You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એશિયા કપ જીત્યા છતાંં ભારતે ટ્રૉફી લેવાનો ઇનકાર કેમ કર્યો, પાકિસ્તાન સામેની ફાઇનલમાં થયેલા પાંચ વિવાદો
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલ મૅચ રમાઈ હતી. ટુર્નામેન્ટની અન્ય બે મૅચથી વિપરીત આ મૅચ છેલ્લી ઓવર સુધી રસપ્રદ બની રહી હતી.
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મૅચો વિવાદોમાં રહી હતી, એજ રીતે ફાઇનલ મૅચ પણ વિવાદોથી સંપડાયેલી હતી.
રસાકસી ભરેલી મૅચની છેલ્લી એક ઓવરમાં ભારતે 10 રન કરવાના હતા, ત્યારે તિલક વર્મા અને રિંકુ સિંહે છગ્ગો અને ચોક્કો ફટકારીને ભારતનો કુલ સ્કોર 150 રને પહોંચાડ્યો હતો.
પાકિસ્તાનના તમામ ખેલાડીઓ મળીને 146 રન બનાવી શક્યા હતા, ભારતે આ ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
પ્રારંભિક તબક્કે ભારતની ઇનિંગ ડગમગી ગઈ હતી, પરંતુ તિલક વર્માએ ભારતને વિજય અપાવવા માટે 69 રનની યાદગાર ઇનિંગ રમી હતી.
અલબત એશિયા કપની પાકિસ્તાન સામેની મૅચો ભારત મેળવેલા વિજય ઉપરાંત વિવાદને કારણે પણ ઘણી યાદગાર રહી હતી.
1. નો હૅન્ડ શેક
સામાન્ય રીતે, ક્રિકેટ મૅચ જીત્યા પછી વિરોધી ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની પરંપરા હોય છે.
એશિયા કપ 2025ની શરૂઆતથી અંત સુધી, ભારતે પાકિસ્તાન સામે કડક વલણ જાળવી રાખ્યું છે. ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ફાઇનલમાં પણ સલમાન આગાને હાથ મિલાવ્યો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એશિયા કપની અગાઉની મૅચમાં પણ ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા.
બંને કૅપ્ટને ગ્રૂપ સ્ટેજની મૅચ દરમિયાન પણ હાથ નહોતા મિલાવ્યા, જેના પછી પાકિસ્તાની ટીમે મૅચ પછીની પ્રેસ કૉન્ફરન્સમાં આવવાની ના પાડી દીધી હતી.
મૅચના સમાપન બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "મને લાગે છે કે જીવનમાં કેટલીક બાબતો રમતગમતની ભાવનાથી આગળ હોય છે. મેં પ્રેઝન્ટેશનમાં પણ આ વાત કહી છે. અમે પહેલગામ આતંકી હુમલાના તમામ પીડિતો સાથે ઊભા છીએ."
આ ત્રીજી વખત છે કે જ્યારે બંને કૅપ્ટનોએ ટુર્નામેન્ટમાં હાથ મિલાવ્યા નથી.
2. બુમરાહનો રાઉફને એમની જ ભાષામાં જવાબ
એશિયા કપ 2025ની ફાઇનલ મૅચ દરમિયાન ભારતીય સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહે એક એવી ઉજવણી કરી જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું.
પાકિસ્તાની બૅટ્સમૅનને આઉટ કર્યા પછી 'પ્લેન ક્રૅશ'નો સંકેત આપીને ઉજવણી કરી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
પાકિસ્તાનની બૅટિંગ દરમિયાન, બુમરાહે ઘાતક બૉલથી હારિસ રઉફને આઉટ કર્યા. આ ઘટના 18મી ઓવરમાં બની હતી.
વિકેટ લીધા પછી, બુમરાહે જોરદાર હાવભાવથી ઉજવણી કરી, જેમ કે કોઈ ફાઇટર જેટને તોડી પાડ્યું હોય.
ઉલ્લેખનીય છે કે આ ઉજવણી એટલા માટે પણ ખાસ હતી કારણ કે હારિસ રઉફ અગાઉ સુપર ફોર મૅચમાં બાઉન્ડ્રી લાઇન પર આવો જ હાવભાવ કરતા જોવા મળ્યા હતા. બુમરાહની આ ઉજવણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
3. સલમાન અને રવિ શાસ્ત્રીએ વાતચીત કરવાનું ટાળ્યું
રવિવારે એશિયા કપના ફાઇનલ મૅચમાં ટૉસ ઉછળ્યો, ત્યારે જે કંઈ બન્યું, તેના વિશે સોશિયલ મીડિયા ઉપર વ્યાપક ચર્ચા થઈ હતી.
બંને ટીમો વચ્ચેના ગત બે મુકાબલા સમયે પૂર્વ કોચ અને કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ ટૉસ બાદ બંને ટીમના કપ્તાનો સાથે વાત કરી હતી.
જોકે, રવિવારે રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે તો વાત કરી હતી, અને ટીમમાં ફેરબદલ તથા કૉમ્બિનેશન વિશે જાણ્યું હતું. જોકે, રવિ શાસ્ત્રીએ પાકિસ્તાની કૅપ્ટન સલમાન આગા સાથે વાત નહોતી કરી.
જ્યારે આગાનો બોલવાનો સમય આવ્યો, તો રવિ શાસ્ત્રી પોતે પાછળ હઠી ગયા અને પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન વકાર યૂનુસે તેમની સાથે વાત કરી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ કંટ્રૉલ બોર્ડની વિનંતીને ધ્યાનમાં રાખીને યૂનુસ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કૅપ્ટન સાથે વાત કરશે, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીસીબીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલને ટૉસ માટે ન્યૂટ્રલ પ્રૅઝન્ટેટર મૂકવા વિનંતી કરી હતી."
રવિ શાસ્ત્રી સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દરેક ભારતીય મેચમાં ટોસ માટે હાજર હતા, જેમાં છેલ્લી બે ભારત-પાકિસ્તાન મેચનો પણ સમાવેશ થાય છે.
જોકે, જ્યારે ફાઇનલની વાત આવી ત્યારે, ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન અને ઝડપી બૉલર વકાર યુનિસ, જે ટુર્નામેન્ટમાં કૉમેન્ટરી કરી રહ્યા હતા, ટૉસ દરમિયાન શાસ્ત્રી સાથે હાજર હતા.
પરિણામે, ટૉસ દરમિયાન, ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ભારતીય કૉમેન્ટેટર શાસ્ત્રી સાથે વાત કરી, જ્યારે પાકિસ્તાની કૅપ્ટને વકાર યુનિસ સાથે વાત કરી.
4. ભારતને ટ્રૉફી કેમ ન મળી
હૅન્ડશેકનો વિવાદ થયા બાદ અટકળો હતી કે ભારતીય પ્લેયર્સ પાકિસ્તાનના હસ્તે ટ્રૉફી સ્વીકારશે નહીં. 14 સપ્ટેમ્બરના રોજ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ટુર્નામેન્ટની પહેલી મૅચ રમાઈ હતી ત્યારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હૅન્ડ શેક કરવાનું ટાળ્યું હતું.
એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાની મોહસિન નકવીના હસ્તે ટ્રૉફી સ્વીકારશે નહીં. નકવી સ્ટેજ પર ટ્રૉફી લઈને રાહ જોતા હતા પરંતુ ભારતીય ખેલાડીઓનું વલણ સાફ હતું કે તેઓ પાકિસ્તાનના હસ્તે ઍવૉર્ડ સ્વીકારશે નહીં.
એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ મોહસિન નકવી છે, જેઓ પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે.
નોંધનીય છે કે ભારતે એશિયા કપ ટ્રૉફી વિના ઉજવણી કરી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફાઇનલ પછી 75 મિનિટ પછી ઍવૉર્ડ સમારંભ શરૂ થયો, જેમાં તટસ્થ પ્રસ્તુતકર્તા સિમોન ડૌલે માઇક્રોફોન લીધો. ઍવૉર્ડ સમારંભ શરૂ થાય તે પહેલાં નકવી એક બાજુ ઊભા રહ્યા.
જ્યારે ભારતીય ખેલાડીઓ 15 યાર્ડની અંદર ઊભા રહ્યા. ભારતીય ખેલાડીઓ નકવી સાથે સ્ટેજ શેર કરી શક્યા નહીં. નકવી સ્ટેજ પર આવતાની સાથે જ ભારતીય ચાહકોએ "ભારત માતા કી જય" ના નારા લગાવવા લાગ્યા હતા.
ભારતીય ટીમ મૅનેજમેન્ટે કહ્યું છે કે તેઓ મોહસીન નકવી પાસેથી એશિયા કપ અને મેડલ સ્વીકારવા માંગતા નથી. આ કારણે, ઇનામ વિતરણ સમારોહ મધ્યરાત્રિ સુધી ન થઈ શક્યો.
મોડી રાત્રે શરૂ થયેલા ઇનામ વિતરણ સમારોહમાં, પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાએ નકવી પાસેથી રનર્સ-અપ ટીમનો ચેક મેળવ્યો હતો.
ઍવૉર્ડ સમારોહ પછી પત્રકારો સાથે વાત કરતા ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, "મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી આ પહેલી વાર છે જ્યારે મેં કોઈ વિજેતા ટીમને ટ્રૉફી લેવાનો ઇનકાર કરતા જોઈ છે. મારી ટ્રૉફી (ખેલાડીઓ) ચેન્જિંગ રૂમમાં પડી છે. 14 ખેલાડીઓ, કોચ અને સહાયકો આ શ્રેણીના વાસ્તવિક વિજેતા છે."
ત્યારે પાકિસ્તાનની ટીમના કૅપ્ટન સલમાન આગાએ ભારતીય ટીમના વલણની ટીકા કરી હતી .
તેમણે કહ્યું હતું કે, "આ શ્રેણીમાં ભારતીય ટીમે જે રીતે વર્તન કર્યું છે તે નિરાશાજનક છે. ભારતીય ટીમનો હાથ મિલાવવાનો ઇનકાર અમારા માટે અપમાનજનક નથી, તે ક્રિકેટનું અપમાન છે. અમે ટ્રૉફી સાથે ટીમનો ફોટો ખેંચાવીને અમારી ફરજ બજાવી."
સલમાન આગાએ સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવ્યો કે જેમણે શ્રેણી શરૂ થતાં પહેલાં તેમની સાથે વ્યક્તિગત રીતે હાથ મિલાવ્યો હતો, તેમણે કેમેરા સામે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું કે તેમણે બહારથી આવેલા આદેશ પર આ રીતે કામ કર્યું હતું. જ્યારેે, સૂર્યકુમારે કહ્યું કે નકવી પાસેથી ટ્રૉફી ન લેવી એ ટીમનો નિર્ણય હતો અને કહ્યું કે કોઈએ તેમને આ રીતે વર્તવાની સૂચના આપી ન હતી.
5. ભારત-પાક વચ્ચે ફોટોશૂટ નહીં
પહેલગામમાં થયેલા હુમલા બાદ, ભારતે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાન સાથે વાતચીત કરી ન હતી.
ફાઇનલમાં ભારત અનેપાકિસ્તાન વચ્ચે કોઈ ફોટોશૂટ થયું ન હતું.
ટીમ ઇન્ડિયાને પાકિસ્તાની ટીમ સાથે પ્રી-ફાઇનલ ફોટોશૂટ કરવામાં રસ દાખવ્યો ન હતો અને ફાઇનલ ફોટોશૂટમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે આ ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમો વચ્ચે અનેક વિવાદો થયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન