અદાણી સાથેનો કરાર કેન્યાએ રદ કેમ કર્યો, ભારત પર શું અસર થશે?

ગૌતમ અદાણી પર અમેરિકામાં લાગેલા આક્ષેપોની અસર ભારતથી લઈ કેન્યા સુધી સ્પષ્ટ દેખાઈ રહી છે.

કેન્યાએ ગુરુવારે અચાનક અદાણી જૂથના નૈરોબી ઍરપૉર્ટના વિસ્તાર અને ઊર્જા સૅક્ટરના કરારને રદ કરવાનો નિર્ણય લીધો હતો.

અદાણી જૂથના પ્રોજેક્ટને લઈને નૈરોબીમાં ખૂબ વિવાદ થયો હતો.

જો કેન્યામાં અદાણી જૂથને ઍરપૉર્ટની ડીલ મળી હોત તો તેને 30 વર્ષ માટે નૈરોબી ઍરપૉર્ટના સંચાલનની જવાબદારી સંભાળવાની હતી.

કેન્યાના નૈરોબી ઍરપૉર્ટના કર્મચારીઓએ અદાણી જૂથ સાથેની ઍરપૉર્ટની ડીલનો વિરોધ કર્યો હતો, કારણ કે નૈરોબીમાં કર્મચારીઓને ચિંતા હતી કે અદાણીને ઍરપૉર્ટની જવાબદારી મળ્યા બાદ તેમની નોકરી જોખમમાં મુકાઈ શકે છે.

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ ગુરુવારે અદાણી સાથેના કરારને રદ કરવાની જાહેરાત કરી ત્યારે અનેક સવાલો સામે આવવા લાગ્યા હતા.

કેન્યામાં ઍરપૉર્ટ કર્મચારીઓ સાથે ત્યાંના વિપક્ષે પણ અદાણી જૂથ સાથેના કરારને લઈને રાષ્ટ્રપતિ વિલિયમ રુટોને નિશાન બનાવ્યા હતા.

કેન્યાના કાર્યકર નેતા મોરારો કેબાસોએ આ વર્ષે 31 ઑગસ્ટના રોજ તેમના ઍક્સ એકાઉન્ટ પર લખ્યું, "ભ્રષ્ટ ભારતીયો આખરે અહીં પણ આવી ગયા છે. હું વિશ્વાસ કરી શકતો નથી કે આ બધું થઈ રહ્યું છે. અમારા રાષ્ટ્રપતિ કેન્યાને ખૂબ પ્રેમ કરે છે, તેણે 30 વર્ષ માટે ઍરપૉર્ટ અદાણીને આપી દીધું. અદાણી સાંભળી લો જો 2027માં હું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવીશ તો તમારે અહીંથી ભાગવું પડશે. અમે ભ્રષ્ટાચારને નફરત કરીએ છીએ, એટલે જ તમને પણ નફરત કરીએ છીએ."

અદાણી સાથેના કરાર રદ થયા પછી પણ અનેક સવાલો

કેન્યાના રાષ્ટ્રપતિએ ભલે જ અદાણી સાથે કરાર રદ કરી દીધા હોય, પરંતુ ત્યાંના મીડિયામાં અનેક બીજા સવાલો પુછાઈ રહ્યા છે.

કેન્યાના વિખ્યાત અંગ્રેજી અખબાર નૅશને લખ્યું કે અદાણી સાથે કેન્યાના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ 79 કરોડ ડૉલરની ડીલ કરી છે પણ રાષ્ટ્રપતિએ આ મુદ્દે મૌન રાખ્યું છે.

ગુરુવારે કેન્યાના કેટલાક નેતાઓએ આરોગ્ય મંત્રાલય સાથે અદાણીની ડીલ અંગે સરકારના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્યાના સીમના સાંસદ ડૉ. જૅમ્સ નેકલ ત્યાંની સંસદમાં આરોગ્ય સમિતિના સભ્ય પણ છે. તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રાલય દ્વારા અદાણી સાથે કરવામાં આવેલી ડીલ પર સરકાર પણ મૌન છે.

જોકે કેન્યાના મીડિયામાં અદાણી સાથેનો કરાર રદ કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ મજબૂરીમાં લીધેલો નિર્ણય છે તેવું કહેવામાં આવ્યું.

અદાણી ઍનર્જી સૉલ્યુશન્સે ઑક્ટોબરમાં કેન્યા ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની સાથે આશરે 74 કરોડ ડૉલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ અંતર્ગત અદાણી ગ્રૂપે ચાર ટ્રાન્સમિશન લાઇન અને બે સબસ્ટેશન બનાવવાનાં હતાં. તેના બદલામાં અદાણી ગ્રૂપને 30 વર્ષ સુધી કામગીરીની જવાબદારી મળવાની હતી.

આ સિવાય અદાણી જૂથ વધુ એક ડીલ ફાઇનલ કરવાની હતી. એ ડીલ કેન્યાની ઍરપૉર્ટ ઑથૉરિટી સાથે એક અબજ 82 કરોડ ડૉલરની હતી.

એ અંતર્ગત અદાણી ગ્રૂપે જોમો કેન્યાટા ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટનું વિસ્તરણ કરવાનું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે કેન્યાએ કરાર રદ કરવાની જાહેરાત કરી હોવા છતાં તેને કિંમત ચૂકવવી પડી શકે છે, કારણ કે ડીલ ફાઇનલ હતી અને તેને તોડવાનો અર્થ એ થશે કે કાનૂની નિયમોનું પાલન ન કરવું.

ભારત માટે ઝટકો

કેન્યાના આ નિર્ણયને કેટલાક લોકો ભારત માટે એક ઝટકા સમાન માની રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે અદાણીનો વિદેશમાં પગપેસારો ભારતની વૈશ્વિક ઊંચાઈ સાથે સીધી રીતે જોડાયેલો છે.

દક્ષિણ એશિયામાં ભારતને ચીન સાથે આકરી પ્રતિસ્પર્ધા મળી રહી છે. ચીનની મહત્ત્વાકાંક્ષી પરિયોજના બેલ્ટ ઍન્ડ રોડમાં ભૂતાનને છોડી ભારતના બધા પાડોશી દેશ સામેલ છે.

આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત કાંતિ બાજપેઈ પણ એવી દલીલ કરી રહ્યા છે કે ભારતને ચીનનો સામનો કરવા માટે અદાણી જેવી ખાનગી કંપનીની જરૂર છે. અદાણીનો વૈશ્વિક ઉદય ભારતના વૈશ્વિક આર્થિક પ્રભાવ સાથે જોડાયેલો છે.

કેન્યાના કરાર રદ કરવા પર ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે લખ્યું, "બાંગ્લાદેશની જેમ અમેરિકાએ કેન્યામાં ભારતનાં હિતોને ઝટકો આપ્યો છે. કેન્યાએ અદાણી સાથે કરાર રદ કરી આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ ચીન માટે છે."

કંવલ સિબ્બલ કહેવા માગે છે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ભારતને પસંદ હતી અને અમેરિકાને એ પસંદ નહોતું. અમેરિકા શેખ હસીનાને સતત માનવાધિકાર અને લોકતંત્રને લઈ નિશાન બનાવતું હતું.

અમેરિકા પર શંકા

બાંગ્લાદેશની છેલ્લી સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસને બાઇડન સરકારના માનીતા કહેવાય છે પરંતુ તેમના આવવાથી ભારતની અસહજતા વધી છે.

વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ ઍક્સ પર પોસ્ટ કર્યું, "અદાણી અને અન્ય લોકો પર ભારતમાં કથિત લાંચ લેવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે પરંતુ અમેરિકામાં તેમની સામે આરોપો મુકાઈ રહ્યા છે. અમેરિકા ઇચ્છે છે કે તે તેના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે અદાણીએ અમેરિકન રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કર્યાં હતાં. નિજ્જર અને પન્નુ કેસની જેમ મોદી સરકાર પર દબાણ કરવાની કોશિશ કરાઈ રહી છે."

કંવલ સિબ્બલે આખી ઘટના વિશે લખ્યું છે, "અદાણી પર આરોપ છે કે તે કૉંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીની સરકારવાળાં રાજ્યોમાં લાંચની ઘટનામાં સામેલ હતા. લાંચના આરોપ ભારતીયો પર છે, ન કે અમેરિકી નાગરિકો પર. કથિત ભ્રષ્ટાચાર ભારતમાં થયો છે."

"કોઈ પણ પ્રકારની તપાસ ભારતમાં થવી જોઈએ. જે અમેરિકામાં પ્રભાવિત થયા છે, તેઓ પણ ભારતની ન્યાયિક પ્રણાલીમાં આવવા જોઈએ. આ ઘટના અમેરિકાના ન્યાયિક અધિકાર ક્ષેત્રની નથી. જ્યાં સુધી કોઈ ભારતીય અમેરિકામાં ગુનો ન કરે ત્યાં સુધી અમેરિકન ન્યાયતંત્ર હેઠળ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમેરિકન ન્યાય પ્રણાલીનું ખૂબ જ રાજનીતિકરણ થઈ ગયું છે.

અદાણીના પ્રોજેક્ટને લઈ કેન્યા સિવાય શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશમાં પણ વિવાદ થયો છે.

જૂન 2022માં શ્રીલંકાના સીલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ CEBના અધ્યક્ષે સંસદીય સમિતિની સામે એવું નિવેદન આપ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશમાં એક વીજળીની પરિયોજના અદાણી જૂથને દેવા માટે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પર 'દબાણ' કર્યું હતું.

CEBના અધ્યક્ષ MMC ફર્ડિનાન્ડોએ 10 જૂન 2022ના રોજ સંસદની જાહેર ઉદ્યોગની સમિતિને જણાવ્યું હતું કે મન્નાર જિલ્લામાં વિન્ડ પાવર પ્લાન્ટનું ટૅન્ડર ભારતના અદાણી જૂથને આપવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પર આ ડીલ અદાણીને દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

ફર્ડિનાન્ડોએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે મને જણાવ્યું હતું કે આ ટૅન્ડર અદાણીને આપવામાં આવ્યું છે, કારણ કે એવું કરવા ભારત સરકારે દબાણ કર્યું હતું.

સંસદીય સમિતિ સામે ફર્ડિનાન્ડોએ કહ્યું કે, "ગોટાબાયા રાજપક્ષે મને જણાવ્યું હતું કે તે મોદીના દબાણમાં છે."

જોકે અદાણી જૂથે આ આક્ષેપોને નકારી દીધા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.