'રાસ અને ગરબા'ની ઓળખ એવા 'દાંડિયા' ખેલૈયાના હાથમાંથી ગાયબ કેમ થઈ ગયા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતની આગવી કળા તે ગરબો. આસો માસની એકમથી નવ દિવસ સુધી નોરતાંનો ઉત્સવ ઊજવાય છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેનામાં ગરબાના સૂર વહેતા ન હોય.
નવરાત્રિ માટે ખૈલેયાઓ મહિનાઓથી તૈયારી કરતાં હોય છે. મહિલાઓ ચણિયાચોળી અને ઑર્નામેન્ટ્સની ખરીદી કરે છે. પુરુષો કેડિયા અને કુર્તા ખરીદે છે. ગરબાના સ્ટેપ શીખવા માટે ક્લાસિસ પણ મહિનાઓ પહેલાં શરૂ થઈ જાય છે.
રાસ અને ગરબામાં પ્રથમ શું છે? એ વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી.
રાસ શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલો હોવાથી અને 'હરિવંશ' તથા મહાકવિ ભાસની કૃતિઓમાં તેનો ઉલ્લેખ મળતો હોવાથી એ આપણું પ્રાચીનતમ્ સ્વરૂપ છે એમ કહી શકાય. રાસ ગુજરાતી છે, છતાં તે ગુજરાત પૂરતો મર્યાદિત નથી.
કૃષ્ણભક્તિ પ્રાચીન કાળથી ચાલતી આવી છે તો વિરાટ પ્રકૃતિને આદ્યમાતા જગદજનની તરીકે પુરાણ કાળથી સ્વીકારવામાં આવી છે. આમ કૃષ્ણભક્તિ અને આદ્યશક્તિની આરાધના રાસ અને ગરબા સાથે લગભગ સમાંતરે સંકળાયેલાં છે.
હાલમાં નવરાત્રિ ચાલી છે ત્યારે એક વાત આંખે ઊડીને વળગે એવી છે. અને તે છે રાસ ગરબાની ઓળખ એવા દાંડીયા હવે જોવા મળતા નથી. બીબીસી ગુજરાતીએ આ વિશે કલાકારો અને લોક સાહિત્યકારો સાથે વાત કરી હતી અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ગરબાનાં બદલાતાં સ્વરૂપો

ઇમેજ સ્રોત, Getty Images
ગરબો ઘરઆંગણાના ચોકમાંથી શેરીમાં આવ્યો અને ગરબાની યાત્રાનો એ પ્રથમ તબક્કો છે. પેઢીઓ બદલાય તેમ સાંસ્કૃતિક વારસામાં પણ પરિવર્તન જોવા મળે છે.
9 દિવસની નવરાત્રિ એ સૌથી લાંબો સમય ચાલતો ગુજરાતી તહેવાર છે. ગરબાનું ચલણ વધતાં પ્રિ-નવરાત્રિ અને પોસ્ટ-નવરાત્રિ ગરબા પણ યોજાવવાં લાગ્યા છે. શાળા કે કૉલેજ કે પછી નોકરીનાં સ્થળો પર પણ ગરબાની ઉજવણી થવા લાગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણીતા લોકસાહિત્યકાર અને સંશોધક જોરાવરસિંહ જાદવ કહે છે કે, "પહેલાં જુની પેઢીના લોકો ઘર આંગણે માટીનો ગરબો મુકીને રમતા હતા. ત્યારબાદ ગરબા શેરીથી સોસાયટી અને હવે પાર્ટીપ્લોટ અને ક્લબ સુધી પહોંચી ગયા છે. જેમજેમ પેઢી બદલાય તેમ સાંસ્કૃતિક વારસામાં પણ પરિવર્તન આવતું હોય છે. હું માનું છું કે ગરબાનો વારસો નવા સ્વરૂપે જળવાઈ રહ્યો છે."
ચેતન જેઠવા 25 વર્ષ કરતાં પણ વધારે સમયથી રાસ ગરબાની કોરીયોગ્રાફી કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, "હજારો વર્ષોથી ગરબા રમાય છે. પહેલાનાં સમયમાં નાની બાળકીઓ જ ગરબી રમતી હતી. તેઓ માથે ગરબો લઈને શેરીઓમાં જતી અને ગરબો ગાતી હતી. તેમને લહાણી (ગરબામાં આપવામાં આવતી ભેટ) આપવામાં આવતી હતી."
ગરબા શેરીથી પાર્ટી પ્લોટ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે વાત કરતાં ચેતન જેઠવા કહે છે કે, "વર્ષ 1970ના દાયકામાં મુંબઈમાં સૌપ્રથમ પાર્ટી પ્લોટમાં ગરબા રમાવાની શરૂઆત થઈ હતી. પછી તેનો ફેલાવો થયો અને ગુજરાતમાં આ પ્રકારનું આયોજન થવા લાગ્યું. આજે શેરી ગરબાઓ સાવ ઘટી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે."
રાસ ગરબામાં દાંડિયા કેમ ગાયબ થતાં જાય છે?

ઇમેજ સ્રોત, RUTWI PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લોકકલાકારો માને છે કે શહેરોમાં પાર્ટીપ્લોટ અને ક્લબના ગરબાના વધતા જતા ટ્રેન્ડને કારણે દાંડિયારાસ ઘટ્યા કે ગાયબ થયા છે.
દાંડીયા ગાયબ થવા અંગે ચેતન જેઠવા કહે છે "પહેલા લોકો આખી રાત ઢોલના તાલે ગરબા અને દાંડીયારાસ રમતા હતા. હાલ આયોજકો પાસે 12 વાગ્યા સુધીનો જ સમય હોય છે મને એવું લાગે છે કે સમય ઓછો થવાને કારણે પણ રાસ અને ગરબાનું વૈવિધ્ય ઓછું થયું હોઈ શકે છે. આ સિવાય કેટલાક લોકો ગરબાને સ્પર્ધાની માફક ગણે છે તે ગરબામાં આપવામાં આવતા ઇનામને ધ્યાનમાં રાખીને પણ ગરબાના સ્ટેપ કરતાં હોવાનું જોવા મળે છે."
કાંધલ મેર વ્યવસાય કોરીયોગ્રાફર છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાસની પ્રસ્તુતિ કરે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "હાલ શહેરોમાં પાર્ટીપ્લોટ અને ક્લબમાં થતા ગરબામાં દાંડિયારાસ જોવા જ મળતા નથી. મેર સમાજની બહેનો આજે પણ દાંડીયારાસ રમે છે. સૌરાષ્ટ્રમાં રાસનું ચલણ હજુ પણ છે."
ઋત્વિ પટેલ એક લોકનૃત્ય કલાકાર છે અને તેઓ રાસ-ગરબાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરી ચૂક્યાં છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, "અગાઉના સમયમાં નવરાત્રિમાં વિરામ પહેલાં ગરબામાં રમાતા હતા અને વિરામ બાદ રાસ રમાતો હતો. હવે આ ચલણ જોવા મળતુ નથી. નાની નાની સોસાયટીઓમાં તો હજુ પણ ક્યાંક દેખાય છે કે ત્યા રાસ ગરબા રમાતા હોય.પરંતુ કમર્શિયલ ગરબામાં તો હવે એક જ સ્ટેપ હોય છે."
ગરબાનો શોખ ધરાવતા પ્રતિક પટેલ કહે છે કે "પહેલાં લોકો નવરાત્રિમાં રમવા જાય એટલે પોતાના હાથમાં ઘરેથી દાંડિયા લઈને જતા હતા. કેટલીક સોસાયટીમાં તો સોસાયટીએ પણ દાંડિયા વસાવ્યા હોય જેમાં દાંડિયારાસ રમીને ત્યાં જ દાંડિયા મુકીને જવાના. લાકડાના દાંડિયા, કાચ જેવા કચકડાના દાંડિયા તેમજ દાંડિયા પર દોરી બાંધી હોય તેવા દાંડિયા તેમ અલગ અલગ પ્રકારના દાંડીયા જોવા મળતા હતા. અમે નવરાત્રિમાં દાંડિયા પણ ખરીદતા હતા.જોકે, હવે આ ચલણ બહુ જોવા મળતું નથી."
શું છે ગરબા અને રાસનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, Getty Images
સ્ત્રીઓ અને પુરુષો કે એકલી સ્ત્રીઓ કે એકલા પુરુષો દાંડિયા સાથે ગાતાં રમે તેને રાસ કહેવાય છે. ગરબો એટલે મહિલાઓ તાળી સાથે ઘૂમતાં ઘૂમતાં ગાયન કરે. પુરુષો ઘૂમતાં ઘૂમતાં ગાયન કરે તેને ગરબી કહેવાય છે. અત્રે નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં આજે પણ દાંડિયારાસ સચવાયો છે અને રમાય છે.
ચેતન જેઠવા ગરબા અને દાંડીયારાસનાં ગીતો અંગે વાત કરતાં કહે છે કે, "ગરબો એટલે માતાજીનાં સ્વરૂપોની વાત. તેમાં માતાજીનાં પ્રાગટ્યની અને પરાક્રમની વાત કરવામાં આવતી હોય છે. જયારે રાસમાં રાધા-કૃષ્ણની, શ્રી કૃષ્ણના જીવનની, તેમનાં વર્ણન અને પરાક્રમની વાત હોય છે."
દાંડીયા અંગે વાત કરતાં જોરાવસસિંહ જાદવ જણાવે છે કે "દાંડીયારાસએ ભગવાન શ્રીકૃષ્ણના સમયથી આપણે ત્યાં રમાવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આજે પણ રાસ રમાય છે. દાંડિયારાસ રમવા માટે પ્રૅક્ટિસની પણ જરૂર હોય છે. આજનાં યુવક-યુવતીઓને દાંડિયારાસ કરતાં સ્ટેપ ગરબા રમવાંનું વધારે પસંદ કરે છે."
"પહેલાંના જમાનામાં સંગીતનાં સાધનો ઓછાં હતાં ત્યારે પુરુષો ઢોલ અને દાંડીયાના તાલની જુગલબંદી કરીને રાસ રમતા હતા. યોધ્ધાઓ યુધ્ધ જીતીને આવે ત્યારે જીતનો જશ્ન મનાવવા માટે દાંડીયાથી શૌર્યરાસ રમતા હતા. શૌર્યરાસ તલવારથી પણ રમાય છે."
રાસના અલગ-અલગ પ્રકારો અંગે વાત કરતાં કાંધલ મેર કહે છે કે "રાસ રમનારના પહેરવેશ, તેમની રાસ રમવાની પધ્ધતિ તેમના દાંડીયા વગેરે બાબતો પરથી રાસ રમનાર અંગે જાણી શકાતું હતું. જેમ કે, અગરિયાના રાસને કણબીરાસ કહે છે. આ પ્રકારે મહેરરાસ, પઢારરાસ, હુડોરાસ જેવા અલગ-અલગ રાસના પ્રકાર છે."
નવરાત્રિમાં બે તાળી, ત્રણ તાળી, હિંચ દાંડિયારાસ વગેરે મિશ્ર રીતે રમાતા હતા.
ગરબાના સ્ટેપમાં પરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
લોકકલાકારો માને છે કે ગરબામાં સ્ટેપ બદલાતા રહે તો તેનો અલગ ઉત્સાહ હોય છે. જોકે, આજના ગરબાઓમાં મોટા ભાગે એક જ પ્રકારનો સ્ટેપ જોવા મળે છે. ગરબાનાં નવાં સ્વરૂપોને કારણે પણ દાંડિયાનું ચલણ ઘટ્યું છે.
કાંધલ મેર કહે છે કે, "પહેલાં રાસ અને ગરબામાં વિવિધતા જોવા મળતી હતી. જેમકે, પરંપરાગત કહેવાતા બે તાળીના ગરબા, ત્રણ તાળી, હિંચ અથવા દાંડીયારાસ. આજે ગરબાની શરુઆતથી અંત સુધી એક જ પ્રકારના સ્ટેપ હોય છે.
ઋત્વી પટેલ વધુમાં જણાવે છે કે "અગાઉના સમયમાં જેમ ગાયક કલાકારનું ગીત બદલાય તેમ ગરબાના સ્ટેપ પણ બદલાતા હતા. પરંતુ હવે એક જ સ્ટેપના ગરબા ગવાય છે. જોકે, જે લોકોને ગરબા ગાતા ન આવડતા હોય એ લોકો માટે આ એક સ્ટેપના ગરબા એ સારી બાબત છે. પરંતુ ગરબાના સ્ટેપમાં જે વૈવિઘ્ય હતું તે હવે જોવા મળતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












