ત્રણ વર્ષની બાળકી સાથે કથિત જાતીય સતામણીનો મામલો સામે આવતા ઉમરગામે બંધ પાળ્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં ત્રણ વર્ષની બાળકીની કથિત જાતીય સતામણીની ઘટના સામે આવતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીડિતાનો પરિવાર અને સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરીને ન્યાયની માગ કરી હતી.

ગુસ્સે ભરાયેલા આ લોકોએ એક રેલી કાઢી હતી અને ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર કર્યાં હતા.

ઘટનાના વિરોધમાં સમગ્ર ઉમરગામ નગરે સ્વયંભૂ રીતે બંધ પાળ્યો હતો.

બીબીસી સહયોગી કાદર હાશમાનીએ જણાવ્યું કે કેટલાક લોકોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો જેના કારણે સ્થિતિ વણસી હતી. મામલો તંગ થતા જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉમરગામ દોડી આવ્યાં હતા.

કાદર હાશમાનીના જણાવ્યા પ્રમાણે જિલ્લા પોલીસ વડાએ ગુનેગારને પકડી અને તેને કડકમાં કડક સજા થાય તેની ખાતરી આપતા લોકો થોડા શાંત પડ્યા હતા.

પોલીસે સમગ્ર કેસમાં વહેલી તકે તપાસ પૂર્ણ કરવાની અને કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવાની વાત કરી છે.

સમગ્ર કેસમાં સ્થાનિક લોકોએ ત્વરિત કાર્યવાહી માટે દબાણ કરતા પોલીસ હરકતમાં આવી હતી અને મહારાષ્ટ્ર પોલીસની મદદથી આરોપીને ગણતરીના સમયમાં મહારાષ્ટ્રના પાલઘરથી ટ્રેનમાંથી પકડી પાડ્યો હતો.

પોલીસે વલસાડ અને ઉમરગામની જનતાને કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ અથવા મૅસેજ પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે.

ત્રણ વર્ષની બાળકી સાથે જાતીય સતામણીની ફરિયાદ

વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકીની પરિચિત વ્યક્તિએ કથિત જાતીય સતામણી કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી. ઉમરગામ પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વ્યક્તિ પીડિત બાળકીના પિતાનો મિત્ર છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીને પીડિતાના પિતાએ જ ઉમરગામની એક કંપનીમાં નોકરી અપાવી હતી. પોલીસ અનુસાર બંને સાથે નોકરીએ જતા હતા.

કાદર હાશમાની કહે છે, ''બુધવારે આરોપી પીડિતાને એકાંત જગ્યાએ લઈ ગયો હતો પરંતુ છોકરીની માતાએ તેને પકડી પાડ્યો હતો. પકડાઈ ગયા બાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પીડિત પરિવાર બાળકીને લઈને ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.''

પીડિત પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને પહોંચી જતાં પોલીસે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી ઉમરગામ છોડીને ભાગી ગયો છે.

પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું, ''અમને માહિતી મળી કે આરોપી ટ્રેનમાં બેસીને ઝારખંડમાં પોતાના ગામ જઈ રહ્યો છે. અમે અલગ-અલગ ટ્રેનોમાં તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી સુરતથી વિરાર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. અમારી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી (સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ)ની ટીમોએ તાત્કાલિક મહારાષ્ટ્ર પોલીસનો સપંર્ક કર્યો હતો અને પાલઘર સ્ટેશનથી અમે તેની ધરપકડ કરી હતી.''

''અમે એક કલાકની અંદર આરોપીને પકડી પાડ્યો છે. હાલમાં અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ. હાલમાં પીડિતા વલસાડ ખાતે સિવીલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને ડૉક્ટરો અનુસાર તેની હાલ સ્થિર છે.''

વલસાડ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 (2) અને પૉસ્કોની કલમ 4, 5, 6 અને 8 હેઠળ આરોપી સામે કેસ દાખલ કર્યો છે.

વલસાડ પોલીસે કેસની તપાસ એક SITની રચના કરી છે. વાપી ડીવાયએસપીની આગેવાનીમાં સાત લોકોની બનેલી એક ટીમ સમગ્ર મામલાની તપાસ કરશે.

પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ કહ્યું, ''માત્ર બે અઠવાડિયાની અંદર આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરીને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. SITની ટીમ સંયોગિક, વૈજ્ઞાનિક અને ટૅક્નિકલ પુરાવાઓ ભેગી કરી રહી છે જેથી આરોપીને મહત્તમ સજા થાય.''

ગુજરાતમાં દરરોજ છ બાળકો પર રેપ

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના તાજેતરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2021માં એક બાજુ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પર બળાત્કારના 582 કેસ નોંધાયા છે. બીજી બાજુ બાળકો પર બળાત્કાર અંગેના 2,060 કેસ નોંધાયા.

આ આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ છ બાળકો પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત ગુજરાતમાં 18 વર્ષથી ઓછી વયની સગીરાઓ પર બળાત્કારના સાત એવા કેસ છે જે પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સૅક્સુઅલ ઑફેન્સિસ ઍક્ટ (પૉક્સો) અંતર્ગત નહીં પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અંતર્ગત નોંધાયા છે.

એનસીઆરબી દ્વારા દર વર્ષે ભારતમાં ક્રાઇમને લગતા આંકડા જાહેર કરવામાં આવે છે.

ગુજરાતમાં વર્ષો સુધી બાળઅધિકારો માટે કામ કરનારા કર્મશીલ અનિરુદ્ધસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે બાળકો પર બળાત્કારના કેસ વધવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે.

તેઓ વધુમાં જણાવે છે, "અગાઉ બાળકો પર બળાત્કારની ઘટનાઓ તો બનતી હતી પરંતુ તે સામે આવતું ન હતું. પૉક્સો ઍક્ટ આવ્યા બાદ લોકોમાં જાગૃતિ વધી છે. લોકો પોતાનાં બાળકો સાથે થતાં દુષ્કર્મોના મામલાને લઈને પોલીસ સ્ટેશન સુધી જતા થયા છે. જેના કારણે વધુ કેસ નોંધાવાના શરૂ થયા છે."

અનિરુદ્ધસિંહ બીજું કારણ આપે છે કે, "જ્યારથી ભારતમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારથી આ પ્રકારના કિસ્સા વધવા લાગ્યા છે. બાળકો આવાં કૃત્યો માટે સૌથી સરળ શિકાર હોય છે અને સોશિયલ મીડિયા પર તેઓ સરળતાથી આવી વ્યક્તિઓના સકંજામાં આવી જતાં હોય છે. જેથી બાળકોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર પણ ધ્યાન રાખવું જરૂરી બને છે."

તેઓ ત્રીજું અને અંતિમ કારણ આપે છે, "જો આંકડાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે બાળકો પર થતા બળાત્કારના મોટા ભાગના કિસ્સા એવા વિસ્તારોમાંથી આવે છે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય. અશિક્ષિત લોકો બાળકોને લગતા કાયદા અને આ પ્રકારનું કામ કર્યા બાદનાં પરિણામોથી અજાણ હોય છે."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.