને ટીમની આકરી મહેનત માટે ધન્યવાદ"
સૂર્યકુમાર યાદવે કહ્યું, "ખૂબ મોટું નુકસાન થયું છે"
આ વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવ ભારતની ટીમ માટે મિડલ ઑર્ડરમાં એક સ્ટાર તરીકે સામે આવ્યા છે.
તેમના ફૉર્મ અને તેમણે રમેલા શૉટની સતત ચર્ચાઓ થતી હતી, જોકે, સેમિફાઇનલમાં તેઓ ખાસ પ્રભાવિત કરી શક્યા ન હતા.
સૂર્યકુમારે લખ્યું, "ખૂબ જ મોટું નુકસાન થયું છે. અમે ક્યાંય પણ રમીએ અમારા ફેન્સ અમારા માટે ખૂબ સારો માહોલ બનાવે છે. તેમનો આભારી છું. સપૉર્ટ માટે ધન્યવાદ. ટીમ અને સ્ટાફની મહેનત પર ગર્વ છે. અમે મજબૂત બનીને પરત ફરીશું."
ભારતના ઓપનર કે. એલ. રાહુલે પણ ટીમની હાર પર પોતાની લાગણી વ્યક્ત કરી છે. જોકે, તેમણે કંઈ લખ્યું નથી પરંતુ તૂટેલા દિલની નિશાની મૂકી છે.
કે. એલ. રાહુલનું ફૉર્મ સતત ચર્ચામાં રહ્યું છે. રોહિત અને રાહુલની ઓપનિંગ જોડીની ભારતની હાર બાદ ઘણી ટીકાઓ પણ થઈ છે.
દરેક મૅચમાં ધીમી શરૂઆત અને જલદી આઉટ થઈ જવા પર તેની ખૂબ ટીકાઓ થઈ છે. રોહિત શર્માને તો લોકોએ સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કર્યા હતા.
હવે પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમાવાની છે.
વિરાટ કોહલીનાં બહેને લખી ભાવુક પોસ્ટ
ટી20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં ભારતીય ટીમની હાર બાદ પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીનાં બહેન ભાવના કોહલી ધીંગરાએ તેમના માટે એક ભાવુક પોસ્ટ કરી છે.
ભાવનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિરાટ કોહલી માટે એક સંદેશ લખતા તેમના પ્રદર્શનનાં વખાણ કર્યાં અને ટીમનો જુસ્સો વધાર્યો હતો.
તેમણે લખ્યું, "તમે તમારું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું. તમે ફીનિક્સની જેમ રાખમાંથી ઊભા થઈને આવ્યા. તમારા પર ગર્વ છે."
ભાવનાએ ટીમ માટે લખ્યું, "આપણે આવા સમયે ટીમને વધુ સહયોગ આપવો જોઈએ કારણ કે મુશ્કેલીમાં આપણે પરિવારનો સાથ આપીએ છીએ."
ગુરુવારે યોજાયેલી ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડે ભારતીય ટીમને દસ વિકેટથી હરાવ્યું હતું. જેને લઈને ભારતની ઘણી ટીકા થઈ રહી છે.
જોકે, વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ શાનદાર પર્ફૉર્મન્સ આપીને આંતરરાષ્ટ્રીય ટી-20માં ચાર હજાર રન બનાવનારા પ્રથમ ખેલાડી બન્યા.