You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિજ્ઞેશ મેવાણી જેમની ધરપકડ કરવાની માગ કરી રહ્યા છે તે આઈએએસ નેહાકુમારી કોણ છે?
વડગામના ધારાસભ્ય અને કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ મહિસાગર જિલ્લાનાં કલેક્ટર નેહાકુમારી દલિત – આદિવાસી વિરોધી છે એવો આક્ષેપ કર્યો હતો.
જિજ્ઞેશ મેવાણીએ નેહાકુમારીની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે આંબેડકર નિર્વાણ દિવસે એટલે કે 6 ડિસેમ્બરે મહિસાગરમાં જંગી સભા યોજી હતી. જેમાં જિજ્ઞેશ મેવાણી સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા, ધારાસભ્ય અનંત પટેલ, કૉંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ વગેરે જોડાયા હતા.
દલિત વિશેની એક કથિત ટિપ્પણીને કારણે નેહાકુમારી વિવાદમાં છે. જેની સામે મેવાણી ઉપરાંત ચૈતર વસાવા, અનંત પટેલ વગેરે નેતાઓએ મોરચો માંડયો છે.
વિવાદ શું છે?
છ નવેમ્બરે જિજ્ઞેશ મેવાણીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને જણાવ્યું હતું કે નેહાકુમારીની ધરપકડ કરવામાં આવે. જે પત્ર સોશિયલ મીડિયા ઍક્સ પર તેમણે શૅર પણ કર્યો છે.
મેવાણીએ એમાં લખ્યું છે, "23 ઑક્ટોબરે નેહાકુમારીએ સરકારી કાર્યક્રમના મંચ પર દલિત યુવક વિજય પરમારને એવું કહીને અપમાનિત કર્યા હતા કે તેઓ ચપ્પલથી મારવા માટે લાયક છે. તેમજ 90 ટકા ઍટ્રોસિટીના મામલા બ્લૅકમેલ કરવા માટે હોય છે."
મેવાણીએ નેહાકુમારીની આ કથિત ટિપ્પણી સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ માગ કરી હતી.
જોકે, નેહાકુમારીએ મેવાણીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને ત્રીસ ઑક્ટોબરે મીડિયાને આ મામલે કહ્યું હતું, "મેવાણી જેની વાત કરી રહ્યા છે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ થયેલી છે. તે આરોપી છે. વિજય પરમાર દ્વારા સરકારી કર્મચારીઓને ઍટ્રોસિટી ઍક્ટના નામે બ્લૅકમેલ કરવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી."
"વિજય પરમારના ભાઈ પંકજ પરમાર પર બળાત્કાર, અપહરણના ગુના દાખલ થયેલા છે અને વિજયભાઈ તમના અને ભાઈના ગુનાના પ્રશ્નો લઇને અવારનવાર કચેરીએ આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેહાકુમારીએ કહ્યું હતું," સરકાર નાની બાળકીઓની સુરક્ષાને લઇને સંવેદનશીલ છે ત્યારે ધારાસભ્ય બળાત્કાર અને મારામારી જેવા ગંભીર ગુનાઇત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને સમર્થન આપશે તો ધારાસભ્ય કાયદો અને વ્યવસ્થાને કઈ દીશામાં લઈ જવા માગે છે?"
તેમણે મેવાણી પર આક્ષેપ કરતાં કહ્યું હતું, "ધારાસભ્યને મુદ્દાના તલસ્પર્શી અભ્યાસ કરતાં રાજકારણીય પ્રસિદ્ધી મેળવવામાં રસ વધારે છે."
'હું જાતિવાદમાં માનતી નથી'
ઑક્ટોબર મહિનાના અંતમાં જિજ્ઞેશ મેવાણીએ પ્રેસ કૉન્ફરન્સ યોજીને નેહાકુમારી પર આરોપ લગાવતા કહ્યું હતું, "નેહાકુમારી એવું બોલ્યાં હતા કે ઍટ્રોસિટીના કેસ બ્લૅકમેલ કરવા માટે કરવામાં આવે છે. આવા દલિત અને આદિવાસી વિરોધી નિવેદનને લીધે એક જનમાનસ તૈયાર થાય. અન્ય સમાજના લોકો અને દલિત – આદિવાસી સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવું ગુનાઇત કૃત્ય નેહાકુમારીએ કર્યું છે."
નેહાકુમારીએ આ આરોપનો જવાબ આપતા કહ્યું હતું, "મારું નામ નેહાકુમારી હોવા છતાં ધારાસભ્ય મેવાણી જાણીજોઈને મને નેહાકુમારી દુબે કહીને બોલાવે છે. જેથી મારી જ્ઞાતિ બાબતે તમામ લોકોને ખબર પડે અને સામાજિક દ્વેષ ઊભો થાય. આ તેમને શોભા આપતું નથી."
"હું જાતિવાદમાં માનતી નથી. મેં મારા તમામ રેકૉર્ડમાંથી મારી અટક હઠાવી છે. હું બાબાસાહેબ અને બંધારણનાં સિદ્ધાંતો પર ચાલીને જ અહીં સુધી પહોંચી છું."
નેહાકુમારીનું નામ આ પહેલા પણ વિવાદોમાં આવ્યું હતું
આ ઘટના પછી નેહાકુમારીનું નામ સતત ચર્ચામાં છે. અમદાવાદ, અમરેલી, ભાવનગર સહિતનાં શહેરોનાં પોલીસસ્ટેશનોમાં નેહાકુમારી સામે લેખિતમાં અલગ-અલગ લોકોએ ફરિયાદ આપી હતી.
2015ની બૅચના આઈએએસ અધિકારી છે. તેઓ ઝારખંડના છે. તેમણે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રૉનિક્સ સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
મહિસાગરનાં કલેક્ટર તરીકે તેમની નિમણૂક પહેલી ફેબ્રુઆરી, 2024ના રોજ થઈ હતી. તેઓ મહિસાગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. નેહાકુમારી અમદાવાદ સુધરાઈમાં નાયબ કમિશનર તેમજ દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.
દાહોદમાં જિલ્લામાં વિકાસ અધિકારી હતાં ત્યારે એક અનોખું ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હતું. તેઓ ઑફીસે જતાં ત્યારે પોતાના પુત્રને છાપરી ગામની આંગણવાડીમાં મૂકીને જતા હતાં. તેમની એ પહેલને લોકોએ બિરદાવી હતી.
નેહાકુમારી અમદાવાદ સુધરાઈમાં દક્ષિણ ઝોનના નાયબ કમિશનર હતાં એ વખતે સુધરાઈની રસ્તે રખડતાં ઢોર પકડવાની જે ઝુંબેશ હતી તેને લઇને ચર્ચામાં આવ્યાં હતાં. ગયા વર્ષે રખડતાં ઢોરને પકડવા માટે અમદાવાદ સુધરાઈએ ઝુંબેશ હાથ ધરી હતી એમાં ક્યારેક હુમલાની ઘટનાઓ પણ બની હતી. એ વખતે સુધરાઈના કર્મચારીઓ સાથે પોલીસ પણ હાજર રહેતી હતી. આવી જ ઢોર પકડવાની એક ડ્રાઇવમાં નેહાકુમારી હાથમાં દંડો લઇને નીકળ્યાં હતાં તે વીડિયો વાઇરલ થયો હતો.
ઉષા રાડા અને નેહાકુમારી વચ્ચે વિવાદ
નેહાકુમારીએ રાજય સરકારના જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગમાં નાયબ સચિવ તરીકે પણ કામ કર્યું છે.
તેઓ અમદાવાદ સુધરાઈની જે એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી છે તેના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યાં છે.
જાન્યુઆરી 2020માં તેઓ મહિસાગરના જિલ્લા વિકાસ અધિકારી હતાં ત્યારે ત્યાંના એસપી(સુપ્રિન્ટેન્ટન્ટ ઑફ પોલીસ)ઉષા રાડા સાથે વાદવિવાદ થયો હતો. જે થાળે પાડવા માટે મુખ્ય મંત્રી કાર્યાલયે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
બંને વચ્ચેના વિવાદનું કારણ 'ગાય' હતી. ઉષા રાડાએ ગીર ગાયો પાળી હતી. અધિકારીઓના રહેઠાણ પર નેહાકુમારી અન્ય અધિકારીઓ સાથે વૉલીબૉલ રમતા હતા. રમત દરમિયાન બૉલ, ઉષા રાડાએ જે ગીર ગાયો પાળી હતી તેની સાથે અથડાયો હતો. એ પછી ઉષા રાડાએ વૉલીવૉલની નેટ હઠાવી દેવાનો આદેશ આપ્યો હતો તેમજ મેદાનમાં વીજળી કનેક્શન હઠાવી નાખવાનું જણાવ્યું હતું.
સરકારમાં પોતાની ફરિયાદ રજૂ કરતા નેહાકુમારીએ કહ્યું હતું કે પોલીસે ઉષા રાડાના કહેવા પર વૉલીબૉલની નેટ હઠાવી દીધી હતી.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)