You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુતિનના નિકટનાં મિત્ર અલિના કબાએવા અચાનક ચર્ચામાં કેમ આવ્યાં?
- લેેખક, એલિજાવેટા ફૉક
- પદ, બીબીસી રશિયન સંવાદદાતા
ભૂતપૂર્વ ઑલિમ્પિક જિમ્નાસ્ટ અલિના કબાએવાને રશિયાના સ્વતંત્ર મીડિયા દ્વારા ઘણી વખત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં મિત્ર ગણાવવામાં આવે છે.
પશ્ચિમી દેશોના પ્રતિબંધો દરમિયાન અલિના કબાએવાનું વ્યક્તિત્વ એકદમ અંગત રહ્યું છે.
પરંતુ તાજેતરના મહિનાઓમાં કબાએવાએ પોતાની 'સ્કાય ગ્રેસ' જિમ્નાસ્ટિક ઍકેડેમી મારફતે જાહેર જીવનમાં પુનરાગમન કર્યું છે.
આ દરમિયાન એવો સવાલ થાય છે કે જાહેર જીવનમાં ફરી આવવા માટે તેમણે આ સમય શા માટે પસંદ કર્યો?
બીજો સવાલ એ છે કે તેમનો આ નિર્ણય પુતિન સાથે તેમની નિકટતા વિશે શું સૂચવે છે?
અચાનક જાહેર જીવનમાં પુનરાગમન
ગયા વર્ષે કઝાન બ્રિક્સ ગેમ્સ દરમિયાન રશિયા, બેલારુસ, થાઇલૅન્ડ, સર્બિયા અને તાજિકિસ્તાનની સાથે 'સ્કાય ગ્રેસ' ક્લબના જિમ્નાસ્ટોએ પણ ભાગ લીધો હતો.
આ ગેમ્સનું આયોજન દર વર્ષે બ્રિક્સ દેશો દ્વારા કરાવાય છે. જોકે, સ્કાય ગ્રેસ ક્લબે આ આયોજનમાં પોતાને રશિયાના બેનરથી અલગ રાખ્યું હતું.
સ્કાય ગ્રેસ ક્લબ બે વર્ષ અગાઉ જ રચાઈ છે. પરંતુ આ ક્લબ પર તેનાં સ્થાપક અને લીડર અલિના કબાએવાનો પ્રભાવ આસાનીથી સમજી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલિના રશિયાનાં સૌથી સફળ ઍથ્લિટ્સ પૈકી એક રહ્યાં છે. અલિનાએ ઑલિમ્પિક ઉપરાંત જિમ્નાસ્ટની અનેક વિશ્વ સ્તરની સ્પર્ધાઓમાં પોતાની સફળતાનો ઝંડો લહેરાવ્યો છે.
પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેઓ રમતગમતને લગતી સફળતાઓના બદલે રાષ્ટ્રપતિ પુતિન સાથે કથિત સંબંધોના કારણે ચર્ચામાં રહ્યાં છે.
તેઓ પુતિનના નાના પુત્રનાં માતા છે એવો દાવો પણ કરવામાં આવે છે.
જોકે,તાજેતરમાં પ્રકાશિત થયેલા એક ઇન્વેસ્ટિગેટિવ લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમને બે દીકરા છે.
2022માં અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયને કબાએવા પર લગાવેલા સખત પ્રતિબંધોની પાછળ આ 'નિકટના સંબંધો'નું કારણ અપાયું હતું.
પુતિને સંબંધો નથી સ્વીકાર્યા
જોકે, પુતિને ક્યારેય પણ જિમ્નાસ્ટ અલિના કબાએવા સાથેના સંબંધોનો સ્વીકાર નથી કર્યો.
2008માં લગ્નને લગતા એક સવાલના જવાબમાં પુતિને કહ્યું કે, "તેઓ એવા લોકોને ક્યારેય પસંદ નથી કરતા જેઓ પોતાની કલ્પનાઓ દ્વારા બીજાના જીવનમાં ડોકિયાં કરે છે."
તેથી 2015માં કબાએવાએ પુતિનના પુત્રને જન્મ આપ્યો છે તેવા અહેવાલો આવ્યા ત્યારે તે સમાચારોને નકારી કાઢવામાં આવ્યા હતા.
પુતિનના અંગત જીવન વિશે રશિયામાં ભાગ્યે જ ચર્ચા થાય છે.
એવું માનવામાં આવે છે કે પુતિનની બે પુત્રીઓ મારિયા અને કૅટરિના એક ટોચની મેડિકલ કંપનીમાં મૅનેજર અને મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીના 1.7 અબજ ડૉલરનાં પ્રોજેક્ટનાં હેડ છે.
આ ઉપરાંત પુતિનના બીજા એક સંબંધી ઍનાની પણ ચર્ચા થતી રહે છે. તેઓ રાષ્ટ્રપતિના કઝીન યેવગેની પુતિનનાં પુત્રી છે અને તેમને સંરક્ષણ મંત્રાલયમાં નાયબ મંત્રીનો હોદ્દો અપાયો છે. તેઓ વ્યવસાયે મનોચિકિત્સક છે.
પુતિનની બે પુત્રીઓ અને તેમના કઝિનનાં પુત્રી ઍના પર પણ પશ્ચિમી દેશોએ પ્રતિબંધ લગાવ્યા છે.
રશિયામાં આ ત્રણેયને એવા ફાયદા મળે છે જે સામાન્ય રશિયન નાગરિકને નથી મળી શકતા.
અલિનાની બહુ ઝડપી પ્રગતિ
2007માં રમતગમતમાંથી નિવૃત્ત થયા પછી અલિના બહુ ઝડપથી રશિયાના ઉચ્ચ વર્ગમાં સામેલ થઈ ગયાં.
તેઓ સાત વર્ષ સુધી રશિયાની સંસદનો હિસ્સો રહ્યાં અને ત્યાર પછી રશિયાના નૅશનલ મીડિયા ગ્રૂપમાં બોર્ડ ઑફ ડાયરેક્ટરનો હોદ્દો સંભાળ્યો. અગાઉ આ હોદ્દો પુતિનની નિકટ ગણાતા યુરી પાસે હતો.
મહત્ત્વના હોદ્દા પર હોવા છતાં તેઓ જાહેરમાં બહુ ઓછાં દેખાયાં.
તેમણે મીડિયાથી અંતર જાળવ્યું. મૅગેઝિનોએ તેમને પોતાની સ્ટોરી માટે એવો વિષય ગણ્યા જેના વિશે બહુ ઓછી માહિતી છે.
પરંતુ 2022માં આ બધું અચાનક બદલાઈ ગયું.
યુક્રેન યુદ્ધ ચરમસીમાએ હતું ત્યારે અલિનાએ 'સ્કાય ગ્રેસ' નામની એક ઇન્ટરનેશનલ રિધમિક જિમ્નાસ્ટ ક્લબની સ્થાપનાની જાહેરાત કરી.
માર્ચ 2023માં નવા રચાયેલા જિમ્નાસ્ટ ક્લબને સ્ટેટ નૅચરલ ગૅસ કન્સર્ન જેજપ્રોમે લગભગ બે કરોડ ડૉલરની એક ઇમારત ગિફ્ટમાં આપી.
કબાએવાની નવી રચાયેલી ક્લબને એવો દરજ્જો મળ્યો જે રશિયામાં લગભગ કોઈ રમત-ગમત સંબંધિત સંસ્થાને મળતો નથી. આ ક્લબ ઇવેન્ટ્સનું આયોજન કરવા માટેના પોતાના નિયમો પણ નક્કી કરે છે અને તે હાલની જિમ્નેસ્ટિક્સ ક્લબ કરતા ઘણી અલગ છે. તે દર્શાવે છે કે સ્કાય ગ્રેસ રશિયામાં એક વિશિષ્ટ ક્લબ છે.
જિમ્નેસ્ટિક્સને કવર કરતા એક સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટે નામ ન આપવાની શરતે કહ્યું કે, "સ્કાય ગ્રેસ એક એવી ક્લબ છે જે પોતાના નિયમોથી ચાલે છે. તે પોતાની ગેમના આધારે ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને તેના આધારે ઍવૉર્ડ પણ આપે છે."
કબાએવાના વિદ્યાર્થીઓએ ગયા વર્ષે યુરોપમાં યોજાયેલા કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. ક્લબે તટસ્થ દરજ્જા સાથે આ રમતોમાં ભાગ લીધો હતો, પરંતુ પ્રતિબંધો પછી કોઈપણ રશિયન ક્લબને આ રમતોમાં ભાગ લેવાની તક મળી નથી.
કબાએવાએ પશ્ચિમ પર લાગેલા પ્રતિબંધો વચ્ચે હવે જાહેર જીવનમાં પુનરાગમન કર્યું છે અને રશિયન મીડિયામાં તેની બહુ ચર્ચા થાય છે.
લાઇટ, કૅમેરા, ઍક્શન
સ્કાય ગ્રેસ ક્લબ સોશિયલ મીડિયા પર ઘણી ઍક્ટિવ છે. ઍકેડેમીની ટેલિગ્રામ ચૅનલ પર વિદ્યાર્થીઓની તાલીમના કેટલાય ડઝન વીડિયો ઉપલબ્ધ છે. પરંતુ આ વીડિયો એવી રીતે શૂટ કરવામાં આવ્યા છે જાણે ઍકેડેમીના કોચને તેની જાણ ન હોય.
પરંતુ તેઓ આ વિશે જાણતા ન હોય એ શક્ય નથી. અમે જેમની સાથે વાત કરી હતી તે સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટે કહ્યું કે કબાએવાને કૅમેરા પર દેખાડતી વખતે ખૂબ કાળજી લેવામાં આવી હતી.
સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટે જણાવ્યું હતું કે, "અલિના કબાએવાનો કોઈ ફોટો કે વિડિયો તેમની જાણકારી અને પરવાનગી વગર ઑનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવતો નથી. કોઈ આવી રીતે ગુપ્ત રીતે વીડિયો બનાવીને પોસ્ટ કરી શકે તે શક્ય નથી. અલિનાને કૅમેરાના એંગલ અને લાઇટિંગથી લઈને દરેક જરૂરી ફેરફાર કરાવે છે."
કબાએવાએ શા માટે અચાનક જાહેર જીવનમાં અને મીડિયામાં પ્રવેશવાનું નક્કી કર્યું? તે સ્પષ્ટ રીતે કહી શકાતું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તે ચોક્કસપણે યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો સાથે જોડાયેલું છે.
આ દરમિયાન સેન્ટ પીટર્સબર્ગની ઇકૉનૉમિક ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્ટમાં પુતિનનાં બે પુત્રીઓ મારિયા અને કૅટેરીના લોકો સામે આવ્યાં તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
યુદ્ધ પછી વિદેશી મહેમાનોએ આ ઇવેન્ટમાં રસ દર્શાવ્યો નથી. પરંતુ પુતિનની સત્તાને ધ્યાનમાં રાખતા તે હજુ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
બીજા સંબંધીઓ પણ ચર્ચામાં
સ્વતંત્ર મીડિયા મારફત આ લોકોની ઓળખ જાહેર થઈ ચૂકી છે. આ ઉપરાંત પુતિન સાથે નિકટના સંબંધોના કારણે તેમના પર પશ્ચિમી દેશોએ ઘણા પ્રતિબંધ લગાવ્યા છે.
તેથી હવે જાહેરમાં તેમની ઓળખ છુપાવવાનું પણ કોઈ કારણ નથી.
યુક્રેન સાથેના યુદ્ધની અસર એ થઈ કે પરિવારવાદ પરથી પડદો હટી ગયો છે. હવે તે ગુપ્ત નહીં રહી શકે. કબાએવા ઉપરાંત પુતિનના અન્ય સંબંધીઓ પણ પોતાની મહત્ત્વાકાંક્ષાઓ ધરાવે છે. રશિયાના રાષ્ટ્રપતિ સાથેની તેમની નિકટતાને કારણે તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પોતાને લાઇમલાઇટમાં લાવવાનો પ્રયાસ કરશે.
કબાએવા પોતાની ઍકેડમીને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને 'સ્કાય ગ્રેસ'ને આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે.
ગયા વર્ષે કતારમાં યોજાયેલી એક મોટી ટુર્નામેન્ટમાં અલિના કબાએવાએ પોતાને યજમાન તરીકે રજૂ કર્યાં હતાં અને તેને રશિયન મીડિયા દ્વારા વ્યાપક કવરેજ અપાયું હતું. આ ઇવેન્ટને કવર કરવા માટે એક સ્પૉર્ટ્સ ચૅનલે પોતાના ટોચના કૉમેન્ટેટરને મોકલ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન