You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમારા લોહીથી અબજો નહીં કમાવા દઈએ,' યુક્રેને યુરોપને રશિયન ગૅસનો પુરવઠો પૂરો પાડવાનું બંધ કર્યું
- લેેખક, નિક થોર્પે અને લૌરા ગોઝી
- પદ, બીબીસી ન્યૂઝ
યુક્રેને યુરોપિયન સંઘના દેશોને પોતાના દેશથી પસાર થઈને મોકલાતા રશિયન ગૅસનો પુરવઠો બંધ કરી દીધો છે.
આ વિસ્તારમાં ગૅસ સપ્લાયની આ વર્ષો જૂની સિસ્ટમ હતી, જે હવે ખતમ થઈ ગઈ છે.
યુક્રેનના ગૅસ ટ્રાન્ઝિટ ઑપરેટર નાફ્ટોગેઝ અને રશિયાની ગૅઝપ્રોમ વચ્ચે પાંચ વર્ષનો કરાર સમાપ્ત થયા બાદ આ પુરવઠો બંધ થયો છે. યુક્રેને યુરોપિયન યુનિયનને તૈયારી માટે એક વર્ષનો સમય પણ આપ્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અગાઉ કહ્યું હતું કે તેમનો દેશ રશિયાને હવે તેમના લોહીથી અબજો કમાવા નહીં દે. દરમિયાન, પોલૅન્ડ સરકારે કહ્યું છે કે રશિયા સામે આ બીજો વિજય છે.
યુરોપિયન પંચે કહ્યું હતું કે યુરોપિયન યુનિયન આ પરિવર્તન માટે તૈયાર છે અને મોટા ભાગના દેશ આ સ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે.
33 વર્ષ જૂનો રસ્તો બંધ
રશિયા હજુ પણ કાળા સમુદ્રને પેલે પાર ટર્કસ્ટ્રીમ પાઇપલાઇન દ્વારા હંગરી, ટર્કી અને સર્બિયાને ગૅસ મોકલી શકે છે.
રશિયન કંપની ગૅઝપ્રોમે એ વાતની પુષ્ટિ કરી છે કે બુધવારે સ્થાનિક સમય મુજબ સવારે આઠ વાગ્યાથી યુક્રેન થઈને થતી ગૅસની નિકાસ બંધ થઈ ગઈ છે.
રશિયા 1991થી યુક્રેન મારફતે યુરોપને ગૅસ સપ્લાય કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુક્રેન દ્વારા ગૅસ પુરવઠો અટકાવવો એ યુરોપિયન સંઘમાં સસ્તા રશિયન ગૅસના યુગના અંતનો સંકેત છે.
યુક્રેનના આ નિર્ણયથી સ્લોવાકિયા સૌથી વધુ પ્રભાવિત થયું છે, પરંતુ યુરોપિયન પંચનું કહેવું છે કે નવી સ્થિતિની અસર મર્યાદિત રહેશે.
પંચે કાળજીપૂર્વક આયોજન અને વૈકલ્પિક પુરવઠાવ્યવસ્થાને તેનું શ્રેય આપ્યું છે.
જોકે, સમગ્ર યુરોપ માટે તેની વ્યૂહાત્મક અને સાંકેતિક અસર વિશાળ છે.
રશિયાએ હવે એક મહત્ત્વપૂર્ણ બજાર ગુમાવ્યું છે, પરંતુ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન કહે છે કે યુરોપિયન યુનિયનના દેશોને સૌથી વધુ નુકસાન થશે.
2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી યુરોપિયન યુનિયને રશિયા પાસેથી ગૅસની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.
પરંતુ પૂર્વ યુરોપના ઘણા દેશ હજુ પણ મોટા ભાગે રશિયન પુરવઠા પર નિર્ભર છે, જેનાથી દર વર્ષે રશિયાને લગભગ 5.2 અબજ ડૉલર કમાણી થાય છે.
આંકડા ટાંકીએ તો, વર્ષ 2023માં યુરોપિયન યુનિયન દ્વારા આયાત કરવામાં આવેલા ગૅસમાં રશિયન ગૅસનો હિસ્સો દસ ટકાથી ઓછો હતો, જ્યારે વર્ષ 2021માં આ હિસ્સો 40 ટકા હતો.
પરંતુ સ્લોવાકિયા અને ઑસ્ટ્રિયા સહિત યુરોપિયન સંઘના ઘણા દેશ હજુ પણ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ગૅસની આયાત કરી રહ્યા હતા.
સ્લોવાકિયાએ યૂક્રેનને ચેતવણી આપી
ઑસ્ટ્રિયાના ઊર્જા નિયામકે કહ્યું છે કે તેને નથી લાગતું કે કોઈ સમસ્યા થશે, કારણ કે પૂરતો ભંડાર છે.
પરંતુ યુક્રેનના નિર્ણયથી પહેલાંથી જ સ્લોવાકિયા સાથે ગંભીર તણાવ સર્જાયો છે. આ દેશ હવે યુરોપિયન યુનિયનને રશિયન ગૅસ મોકલવાનો મુખ્ય માર્ગ છે.
તે ઑસ્ટ્રિયા, હંગેરી અને ઇટાલીને ગૅસ પહોંચાડવા માટે ટ્રાન્ઝિટ ફી વસૂલ કરે છે.
સ્લોવાકિયાના વડા પ્રધાન રોબર્ટ ફિકોએ પુતિન સાથે વાતચીત માટે મૉસ્કોની ઓચિંતી મુલાકાત લીધી હતી.
તેમણે શુક્રવારે યુક્રેનને વીજળીનો પુરવઠો કાપી નાખવાની ધમકી પણ આપી હતી.
ઝેલેન્સ્કીએ પછી ફિકો પર પુતિનને યુદ્ધ માટે ભંડોળ આપવાનો અને યુક્રેનને નબળું પાડવા માટે તેને મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો.
યુક્રેનિયન પ્રમુખે કહ્યું, "ફિકો યુક્રેનવાસીઓને વધુ તકલીફ પહોંચાડવાના રશિયાના પ્રયાસોમાં સ્લોવાકિયાને સામેલ કરી રહ્યા છે."
જોકે, પોલૅન્ડે સ્લોવાકિયાથી વીજળીનો પુરવઠો બંધ કરવાના કિસ્સામાં યુક્રેનને મદદની ઑફર કરી છે. વીજળીનો આ પુરવઠો યુક્રેન માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે દેશનાં પાવરપ્લાન્ટ્સ પર રશિયા દ્વારા નિયમિતપણે હુમલો કરવામાં આવે છે.
વીજળીની બચત માટે લોકોને વિનંતિ
દરમિયાન અન્ય દેશ મોલ્ડોવા, જે યુરોપિયન યુનિયનનો ભાગ નથી, યુક્રેન સાથેના ટ્રાન્ઝિટ કરારના અંતથી ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે.
તે રશિયન ગૅસ પર ચાલતાં પાવર સ્ટેશનોમાંથી તેની મોટા ભાગની વીજળી ઉત્પન્ન કરે છે. તે રશિયાનું સમર્થન કરતા અને અલગ થયેલા ટ્રાન્સનિસ્ટ્રિયાને પણ વીજળીનો પુરવઠો આપતું હતું. જે મોલ્ડોવા અને યુક્રેન વચ્ચે આવેલો જમીનનો એક ટુકડો છે.
મોલ્ડોવાના ઊર્જા પ્રધાન કોન્સ્ટેન્ટિન બોરોસને કહ્યું હતું કે તેમની સરકારે સ્થિર વીજળી પુરવઠો સુનિશ્ચિત કરવા પગલાં લીધાં છે. જોકે, તેમણે લોકોને વીજળી બચાવવાની અપીલ પણ કરી છે.
ડિસેમ્બરના મધ્ય ભાગથી જ ઊર્જા ક્ષેત્રમાં 60 દિવસની કટોકટીની સ્થિતિ લાગુ છે.
મોલ્ડોવાનાં રાષ્ટ્રપતિ માયા સાન્ડુએ રશિયા પર "બ્લૅકમેલિંગ"નો આરોપ લગાવ્યો છે. તેમના મતે, તેમનો હેતુ કદાચ વર્ષ 2025માં થનારી સામાન્ય ચૂંટણી પહેલાં તેમના દેશને અસ્થિર કરવાનો છે.
મોલ્ડોવાની સરકારે એ પણ કહ્યું કે તેમણે ટ્રાન્સનિસ્ટ્રિયાને મદદ માટે રજૂઆત કરી છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી યૂરોપિયન સંઘે કતાર અને અમેરિકા પાસેથી લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) અને નોર્વેમાંથી પાઇપલાઇન ગૅસ સ્વરૂપે વૈકલ્પિક સ્ત્રોત શોધી લીધા છે.
ડિસેમ્બરમાં, યુરોપિયન યુનિયને યુક્રેનમાંથી પસાર થઈને આવતા ગૅસને સંપૂર્ણપણે બદલવાની યોજના પણ રજૂ કરી હતી.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)