પરેશ રાવલ 'હેરા ફેરી 3'માં નહીં હોય, સુનીલ શેટ્ટીએ કહ્યું - 'બાબુરાવ' વગર ફિલ્મ ન બની શકે

ઇમેજ સ્રોત, Youtube/Shemaroo
ફિલ્મ અભિનેતા પરેશ રાવલ 'હેરા ફેરી 3'માંથી નીકળી ગયા પછી વિવાદ થયો છે. પરેશ રાવલે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે 'તેઓ આ ફિલ્મથી અલગ થઈ રહ્યા છે.'
હવે ફિલ્મના મુખ્ય કલાકારોમાંથી એક સુનીલ શેટ્ટીએ કહ્યું છે કે પરેશ રાવલ વગર આ ફિલ્મ બનાવવી શક્ય જ નથી. જ્યારે ફિલ્મના પ્રથમ પાર્ટના ડાયરેક્ટર પ્રિયદર્શને પણ પરેશ રાવલના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
'હેરા ફેરી 3' છોડવાના કારણે અક્ષયકુમારે પરેશ રાવલને 25 કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલી છે તેવા અહેવાલ પછી વિવાદ વધ્યો છે.
જોકે, બીબીસી પાસે આ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી.
વર્ષ 2000માં 'હેરા ફેરી' પહેલી વખત આવી ત્યારે તેમાં પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને અક્ષયકુમાર હતા. આ ફિલ્મ હિટ રહી અને 2006માં તેની સિક્વલ 'ફિર હેરા ફેરી' આવી હતી.
પરેશ રાવલે 'હેરા ફેરી' વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર હતા કે 'હેરા ફેરી 3'માં પરેશ રાવલ નહીં હોય. ગયા રવિવારે પરેશ રાવલે જાતે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી.
આ ફિલ્મમાં તેમણે 'બાબુરાવ'ની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરેશ રાવલે લલ્લનટૉપને આપેલી મુલાકાતમાં 'હેરા ફેરી 3'માં કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી.
તેમણે વાતચીત દરમિયાન આ ફિલ્મમાં પોતાની ભૂમિકા અને અભિનયને 'ગળાનો ફંદો' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ ફિલ્મનો પાર્ટ-ટુ આવ્યા પછી હવે તેઓ પોતાની છબિમાંથી છૂટકારો ઇચ્છે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે ફિલ્મમાં અભિનય કરવાની મજા તો આવે છે, પણ તે બંધન કરનાર બાબત છે. પરેશ રાવલે કહ્યું કે "તમે સિક્વલમાં કામ કરો ત્યારે તમે ગરબડ કરો છો."
આ જ ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલને પૂછવામાં આવ્યું હતું કે શું અક્ષયકુમાર તમારા મિત્ર છે, તેનો જવાબ તેમણે 'હા'માં આપ્યો હતો. પછી તેમણે કહ્યું, "ફિલ્મ ઉદ્યોગમાં સહયોગી હોય છે, થિયેટરમાં મિત્ર હોય છે, સ્કૂલમાં જિગરજાન દોસ્ત હોય છે અને ફિલ્મમાં સમવ્યવસાયી હોય છે."
ત્યાર પછી રવિવારે ઍક્સ પર પરેશ રાવલે એક પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, "હેરા ફેરી 3થી અલગ થવાનો મારો નિર્ણય ક્રિયેટિવ ડિફરન્સના કારણે નથી. હું ફરી કહું છું કે ફિલ્મમૅકર સાથે મારા કોઈ મતભેદ નથી. ફિલ્મના ડાયરેક્ટર પ્રિયદર્શન પ્રત્યે મારા મનમાં પ્રેમ, સન્માન અને ભરોસો છે."
સુનીલ શેટ્ટીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુનીલ શેટ્ટી આજકાલ પોતાની ફિલ્મ 'કેસરી વીરઃ ધ લૅજન્ડ ઑફ સોમનાથ'નું પ્રમોશન કરે છે. તેમને આના વિશે પૂછવામાં આવ્યું તો તેમને નવાઈ લાગી હતી.
તેમણે કહ્યું કે, "મારા માટે આ એક મોટો આંચકો છે. મને કાલે જ આ વાતની ખબર પડી અને હું ભાંગી પડ્યો છું. કારણકે આ ફિલ્મ હેરા ફેરી એ હું બેચેનીથી રાહ જોતો હોઉં તેવી ફિલ્મ હતી. તે 100 ટકા પરેશ રાવલ વગર ન બની શકે. હા, એક ટકા મારા કે અક્ષય વગર તે બની શકે છે. બાબુ ભૈયાએ રાજુ અને શ્યામની ધોલાઈ કરી ન હોત તો આ ફિલ્મ ચાલી ન હોત."
બીજા એક કાર્યક્રમમાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે "મને વિશ્વાસ છે કે બધું ઠીક થઈ જશે... પરંતુ મને કંઈ ખબર ન હતી. મને પણ મીડિયા મારફત જ આના વિશે ખબર પડી છે."
તેમણે કહ્યું કે, "હું આશા રાખું કે બધું ઝડપથી ઠીક થઈ જશે, ભલે ફિલ્મ ન બને પરંતુ હું પરેશ અને અક્ષય વચ્ચે કોઈ દુશ્મની નથી ઇચ્છતો."
ટાઇમ્સ નાઉને આપેલા ઇન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે, "મેં પરેશ રાવલને ફોન કર્યો હતો. પરંતુ તેઓ ખુશ નહોતા લાગતા અને કહ્યું કે આપણે વાત કરીશું. તો મેં પણ વાત ત્યાં જ છોડી દીધી."
સુનીલ શેટ્ટીએ પણ કહ્યું કે તેમણે અક્ષયકુમાર સાથે પણ વાત કરી હતી. પરંતુ તેમને આ બધાનો અંદાજ ન હતો.
અક્ષયકુમારની નોટિસ અને પ્રિયદર્શનનો પ્રતિભાવ

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સમાં એક એક્સક્લૂઝિવ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અક્ષયકુમારે પોતાના પ્રોડક્શન હાઉસ કૅપ ઑફ ગુડ ફિલ્મ્સ દ્વારા પરેશ રાવલને 25 કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલી છે.
સમાચાર મુજબ પરેશ રાવલને તેમનાં બિનપ્રૉફેશનલ વલણ, લીગલ કૉન્ટ્રૅક્ટ સાઇન કરીને પછી શૂટિંગ શરૂ થયા બાદ ફિલ્મ છોડી દેવાના કારણે નોટિસ મોકલવામાં આવી છે.
હિંદુસ્તાન ટાઇમ્સે આ વિશે હેરા ફેરીના પ્રથમ પાર્ટના નિર્દેશક પ્રિયદર્શનનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે અક્ષય પાસે કાયદાકીય પગલાં લેવાનો અધિકાર છે કારણકે તેમના રૂપિયા આ ફિલ્મમાં રોકાયેલા છે. તેમણે કહ્યું કે, "અક્ષયકુમારે ફિલ્મના પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા પાસેથી તેના રાઇટ્સ ખરીદ્યા હતા."
તેમણે કહ્યું કે, "આવું કેમ થયું તે હું નથી જાણતો કારણકે પરેશ રાવલે અમને કોઈ સૂચના નહોતી આપી. ફિલ્મ શરૂ કરતા પહેલાં અક્ષયે મને કહ્યું કે હું પરેશ અને સુનીલને આ વિશે પૂછું અને મેં એમ કર્યું. બંને તૈયાર હતા."
પ્રિયદર્શને કહ્યું, "મારે કંઈ ગુમાવવાનું નથી પરંતુ અક્ષયે રૂપિયા લગાવ્યા છે. આ કારણથી તેમણે કાર્યવાહી કરી. પરેશ રાવલે મારી સાથે હજુ સુધી કોઈ વાત નથી કરી."
હિંદુસ્તાન ટાઇમ્સે આ રિપોર્ટમાં જણાવ્યું કે તેમણે પરેશ રાવલ પાસે ટિપ્પણી માંગી હતી. તેના પર તેમણે કહ્યું કે, "મારી પાસે આ વિશે કોઈ માહિતી નથી."
સોશિયલ મીડિયા પર કેવી પ્રતિક્રિયા આવી?

ઇમેજ સ્રોત, Base Industries Group
પરેશ રાવલે હેરા ફેરી 3માંથી નીકળી જવાની વાત કરી તેના કારણે ફિલ્મના પ્રશંસકો નિરાશ થયા છે.
એક યુઝરે સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર લખ્યું કે, "હેરા ફેરી 3ને લઈને જે વાતો આવે છે તે ઉકેલાઈ જશે એવી આશા રાખું છું. આ ત્રણેય (પરેશ રાવલ, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી)માં જ અસલ જાદુ છે. તેના વગર આ આઇકૉનિક ફિલ્મ નબળી પડી જશે."
બીજા એક યુઝરે લખ્યું છે, "હેરા ફેરીમાં જ હેરા ફેરી થઈ ગઈ. બાબુ ભૈયા વગરની ફિલ્મ કેવી હશે?"
એક યુઝર લખે છે, "બાબુ ભૈયા વગર ફિલ્મમાં મજા નહીં આવે."
બીજા એક ઍક્સ યુઝરે લખ્યું છે, "પરેશ રાવલ વગર હેરા ફેરી એવી લાગશે જાણે ઘંટ વગરનું મંદિર અથવા ખાંડ વગરની ચા. બાબુ ભૈયાનું નિર્દોષપણું, ચતુરાઈ અને હાસ્યએ ફિલ્મને અમર બનાવી દીધી. તેમની ડાયલૉગ ડિલિવરી અને કૉમિક ટાઇમિંગ હૃદયમાં વસી ગયા છે. તે પાત્ર નહીં પણ એક લાગણી છે, જેમના વગર હાસ્ય પણ અધુરું લાગશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












