You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એશિયા કપ : ભારતનો પાકિસ્તાન સામે વિજય, અભિષેક-ગિલની તોફાની ઇનિંગ, સાહિબજાદા ફરહાનના 'ગન સેલિબ્રેશન' પર કેમ ઊઠી રહ્યા છે સવાલ?
દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની સુપર-4 મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.
અભિષેક શર્મા અને શુભમન ગિલની તોફાની ઇનિંગની સામે પાકિસ્તાનના બૉલરોને હાવી થવાની તક નહોતી મળી.
એશિયા કપના સુપર-4 મુકાબલામાં પાકિસ્તાને ભારત સામે જીતવા માટે 172 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેને ભારતે 19મી ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું હતું.
અગાઉ ગ્રૂપ મૅચમાં ભારતે સાત વિકેટે જીત હાંસલ કરી હતી.
અભિષેક શર્માએ 39 બૉલમાં 74 રનની તોફાની પારી રમી હતી. ગિલ અર્ધસદી ચૂકી ગયા હતા. તેઓ 47 રન બનાવીને આઉટ થયા હતા. બંને વચ્ચે 105 રનની ભાગેદારી થઈ હતી. બંનેએ છક્કા અને ચોક્કાની વણઝાર લગાવી હતી.
અભિષેક શર્માએ પોતાની ઇનિંગમાં 5 છક્કા અને 6 ચોક્કા લગાવ્યા. અભિષેક શર્મા આઉટ થયા બાદ આવેલા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પણ જલદી આઉટ થઈ ગયા હતા. પછી તિલક અને સંજૂ સૅમસને પારી સંભાળવાની કોશિશ કરી પરંતુ સંજૂ સૅમસન 13 રન બનાવી આઉટ થઈ ગયા. ત્યાર બાદ આવેલા હાર્દિકે તિલક સાથે મળીને ભારતને જીત અપાવી હતી.
સાહિબજાઝા ફરહાનનું સેલિબ્રેશન ચર્ચામાં
આ પહેલાં પાકિસ્તાને ભારત સામે જીત માટે 172 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ઓપનર સાહિબજાદા ફરહાનની અર્ધસદીની મદદથી પાકિસ્તાને 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા.
જોકે, આ પહેલાં ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ફરીથી બંને ટીમના કૅપ્ટનોએ હાથ મિલાવ્યા નહોતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૉસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલા પાકિસ્તાની બૅટ્સમૅનોની શરૂઆત સારી રહી હતી. પાકિસ્તાને આ વખતે ઓપનિંગમાં બદલાવ કર્યો હતો. તેણે ઓપનિંગમાં સાહિબજાદા ફરહાનની સાથે સઇમ અયૂબને બદલે ફખર ઝમાનને બેટિંગ માટે મોકલ્યા હતા.
બંને ટિમો વચ્ચે રમાયેલી અગાઉની મૅચ કરતાં પાકિસ્તાને સારી શરૂઆત કરી હતી. પરંતુ ફખર ઝમાન માત્ર 9 બૉલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. હાર્દિક પંડ્યાએ તેમને પેવેલિયન ભેગા કર્યા હતા.
પાકિસ્તાનની પહેલી વિકેટ 2.3 ઓવરમાં માત્ર 21 રનના સ્કોર પર પડી ગઈ.
પહેલી પાંચ ઓવરમાં ભારતીય ફિલ્ડરોએ પાકિસ્તાની બૅટ્સમૅનોના બે કૅચ છોડ્યા હતા. પહેલી જ ઓવરના ત્રીજા બૉલ પર અભિષેક શર્માએ સાહિબજાદા ફરહાનનો કૅચ છોડ્યો હતો. આ કૅચ ભારતને બહુ ભારે પડ્યો હતો. ચોથી ઓવરની ચોથા બૉલ પર કુલદીપ યાદવે સઇમ અયૂબનો કૅચ છોડ્યો હતો.
પાવરપ્લેમાં બુમરાહ બેઅસર સાબિત થયા હતા. તેમણે ત્રણ ઓવરમાં 34 રન આપ્યા હતા. પાકિસ્તાને 6ઠ્ઠી ઓવરમાં એક વિકેટના ભોગે 55 રન બનાવી દીધા હતા.
સાતમી ઓવરના ત્રીજા બૉલ પર અભિષેક શર્માએ બાઉન્ડ્રી પર ફરહાનનો કૅચ છોડ્યો. ફરહાનને મળેલી આ તકનો ફાયદો ઉઠાવ્યો. તેણે 34 બૉલમાં એક છક્કા સાથે પોતાની અર્ધસદી પૂર્ણ કરી.
જ્યારે ફરહાને અર્ધસદી ફટકારી ત્યારે તેમણે જે પ્રકારે સેલિબ્રેશન કર્યું તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યું. તેમણે બેટને બંદૂકની માફક પકડીને ગન ચલાવતા હોય તે પ્રકારે સેલિબ્રેશન કર્યું હતું. સોશિયલ મીડિયામાં આ સેલિબ્રેશન 'Gun Celebration' તરીકે વાઇરલ થઈ ગયું.
કૉંગ્રેસ સહિતના તમામ વિપક્ષોએ આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
સેલિબ્રેશન સામે સવાલ
કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પાકિસ્તાની બૅટ્સમૅન સાહિબજાદા ફરહાને કરેલા સેલિબ્રેશન પર સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "શાબાશ મોદી જી, બસ આ જ જોવાનું બાકી હતું, તેથી રમાડતા હતા ક્રિકેટ? તેમની હિંમત કેવી રીતે થઈ આવું કરવાની? નરેન્દ્ર મોદી એક કમજોર વડા પ્રધાન છે."
શિવસેના (યુબીટી)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ લખ્યું, "અભિનંદન બીસીસીઆઈ, આશા છે કે આ તસવીરો તમને ઘણી સંતુષ્ટી આપશે. અને દેશની ઑલિમ્પિક ભાવનાઓ પર કોઈ અસર નહીં પડે. આ વાત પરેશાન કરનારી છે, પરંતુ એ લોકો માટે નહીં જે ખૂનની સામે પૈસા કમાવવામાં વ્યસ્ત છે."
નેતાઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ પણ ફરહાનના રિઍક્શન મામલે પોસ્ટ કરતા જોવા મળ્યા.
જોકે, એવું નથી કે ક્રિકેટના મેદાન પર આ પ્રકારનું સેલિબ્રેશન પહેલી વખત થયું હોય. વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની આ પ્રકારનું સેલિબ્રેશન મનાવી ચૂક્યા છે. આઈપીએલના મુકાબલામાં દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન રિલી રોસોએ પણ ફરહાનની માફક સેલિબ્રેશન કર્યું હતું.
ભારતે છોડ્યા કુલ ચાર કૅચ
મૅચમાં ફરહાનની આ પારી પાકિસ્તાન માટે મહત્ત્વની સાબિત થઈ. તેમણે જે આક્રમક અંદાજમાં બેટિંગ કરી તેને કારણે જ પાકિસ્તાનની મજબૂત શરૂઆત થઈ હતી. તેઓ અર્ધસદીના સેલિબ્રેશન બાદ વધુ રમી શક્યા નહોતા.
શિવમ દુબેએ ફરહાન અને સઇમ વચ્ચે બીજી વિકેટ માટે થયેલી 72 રનની ભાગીદારીને તોડી હતી. 10.3 ઓવરમાં પાકિસ્તાને 93ના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. સઇમે 21 રન બનાવ્યા હતા.
14મી ઓવરમાં પહેલા બૉલ પર કુલદીપ યાદવે હુસૈન તલતને આઉટ કર્યા. પાકિસ્તાને 110 રનના સ્કોરે ત્રીજી વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાની બેટિંગ ઑર્ડરમાં એક બદલાવ જોવા મળ્યો. મહોમ્મદ નવાઝ પાંચમા ક્રમાંકે બેટિંગ કરવા આવ્યા હતા.
15મી ઓવરમાં ફરહાનને શિવમ દુબેએ પેવેલિયન ભેગા કર્યા. પાકિસ્તાને 115 રને ચોથી વિકેટ ગુમાવી હતી. ફરહાને 45 બૉલમાં 58 રનની પારી રમી હતી.
શિવમ દુબેએ ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
19મી ઓવરના પાંચમા બૉલ પર શુભમન ગિલે ફહીમ અશરફનો એક કૅચ છોડ્યો હતો. જોકે, પાકિસ્તાન 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 171 રન બનાવી શક્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન