દિવાળી પહેલાં મોદી સરકાર જીએસટીના દરમાં ફેરફાર કરે તો સામાન્ય જનતાને કેટલી રાહત મળશે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
બુધવાર અને ગુરુવારે જીએસટી અંગે મંત્રીઓના જૂથની બેઠકમાં, જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના બે સ્લૅબ નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સહમતી સધાઈ છે.
આ લાગુ થયા પછી, જીએસટીનો ઉચ્ચતમ સ્લૅબ 18% રહેશે.
પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે આ દિવાળી પર દેશવાસીઓને એક મોટી ભેટ મળવાની છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે "છેલ્લાં આઠ વર્ષમાં, અમે જીએસટીમાં મોટો બદલાવ કર્યો છે. અમે દેશભરમાં ટૅક્સનો બોજ ઘટાડ્યો છે. અમે ટૅક્સ પ્રણાલીને સરળ બનાવી છે. આઠ વર્ષ પછી, સમયની માંગ એ છે કે આપણે તેની સમીક્ષા કરીએ. અમે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરીને તેનો રિવ્યૂ શરૂ કર્યો. અમે રાજ્યો સાથે પણ વિચાર વિમર્શ કર્યો."
પીએમ મોદીએ દિવાળીમાં બેવડી રાહતની વાત કરી છે અને ટૅક્સમાં મોટી છૂટ આપવાનું વચન આપ્યું છે.
આ નિવેદન પછી, નિષ્ણાતો એવી પણ અટકળો લગાવી રહ્યા છે કે સામાન્ય લોકોને કયાં ક્ષેત્રોમાં મોટી ટૅક્સ રાહત મળી શકે છે.
લોકોને આ ચીજવસ્તુઓમાં રાહત મળી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images
બિહારના નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, "કેન્દ્ર સરકારે 12% અને 28% સ્લૅબ નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે તે પ્રસ્તાવ પર વિચાર કર્યો છે અને તેને સમર્થન આપ્યું છે. હવે GST કાઉન્સિલ તેના પર નિર્ણય લેશે."
કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ, જો આરોગ્ય અને જીવન વીમા પરનો જીએસટી દૂર કરવામાં આવે તો તે સામાન્ય લોકો માટે મોટી રાહત હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબના નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ જણાવ્યું હતું કે "પહેલી બેઠક લાઇફ અને હેલ્થ વીમા પર હતી. વર્ષ 2017માં દેશમાં જીએસટી લાગુ થયા પછી, આઠ વર્ષમાં તેમાં 27 વખત સંશોધન કરવામાં આવ્યું છે અને જીએસટી દર (અલગ-અલગ વસ્તુઓ પર) 15 વખત ઘટાડવામાં આવ્યો છે."
"હવે વડા પ્રધાને કહ્યું છે કે અમે બે સ્લૅબ લાવીશું અને બધાની દિવાળી સારી રહેશે. પરંતુ જીએસટી લાગુ થયા પછી પંજાબ કે અન્ય રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે? આ કેન્દ્ર સરકારની ફૉર્મ્યુલા હતી અને બધાં રાજ્યોએ તેને સમર્થન આપ્યું હતું કે એક રાજ્ય એક ટૅક્સ હોવો જોઈએ."
હરપાલસિંહ ચીમાએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે પંજાબને થયેલા નુકસાન માટે 60 હજાર કરોડ રૂપિયા આપ્યા છે પરંતુ બાકીના 50 હજાર કરોડ રૂપિયા હજુ સુધી મળ્યા નથી.

ઇમેજ સ્રોત, @AamAadmiParty
જો જીએસટી કાઉન્સિલ સરકારના પ્રસ્તાવોને સ્વીકારે છે, તો તેનો સીધો અર્થ એ થશે કે હાલમાં જે વસ્તુઓ પર 28% ટૅક્સ લાગે છે તે ઘટાડીને મહત્તમ 18% કરવામાં આવશે.
આના કારણે જે વસ્તુઓના ભાવ ઘટશે તેમાં મોટરસાઇકલ, સાઇકલ, ઘણા પ્રકારનાં મોટર વાહનો, કેટલાંક ટ્રૅક્ટર, ઘણાં ઇલેક્ટ્રિક સિંચાઈ સાધનો, ઍરકંડિશન્ડિંગ મશીનો, ઇલેક્ટ્રિક પંખા અને અન્ય ઘણાં ઉપકરણોનો સમાવેશ થાય છે.
જો જીએસટી દ્વારા 12% સ્લૅબ નાબૂદ કરવામાં આવે છે, તો સરકારના વચન મુજબ, લોકોને આ સ્લૅબ હેઠળ આવતા માલ પર પણ રાહત મળી શકે છે.
જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, માખણ, ઘી અને સ્પ્રેડ ચીઝ, ખજૂર, જામ, ફ્રૂટ જૅલી, બદામ, ડાયાબિટીક ફૂડ, સારવારમાં વપરાતો ઑક્સિજન અને ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, જો જીએસટી કાઉન્સિલ કેટલીક વસ્તુઓ અથવા સેવાઓ પરના હાલના ટૅક્સ દરો ઘટાડવાનો નિર્ણય લે છે, તો તેમની કિંમતો પર પણ અસર પડી શકે છે.
જીએસટી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં વર્ષ 2017માં જીએસટી એટલે કે ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ લાગુ કરવામાં આવ્યો હતો. જેને માટે 30 જૂનના રોજ સંસદભવનમાં એક ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને એ રાતે જ બાર કલાકે ઍપ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો.
ભારતમાં મોટા ભાગની વસ્તુઓ અને સેવાઓ પર લાગનારા અલગ-અલગ ટૅક્સને હટાવીને જીએસટીની અંતર્ગત લાવવામાં આવ્યા હતા.
સરકારે દાવો કર્યો હતો કે આ ભારતનો સૌથી મોટો ટૅક્સ સુધારો છે. આ ટૅક્સને 'એક દેશ, એક ટૅક્સ' કહેવામાં આવ્યો હતો.
જીએસટી અંતર્ગત અલગ-અલગ ટૅક્સ દરો પર વિપક્ષી દળોએ સતત સરકારના દાવા પર સવાલો ઉઠાવ્યા હતા. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ જીએસટીને એક જટીલ ટૅક્સ પ્રણાલી કહીને સરકારની આલોચના થતી હતી.
જીએસટીની હાલની બેઠક બાદ પણ કેટલાક દરમાં ફેરફાર અંગે લોકો આરોપ લગાવી રહ્યા છે કે જીએસટીમાં ટૅક્સના અલગ-અલગ દર છે અને છતાં સરકારનો દાવો છે કે આ એક સરળ ટૅક્સ છે.
જીએસટીમાં કેટલા ટૅક્સ સ્લેબ છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં જીએસટીના ચાર સ્લૅબ છે, જે મુજબ 5%, 12%, 18% અને 28% ટૅક્સ વસૂલવામાં આવે છે.
આ ઉપરાંત, કેટલીક વસ્તુઓ પર ખાસ ટૅક્સ દરો પણ લાદવામાં આવ્યા છે.
આમાં ખાદ્ય તેલ, ખાંડ, મસાલા, ચા અને કૉફી (ઇન્સ્ટન્ટ કૉફી સિવાય), કોલસો, રેલવે ઇકૉનૉમી ક્લાસ યાત્રા અને રાસાયણિક ખાતરો જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે 5 ટકાના સ્લૅબમાં આવે છે.
12 ટકાના સ્લૅબમાં ખૂબ પ્રૉસેસ્ડ અને લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થાય છે. આમાં ફળોના રસ, કમ્પ્યુટર, આયુર્વેદિક દવાઓ, સિલાઈમશીનો અને બજેટ હોટલ જેવી વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે.
નાણાકીય સેવાઓ અને વીમા, ટેલિકૉમ સેવાઓ, આઇટી સેવાઓ, નૉન-ઍસી રેસ્ટોરાં, બજેટ કપડાં અને ફૂટવેર સહિત મોટાભાગની અન્ય ચીજવસ્તુઓ અને સેવાઓ પર 18 ટકા જીએસટી લાદવામાં આવે છે.
28 ટકાના ટૅક્સ સ્લૅબમાં લક્ઝરી વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. આમાં શીર્ષસ્તરનાં વાહનો, ઍસી-ફ્રિજ, તમાકુ અને મોંઘી હોટલ વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કેટલીક શ્રેણીઓ માટે ખાસ દરો છે. ઉદાહરણ તરીકે, સોના અને કિંમતી પથ્થરો માટે 3%, નાનાં ઉત્પાદનો માટે 1% અને કેટલીક રેસ્ટોરાં માટે 5% નો ખાસ જીએસટી દર લાગુ પડે છે.
જીએસટી કેવી રીતે ઘટે છે અને કેવી રીતે વધે છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
દર વર્ષે, જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવે છે.
આમાં, નવા ટૅક્સ અથવા ટૅક્સ દરોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને કાઉન્સિલની મંજૂરી પછી જ તેનો અમલ કરવામાં આવે છે.
ઝારખંડ સરકારના મંત્રી અને રાજ્યના ભૂતપૂર્વ નાણામંત્રી રમેશ ઉરાંવે બીબીસીને જણાવ્યું હતું કે, "પ્રસ્તાવના સમર્થનમાં કે વિરોધમાં 50 ટકાથી વધુ મત મેળવનાર પક્ષને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આમાં, રાજ્યોનો એક મત છે."
"રાજ્ય વતી, મુખ્ય મંત્રી, નાણામંત્રી અથવા અન્ય કોઈપણ વ્યક્તિ બેઠકમાં ભાગ લઈ શકે છે. પરંતુ હાલમાં વિરોધ પક્ષોની સરકારો ફક્ત થોડાં રાજ્યોમાં જ છે, તેથી અમે જે ઇચ્છીએ છીએ તે થઈ શકતું નથી, તેના બદલે કેન્દ્ર સરકાર જે ઇચ્છે તે થાય છે."
રામેશ્વર ઉરાંવના મતે, જીએસટીના મામલે રાજ્યોને કોઈ અધિકાર નથી.
તેમના મતે, "ડીઝલ અને પેટ્રોલ પર VAT નક્કી કરવાનો અધિકાર રાજ્ય પાસે છે, તેથી અમે તેને છોડવા માંગતા નથી જેથી અમે અમારી જરૂરિયાતો અનુસાર VAT વધારી કે ઘટાડી શકીએ. આ ઉપરાંત, દારૂના કિસ્સામાં પણ રાજ્ય વેરો લાદવાનો પોતાનો અધિકાર ગુમાવવા માંગતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












