You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં લાગુ પાસાના કાયદાને દિલ્હીમાં અમલ કરવાની ભલામણ કેમ કરાઈ?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રિવેન્શન ઑફ ઍન્ટી-સોશિયલ ઍક્ટિવિટીઝ (PASA), જેને બોલચાલની ભાષામાં ગુંડાધારા અથવા પાસાનો કાયદો કહેવામાં આવે છે, તે કાયદો આવનારા દિવસોમાં રાજધાની દિલ્હીમાં પણ લાગુ થઈ શકે છે.
તામિલનાડુ અને ગુજરાત – એમ બે રાજ્યોમાં અટકાયતી પગલાં ભરી શકાય તેવા કાયદાઓનો અભ્યાસ કર્યા બાદ દિલ્હીના લેન્ફટનન્ટ ગવર્નર (એલજી)એ ગુજરાતમાં લાગુ પાસાના કાયદાને દિલ્હીમાં લાગુ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, દિલ્હી સરકારના ગૃહ વિભાગ દ્વારા આ કાયદાને દિલ્હીમાં લાગુ કરવા માટે દરખાસ્ત કરી હતી.
આ દરખાસ્તને દિલ્હીના લૅફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ મંજૂરી આપીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં મોકલી આપી છે.
સમાચારપત્રે અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે દિલ્હી પોલીસે 'ચેઇન સ્નૅચર્સ' અને ડ્રગ પૅડલર્સ માટે કાયદો વધુ કડક કરવા માટે લૅફ્ટનન્ટ ગવર્નરને અરજી કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
1985માં ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવેલો પાસાનો કાયદો એક કે બીજી રીતે ચર્ચામાં રહેલો છે. માનવીય હક્કો માટે કામ કરતા કર્મશીલોના મતે, ગુજરાતનો આ કાયદો પોટા, મીસા જેવા 'ડ્રેકોનિયન (કડક) કાયદા'થી કમ નથી, તો પોલીસ અને સરકાર પ્રમાણે આ કાયદાને કારણે ગુજરાતમાં શાંતિ સ્થાપી શકાઈ છે.
તો જાણીએ કે ગુજરાતના આ કાયદામાં એવી કઈ બાબતો છે, જેના કારણે દિલ્હીમાં પણ તેને લાગુ કરવાની વાત ચાલી રહી છે.
શું છે પાસાનો કાયદો?
ગુજરાત સરકારે આ કાયદો 1985માં પસાર કર્યો હતો અને ત્યાર બાદ 1986, 2000 અને 2020 એમ ત્રણ વખત તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કાયદા અનુસાર સમાજમાં ભય ફેલાવે તેવી વ્યક્તિ, દારૂનો વ્યવસાય, જુગારધામ ચલાવવા વગેરે જેવા ગુનાઓ સાથે સંકળાયેલી વ્યક્તિને પોલીસ એક વર્ષ માટે અટકાયતી પગલારૂપે પકડીને જેલમાં પૂરી શકે છે.
2020ના ફેરફાર પ્રમાણે આ કાયદામાં સાઇબર ક્રાઇમ, જાતીય સતામણી, ઊંચા વ્યાજે પૈસા આપી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પાસાના કાયદા પ્રમાણે સમાજમાં સુલેહ અને શાંતિ ભંગ કરી શકે તેવી પ્રવૃત્તિ કરનારા લોકોને કમિશનરેટ વિસ્તારમાં પોલીસ કમિશનર અને જિલ્લાઓમાં કલેક્ટરેટ દ્વારા ઑર્ડર પસાર કરીને તેમની અટકાયત કરવામાં આવે છે.
કાયદા પ્રમાણે કોઈ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને પોતાના વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ ભયજનક લાગતી હોય અથવા તો પાસાના કાયદામાં જેની નોંધ છે, તેવી પ્રવૃત્તિ કરતી હોય તો તેની સામે અટકાયતી પગલાં ભરવાં માટે પોલીસ ઇન્સ્પેક્ટર કમિશનર/કલેક્ટરને રજૂઆત કરે છે, તે રજૂઆત પર ડિટેનિંગ ઑથૉરિટી તપાસ કરી, ખરાઈ કરી, જો તેમને તેમાં તથ્ય લાગે તો તે રજૂઆતને મંજૂર કરે છે અને ત્યાર બાદ જે તે વ્યક્તિને એક વર્ષ માટે જેલમાં મોકલી દેવામાં આવે છે. સામાન્ય રીતે અટકાયતીને જિલ્લા બહારની જેલમાં મોકલવામાં આવે છે.
નિયમ પ્રમાણે વ્યક્તિની અટકાયત થઈ ગયાના 12 દિવસની અંદર, ગૃહખાતામાં તે પ્રપોઝલ મોકલવામાં આવે છે અને જો ગૃહખાતાને તે અટકાયત યોગ્ય ન લાગે તો 12 દિવસમાં તેને રદબાતલ કરી શકે છે.
આ કાયદા પ્રમાણે હાઈકોર્ટના એક રિટાયર્ડ જજ અને જિલ્લા કોર્ટના બે રિટાયર્ડ મૅજિસ્ટ્રેટના એક બોર્ડની સામે આ અટકાયતની વિગતો મોકલવામાં આવે છે. આ બોર્ડને લાગે કે આ અટકાયત ખોટી છે, તો તે પણ પાસાના ઑર્ડરને રિવોક (રદ્દ) કરી શકે છે.
ત્યાર બાદ અટકાયતીને હાઈકોર્ટમાં અપીલ કરવાનો મોકો હોય છે અને જો હાઈકોર્ટના જસ્ટિસને લાગે કે પોલીસે ખોટી રીતે અટકાયત કરી છે, તો તે પાસાના ઑર્ડરને રદબાદત કરી શકે છે.
જો અટકાયતી અહીં પણ ન છૂટે તો એક વર્ષના જેલવાસ બાદ તે છૂટી જાય છે.
ગુજરાત રાજ્યમાં પાસાની કેવી અસર રહી છે?
કેવા ગુનાઓ માટે પાસા કાયદો લાગુ પડે છે?
- દારૂનો ગેરકાયદેસર વ્યવસાય
- જુગારધામ ચાલાવનાર
- સાઇબર ક્રાઇમ કરનાર
- ગૅંગ ચલાવનાર
- ભયજનક પ્રવૃત્તિ કરનાર
- ઊંચા વ્યાજે પૈસા આપનાર
- જમીન કે મિલકત ખોટી રીતે હડપી જનાર
- જાતીય સતામણી કરનાર
- ડ્રગનો ધંધો કરનાર
- ઇમમૉરલ ટ્રાફિકિંગની પ્રવૃત્તિ કરનાર
ગુજરાતમાં સુલેહ અને શાંતિના માહોલ માટે ઘણા લોકો પાસાના કાયદાને કારણભૂત માને છે, તો ઘણા લોકો તેને સૌથી વધુ દુરુપયોગ થતા કાયદા તરીકે જુએ છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ અમુક નિવૃત્ત સિનિયર અધિકારીઓ સાથે વાત કરી હતી.
ગુજરાતનાં પ્રથમ આઈપીએસ અને ડીજીપી તરીકે નિવૃત્ત થયેલાં ગીથા જોહરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આ કાયદાની બીકને કારણે ઘણા ગુનાઓ થતા અટકી જાય છે, કારણ કે જો કોઈ વ્યક્તિ એક જ પ્રકારના ગુનાની પ્રવૃત્તિ કરે તો તેને ફરીથી પાસામાં મોકલી શકાય છે. પાસાની બીકને કારણે ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાગી શક્યો છે."
આવી જ રીતે નિવૃત્ત ડીજીપી વિનોદ મલ્લ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "એ વાતમાં કોઈ બે મત નથી કે પાસા જેવા કાયદાને કારણે ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાગે છે."
"આ કાયદાને કારણે મુખ્યત્વે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની પ્રવૃત્તિ પર અંકુશ મૂકી શકાયું છે, કારણ કે તેનો ઉપયોગ સૌથી વધારે બુટલેગિંગની પ્રવૃત્તિ કરતા લોકો સામે થયો છે."
નિવૃત્ત આઈપીએસ અધિકારી આર.પી. પ્રિયદર્શી એવા અમુક જૂજ અધિકારીઓમાંના એક છે કે જેમણે સૌપ્રથમ આ કાયદાનો ઉપયોગ કર્યો હતો.
પાસાનો કાયદો 1985માં લાગુ થયો અને 1987માં તેમનું પોસ્ટિંગ ખેડા જિલ્લામાં હતું તે સમયે કોમી તોફાનોને કારણે ખેડા જિલ્લામાં અનેક અધિકારીઓની બદલી થઈ હતી અને પ્રિયદર્શીનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
તેઓ કહે છે, "તે સમયે કોઈને આ કાયદા વિશે ખાસ ખબર ન હતી, પરંતુ જે વ્યક્તિ કોમી તોફાનો માટે જવાબદાર હતી, તે વ્યક્તિ રાજકીય રીતે ખૂબ મજબૂત હતી, તેને પાસા હેઠળ પકડીને જેલમાં નાખી ત્યાર બાદ તે વિસ્તારમાં કોમી તોફાનો બંધ થઈ ગયાં હતાં."
એક બીજો કિસ્સો યાદ કરતા તેઓ કહે છે કે, "મહેમદાવાદમાં રહેતી એક વ્યક્તિ પર મહિલાઓની છેડતી અને બળાત્કાર જેવા ગુનાઓનો આરોપ હતો અને તે પણ ખુલ્લેઆમ ફરતી હતી, કારણ કે તેની સામે કોઈ ફરિયાદ કરવા આવતું ન હતું, એ વિસ્તારની તે સૌથી વધારે ખતરનાક વ્યક્તિ હતી."
"તે માણસની પાસા હેઠળ અટકાયત કરીને તેને ભુજ જેલમાં મોકલ્યો ત્યાર બાદ તે બીજી તમામ પ્રવૃત્તિ છોડીને ખેતીકામે લાગી ગયો હતો."
પ્રિયદર્શી પ્રમાણે, આ કાયદાની અસર તો ગુજરાતમાં ખૂબ સારી પડી છે અને તેના કારણે ઘણી અસામાજિક વ્યક્તિઓ પર સરકાર લગામ લગાવવામાં સક્ષમ બની છે.
પરંતુ તેઓ એ પણ કહે છે કે તેનો અર્થ એ નથી કે આ કાયદાનો દુરુપયોગ નથી થતો.
તેઓ કહે છે કે, "જ્યારથી આ કાયદો આવ્યો છે ત્યારથી તેનો એક કે બીજી રીતે દુરુપયોગ પણ થયો છે. આ કાયદા હેઠળ પોલીસને એટલી સત્તા હોય છે કે કોઈ ખાસ પુરાવા વગર પણ તે અટકાયત કરી શકે છે."
આ કાયદાની ટીકા કેમ થાય છે?
વિનોદ મલ્લ પ્રમાણે, "આ કાયદાને કારણે સમાજમાં પોલીસખાતાની ઇમેજને હાનિ પહોંચી છે. કોઈ વ્યક્તિ ભયજનક ન હોય તો પણ તેના પર પાસા થયાના બનાવો છે, પરંતુ તેવા કોઈ બનાવ નથી કે કોઈ વ્યક્તિ બિલકુલ કોઈ જ ગુનામાં સામેલ ન હોય અને તેના પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય."
પાસા થયા બાદ જે ઉપરના અધિકારીઓનો રિવ્યૂ થતો હોય છે, તેને પણ ઘણા અધિકારીઓ યોગ્ય માને છે. જેમ કે ગીથા જોહરી કહે છે કે, "સુપરવિઝન અને કંટ્રોલિંગ થતું રહ્યું છે, ઉપરના અધિકારીને સત્તા હોય છે કે તે નીચેથી આવેલી પ્રપોઝલને નકારી શકે છે."
પાસામાં જેમની અટકાયત થતી હોય તેવા લોકો હાઈકોર્ટમાં અપીલ કરતા હોય છે. ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસ પર છેલ્લા દોઢ દાયકાથી વકીલાતનું કામ કરતા ઍડવૉકેટ અરવિંદ ઠાકુર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "મારી 15 વર્ષની કરિયરમાં હજી સુધી પોલીસનો પાસાનો એક પણ કેસ કોર્ટમાં સાબિત થયો નથી. મોટા ભાગના કેસમાં સાક્ષીઓના ફૉર્મેટ એક જેવા જ હોય છે, કોઈનું નામ હોતું નથી અને પાસાના લગભગ દરેક કેસમાં અટકાયતી નિર્દોષ છૂટી જતા હોય છે."
ઠાકુરે વધુમાં જણાવ્યું કે, "પાસાના કેસમાં સૌથી વધુ મહત્ત્વનું હોય છે FIR અને બ્રીચ ઑફ પબ્લિક ઑર્ડર, એટલે કે અરાજકતા સર્જવી, મોટા ભાગના કેસમાં બ્રીચ ઑફ પબ્લિક ઑર્ડર સાબિત કરવામાં પોલીસ નિષ્ફળ નીવડે છે."
ગુજરાત હાઈકોર્ટનો 2009નો વીસમભાઈ ડોલાનો કેસ પાસાના દુરુપયોગ સંદર્ભે ટાંકવામાં આવે છે.
ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ એસજી શાહના ઑર્ડરમાં ટાંક્યું છે કે "પોલીસ એ પણ સાબિત નથી કરી શકી કે પિટિશનર (વીસમભાઈ ડોલા) એક ગુનેગાર છે. કોર્ટે પાસા હેઠળની તેમની અટકાયતને ગેરકાયદેસર ઠરવી હતી અને પાસાના ઑર્ડરને દ્વેષભાવવાળો ગણાવી તેને માત્ર પિટિશનરને હેરાન કરવા માટે પસાર કર્યો હોય તેવું કહ્યું હતું."
આ કેસના ચુકાદામાં પિટિશનરને સરકાર તરફથી 1.50 લાખ રૂપિયા આપવાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.
આ કાયદા વિશે વધુ વાત કરતા ગુજરાતમાં માનવીય હક્કો પર વર્ષોથી કામ કરતા ફાધર સેડ્રિક પ્રકાશે જણાવ્યું હતું કે, "હું આ કાયદાને ડ્રેકોનિયન લૉ કહીશ. કોઈ પણ પુરાવા વગર રાજકીય કિન્નાખોરી કે કોઈની સામેની દુશ્મની કાઢવા માટે પોલીસ આ કાયદાનો ભરપૂર દુરુપયોગ કરતી આવી છે. આ કાયદો દિલ્હીમાં લાગુ કરવાની વાત છોડો, તેને ગુજરાતમાંથી પણ નાબૂદ કરવાની જરૂર છે, કારણ કે આઇપીસી, સીઆરપીસી જેવા કાયદાઓમાં અટકાયતી પગલા માટેની અનેક કલમો છે, જો તે કલમોનો યોગ્ય ઉપયોગ થાય તો પાસા જેવા કાયદાની ક્યાંય જરૂર જ ન પડે.”
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 2021માં વિધાનસભામાં પાસાના કાયદા હેઠળ પકડાયેલા અને પછી હાઇકોર્ટમાં છૂટી ગયેલા લોકોની સંખ્યા દર્શાવતી માહિતી માગી હતી, જેના જવાબમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, કે બે વર્ષમાં 5402 લોકોની પાસા હેઠળ અટકાયત થઇ હતી, જેમાં 3447 લોકો હાઇકોર્ટમાં છૂટી ગયા હતા.
NCRBના આંકડા પ્રમાણે દેશભરમાં પાસા અને તેના જેવા બીજા કાયદાઓ હેઠળ 2018માં કુલ 2315 લોકો જેલમાં હતા, જ્યારે 2019માં 3308 લોકોની અટકાયત થઈ હતી.
દિલ્હીના નિવૃત્ત પોલીસ અધિકારી શું માને છે?
પાસાનો કાયદો જો દિલ્હીમાં લાગુ થાય તો શું દિલ્હીની ગુનાહિત પ્રવૃત્તિઓમાં કંઈ ફરક પડશે? આવા સવાલો સાથે બીબીસી ગુજરાતીએ દિલ્હીમાં નોકરી કરી ચૂકેલા અમુક આઇપીએસ અધિકારીઓ સાથે વાત કરી હતી.
દિલ્હી પોલીસમાં 40 વર્ષ સુધી નોકરી કરી આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ તરીકે નિવૃત્ત થનાર બ્રહ્મ પ્રકાશ યાદવ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "જ્યાં ફ્લોટિંગ પૉપ્યુલેશન (એટલે કે સ્થાયી ન હોય તેવા લોકો) રહેતી હોય ત્યાં આ પ્રકારનો કાયદો ખૂબ ફાયદાકારક નીવડી શકે છે."
"દિલ્હીમાં મોટા ભાગે જેને સ્ટ્રીટ ક્રાઇમ્સ કહી શકાય તેવા, ગુંડાગીરી કરવી, ચેન તફડાવી જવી, ડર ફેલાવવો વગેરે જેવા ગુનાઓ મોખરે હોય છે. તેવામાં આવો કાયદો પોલીસને વધુ સત્તા આપશે અને બીજા જ દિવસે ગુનેગાર જેલમાં હશે."
તેઓ એ પણ કહે છે કે સીઆરપીસીની કલમ 151 અને 107 પોલીસને અટકાયતી પગલાની સત્તા આપે છે, પરંતુ તે એટલી કારગત નથી, જેટલો કારગત પાસા જેવો કાયદો દિલ્હીમાં નીવડી શકે છે.
આવી જ રીતે નિવૃત આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ ધરમવીર જોશી પણ બીબીસી ગુજરાતીને કહે છે કે, "દિલ્હીમાં તો દરેક પ્રકારના ગુનાઓ થતા હોય છે, તેમાં આ પ્રકારનો કાયદો પોલીસને વધુ સત્તા આપશે માટે તે અસરકારક નીવડશે."
દિલ્હીના નિવૃત્ત કમિશનર ઑફ પોલીસ એમબી કૌશલે કહ્યું કે તેમણે પાસાના કાયદાનો અભ્યાસ કર્યો નથી, માટે તેઓ તે કાયદા વિશે કંઈ નહીં કહી શકે પણ એવાં ઘણાં ઉદાહરણો છે કે જેમાં બીજાં રાજ્યોના કાયદાઓ કોઈ એક રાજ્યમાં ચાલતા હોય છે, જેમ કે ધ બૉમ્બે પોલીસ ઍક્ટ ગુજરાતમાં હજી સુધી ચાલે છે.
"જો કાયદાનું અમલીકરણ યોગ્ય થશે તો તેનો દુરુપયોગ થવાનો નથી, માટે અસરકારક કાયદાની જગ્યાએ અસરકારક લોકોની દિલ્હીને વધારે જરૂર છે."