આઈપીએલ ફાઇનલ : સુદર્શનની ‘આક્રમક’ બેટિંગના બળે ચેન્નાઈ સામે ગુજરાતે મૂક્યું 215 રનનું લક્ષ્ય, મૅચમાં વરસાદનું વિઘ્ન

ઇમેજ સ્રોત, ANI
સોમવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમો વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલની ફાઇનલ મૅચમાં યજમાન ટીમે 20 ઓવરમાં ચેન્નાઈ સામે જીત માટે 215 રનનું મસમોટું લક્ષ્ય મૂક્યું છે.
આ લક્ષ્ય ખડું કરવામાં સાઈ સુદર્શનની દમદાર ઇનિંગે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
215 રનનો પીછો કરવા માટે ચેન્નાઈની ટીમ મેદાને ઊતરી પરંતુ ગુજરાતના બૉલર મોહમ્મદ શામીની પ્રથમ ઓવરના ત્રણ બૉલમાં ચાર રન બનાવી શકી એટલા સમયમાં તો મૅચમાં વરસાદનું વિઘ્ન સર્જાયું હતું.
જેના કારણે મૅચ અટકાવી દેવાઈ. અને ગ્રાઉન્ડ અને પિચ પર કવર નાખી દેવામાં આવ્યા હતા.
ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ડેવન કોન્વે બેટિંગમાં ઊતર્યા હતા.
ઋતુરાજ ચાર રન બનાવી અણનમ હતા. જ્યારે કોન્વે હજુ સુધી પોતાનું ખાતું નથી ખોલાવી શક્યા.
ગુજરાતની ઇનિંગની વાત કરીએ તો સાઈ સુદર્શનની 96 રનની ઇનિંગના દમે ગુજરાતની ટીમ ફાઇનલમાં સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ગત રવિવાર 28 મેની સાંજે કડાકાભેર પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે ફાઇનલ યોજાઈ શકી નહોતી. શરૂઆતની અનિશ્ચિતતા બાદ આખરે મોડી રાત્રે મૅચ મોકૂફ રાખવાની જાહેર કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઈપીએલના આયોજકો દ્વારા વરસાદને પગલે સોમવારના દિવસે એટલે કે મૅચ માટે ફાળવાયેલ રિઝર્વ ડે દરમિયાન મૅચનું આયોજન કરવાની જાહેરાત કરી હતી.
મૅચમાં રિદ્ધિમાન સાહાની અર્ધ શતકીય ઇનિંગે ગુજરાત ટાઇટન્સની આ કમાલ માટેનો પાયો નાખ્યો હતો.
ટૉસ જીતીને મહેન્દ્રસિંહ ધોનીએ પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ગુજરાતના બંને ઓપનર – રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલની જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી.
જોકે, ચેન્નાઈના બૉલર તુષાર દેશપાંડે પ્રથમ ઇનિંગની બીજી ઓવરના ચોથા બૉલે શુભમન ગિલનો લેગ સાઇડ પર કૅચ છૂટ્યો હતો.
શરૂઆતના જીવતદાન બાદ બંને બૅટ્સમૅનોએ મેદાનમાં ચારે તરફ રન ફટકાર્યા અને છઠ્ઠી ઓવરના મધ્ય સુધીમાં તો ટીમને 50 રનનો સ્કોર પાર કરાવી દીધો.
પરંતુ એ જ સમયે રવીન્દ્ર જાડેજાની ઓવરના અંતિમ બૉલે એક મોટા સ્કોર તરફ આગળ વધી રહેલા શુભમન ગિલને મહેન્દ્રસિંહ ધોનીએ વિકેટ પાછળ ચપળતાનું પ્રદર્શન કરતાં સ્ટમ્પ આઉટ કર્યા હતા.
ગિલ 20 બૉલમાં 39ના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન પરત ફર્યા હતા.
ગિલ આઉટ થયા બાદ બૅટિંગનો મદાર જાણે રિદ્ધિમાન સાહાએ સંભાળી લીધો હતો. 13મી ઓવરમાં સાહાએ આખરે ચોગ્ગો ફટકારીને અર્ધ સદી પૂરી કરી હતી.

સાઈ સુદર્શનની ધૂંઆધાર બેટિંગ

ઇમેજ સ્રોત, ANI
સામે છેડે સાઈ સુદર્શન પણ લયમાં લાગી રહ્યા હતા.
જોકે સારા ફૉર્મમાં રમી રહેલા રિદ્ધિમાન સાહા આખરે 14મી ઓવરના અંતિમ બૉલે દીપક ચહરના બૉલે મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં કૅચ આઉટ થયા હતા. તેમણે 39 બૉલમાં 54 રન બનાવ્યા હતા.
16મી ઓવરમાં સાઈ સુદર્શને ચોગ્ગો ફટકારીને પોતાની 33 બૉલમાં અર્ધ સદી પૂરી કરી હતી. એ સમયે ટીમનો સ્કોર બે વિકેટના નુકસાને 148 રનનો હતો.
તે બાદ જેટલા પણ બૉલ ફેંકાયા તેમાં સુદર્શને પોતાની પ્રતિભાનો બરાબર પરચો બતાવ્યો અને મેદાનની ચારે બાજુએ બાઉન્ડરીનો તો જાણે વરસાદ કરી દીધો. 17મી ઓવરના પ્રથમ ચાર બૉલમાં સુદર્શને સતત ચાર બાઉન્ડરી (એક છગ્ગો, ત્રણ ચોગ્ગા) ફટકારીને ટીમના સ્કોરને ઝડપથી આગળ વધારી દીધો.
18મી ઓવરમાં સુદર્શન અને હાર્દિકની જોડી વચ્ચે 23 બૉલમાં 50 રનની પાર્ટનરશિપ થઈ.
અંતિમ બે ઓવરોમાં આ જોડીએ આક્રમક વલણ અખત્યાર કર્યું હતું.
જોકે, અંતિમ ઓવરમાં પથિરાનાની બૉલિંગ પર ઝડપથી રન બનાવી રહેલા સાઈ સુદર્શન સદીની નજીક પહોંચીને એટલે કે 96 રનના વ્યક્તિગત સ્કોરે એલબીડબ્લ્યૂ આઉટ થયા હતા.
તેમણે 47 બૉલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
સામે છેડે વિકેટ સાચવીને ઊભેલા કપ્તાન હાર્દિક પટેલ ટીમનો સ્કોર આગળ વધારવા માટે ભરપૂર પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
અંતિમ બૉલે નવા આવેલા બૅટ્સમૅન રાશીદ ખાન સ્ટ્રાઇક પર હતા અને લાંબી હિટ મારવાના પ્રયાસમાં તેઓ પણ ઋતુરાજ ગાયકવાડના હાથમાં કૅચ આપી બેઠા.
20 ઓવરના અંતે ગુજરાતની ટીમ ચાર વિકેટના નુકસાને 214 રન બનાવી શકી હતી.
બૅટર ફ્રેન્ડલી પિચ પર ધોનીની ટીમ સામે 215 રનનો પડકાર મૂક્યો હતો.

ધોની-હાર્દિકની ટીમનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI
જો બંને ટીમોની ફાઇનલ સુધીની સફરની વાત કરીએ તો 14 મૅચોમાંથી દસ મૅચ જીતીને હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઇટન્સની ટીમ પૉઇન્ટ્સ ટેબલ પર પ્રથમ ક્રમે હતી.
જ્યારે 14માંથી આઠ મૅચોમાં જીત સાથે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ બીજા ક્રમે હતી.
ઉપરાંત અમદાવાદમાં જ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે યોજાયેલી ક્વૉલિફાયર મૅચમાં માહીની ટીમ ગુજરાત ટાઇટન્સને હરાવવામાં કામિયાબ રહી હતી.
મંગળવારની મૅચમાં ચેન્નઈએ ગુજરાતને 15 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈની ટીમ 16 આઈપીએલના આયોજનો પૈકી આ દસમી વખત ફાઇનલ રમી રહી હતી.
ચેન્નઈ સામેની હાર બાદ ગુજરાત ટાઇટન્સે બીજા ક્વૉલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સ પર 62 રનના માર્જિનથી જીત મેળવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.
ગુજરાત માટે શુભમન ગિલ બૅટથી ફટકારી રહ્યા હતા અને આ સીઝનમાં સૌથી વધુ રન પણ તેમના નામે છે, તેથી ઑરેન્જ કૅપ તેમના માથે જશે તે નક્કી છે.
બીજી તરફ મોહમ્મદ શમી અને રાશિદ ખાન બૉલિંગમાં કમાલ કરી રહ્યા છે.
સાથે ચેન્નઈ માટે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની પ્લસ પૉઇન્ટ હતી, ત્યારે ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવન કૉનવે ખૂબ સારી લયમાં છે. બૉલિંગમાં રવીન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેના નેતૃત્વમાં બૉલરો પણ કમાલ કરી રહ્યા હતા.
આ મૅચ અગાઉ બંને ટીમો વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી ચાર મૅચ રમાઈ . તેમાંથી ત્રણમાં હાર્દિકની ટીમ જીતી હતી.
જ્યારે પાંચ દિવસ પહેલાં બંને ટીમો વચ્ચે રમાયેલી પહેલી ક્વૉલિફાયર મૅચમાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે જીત મેળવી હતી.
ચેન્નઈ સુપર કિંગ્સ ચાર વખતની આઈપીએલ ચૅમ્પિયન છે, સાથે ગુજરાત ટાઇટન્સ વર્તમાન ચૅમ્પિયન છે. જો ગુજરાતની ટીમ આ ટ્રૉફી ફરીથી હાંસલ કરી લેશે, તો તે સતત બીજા વર્ષે આઈપીએલ ચૅમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની જશે.

આ વખતની આઈપીએલની ધ્યાનાકર્ષક બાબતો

ઇમેજ સ્રોત, ANI
આ વખત આઈપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ પણ ટીમો માટે નિર્ણાયક સાબિત થયો હતો.
આ નિયમ પ્રમાણે પ્લેઇંગ ઇલેવનમાં એક ખેલાડીને બદલીને નવા ખેલાડીને જે-તે ટીમ સામેલ કરી શકે છે.
નિયમ પ્રમાણે કૅપ્ટન ટૉસ જીતીને મેદાનમાં ઊતરે ત્યારે તેણે ટીમ શીટમાં અંતિમ 11 ખેલાડીઓની સાથોસાથ ચાર સબ્સ્ટિટ્યૂટ ખેલાડીઓનાં નામ આપવાનાં હતાં.
આ નિયમ આ આઈપીએલમાં ટીમો માટે નિર્ણાયક ભૂમિકા ભજવનાર પણ રહ્યો છે.
દરેક ટીમ ચારમાંથી માત્ર એક ખેલાડીને જ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરી શકે.
દરેક ઇનિંગમાં 14મી ઓવર પહેલાં ઇમ્પેક્ટ પ્લેયર લઈ શકાય. ઇનિંગની શરૂઆતમાં, ઓવર પૂરી થયા બાદ, કોઈ કારણસર બૅટ્સમૅન રિટાયર થાય ત્યારે ઇમ્પેક્ટ પ્લેયરને સામેલ કરી શકાતો હતો.
આ આઈપીએલમાં આ નિયમના મહત્ત્વને દર્શાવતાં ચેન્નઈ સુપરકિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું કે, “ઇમ્પેક્ટ પ્લેયર એ કૅપ્ટન માટે લક્ઝરી છે”
ઉપરાંત આ આઈપીએલમાં યુવા ખેલાડીઓ પણ દમ દેખાડવામાં સફળ રહ્યા હતા. ઘણાનું માનવું છે કે આઈપીએલની આ સિઝનમાં ખેલાડીઓએ કરેલું પ્રદર્શન રાષ્ટ્રીય ટીમમાં તેમના સિલેક્શન માટેનું માપદંડ પણ બની શકે છે.
આવા ખેલાડીઓમાં સિઝનમાં સદીની ઝડી લગાવી દેનારા શુભમન ગિલથી માંડીને રિંકુ સિંઘ અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આ સિવાય આ વખતની આઈપીએલ હાઈ સ્કોરિંગ મૅચો અને ટીમો વચ્ચે અંતિમ બૉલ સુધી ચાલેલી હરીફાઈ માટે પણ યાદગાર બની ગઈ છે.














