એશિયા કપમાં જીત બાદ પણ ભારતને ટ્રૉફી નથી મળી, મોહસીન નકવીએ આ શરત રાખી

એશિયા કપ ખતમ થઈ ગયો છે. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને નવમી વખત આ ખિતાબ જીત્યો છે, પરંતુ આ મૅચને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં ટુર્નામેન્ટને લગતા વિવાદ ચાલુ જ છે.

એશિયા કપ 2025ની ફાઇનલ પછી રવિવારે સમાપન સમારોહ યોજાયો, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ખરા અર્થમાં જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે વિજેતા ટીમ ટ્રૉફી લીધા વગર જ મેદાનમાંથી જતી રહી.

ત્યાર બાદ ભારતીય મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ 28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઇનલ પછી થયેલા વિવાદ માટે બીબીસીઆઇની માફી માગી છે.

જોકે, મોહસીન નકવીએ બુધવારે આ અહેવાલોનું ખંડન કર્યું હતું.

એશિયન ક્રિકેટ પરિષદના વડા મોહસીન નકવીએ ફરીથી કહ્યું છે કે ભારતીય ટીમ સામેથી ટ્રૉફી લેવા ન આવે ત્યાં સુધી ભારતને એશિયા કપની ટ્રૉફી આપવામાં નહીં આવે.

ઇસ્લામાબાદથી બીબીસી સંવાદદાતા ફરહત જાવેદે જણાવ્યું કે, "નકવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, એસીસીના અધ્યક્ષ તરીકે હું ત્યારે પણ ટ્રૉફી સોંપવા તૈયાર હતો અને હજુ પણ તૈયાર છું. તેઓ ખરેખર તે ઇચ્છતા હોય તો તેઓ એસીસી કાર્યાલયે આવીને મારી પાસેથી લઈ શકે છે."

મોહસીન નકવીએ કહ્યું કે 'માફી નહીં માગું'

મંગળવારે દુબઈમાં એસીસીની તાજેતરની બેઠક પછી નકવીનું આ નિવેદન આવ્યું છે. આ બેઠકના અધ્યક્ષ તરીકે નકવી હતા અને તેમાં બીસીસીઆઇ તરફથી ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા તથા પૂર્વ ખજાનચી આશિષ શેલારે વર્ચ્યુઅલ હાજરી આપી હતી.

એવું માનવામાં આવે છે કે સૂર્યકુમાર યાદવની ટીમને ટ્રૉફી અને વિજેતાપદક આપવામાં આવશે કે નહીં, તે વિશે બેઠકમાં કોઈ ઉકેલ મળ્યો ન હતો.

નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચૅરમૅન અને ગૃહમંત્રી પણ છે. તેમણે ઍક્સ પર લખ્યું કે, "ભારતીય મીડિયા હકીકત પર નહીં, પરંતુ જૂઠ પર ચાલે છે. હું એ સ્પષ્ટ કરી દઉં કે મેં કંઈ પણ ખોટું નથી કર્યું, બીસીસીઆઇની ક્યારેય માફી નથી માગી અને ક્યારેય માગીશ પણ નહીં."

મોહસીન નકવીએ ભારતીય મીડિયામાં ચાલતા અહેવાલોને નકારી કાઢતા કહ્યું કે, "આ ઉપજાવી કાઢેલી વાતો નહીં, પરંતુ સસ્તો પ્રચાર છે. તેનો એકમાત્ર હેતુ પોતાના લોકોને ગુમરાહ કરવાનો છે. કમનસીબે ભારત ક્રિકેટની અંદર રાજકારણને ઢસડે છે અને રમતની સાચી ભાવનાને નુકસાન થાય છે."

નકવીએ લખ્યું કે "એસીસીના અધ્યક્ષ હોવાના નાતે હું તે દિવસે ટ્રૉફી આપવા તૈયાર હતો અને આજે પણ છું. ભારતીય ટીમને ખરેખર ટ્રૉફી જોઈતી હોય તો તેમણે રાજીખુશીથી એસીસીની ઑફિસે આવવું જોઈએ અને મારી પાસેથી ટ્રૉફી લેવી જોઈએ."

મોહસીન નકવી કોણ છે?

નકવી હાલમાં ત્રણ મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે. તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે અને તેમની પાસે દેશના ગૃહ મંત્રાલયનો હવાલો પણ છે.

બીબીસી ઉર્દૂના અહેવાલ અનુસાર, સૈયદ મોહસીન નકવીનો જન્મ 1978માં લાહોરમાં થયો હતો. તેમનો પરિવાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝાંગ શહેરનો રહેવાસી છે. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ત્યાંની ક્રેસન્ટ મૉડલ સ્કૂલમાં મેળવ્યું હતું.

ત્યાર બાદ તેમણે લાહોરની સરકારી કૉલેજ (જીસી)માં પ્રવેશ મેળવ્યો. ગ્રૅજ્યુએશન પછી નકવી વધુ અભ્યાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સની ઓહાયો યુનિવર્સિટી ભણવા ગયા.

તેમણે અમેરિકાથી પત્રકારત્વની ડિગ્રી મેળવી, ત્યાર બાદ તેમણે અમેરિકન ન્યૂઝ ચૅનલ સીએનએનમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરી.

અમેરિકાની અગ્રણી ન્યૂઝ ચૅનલ સીએનએને નકવીને સમાચાર કવર કરવા માટે નિર્માતા તરીકે પાકિસ્તાન મોકલ્યા. નાની ઉંમરે જ તેમને પ્રમોશન મળ્યું અને દક્ષિણ એશિયા માટે ચૅનલના પ્રાદેશિક વડા બન્યા.

અમેરિકા પર 9/11ના હુમલા પછીનો સમયગાળો હતો અને અમેરિકાના નેતૃત્વમાં વિદેશી દળો અફઘાનિસ્તાનમાં ઘૂસી ગયા હતા. તે સમયે મોહસીન નકવી સીએનએન માટે રિપોર્ટિંગ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સંબંધો સ્થાપિત કર્યા.

તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તેઓ 2009 સુધી સીએનએન સાથે સંકળાયેલા હતા.

તે વર્ષે તેમણે સિટી ન્યૂઝ નેટવર્કની સ્થાપના કરી અને પત્રકારત્વ વ્યવસાયમાં પોતાની સ્વતંત્ર ઓળખ સ્થાપિત કરી. તે વખતે તેઓ માત્ર 31 વર્ષના હતા.

એક ખાનગી ચૅનલના માલિક હોવા ઉપરાંત સૈયદ મોહસીન નકવીના પારિવારિક સંબંધ દેશના રાજકારણના અગ્રણી વ્યક્તિઓ સાથે છે. તેઓ પીપલ્સ પાર્ટીના નેતા અને પાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ખૂબ નજીકના માનવામાં આવે છે.

ગયા રવિવારે દુબઈમાં રમાયેલી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે છેલ્લી ઓવરમાં 147 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

ફાઇનલ પૂરી થઈ ત્યારે સૂર્યકુમાર યાદવની ટીમ ઇન્ડિયાએ લગભગ એક કલાક મોડા શરૂ થયેલા પ્રેઝન્ટેશન સમારોહમાં એશિયા કપ ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે તણાવ સર્જાયો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા હોવાને કારણે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ વિજેતા ટીમને ટ્રૉફી આપવાની હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સચિવ દેવજિત સૈકિયાએ એએનઆઇને જણાવ્યું હતું કે, "અમે એસીસીના ચૅરમૅન પાસેથી ટ્રૉફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ જેન્ટલમેન (નકવી) મેડલ સાથે ટ્રૉફી પણ પોતાની સાથે લઈ જાય. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને અમે આશા રાખીએ છીએ કે ટ્રૉફી અને મેડલ્સ શક્ય એટલી ઝડપથી ભારતને સોંપવામાં આવે."

આ વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ પછી એશિયા કપ પહેલી ટુર્નામેન્ટ હતી, જેમાં બંને દેશોની ક્રિકેટ ટીમો એકબીજાનો સામનો કરી હતી.

મોહસીન નકવી પાસેથી ટ્રૉફી સ્વીકારવાનો ભારતનો ઇનકાર એ બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં ઐતિહાસિક ખરાબ સ્થિતિ દર્શાવે છે, જ્યારે ક્રિકેટ એ ભૂતકાળમાં રાજદ્વારી જોડાણનું એક માધ્યમ પણ રહી છે.

ફાઇનલ પછી પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવને પત્રકારે પૂછ્યું, "સાતેય મૅચ જીતનારી ટીમને તેના હકની ટ્રૉ઼ફી આપવામાં ન આવે તો તમે શું કહેશો?" સૂર્યકુમારે જવાબમાં કહ્યું, "અમે જ્યારથી ક્રિકેટ રમવાનું અને જોવાનું શરૂ કર્યું છે, ત્યારથી અમે કોઈ પણ ચૅમ્પિયન ટીમને ટ્રૉફીથી વંચિત રહેતા નથી જોઈ અને તે પણ ભારે મહેનતથી જીત્યા પછી... અમે તેના હકદાર હતા અને મારે આનાથી વધારે કંઈ કહેવું નથી."

એશિયા કપમાં પુરુષોની ક્રિકેટ ટીમો વચ્ચે ટક્કર થયા બાદ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો હવે પાંચમી ઑક્ટોબરે મહિલા વનડે ઇન્ટરનેશનલ વર્લ્ડકપમાં એકબીજા સામે ટકરાશે. આ મૅચ કોલંબોમાં રમાનારી છે. આ મૅચ પહેલાં જ ચર્ચા શરૂ થઈ છે કે બંને ટીમોનાં કૅપ્ટન હાથ મિલાવશે કે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન