બુશરા બીબી: ઇમરાન ખાનનાં પત્ની પાકિસ્તાનના રાજકારણમાં પગ જમાવી શકશે

    • લેેખક, ફરહત જાવેદ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ, ઇસ્લામાબાદથી

સળગાવી દેવાયેલો ટ્રક, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની તસવીર સાથેનાં સર્વત્ર વિખેરાયેલાં પોસ્ટરો અને ટિયર ગૅસના ફૂટી ગયેલા શૅલ્સ. ઇમરાન ખાનનાં પત્ની બુશરા બીબીની આગેવાનીમાં થયેલા વિશાળ પ્રદર્શન બાદ આ પ્રકારની નિશાનીઓ જોવા મળતી હતી. ત્યાર પછી ઇસ્લામાબાદમાં લૉક-ડાઉન લગાવી દેવાયું હતું.

તેનાથી એક દિવસ અગાઉ મંગળવારે બપોરે બુશરા બીબી હિજાબ અને સફેદ શાલ ઓઢીને શિપિંગ કન્ટેનરની ઉપર પોતાના ચિર- પરિચિત અંદાજમાં ઊભાં હતાં.

વિરોધપક્ષ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના હજારો સમર્થકો આ શિપિંગ કન્ટેનરની આસપાસ ઇમરાન ખાનની તસવીરો અને પાર્ટીના ધ્વજ સાથે ઊભા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

ત્યાં કાન ફાટી જાય એવો ઘોંઘાટ હતો. બુશરા બીબીએ માઇક પોતાના હાથમાં લેતા જ એક સન્નાટો ફેલાઈ ગયો.

પ્રદર્શનમાં શું થયું?

બુશરા બીબીએ બૂમો પાડીને કહ્યું, "મારાં બાળકો અને મારા ભાઇઓ! તમારે મને ટેકો આપવો પડશે."

તેમનો અવાજ ગૂંજતાની સાથે જ લોકોની ભીડમાં હંગામો મચી ગયો અને સમગ્ર વાતાવરણમાં ફરી એકવાર સૂત્રોચ્ચાર સંભળાયા.

બુશરા બીબીએ પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું, "પણ તમે લોકો મારી સાથે નહીં રહો તો પણ હું મજબૂતીથી ઊભી રહીશ. આ માત્ર મારા પતિનો સવાલ નથી, પણ આ દેશ અને તેના નેતાનો પ્રશ્ન છે."

પાકિસ્તાનના રાજકારણ પર નજર રાખતા ઘણા નિષ્ણાતો માને છે કે બુશરા બીબીની રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે.

કેટલાક લોકોના માનવા મુજબ આ ઘટના રાજકારણમાં તેમનું પ્રથમ પગલું હતું.

અન્ય લોકો માને છે કે ઇમરાન ખાન જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી પીટીઆઈને ટકાવી રાખવા માટેની આ વ્યૂહાત્મક ચાલ છે.

બુશરા બાબી પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના ત્રીજાં પત્ની છે.

તેમને ઘણી વખત અંતર્મુખ ગણવામાં આવે છે. તેમનાં વિશે કહેવાય છે કે તેઓ રાજકારણથી દૂર રહે છે.

પરંતુ ઇસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન તેઓ રાજકારણના કેન્દ્રમાં જોવાં મળ્યાં.

બુધવારે સવારે જ્યારે સૂરજ ઉગ્યો, ત્યારે બુશરા બીબી ક્યાંય દેખાતાં ન હતાં. તેવી જ રીતે તેમના સમર્થનમાં ઊમટેલાં હજારો લોકો પણ દેખાતા ન હતા જેમણે ઇમરાન ખાનની મુક્તિ માટે કૂચમાં ભાગ લીધો હતો.

શહેરમાં અંધકાર છવાઈ ગયો પછી આ કથિત 'ફાઇનલ માર્ચ' અને બુશરા બીબીનું શું થયું તે હજુ સુધી સ્પષ્ટ નથી.

એક મહિલા પ્રદર્શનકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે અચાનક વીજળી જતી રહી અને જ્યાં વિરોધ પ્રદર્શન થતું હતું તે ડી-ચોક અંધારામાં ડૂબી ગયો.

2022માં અવિશ્વાસ મતમાં ઇમરાન ખાનની સરકારનું પતન થયું હતું. ત્યાર પછી ઑગસ્ટ 2023થી ઇમરાન ખાન ભ્રષ્ટાચાર, કટ્ટરવાદ અને હિંસા ભડકાવવાના આરોપસર જેલમાં છે.

ઇમરાન ખાન પોતાની સામેના આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવે છે.

કૂચ દરમિયાન અંધાધૂંધી

એક મહિલા પ્રદર્શનકારીએ જણાવ્યું કે ડી-ચોકમાં દરેક બાજુ લોકોની બૂમો અને ચીસો સંભાળાતી હતી. ત્યાં ટિયર ગૅસના શૅલ્સ છોડવામાં આવ્યા હતા. આ મહિલા પ્રદર્શનકારી પોતાના પતિને પકડીને ઊભાં હતાં, જેમના ખભા પર ગોળી વાગવાના કારણે લોહી વહેતું હતું.

ત્યાર પછી તેઓ ઇસ્લામાબાદની એક હૉસ્પિટલે પહોંચ્યાં, જ્યાં તેમણે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે, "બધા લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા. તે જાણે કયામતના દિવસ અથવા યુદ્ધ જેવી સ્થિતિ હતી."

"મારા હાથ પર મારા પતિનું લોહી લાગ્યું હતું અને બધેથી ચીસો સંભળાતી હતી."

પરંતુ આટલી બધી ઝડપથી અચાનક શું થયું?

થોડા કલાકો પહેલાં, એટલે કે મંગળવારે બપોરે પ્રદર્શનકારીઓ ડી-ચોક પહોંચ્યા હતા. શહેરના મધ્યમાં આવેલા આ વિસ્તાર સુધી પહોંચવા માટે તેમણે છેલ્લા દિવસોમાં પોલીસના અનેક બૅરિકેડ ઓળંગ્યા હતા અને ટીયર ગૅસના શૅલ્સનો સામનો કર્યો હતો.

તેમાં પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફના ટેકેદારો અને કાર્યકરોનો પણ સમાવેશ થાય છે.

જેલમાં રહીને ઇમરાન ખાને પાર્ટી સમર્થકોને આ કૂચ માટે અપીલ કરી હતી.

આ કૂચમાં પીટીઆઈના ટેકેદારો અને કાર્યકરો એકઠા થયા હતા અને “ફાઇનલ માર્ચ”માં તેમના ત્રીજાં પત્ની બુશરા બીબી જોડાયાં હતાં અને કૂચનું નેતૃત્વ કર્યું હતું.

ઇસ્લામાબાદના રસ્તા પર બૅરિકેડ્સની લાઇન લગાવવામાં આવી હતી અને પાકિસ્તાની સેના ત્યાં ચુસ્ત બંદોબસ્ત જાળવી રહી હતી.

કાફલો જ્યારે શહેરની નજીક પહોંચ્યો, ત્યારે બુશરા બીબી સમર્થકોને શુભેચ્છા પાઠવતાં શિપિંગ કન્ટેનર પર ઊભેલાં જોવાં મળ્યાં.

તેમણે જાહેરાત કરી, "ખાન જ્યાં સુધી અમારી પાસે નહીં આવે ત્યાં સુધી અમે પાછા નહીં જઈએ."

આ કૂચ આગળ વધી અને ઈસ્લામાબાદમાં સરકારી કચેરીઓ ધરાવતા એ વિસ્તારમાં પહોંચી જેને ડી-ચોક કહેવામાં આવે છે.

પક્ષના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા પ્રમાણે પક્ષના આંતરિક મતભેદો અને પ્રદર્શન માટે અન્ય જગ્યા પસંદ કરવાની સરકારની અપીલ છતાં બુશરા બીબીએ એવી જગ્યાએ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું જ્યાં સંસદ અને મહત્ત્વની સરકારી કચેરીઓ આવેલી છે. આ વિસ્તારમાં તેમના પતિ ઇમરાન ખાન પણ એક વખત વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે.

બુશરા બીબી કેમ ગાયબ થઈ ગયાં?

દિવસ આગળ વધતો ગયો તેમ તેમ પરિસ્થિતિ તંગ બનતી ગઈ. આ વિસ્તારમાં વીજળી જતી રહી અને સમગ્ર વિસ્તાર અંધારામાં ડૂબી ગયો. ત્યાર પછી સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 9:30 વાગ્યે સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટે અભિયાન ચલાવ્યું.

આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો જે દરમિયાન બુશરા બીબી ધરણાના સ્થળેથી જતાં રહ્યાં.

સોશિયલ મીડિયા પર એવા કેટલાય વીડિયો વાઇરલ થયા છે જેમાં તેઓ આ વિસ્તારમાંથી બહાર નીકળતા અને એક કારમાંથી બીજી કારમાં બેસતાં જોવાં મળે છે. બીબીસી આ ફૂટેજની સ્વતંત્ર રીતે પુષ્ટી નથી કરી શક્યું.

ટેકેદારો જ્યારે ટિયર ગૅસના શૅલ્સ અને ધરપકડનો સામનો કરતા હતા, તેવામાં તેઓ અચાનક ગાયબ થઈ ગયાં જેના કારણે ઘણા લોકો નિરાશ થયા હતા.

થોડા સમય પછી જે શિપિંગ કન્ટેનર પર તેઓ જોવાં મળ્યાં હતાં, તેને ત્યારબાદ અજાણ્યા લોકોએ સળગાવી દીધું હતું.

એક વ્યક્તિએ કહ્યું, "તેમણે અમને છોડી દીધાં."

અન્ય એક વ્યક્તિએ કહ્યું, "તેમનો વાંક નથી. પક્ષના નેતાઓએ તેમને ત્યાંથી જતા રહેવા મજબૂર કર્યા હતા.

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર મેહફાલ સરફરાઝે જણાવ્યું, "તેઓ અચાનક ગાયબ થઈ ગયાં તેના કારણે તેમની રાજકીય કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ નુકસાન થઈ ગયું."

ઘણા લોકો માને છે કે બુશરા બીબી માટે આ સમય બહુ મહત્ત્વનો હતો. એવું લાગે છે કે અત્યાર સુધી તેઓ જાણી જોઈને સમાચારમાં ચમકવાથી દૂર રહેતાં હતાં.

જોકે, થોડા સમય અગાઉ ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "મારી પત્ની માત્ર મારો સંદેશ લોકો સુધી પહોંચાડે" છે.

રાતના એક વાગ્યાની આસપાસ પ્રશાસને જાહેરાત કરી કે પ્રદર્શન સ્થળેથી બધા લોકો જતા રહ્યા છે.

આ દરમિયાન કેટલા લોકોને ઇજા થઈ અથવા કેટલાને ઇજા થઈ, તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. જોકે, બીબીસીએ સ્થાનિક હૉસ્પિટલો સાથે વાત કરીને પુષ્ટિ કરી કે તેમાં ઓછામાં ઓછાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે.

પોલીસનું કહેવું છે કે રાતે ઓછામાં ઓછા 500 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ પીટીઆઈનો દાવો છે કે મોટી સંખ્યામાં લોકો લાપતા છે.

ઇમરાન ખાન સાથે નિકાહ

પાકિસ્તાનના પ્રમાણમાં સમૃદ્ધ પંજાબ પ્રાંતના પ્રભાવશાળી જમીનદાર પરિવારમાંથી આવતાં બુશરા બીબીએ 2018માં ઇમરાન ખાન સાથે લગ્ન કર્યાંં હતાં. તે વખતે આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

આ પહેલાં તેઓ 28 વર્ષથી પરિણીત હતાં. તેમના ભૂતપૂર્વ પતિએ તેમના પર ઇસ્લામિક કાયદાઓનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે છૂટાછેડા અને પુનર્લગ્ન વચ્ચે પૂરતો સમય રાખ્યો ન હતો. તેમણે કહ્યું કે આ ઇસ્લામિક કાયદાનું ઉલ્લંઘન છે.

આ મામલે ઇમરાન ખાન અને બુશરા બીબીને સજા થઈ હતી, પરંતુ પછી તેમને મુક્ત કરી દેવાયાં હતાં.

બુશરા બીબી સૂફી પંથમાં માને છે. પક્ષના નજીકના લોકો માને છે કે પડદા પાછળ તેઓ ઇમરાન ખાનને સલાહ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં રહ્યાં છે. ઇમરાન ખાન તેમને આધ્યાત્મિક ગુરુ માને છે.

પરંતુ પીટીઆઈના રાજકારણમાં તેઓ સામેલ થયાં તે નવું અને વિવાદાસ્પદ પણ છે.

આ મહિનાની શરૂઆતમાં તેમણે ખૈબરપખ્તુનખ્વાની રાજધાની પેશાવરમાં પાર્ટીની બેઠકમાં હાજરી આપી હતી, જ્યાં પીટીઆઈ સત્તામાં છે.

આ બેઠકમાં તેમણે પાર્ટીના નેતાઓ સાથે આ ફાઇનલ માર્ચમાં ભાગ લેવાની વાત કરી હતી. તેમણે આવું ન થાય તો પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી હતી, જેમાં પક્ષમાંથી હાંકી કાઢવાનો પણ સમાવેશ થાય છે.

કેટલાક લોકો તેમને તેના વધતા પ્રભાવ તરીકે પણ જુએ છે. જ્યારે કેટલાક લોકો તેને પાર્ટીમાં દખલગીરી માને છે.

પત્રકાર આમીર જિયાએ જણાવ્યું કે, "તેમનો દૃષ્ટિકોણ પીટીઆઈના નેતાઓને પસંદ ન પડ્યો."

“પક્ષ પોતે વંશવાદની રાજનીતિનો વિરોધ કરતો આવ્યો છે. તેઓ સત્તાવાર ભૂમિકા મેળવશે તો તે પાર્ટી અને ઇમરાન ખાન બંનેની ઇમેજને નુકસાન પહોંચાડી શકે છે.”

બુશરા બીબી અને રાજનીતિ

રાજકીય વિશ્લેષક ઇમ્તિયાઝ ગુલે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે રાજકારણમાં તેઓ સામેલ થયા તે “અસાધારણ સ્થિતિમાં લેવામાં આવેલું અસાધારણ પગલું છે.”

તેમણે કહ્યું, "અસલમાં આ ઇમરાન ખાનની ગેરહાજરીમાં પાર્ટી અને પાર્ટીના કાર્યકરોને એકજૂથ રાખવાનો પ્રયાસ હતો.”

પીટીઆઈના કેટલાક સભ્યો પણ આવું જ કહે છે. તેમનું માનવું છે કે "તેઓ રાજકારણમાં માત્ર એટલા માટે આવ્યા છે કારણ કે ઇમરાન ખાન તેના પર પૂરો ભરોસો કરે છે.”

પરંતુ પક્ષની અંદર દબાયેલા અવાજે આ પ્રકારની વાતો થાય છે કે ઇમરાન ખાન જ્યારે વડા પ્રધાન હતા ત્યારે બુશરા બીબી તેમના નિર્ણયો પર અસર પાડતાં હતાં.

જોકે, પાકિસ્તાનના રાજકીય ઇતિહાસમાં આવું કરનાર તેઓ પ્રથમ મહિલા નથી. આ અગાઉ પણ મહિલાઓએ દેશમાં ઘણાં પ્રદર્શનો અને રેલીઓનું નેતૃત્વ કર્યુંં છે. ખાસ કરીને જ્યારે તેમના પતિઓની ધરપકડ કરવામાં આવી હોય અથવા તેમના પર આરોપ મૂકવામાં આવ્યા હોય ત્યારે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન જુલ્ફીકાર અલી ભુટ્ટોનાં પત્ની નુસરત ભુટ્ટો અને ત્રણ વખત વડા પ્રધાન બની ચૂકેલા નવાઝ શરીફનાં પત્ની કુલસુમ નવાઝ તે સમયે ચર્ચામાં આવ્યાં જ્યારે તેમના પતિને જેલ થઈ હતી.

આ મહિનાની શરૂઆતમાં પહેલી વખત બુશરા બીબીએ સીધા રાજકારણમાં આવવાની જાહેરાત ત્યારે કરી હતી જ્યારે તેમણે ઇમરાન ખાનના સમર્થનમાં પ્રદર્શન કરવા માટે પીટીઆઈના ટોચના નેતાઓની બેઠકની અપીલ કરી હતી.

જોકે, પ્રદર્શનના બે અઠવાડિયા અગાઉ તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે તેઓ "રાજકારણમાં આવવાનો ઇરાદો ધરાવતા નથી".

કેટલાક લોકો આ દાવાને શંકાની નજરે જુએ છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાઝા આસિફે બુશરા બીબી પર તકવાદી હોવાનો આરોપ લગાવતા કહ્યું, “તેઓ ભવિષ્યમાં પોતાને નેતા તરીકે જુએ છે.”

જોકે, પીટીઆઈમાં જ આ મામલે મતભેદ છે. કેટલાક લોકોએ બીબીસીને જણાવ્યું કે “ઇમરાન ખાન તેમના પર ઘણો ભરોસો કરે છે.” જ્યારે કેટલાક લોકોને એ વાતની ચિંતા છે કે બુશરા બીબી સામેલ થવાથી પાર્ટીનાં લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન થશે.

ઇમરાન ખાન બુશરા બીબી પર કેટલો ભરોસો કરે છે, તે વિશે રાજકીય વિશ્લેષક મેહમાલ સરફરાઝે જણાવ્યું કે, “પીટીઆઈમાં ઇમરાન ખાનના શબ્દો જ અંતિમ હોય છે. પરંતુ રાજકારણમાં સામેલ થવાની મહત્ત્વાકાંક્ષા રાખતાં તેમના બીજાં પત્ની રેહમ ખાનથી વિપરીત બુશરા બીબીનું કદ અને પ્રભાવ વધારે છે.”

તેમના કહેવા મુજબ "આવું એટલા માટે છે કારણ કે ઇમરાન ખાન બુશરા બીબીને પોતાના આધ્યાત્મક ગુરુ તરીકે જુએ છે. આ વાત બુશરા બીબીને તેમની બાકીની પત્નીઓથી અલગ કરે છે."

પત્રકાર આમિર ઝિયા માને છે કે પીટીઆઈ સમર્થકોને ઇસ્લામાબાદ સુધી કૂચ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો બુશરા બીબીનો ‘દાવ ઊંધો’ પડી ગયો.

આટલી ટીકા થવા છતાં પીટીઆઈના ઘણા સમર્થકો બુશરા બીબીને ઇમરાન ખાનની નિકટ માને છે.

ઇસ્લામાબાદના એક રહેવાસી અસીમ અલી કહે છે, "તેઓ એવા લોકોમાં સામેલ છે જેઓ વાસ્તવમાં ઇમરાન ખાનની મુક્તિ ઇચ્છે છે. મને તેમના પર પૂરો ભરોસો છે."

પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પહેલાંની જેમ બુશરા બીબીનું વ્યક્તિત્વ હવે રહસ્યમય રહ્યું નથી. હવે તેઓ પાકિસ્તાનના રાજકારણના કેન્દ્રમાં છે, પછી તેઓ એવું ઇચ્છતા હોય કે ન ઇચ્છતા હોય.

(જોએલ ગુન્ટો અને યુવેટ ટૈનના ઇનપૂટ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.