શું ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ કરી રહ્યા છે?

    • લેેખક, ઇલ્યા અબીશેવ
    • પદ, બીબીસી ન્યૂઝ રશિયન

ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાની મદદ માટે યુક્રેનમાં તહેનાત હોવાના વધુને વધુ અહેવાલો મળી રહ્યા છે. યુક્રેનના ગુપ્તચર વિભાગના સુત્રોને ટાંકીને ઇન્ટરફેસ-યુક્રેન અને કિએવપોસ્ટે ગયા સપ્તાહે એવા અહેવાલ આપ્યા હતા કે રશિયાના કબજા હેઠળના ડોનબાસ પ્રદેશમાંના તાલીમ મેદાન પરના યુક્રેનના મિસાઇલ હુમલામાં ઉત્તર કોરિયાના છ લશ્કરી અધિકારીઓ માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા.

સુત્રોના જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયાના અધિકારીઓનું એક જૂથ તેમના “આપ-લેના અનુભવની” વાત કરવા તેમના રશિયન સાથીદારોને મળવા ત્યાં ગયું હતું. આ દાવામાં કોઈ તથ્ય છે?

યુક્રેનના ગુપ્તચર વિભાગે ગયા વર્ષે અહેવાલ આપ્યો હતો કે ઉત્તર કોરિયાના લશ્કરી કર્મચારીઓ, ખાસ કરીને એન્જિનિયરિંગ યુનિટ્સ, યુક્રેનના કબજા હેઠળના પ્રદેશમાં આવ્યા હતા. રશિયાએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી.

દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન કિમ યોંગ-હ્યુને આ વર્ષે આઠમી ઑક્ટોબરે કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાને મદદ કરવા ઉત્તર કોરિયા પોતાના સૈનિકો તહેનાત કરે તેવી “પ્રબળ શક્યતા" છે.

તેઓ માને છે કે ડોનબાસમાં ઉત્તર કોરિયાના લશ્કરી અધિકારીઓનાં મૃત્યુ વિશેના આક્ષેપો “મહ્દઅંશે સાચા છે.”

તેમણે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સંધિનો ઉલ્લેખ કરતાં યોનહાપની દક્ષિણ કોરિયા આવૃત્તિને કહ્યું હતું, “રશિયા અને ઉત્તર કોરિયાએ સૈન્ય જોડાણ જેવા કરાર કર્યા હોવાથી મોરચા પર સૈન્ય મોકલવાની સંભાવના વ્યાપક છે.” તે સંધિ પર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ વર્ષે જૂનમાં હસ્તાક્ષર કર્યા હતા.

રશિયાની તરફેણમાં ઉત્તર કોરિયન સૈનિકોની યુક્રેનમાં સંડોવણીના ઘણા અહેવાલો ભૂતકાળમાં આવ્યા છે. વ્લાદિમીર પુતિને સપ્ટેમ્બર 2023માં એ અહેવાલોને “સંપૂર્ણ બકવાસ” ગણાવ્યા હતા. એ સમયે તેઓ રશિયાના વોસ્ટોચ સ્પેસ સેન્ટરમાં કિમ જોંગ-ઉનને મળ્યા હતા.

પુતિન કિમ જોંગ-ઉન સાથે જૂન 2024માં પરસ્પર સંરક્ષણની જોગવાઈ ધરાવતી સંધિ પર હસ્તાક્ષર કર્યા ત્યારે તેમને યુક્રેનમાં ઉત્તર કોરિયાના સૈનિકોને તહેનાત કરવાની શક્યતા વિશે સવાલ કરવામાં આવ્યો હતો.

રશિયાના રાષ્ટ્રપતિએ જવાબમાં કહ્યું હતું, “અમે આ બાબતે કોઈને પૂછતા નથી અને કોઈએ અમને આવી ઑફર કરી નથી.”

સહકારમાં વૃદ્ધિ

મૉસ્કો કે પ્યોંગયાંગ સૈન્ય સહકાર મજબૂત બનાવવાની બાબતને છુપાવતા નથી.

રશિયાના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, તત્કાલીન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુએ “લશ્કરી સંબંધોને મજબૂત કરવા” માટે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગની મુલાકાત જુલાઈ 2023માં લીધી હતી અને સપ્ટેમ્બરમાં કિમ જોંગ-ઉને રશિયાના સુદૂર પૂર્વ વિસ્તારની મુલાકાત લીધી હતી.

સપ્ટેમ્બર 2023માં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ સભાની વાર્ષિક ચર્ચામાંના પોતાના સંબોધનમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે રશિયન લશ્કરી ટૅક્નૉલૉજીના બદલામાં ઉત્તર કોરિયા દ્વારા રશિયનોને શસ્ત્રોની સંભવિત સપ્લાયનો ઉલ્લેખ કર્યો હતો.

ઉત્તર કોરિયા દ્વારા રશિયાને મોટા પ્રમાણમાં દારૂગોળો પૂરો પાડવામાં આવતો હોવાનો અહેવાલ બ્રિટિશ રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ (રુસી)એ 2023ની 16 ઑક્ટોબરે બહાર પાડ્યો હતો. તેમાં દારૂગોળાની કેટલીક સૅટેલાઇટ ઇમેજીસ પણ પ્રકાશિત કરવામાં આવી હતી.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે તે અહેવાલને ફગાવી દીધો હતો.

પેસ્કોવે કહ્યું હતું, “આ બ્રિટિશ ગુપ્તચર માહિતી નથી, પણ અમેરિકન ઇન્ટેલિજન્સ છે. તેઓ આવી માહિતી હંમેશા જાહેર કરતા હોય છે. તેઓ કોઈ પુરાવા આપતા નથી.”

અલબત, યુક્રેનમાં રશિયન યુનિટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા દારૂગોળામાં ઉત્તર કોરિયન તકનીકી લાક્ષણિકતાઓ 2023માં જ જોવા મળી હતી અને રશિયન લશ્કરી વર્તુળોમાં તેની ચર્ચા કરવામાં આવી હતી. (તેની સમીક્ષાઓ મોટાભાગે ખરાબ હતી)

અમેરિકાની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જ્હોન કિર્બીએ જાન્યુઆરી 2024માં જણાવ્યું હતું કે રશિયાને ઉત્તર કોરિયા પાસેથી બૅલિસ્ટિક મિસાઇલ્સ મળી છે અને એ તેનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ કરી ચૂક્યું છે.

યુક્રેનમાં લશ્કરી ઇજનેરો અને બિલ્ડર્સના યુનિટ્સ મોકલવાની યોજનાના અહેવાલો વ્લાદિમીર પુતિનની ઉત્તર કોરિયાની મુલાકાતના થોડા સમય પછી જૂન 2024માં રશિયન અખબારોમાં જોવા મળ્યા હતા.

દક્ષિણ કોરિયન ટૅલિવિઝન કંપની ટીવી ચોસુન અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સ્ટડી ઑફ વૉર દ્વારા સુત્રોને ટાંકીને આપવામાં આવેલા અહેવાલો મુજબ, ઉત્તર કોરિયાના સૈન્ય પાસે “10 એન્જિનિયરિંગ બ્રિગેડ છે, જેમાંથી ત્રણ કે ચારને રશિયામાં ટ્રાન્સફર કરવાની શક્યતા છે.” આ માટે પ્યોંગયાંગને મૉસ્કો પાસેથી વર્ષે 115 મિલિયન ડૉલર મળી શકે છે, એવો દાવો ટીવી ચોસુને કર્યો હતો.

તેના જવાબમાં પેસ્કોવે કહ્યું હતું, “આ શું છે તે હું જાણતો નથી.”

જુલાઈની શરૂઆતમાં ઉત્તર કોરિયાની સરકારી સમાચાર સંસ્થા કેસીએનએએ અહેવાલ આપ્યો હતો કે ઉત્તર કોરિયાનું લશ્કરી તાલીમ પ્રતિનિધિમંડળ રશિયાની મુલાકાતે ગયું છે. તે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કિમ ઈલ સુંગ મિલિટરી યુનિવર્સિટીના પ્રમુખ કિમ જ્યુમ ચોલ કરી રહ્યા હતા. કેસીએનએના જણાવ્યા મુજબ, તે બંને દેશો વચ્ચેના લશ્કરી વિનિમયને ચિહ્નિત કરે છે, કારણ કે તેમના નેતાઓએ ગાઢ લશ્કરી સહકારની ખાતરી આપતા કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળની મુલાકાતનો હેતુ સ્પષ્ટ કરવાની પત્રકારોની વિનંતીના જવાબમાં પેસ્કોવે તેમને રશિયન સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક સાધવાનું સૂચન કર્યું હતું.

ઉત્તર કોરિયાના સૈન્ય વિશે આપણે કેટલું જાણીએ છીએ?

ઉત્તર કોરિયાના અત્યંત ગુપ્ત માળખાની માફક તેના સૈન્યનું માળખું પણ અત્યંત ગુપ્ત છે. તેની સંયોજન બાબતે બહુ ઓછી માહિતી છે અને તેની લડાયક ક્ષમતા વિશેના અંદાજો વિવાદાસ્પદ છે.

તેને જે અલગ બનાવે છે.

દેશમાં યુનિવર્સલ મિલિટરી સર્વિસ છે. તેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ફરજિયાત લશ્કરી સેવાનો અર્થ એ છે કે પ્રત્યેક નાગરિકે યુનિટના આધારે ત્રણથી દસ વર્ષ સુધી સૈન્યમાં સેવા આપવી પડે છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રૅટજીકલ સ્ટડીઝના જણાવ્યા મુજબ, 2018માં ઉત્તર કોરિયાનું સૈન્ય વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું સૈન્ય હતું. આશરે બાર લાખ લોકોએ તેમાં સેવા આપી હતી.

રશિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રૅટજીકલ સ્ટડીઝના નિષ્ણાત આન્દ્રે ગુબિનના જણાવ્યા મુજબ, આ સંખ્યા વધારે પડતી હોઈ શકે છે. ઉત્તર કોરિયાની લશ્કરી ક્ષમતા વિશેના એક લેખમાં તેમણે લખ્યું હતું, “હાલમાં કોરિયન પીપલ્સ આર્મીના કર્મચારીઓની સંખ્યા કદાચ 8,50,000 લોકોથી વધારેની નથી. તેના કૉમ્બેટ યુનિટ્સમાં અંદાજે સાડા છ લાખ સૈનિકો છે.”

તેમણે એ સૈન્યની લોકો મેળવવાની જંગી સંભાવનાનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું, “ઓછામાં ઓછા 40 લાખ લોકો રિઝર્વમાં છે અને કુલ લોકસંખ્યા 62 લાખ લોકોની છે.”

ઉત્તર કોરિયામાં કથિત પીપલ્સ મિલિશિયા જેવા ઘણા અર્ધલશ્કરી જૂથો છે.

“અર્ધલશ્કરી દળ પૈકીના કામદાર-ખેડૂત રેડ ગાર્ડ (સીનિયર રીઝર્વિસ્ટ) માં લગભગ 15 લાખ લોકો છે, યુથ રેડ ગાર્ડ (સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ) માં લગભગ સાત લાખ લોકો છે. એ ઉપરાંત જાહેર સુરક્ષા તથા સરકારી સુરક્ષા મંત્રાલયના 30,000 સૈનિકોનો તેમાં છે.”

ઉત્તર કોરિયા પર વ્યાપક પ્રતિબંધો છે, તેને બજેટ સરભર કરવાની તાતી જરૂર છે અને લશ્કરી પ્રશિક્ષણ પામેલા લોકોનો જંગી સમૂહ તેની પાસે છે. પોતાના સહયોગી દેશના મદદ કરવા માટે એ પૈકીના કેટલાક સૈનિકોને મોકલવામાં ઉત્તર કોરિયાને કોઈ વાંધો હોય એવું લાગતું નથી.

જોકે, વાત દેખાય છે તેટલી સરળ નથી.

રશિયા સાથેની ભાગેદારી છુપાવવી મુશ્કેલ છે

ઉત્તર કોરિયાનું સૈન્ય સોવિયેત મૉડલ પર આધારિત છે અને સોવિયેત લશ્કરી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરે છે, પરંતુ રશિયનોથી વિપરીત તેની પાસે વાસ્તવિક લડાઈનો અનુભવ નથી.

યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં પોતે શું ભૂમિકા ભજવી શકે તેનો સ્પષ્ટ ખ્યાલ ઉત્તર કોરિયાના મુખ્ય દળો મોટરાઈઝ્ડ ઇન્ફન્સ્ટ્રી યુનિટ સિવાયના કોઈને નથી. સૈનિકોને તાલીમ આપવામાં આવી છે, પરંતુ તેઓ મોટા મિકેનાઈઝ્ડ યુનિટ્સના ભાગરૂપે સ્વતંત્ર રીતે કામ કરી શકે છે કે કેમ એ કોઈ જાણતું નથી.

આ યુક્તિ યુક્રેનમાં તો ચોક્કસપણે કામ કરતી નથી. રશિયન સૈન્યને તેનો અનુભવ એક કરતાં વધુ વખત થયો છે અને તે ટૅન્ક કૉલમ્સથી હુમલાના પ્રયાસ ઘણીવાર કરે છે.

આ સૈનિકો નાના જૂથમાં કામ કરી શકે? એ માટે અલગ સ્તરના સંકલન અને ઇન્ટરઍક્શનની જરૂર પડશે. ભાષા અવરોધક ન બને તે સુનિશ્ચિત કરવું પડશે.

બંને કિસ્સામાં નુકસાન અનિવાર્ય છે અને આ પરિબળ મહત્ત્વનું સાબિત થઈ શકે છે.

રશિયન લશ્કરી અભિયાનમાં પ્યોંગયાંગની ભાગીદારી છુપાવવી અશક્ય હશે. ઉત્તર કોરિયાના જે સૈનિકોને પકડવામાં આવશે કે મૃત્યુ પામશે તેની વિગત યુક્રેન ચોક્કસપણે જાહેર કરશે. તેનાથી ઉત્તર કોરિયાની સરકારી પ્રચાર દ્વારા સર્જવામાં આવેલી અજેય હોવાની છાપ નબળી પડશે.

આન્દ્રે ગુબિન લખે છે, “શાંતિના સમયમાં લડવાની ભાવના અને આત્મ-બલિદાન માટેની તત્પરતાની સાનુભવ ચકાસણી કરવી ખૂબ મુશ્કેલ છે. 1950-53ના કોરિયન યુદ્ધના ઇતિહાસમાં સૈનિકોની વ્યક્તિગત વીરતાના ઉદાહરણો અપૂરતાં છે.”

બંને દેશોના જોડાણ છતાં રશિયન અને ઉત્તર કોરિયન નેતૃત્વની વિચારધારા નોંધપાત્ર રીતે અલગ છે.

સસ્તું શ્રમ બળ

આ તમામ પરિબળોનો અર્થ એ નથી કે યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં ઉત્તર કોરિયાના સૈન્યની સંભવિત ભાગીદારીને અર્થહીન ગણવી જોઈએ.

પ્યોંગયાંગને પૈસા અને ટૅક્નૉલૉજીની જરૂર છે, જ્યારે મૉસ્કોને સૈનિકો અને દારૂગોળાની જરૂર છે. એ ઉપાંત બંને પક્ષોને લશ્કરી સહયોગ વિકસાવવામાં રસ છે.

ઉત્તર કોરિયાના સૈન્યએ ઘણાં વર્ષો સુધી સસ્તા શ્રમ દળ તરીકે સેવા આપી હતી. તેના ઘણા યુનિટ્સ સોવિયેત કન્સ્ટ્રક્શન બટાલિયન જેવાં હતાં.

ઉત્તર કોરિયાનાં એન્જિનિયર્સ તથા કન્સ્ટ્રક્શન યુનિટ્સ દ્વારા બાંધવામાં આવેલાં સંરક્ષણ માળખાઓની ગુણવત્તા ઉત્તમ પ્રકારની હોવાનું નિષ્ણાતોનું મંતવ્ય છે.

આવાં એકમો રશિયન સૈન્ય માટે ઉપયોગી થઈ શકે એ શક્ય છે.

તેઓ પાછળ રહે અને તેમનો ઉપયોગ ભૂમિગત વેરહાઉસ તથા કિલ્લેબંધી, રસ્તાઓ તથા પુલો જેવાં લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈ શકે છે.

નોર્થ કોરિયાના યુનિટ્સને પાછળ ગોઠવીને રશિયન કમાન્ડ પાસે વધારાની માનવશક્તિ આવી શકે, જેને ફ્રન્ટલાઈન પર મોકલી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.