અદાણી માટે 'એક રૂપિયામાં 1,000 એકર જમીન' - બિહારનો આ વિવાદ શું છે? બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા, ભાગલપુરની મુલાકાતથી પાછા આવીને
લગભગ 1 હજાર એકર જમીન અને વાર્ષિક ભાડું માત્ર 1 રૂપિયો.
બિહાર સરકારે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર લિમિટેડને થર્મલ પાવર પ્લાંટ સ્થાપવા માટે આ જમીન 25 વર્ષની લીઝ પર આપી છે.
પરંતુ ભાગલપુર જિલ્લાના પીરપૈંતીમાં આ જમીન મુદ્દે વિવાદ ઊભો થયો છે.
આ જમીન હવે રાજકીય મંચ પર ચર્ચાનો વિષય બની ચૂકી છે.
કૉંગ્રેસ, આરજેડી અને સીપીઆઈ (એમએલ)એ બિહાર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે અને અદાણીને લાભ કરાવવાનો આરોપ કર્યો છે.
બીજી બાજુ, ભાજપે આ આરોપને નકારી કાઢ્યા છે અને બિહાર સરકારનું કહેવું છે કે પ્રક્રિયાનું પાલન કર્યા પછી અદાણીને આ પ્રોજેક્ટ મળ્યો છે.
અદાણીને પ્રોજેક્ટ આપવા ઉપરાંત પ્રસ્તાવિત જમીન પર મોટી સંખ્યામાં વૃક્ષો કાપવાના મુદ્દે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
આ આરોપોના જવાબ મેળવવા માટે બીબીસીએ અદાણી સમૂહનો ઘણી વાર સંપર્ક કર્યો, પરંતુ હજી સુધી કોઈ પ્રતિસાદ નથી મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક રૂપિયાની લીઝ પર જમીન

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પટનાથી લગભગ 250 કિલોમીટર દૂર ભાગલપુરના રસ્તામાં જીવન અને સંઘર્ષની ઘણી તસવીરો સાથે સાથે ચાલવા લાગે છે.
ભાગલપુર જિલ્લા મુખ્યમથકથી આગળ વધતાં કહલગાંવ આવે છે, જ્યાં એનટીપીસીના થર્મલ પાવર પ્લાંટની ઊંચી ઊંચી ચીમનીઓ આકાશને આંબતી ઊભી છે.
પરંતુ, ગાડી જેમ જેમ પીરપૈંતી બાજુ વળે છે, દૃશ્ય બદલાઈ જાય છે. દૂરથી હજારો આંબાનાં લીલાંછમ ઝાડ દેખાવા લાગે છે, જે આ વિસ્તારને કોઈ બાગ જેવો બનાવે છે.
બિહાર સરકારે ફેબ્રુઆરી 2025માં, નવેસર, ભાગલપુરના પીરપૈંતીમાં 2,400 મેગાવૉટનો થર્મલ પાવર પ્લાંટ સ્થાપવાની પરિયોજના પ્રસ્તાવિત કરી હતી.
રાજ્ય સરકારે નક્કી કર્યું કે આ થર્મલ પ્લાંટ ટૅરિફ બેઝ્ડ કૉમ્પિટિટિવ બિડિંગ (એટલે કે બોલીની પ્રક્રિયા) દ્વારા સ્થાપવામાં આવશે.
16 જુલાઈ 2025એ ઑનલાઇન હરાજીમાં અદાણી પાવર લિમિટેડે સૌથી ઓછી કિંમતે એટલે કે 6.075 રૂપિયા (6 રૂપિયા, સાડા સાત પૈસા) પ્રતિ કિલો વૉટ-કલાકના દરે વીજળી વેચવા માટેની બોલી કરીને આ પ્રોજેક્ટ પોતાના નામે કર્યો.
ટૅરિફ આધારિત હરીફ બોલીમાં ટોરેન્ટ પાવર લિમિટેડે 6.145 રૂપિયે, લલિતપુર પાવર જનરેશન કંપની લિમિટેડે 6.165 રૂપિયે અને જેએસડબલ્યુ એનર્જી લિમિટેડે 6.205 રૂપિયે પ્રતિ કિલો વોટ-કલાકના દરે વીજળી પૂરી પાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
અદાણી પાવર લિમિટેડ બિડ જીતી ગયાના લગભગ 20 દિવસ પછી, એટલે કે 5 ઑગસ્ટ 2025એ બિહાર રાજ્ય કૅબિનેટની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સૌથી ઓછી બોલી કરનાર કંપની (અદાણી પાવર લિમિટેડ)ને લગભગ 1 હજાર એકર જમીન ફક્ત 1 રૂપિયાના વાર્ષિક ભાડા પેટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આ જમીન અદાણી પાવરને 25 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી છે.
બિહારના ઉદ્યોગમંત્રી નીતીશ મિશ્રાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "જમીનની માલિકી સંપૂર્ણ રીતે ઊર્જા વિભાગ, બિહાર સરકાર પાસે જ રહેશે."
રાજકીય આરોપ-પ્રત્યારોપ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ નેતા પવન ખેડાએ ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરીને અદાણીને લાભ કરાવવાનો આરોપ કર્યો છે.
તેમણે દાવો કર્યો, "1,050 એકર જમીન, 10 લાખ આંબા, લીચી અને સાગનાં ઝાડ ભાગલપુરના પરપૈંતીમાં 1 રૂપિયા પ્રતિવર્ષના દરે ગૌતમ અદાણીને આપી દીધાં."
કૉંગ્રેસના આરોપનો જવાબ આપતાં ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉક્ટર નિખિલ આનંદે બીબીસીને કહ્યું, "કૉંગ્રેસ પાર્ટીને ફોબિયા થઈ ગયો છે અને તે બિહાર ચૂંટણીની જાહેરાતની પહેલાં જ અસ્વસ્થ જોવા મળી રહી છે."
તેમણે કહ્યું, "પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ નીતીશકુમારના નેતૃત્વમાં બિહાર વિકાસનાં નવાં પરિમાણો રચી રહ્યું છે. બિહારમાં વિકાસનાં જેટલાં કામ થયાં છે, તેમાં ટેન્ડરિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે અને મેરિટ વગર તો કોઈને ટેન્ડર અલૉટ પણ નથી કરી શકાતું."
નિખિલ આનંદે કહ્યું, "કૉંગ્રેસ સતત અદાણી પર નિશાન સાધીને રાજકારણ કરતી રહી છે, પરંતુ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં અદાણીની કંપનીઓને મોટા મોટા કોન્ટ્રૅક્ટ આપવામાં આવે છે. કૉંગ્રેસ રાજનીતિ માટે પોતાનું બેવડું વલણ પ્રદર્શિત કરવાનું બંધ કરે."
બીજી તરફ, બિહારના ઉદ્યોગમંત્રી નીતીશ મિશ્રાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "દેશનાં બધાં રાજ્ય આવું કરે છે. મોટા રોકાણ માટે જમીન સસ્તા દરે આપવામાં આવે છે. પીરપૈંતીમાં જમીન સંપાદનની કાર્યવાહી 2010-11માં જ શરૂ થઈ ગઈ હતી."
તેમણે કહ્યું, "પારદર્શક રીતે બિડિંગ થયું. તેમાં દેશની ચાર મોટી કંપનીઓએ ભાગ લીધો. અદાણી સમૂહે રાજ્ય સરકારને સૌથી ઓછા દરે વીજળી આપવાની બિડ આપી, ત્યાર પછી તેને આ પ્રોજેક્ટ મળ્યો."

જ્યારે સીપીઆઈ (એમએલ)એ 21 સપ્ટેમ્બરે એક તપાસ રિપોર્ટ રજૂ કર્યો, જેમાં દાવો કરાયો છે કે આ પ્લાંટ દ્વારા બિહાર સરકારને વાર્ષિક 5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે અને વિસ્તારમાં જળસંકટની સ્થિતિ પણ ઊભી થશે.
પાર્ટીએ 22 સપ્ટેમ્બરે આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
જ્યારે બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ પણ આ પ્લાંટ મુદ્દે સવાલ કર્યા છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે.
આરજેડીના પ્રવક્તા ચિતરંજન ગગને કહ્યું, "સરકાર દરેક પ્રકારે અદાણીને ફાયદો કરાવી રહી છે. બીજાં રાજ્યોમાં થઈને હવે આ લોકો બિહારમાં ખેડૂતોના હક છીનવવા માટે પહોંચી ગયા છે. અમારી પાર્ટી તેનો વિરોધ કરે છે."
આરોપોનો જવાબ આપતાં બિહારના ઉદ્યોગમંત્રી નીતીશ મિશ્રાએ કહ્યું કે સૌથી ઓછી બોલીના આધારે આ પ્રોજેક્ટ અદાણી પાવર લિમિટેડને આપવામાં આવ્યો છે.
જમીન કઈ રીતે સંપાદિત થઈ?

બિહાર સરકારે વર્ષ 2010થી 2012ની વચ્ચે પરપૈંતીની પાંચ પંચાયતોમાં જમીનનું સંપાદન કર્યું હતું. લગભગ 900 ખેડૂતો પાસેથી કુલ 988.33 એકર જમીન લેવામાં આવી.
ભાગલપુરના જિલ્લા અધિકારી નવલકિશોર ચૌધરીએ બીબીસીને જણાવ્યું, "બિહારમાં વીજળીની જરૂરિયાતને સમજીને સરકારે ઘણી જગ્યાએ થર્મલ પાવર પ્લાંટ સ્થાપવાનો સંકલ્પ કર્યો હતો. તેના અંતર્ગત પીરપૈંતીમાં જમીનનું સંપાદન કરવામાં આવ્યું."
તેઓ જણાવે છે, "97 ટકાથી વધુ લોકોને અમે વળતર આપી ચૂક્યા છીએ. તેમાંનું મોટા ભાગનું વળતર બિહાર સરકારે 2015ની પહેલાં આપી દીધું હતું. ખેડૂતો પાસેથી બિહાર ઇન્ડસ્ટ્રિયલ એરિયા ડેવલપમેન્ટ ઓથૉરિટીના નામે જમીન લેવામાં આવી હતી, જેને ઓથૉરિટીએ વિદ્યુત વિભાગને આપી દીધી."
તેમનું કહેવું છે, "જે ખેડૂતોના કેસ જમીન સંપાદન, પુનર્વાસ અને પુનર્સ્થાપન ઓથૉરિટી બોર્ડ (લારા કોર્ટ) કે સિવિલ કોર્ટમાં પેન્ડિંગ નથી અને જેમનું વળતર બાકી છે, તેઓ વળતર માટે અરજી આપીને તરત પૈસા લઈ શકે છે."
ખેડૂતોના દાવા કેવા છે?

ઇમેજ સ્રોત, Prabhatkumar/BBC
સરકારી દાવાઓથી વિપરીત, પીરપૈંતીમાં અમને એવા ઘણા ખેડૂત મળ્યા, જેમનો દાવો છે કે તેમને તેમની જમીનનું યોગ્ય અને પૂરું વળતર હજી સુધી નથી મળ્યું.
આ જમીન સંપાદનમાં શેખ હમીદની પોણા ત્રણ એકર જમીન પણ ગઈ છે. આ જમીનના બદલામાં તેમને સરકાર પાસેથી માત્ર બે કરોડ રૂપિયા વળતર મળ્યું છે.
તેમનું કહેવું છે, "આ પૈસા અમને વર્ષ 2014ની આસપાસ મળ્યા હતા, પરંતુ હજુ પણ લગભગ 50 ટકા પૈસા મળવાના બાકી છે."
અન્ય ખેડૂતોની જેમ શેખ હમીદના પુત્ર એઝાઝ અહમદ સવાલ ઉઠાવતાં કહે છે, "સંપાદનના સમયે પારદર્શિતા જળવાઈ નહોતી."
"અમારા આંબાના ચાર બગીચા એક જ જગ્યાએ છે, પરંતુ કોઈ બગીચાની જમીનનું વળતર 62 લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબે આપવામાં આવ્યું, તો કોઈનું 82 લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબે."
પીરપૈંતીના જ રહેવાસી મોહમ્મદ અઝમત કહે છે, "મારી પાસે લગભગ અઢી એકર જમીન હતી, જેને 2012માં સરકારે લઈ લીધી. બે વર્ષ પછી વળતરના પૈસા મળ્યા. હજુ પણ 20 ટકા પૈસા બાકી છે."
આરોપોના જવાબ

ઇમેજ સ્રોત, Prabhatkumar/BBC
આ સવાલોના જવાબ આપતાં નવલકિશોર ચૌધરી કહે છે, "સર્વેના સમયે સંપાદિત કરાનારી જમીન પરની અચલ સંપત્તિ એટલે કે ઘર અને વૃક્ષોને પણ ગણતરીમાં લેવામાં આવે છે."
"એના હિસાબથી વળતરનું અનુમાન કરવામાં આવે છે. તે સરકાર પહેલાં જ કરી ચૂકી છે અને હવે એ સવાલ જ ઊભો નથી થતો કે શું આપવામાં આવ્યું અને શું નહીં."
અલગ અલગ વળતરના સવાલ અંગે તેમનું કહેવું છે, "પીરપૈંતીમાં બે ભાગમાં જમીન સંપાદન થયું. 2010માં જૂના કાયદાના હિસાબે વળતર મળ્યું, જ્યારે 2013માં નવા કાયદાના હિસાબથી. સૌનું પોતપોતાનું નસીબ છે કે કોને કેટલું મળ્યું. વહીવટી તંત્રએ કાયદા અનુસાર કામ કર્યું છે."
એક આરટીઆઇના જવાબમાં ભાગલપુરના જમીન સંપાદન અધિકારી રાકેશકુમારે જણાવ્યું કે બિહાર જમીન સંપાદન પુનર્સ્થાપન અને પુનર્વાસ નીતિ 2007 હેઠળ ખેતીલાયક જમીન માટે 19 લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબે વળતર આપવામાં આવ્યું.
જ્યારે ખરાબાની જમીનનો ભાવ 8 લાખ 40 હજાર રૂપિયા પ્રતિ એકર નક્કી કરવામાં આવ્યો હતો.
રાકેશકુમારનું કહેવું છે કે વળતર આપતા સમયે ખેતીલાયક જમીન પરનાં વૃક્ષોનું પણ વળતર અલગથી આપવામાં આવ્યું છે.
કેટલાં વૃક્ષો કાપવાં પડશે?

ઇમેજ સ્રોત, Prabhatkumar/BBC
બિહાર સરકાર પાસેથી લીઝ પર મળેલી લગભગ 1 હજાર એકર જમીન પર પ્લાંટ સ્થાપવા માટે મોટી સંખ્યામાં વૃક્ષોને કાપવાં પડશે.
પીરપૈંતીની આ જમીન પર ઘણા કિલોમીટરો સુધી ઘટાદાર આંબાના બગીચા ફેલાયેલા છે. જ્યાં સુધી નજર જાય છે, લીલાછમ આંબાનાં ઝાડ જોવા મળે છે. અહીંની કેરી પણ ખૂબ જાણીતી છે, જે વિદેશો સુધી એક્સ્પૉર્ટ થાય છે.
વિપક્ષી પાર્ટીઓનો દાવો છે કે થર્મલ પાવર પ્લાંટ ઊભો કરવા માટે 10 લાખ વૃક્ષો કાપવામાં આવશે, જેના વિરોધમાં ઘણાં શહેરોમાં પ્રદર્શન પણ થયાં છે.
શું પ્લાંટ માટે 10 લાખ વૃક્ષ કાપવામાં આવશે? આ સવાલનો જવાબ આપતાં ભાગલપુરના કલેક્ટર નવલકિશોર કહે છે, "1 હજાર એકરમાં આટલાં વૃક્ષ આવી જ ન શકે. જ્યારે જમીન સંપાદનની પ્રક્રિયા થાય છે, ત્યારે જમીન પરનાં દરેક ઘર અને પ્રત્યેક ઝાડની ગણતરી થાય છે."
નવલકિશોરે જણાવ્યું, "અમારા આંકડા મુજબ ત્યાં લગભગ 10,500 જેટલાં ઝાડ છે. આ ગણતરી 2013ની પહેલાં કરવામાં આવી હતી. અત્યારે 2025 ચાલી રહ્યું છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિએ પોતે ઝાડ ઉગાડી દીધાં હોય, તો તેના વિશે કંઈ કહી શકાય નહીં."
આવી જ વાત રાજ્યના ઉદ્યોગમંત્રી નીતીશ મિશ્રા પણ કરે છે. તેમનું કહેવું છે, "જમીન સંપાદનના સમયે ત્યાં લગભગ 10 હજાર ઝાડ હતાં. ત્યાં રહેલાં બધાં વૃક્ષોને કાપવામાં નહીં આવે. ફક્ત પાવર પ્લાંટ ક્ષેત્ર (300 એકર) અને કોલ હૅન્ડલિંગ એરિયામાં કેટલાંક ઝાડ કાપવામાં આવશે."
તેમણે જણાવ્યું, "તેના બદલામાં 100 એકરમાં કમ્પલસરી અફોરેસ્ટેશન હેઠળ ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવશે."

ઇમેજ સ્રોત, bspgcl.co.in
વૃક્ષોની વાસ્તવિક સંખ્યા બાબતે વિવાદ છે. બીબીસીને થર્મલ પાવર પ્રોજેક્ટની બિડ સાથે સંકળાયેલો એક સરકારી દસ્તાવેજ મળ્યો છે, જેના અનુસાર સંપાદિત કરવામાં આવેલી લગભગ 400 એકર જમીનમાં અંદાજે ત્રણ લાખ વૃક્ષ છે.
જ્યારે અમે આંબાના બગીચામાં પહોંચ્યા, ત્યારે અમે જોયું કે વૃક્ષોની ગણતરીનું કામ ચાલે છે. વૃક્ષોનાં થડને છોલીને એક સંખ્યા લખવામાં આવે છે. આ કામ હજી પૂરું નથી થયું.
પર્યાવરણનો મુદ્દો

ઇમેજ સ્રોત, Prabhatkumar/BBC
વૃક્ષોને પર્યાવરણ મંજૂરી મળવાના સવાલ પર ભાગલપુરના ડીએમે કહ્યું, "તે પ્રક્રિયામાં છે. તે લીધા પછી જ વિધિવત્ કામ કરાવવામાં આવશે."
આ વૃક્ષો કપાવાની આશંકાથી પર્યાવરણ કાર્યકરો ચિંતિત છે. કિસાન ચેતના એવં ઉત્થાન સમિતિના અધ્યક્ષ શ્રવણકુમાર આ બાબતને નૅશનલ ગ્રીન ઓથૉરિટી (કોલકાતા)માં લઈ ગયા છે.
તેમણે ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી છે કે થર્મલ પાવર પ્લાંટ પર પ્રતિબંધ મૂકવામાં આવે; કેમ કે, પ્લાંટ સ્થપાવાથી લગભગ 10 લાખ વૃક્ષ કાપી નાખવામાં આવશે, જે પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ ખતરનાક છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આ વિસ્તારના 20 કિલોમીટરના પરિઘમાં પહેલાંથી બે થર્મલ પ્લાંટ ચાલી રહ્યા છે – કહલગાંવમાં એનટીપીસીનો અને ગોડ્ડામાં અદાણીનો. એને જોતાં નવો થર્મલ પાવર પ્લાંટ પ્રદૂષણને વધુ વધારવાનું કામ કરશે."
ઝાડ કપાવા અંગે બીબીસીએ બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ અને અદાણી પાવર લિમિટેડની પ્રતિક્રિયા લેવાની ઘણી વાર કોશિશ કરી, પરંતુ કોઈ જવાબ નથી મળ્યો.
જ્યારે ભાગલપુરનાં વન વિભાગ અધિકારી શ્વેતાકુમારીનું કહેવું છે કે વૃક્ષો કપાવા સંબંધમાં તેમને કોઈ અરજી નથી મળી.
વૃક્ષો પરના જોખમથી ખેડૂતોમાં બેચેની

ઇમેજ સ્રોત, Prabhatkumar/BBC
15 સપ્ટેમ્બરે વડા પ્રધાન પૂર્ણિયા પહોંચ્યા હતા. અહીંથી તેમણે પીરપૈંતીમાં બનનારા અદાણી સમૂહના થર્મલ પાવર પ્લાંટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ પણ કર્યો હતો.
ત્યાર પછીથી સ્થાનિક ખેડૂતોનો ગભરાટ ઘણો વધી ગયો છે. આંબાના બગીચામાં પોતાનાં ઝાડને બતાવતાં શેખ હમીદ કહે છે, "અમારી જમીન પર લગભગ 125 આંબા, 45 સાગ, 10-15 જાંબુ અને લગભગ 10 બીજૂ કેરીનાં ઝાડ છે."

મોહમ્મદ અઝમતની લગભગ અઢી એકર જમીન પર પણ આંબાનાં ઝાડ છે.
તેમનું કહેવું છે, "સરકાર એક ફૅક્ટરી સ્થાપવા જઈ રહી છે, જ્યારે આ જમીન પર મારી ફૅક્ટરી પહેલાંથી લાગેલી છે. તેમાંથી લગભગ પાંચ લાખ રૂપિયા વાર્ષિક કમાણી થાય છે. ઝાડ નહીં રહે, તો ક્યાંક મજૂરી કરવી પડશે. આજે અમે વૃક્ષોને આટલાં મોટાં કરી દીધાં છે, તો સરકાર અમારી પાસેથી તેને છીનવી રહી છે."
આ જ રીતે સ્થાનિક ખેડૂત શોભાકાન્ત યાદવ પણ પોતાનાં 30 આંબાનાં ઝાડ માટે ચિંતિત છે.
તેઓ કહે છે, "અહીં પાણીની અછત છે. ટૅન્કરથી પાણી લાવવું પડે છે. ઘણા દાયકાની મહેનત પછી આ ઝાડ તૈયાર થયાં છે. અમે આ ઝાડને કપાવા નહીં દઈએ, પછી ભલે ને અમારે કંઈ પણ કેમ ન કરવું પડે."
ઝાડ જ નહીં, ઘર પણ હટાવાશે

ઇમેજ સ્રોત, Prabhatkumar/BBC
થર્મલ પાવર પ્લાંટ માટે અહીં માત્ર વૃક્ષો જ નહીં કાપવાં પડે, પરંતુ, ઘણાં ઘરોને પણ તોડવામાં આવશે. કેમ કે, તે પણ પરિયોજનાની વચ્ચે આવી રહ્યાં છે.
પીરપૈંતીના કમાલપુર ગામમાં લગભગ 300 ઘર છે. અહીં લગભગ 50 ઘરને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ મળી છે.
અનિલ યાદવની આંખમાં પોતાના ઘરથી વિખૂટા થઈ જવાનો ડર સ્પષ્ટ દેખાઈ આવે છે. છ ભાઈઓ અને 50 લોકોના આ પરિવારે 15 દિવસમાં જ પોતાનું ઘર છોડી દેવું પડશે.
તેઓ કહે છે, "સરકાર જમીનના વળતર રૂપે 40 હજાર રૂપિયા પ્રતિ ડેસિમલ (1 ડેસિમલ = એક એકરનો 1/100 ભાગ) ચૂકવી રહી છે, જ્યારે બહાર જમીન લેવાની કિંમત 2 લાખ રૂપિયા ડેસિમલ છે. વળતરની રકમથી તો અમે બીજી જગ્યાએ ઘર નહીં બનાવી શકીએ."

પડોશનાં રીનાકુમારી પણ આવો સંઘર્ષ કરી રહ્યાં છે. સરકાર તેમના પરિવારને જમીન અને ઘરના કુલ મળીને 10 લાખ રૂપિયા વળતર આપી રહી છે, પરંતુ પરિવાર લેવા તૈયાર નથી.
રીના કહે છે, "સરકાર જેટલું વળતર આપી રહી છે, એટલા પૈસામાં બીજી જગ્યાએ ખાલી જમીન પણ નહીં મળે. આટલી મોઘવારીમાં બાળકો લઈને ક્યાં જઈશું."
તેમના માટે માથા પરથી છત છીનવાઈ જવાનો ડર દિવસે ને દિવસે મોટો થતો જાય છે. તેઓ કહે છે, "આ કેવો વિકાસ છે? આ અમારી સાથે અન્યાય છે. અમને અમારા જ ઘરમાંથી કાઢી મુકાય છે. ઉદ્ઘાટન સમયે મંત્રી આવ્યા આને રિબન કાપીને સીધા જતા રહ્યા. જેમને બેઘર કરવામાં આવી રહ્યા છે, તેમની સાથે કોઈ વાત કરવા પણ નથી આવ્યા."
તેઓ કહે છે, "અમે જબરજસ્તી નહીં થવા દઈએ. અમે કોઈ પણ સંજોગોમાં અમારું ઘર છોડીને નહીં જઈએ. સરકારે પહેલાં અમારો પુનર્વાસ કરાવવો જોઈએ, જેની તો કોઈ વાત જ નથી કરતું."
રીનાનો આ સવાલ અમે ભાગલપુરના જિલ્લા અધિકારી સમક્ષ રજૂ કર્યો.
જવાબમાં તેમણે કહ્યું, "જો કોઈ વ્યક્તિનું ઘર તોડ્યું હોય, તો તેને વળતર આપવામાં આવ્યું છે. સામાન્ય જનતા પ્રત્યે અમને સહાનુભૂતિ છે. તેઓ કોઈ બીજી જગ્યાએ ઘર બનાવે. અમે એ જોઈ શકીએ કે સરકારની કઈ યોજના અંતર્ગત તેમને લાભાન્વિત બનાવીએ."
પીરપૈંતીના લોકોનું કહેવું છે કે વિકાસની ગતિ જો તેમનાં આંગણાં ઉજાડીને પસાર થશે, તો એ સોદો તેમને મંજૂર નથી.
સરકાર અને કંપની માટે આ એક પ્રોજેક્ટ છે, પરંતુ અહીંના પરિવારો માટે જિંદગીનો સૌથી મોટો સવાલ બની ગયો છે કે – પોતાનું ઘર બચાવવું કે ક્યાંક નવી શરૂઆત કરવી?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












