સીરિયામાં અસદનું પતન રશિયા માટે કેટલો મોટો ઝાટકો છે?

    • લેેખક, સ્ટીવ રોઝનબર્ગ
    • પદ, બીબીસી રશિયન, ઍડિટર

લગભગ એક દશકથી રશિયાની સૈન્ય તાકાતની મહેરબાનીથી બશર અલ-અસદ સીરિયાની સત્તા પર સવાર હતા. છેલ્લા 36 કલાકમાં જે થયું તે હેરાન કરનારું છે.

સીરિયામાં હવે અસદની સત્તાનું પતન થઈ ગયું છે. અસદ દેશ છોડીને ભાગી ચૂક્યા છે અને મૉસ્કોમાં છે.

રશિયાની ન્યૂઝ એજન્સી અને સરકારી મીડિયામાં ક્રેમલિન સુત્રોના હવાલેથી ખબરો આપવામાં આવી રહી છે કે રશિયાએ અસદ અને તેમના પરિવારજનોને માનવીય આધારે શરણ આપ્યું છે.

કેટલાક દિવસોની અંદર ક્રેમલિનનો સીરિયા પ્રોજેક્ટ એક નાટકિય ઘટનાક્રમમાં પત્તાના મહેલની માફક કકડભૂસ થઈ ગયો છે. રશિયા તેને રોકવામાં નિષ્ફળ ગયું છે.

રશિયાના વિદેશ મંત્રાલયે નિવેદન આપીને કહ્યું છે કે તેઓ સીરિયાના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે.

રશિયા માટે ઝાટકો

અસદનું પતન રશિયા માટે મોટો ઝાટકો છે. વર્ષ 2015માં તકલીફમાં આવેલા અસદની મદદ માટે રશિયાએ સીરિયામાં હથિયારો અને સૈનિકો મોકલ્યાં હતાં.

રશિયાનો ઉદ્દેશ પોતાને વૈશ્વિક શક્તિના રૂપે પ્રસ્તુત કરવાનો હતો.

સોવિયત સમય બાદ આ પશ્ચિમી દેશોની તાકતને પકડાર આપવાની વ્લાદિમીર પુતિનની આ પહેલી કોશિશ હતી.

એક તબક્કે એવું લાગતું હતું કે રશિયાનો આ પ્રયાસ સફળ થઈ રહ્યો છે.

વર્ષ 2017માં રાષ્ટ્રપતિ પુતિન સીરિયાના હેમિમ ઍરબેઝ પર ગયા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના આ મિશનમાં સફળ રહ્યા છે.

આ સમયમાં રશિયાના હવાઈ હુમલાઓમાં સામાન્ય નાગરિકોનાં મોતના સમાચારો છતાં રશિયાનું સંરક્ષણ મંત્રાલય વિદેશી મીડિયાને પોતાની સૈન્ય તાકત દેખાડવા સીરિયા લઈ જતું હતું.

આવી જ એક મુસાફરીમાં એક અધિકારીએ મને કહ્યું હતું કે રશિયા સીરિયામાં લાંબા સમય સુધી રહેનાર છે.

વાત માત્ર સન્માનની નથી...

પરંતુ વાત માત્ર સન્માનની નથી. સૈન્ય મદદના બદલામાં સીરિયાએ રશિયાને હેમિમ ઍરબેઢ તથા તાર્તુસનો નૅવીબેઝ 49 સાલની લીઝ પર આપ્યો હતો.

રશિયાએ ભૂમધ્યસાગર વિસ્તારમાં પોતાના પગ જમાવવાના શરૂ કરી દીધા હતા. આ બંને બેઝ આફ્રિકામાં સૈન્ય ઠેકાણાંઓ માટે મહત્ત્વના બની ગયા.

રશિયા માટે સૌથી મોટો સવાલ એ છે કે હવે આ બેઝનું શું થશે?

રશિયાએ આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અસદ મૉસ્કોમાં આવી ગયા છે, તેમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે રશિયા સીરિયામાં હથિયારબંધ જૂથ સાથે પણ સંપર્કમાં છે.

સરકારી ટીવીના એન્કરે કહ્યું કે સીરિયામાં વિપક્ષના નેતાઓએ ત્યાં રશિયાનાં સૈન્ય ઠેકાણાંઓ તથા રાજનૈતિક મિશનની સુરક્ષાની ગૅરંટી આપી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમના આ બેઝ હાલ હાઇઍલર્ટ પર છે.

મંત્રાલયે એ પણ દાવો કર્યો છે કે હાલ તેને કોઈ જોખમ નથી.

બશર અલ-અસદ સીરિયામાં રશિયાના હિમાયતી હતા. રશિયાને તેમના પર ભરોસો હતો.

મૉસ્કોમાં અધિકારીઓ અસદના તખ્તાપલટને તેમની વિદેશ નીતિ માટે એક મોટો ઝાટકો ભલે ન માનતા હોય પરંતુ તેઓ તેનાં પરિણામથી નહીં બચી શકે.

બલિનો બકરો

આમ છતાં રશિયાના અધિકારીઓ આ નિષ્ફળતા માટે કોઈ બલિનો બકરો શોધી રહ્યા છે.

રવિવારની રાતે રશિયાના સરકારી ટીવીએ પોતાના સાપ્તાહિક કાર્યક્રમમાં સીરિયાઈ સેના પર નિશાન સાધ્યું અને તેમને વિદ્રોહીઓ સામે ન લડવા બદલ દોષિત ઠેરવ્યા.

ટીવી એન્કર યેવગેની કિસેલેવે કહ્યું, "જોઈ શકાય છે કે સીરિયાઈ અધિકારીઓના માટે સ્થિતિ નાટકીય બની રહી છે. પરંતુ અલેપ્પોમાં વગર લડ્યે મેદાન છોડી દેવામાં આવ્યું. ઘણાં મજબૂત ઠેકાણાંઓમાં આત્મસમર્પણ કરી દેવામાં આવ્યું. આ ત્યારે થયું જ્યારે સરકારી સૈનિકો પાસે બહેતર હથિયારો હતાં. તેમની સંખ્યા હુમલાખોરો કરતા ઘણી વધારે હતી. આ એક રહસ્ય છે."

એન્કરે દાવો કર્યો કે રશિયાને હંમેશા સીરિયામાં સુલહની અપેક્ષા હતી.

આખરે એન્કરે કહ્યું, "સીરિયામાં જે થઈ રહ્યું છે તે પ્રત્યે તેઓ ઉદાસીન નથી. પરંતુ અમારી પ્રાથમિકતા રશિયાની સુરક્ષા છે. અને તે છે હાલમા ચાલી રહેલું યુક્રેન સાથેનું સૈન્ય અભિયાન."

રશિયાનો તેની જનતા માટેનો આ સ્પષ્ટ સંદેશ છે. રશિયાએ નવ વર્ષ સુધી બશર અલ-અસદને સત્તામાં ટકાવી રાખવા માટે પોતાનાં સંસાધનોનો ખર્ચ કર્યો. છતાં રશિયાના લોકોને કહેવામાં આવે છે કે તેની પાસે ચિંતા કરવા માટે બીજી અન્ય બાબતો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.