You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં મોદી-અદાણી તથા પાવર પ્રોજેક્ટ મુદ્દે રાજકીય ભૂકંપ કેમ આવ્યો?
- શ્રીલંકામાં અદાણી ગ્રૂપને પાવર પ્રોજેક્ટ આપવા અંગે ત્યાંના વરિષ્ઠ અધિકારીનું મોટું નિવેદન
- શ્રીલંકાની સરકાર અને રાષ્ટ્રપતિ ગોટાબાયાએ પોતાના જ અધિકારીના દાવાને ફગાવી દીધો
- રાહુલ ગાંધીએ પણ કટાક્ષ કર્યો, કહ્યું- સરહદ પાર પણ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાની આ છે ભાજપની નીતિ
- આ પછી અધિકારીએ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું, કહ્યું- લાગણીમાં આવીને આપવામાં આવ્યું હતું નિવેદન
- અદાણી સમૂહે આખા વિવાદ પર હતાશા વ્યક્ત કરી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમદાવાદસ્થિત અદાણી જૂથના કારણે શ્રીલંકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
શ્રીલંકાના સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (સીઈબી)ના અધ્યક્ષે સંસદીય સમિતિ સમક્ષ નિવેદન આપ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અદાણી ગ્રૂપને પડોશી દેશમાં ઊર્જા પ્રોજેક્ટ અપાવવા માટે પ્રમુખ ગોટાબાયા રાજપક્ષે પર "દબાણ" કર્યું હતું.
જોકે, તેના એક દિવસ પછી, વિવાદ ઊભો થતો જોઈને, સીઈબી અધ્યક્ષે રવિવારે નિવેદન પાછું ખેંચ્યું હતું, એટલું જ નહીં ખુદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ પણ આ આરોપોને નકારી કાઢ્યા.
ભારત સરકારે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આપી, જ્યારે અદાણી જૂથે સમગ્ર વિવાદને 'હતાશ કરનાર' ગણાવ્યો છે.
આ મામલામાં હવે અદાણી કંપનીના પ્રવક્તાએ એક નિવેદન આપ્યું છે, "શ્રીલંકામાં રોકાણનો અમારો ઇરાદો પાડોશી દેશની જરૂરિયાતને પૂરી કરવાનો પ્રયાસ છે. એક જવાબદાર કંપનીની જેમ આને અમે બંને દેશો વચ્ચે ભાગીદારીનો મહત્ત્વનો ભાગ માનીએ છીએ."
કંપનીએ કહ્યું છે કે, "આ મુદ્દાની ચર્ચા જે રીતે થઈ તેનાથી અમને હતાશા થઈ છે. સત્ય એ છે કે આ મુદ્દે શ્રીલંકાની સરકાર પહેલાં જ સ્પષ્ટતા કરી ચૂકી છે."
જોકે શ્રીલંકામાં શરૂ થયેલા આ વિવાદને લઈને ભારતમાં વિપક્ષે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
કૉંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ આ નિવેદનને લગતા એક સમાચારનો સ્ક્રીનશોટ શૅર કરતાં ટ્વીટ કર્યું, "ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાની ભાજપની નીતિ હવે સરહદ પાર કરીને શ્રીલંકા સુધી પહોંચી ગઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ શ્રીલંકાના વિદ્યુત પ્રાધિકરણના વડાના નિવેદનના સમાચાર શૅર કર્યા અને સવાલ કર્યો કે 'શું આ ભ્રષ્ટાચાર નથી.'
શ્રીલંકા લાંબા સમયથી ગંભીર આર્થિક સંકટમાં ઘેરાયેલું છે. ત્યાં લોકોને ખાદ્યપદાર્થો અને પેટ્રોલ-ડીઝલ જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવા ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સંકટના આ સમયમાં ભારત શ્રીલંકાને આર્થિક મદદ કરી રહ્યું છે.
શ્રીલંકાના ઊર્જા પ્રમુખનો આરોપ અને રાષ્ટ્રપતિ ગોટાબાયાનો જવાબ
સીઈબીના અધ્યક્ષ એમએમસી ફર્ડિનાન્ડોએ શુક્રવારે એટલે કે 10 જૂનના રોજ સંસદની જાહેર સાહસોની સમિતિને જણાવ્યું હતું કે મન્નાર જિલ્લામાં વિંડ પાવર પ્લાન્ટ માટેનું ટૅન્ડર ભારતના અદાણી ગ્રૂપને આપવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે અદાણી ગ્રૂપને આ પ્રોજેક્ટ અપાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પર દબાણ કરવામાં આવ્યું હતું.
ફર્ડિનાન્ડોએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમને કહ્યું હતું કે અદાણી ગ્રૂપને ટૅન્ડર આપવામાં આવ્યું હતું કારણ કે ભારત સરકાર તરફથી દબાણ છે.
સંસદીય સમિતિની સામે, ફર્ડિનાન્ડોને એમ કહેતાં સાંભળી શકાય છે કે, "રાજપક્ષેએ મને કહ્યું હતું કે તેઓ મોદીના દબાણમાં છે."
જોકે તેના એક દિવસ પછી 11 જૂનની સાંજે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ આ આરોપોને સંપૂર્ણ રીતે ફગાવી દીધા.
તેમણે ટ્વીટ કર્યું, "હું સંસદીય સમિતિ સમક્ષ મન્નાર વિન્ડ પાવર પ્રોજેક્ટને લઈને સીઈબીના અધ્યક્ષના નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢું છું. આ પ્રોજેક્ટ કોઈ ખાસ વ્યક્તિ અથવા ઉદ્યોગને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો નથી. હું આશા રાખું કે આ સંદર્ભે વિશ્વસનીય ચર્ચા કરવામાં આવે."
"નિવેદન ભાવુક થઈને આપ્યું હતું"
સમિતિ સમક્ષ હાજર થયાના એક દિવસ પછી, ફર્ડિનાન્ડોએ તેમનું નિવેદન પાછું ખેંચી લીધું.
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના સમાચાર અનુસાર, ફર્ડિનાન્ડોએ દાવો કર્યો હતો કે તેમને પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નોના કારણે તે 'ભાવુક થઈ ગયા હતા'.
ગોટાબાયા રાજપક્ષેના ટ્વીટ બાદ તેમની ઑફિસે પણ આ મુદ્દે વિગતવાર નિવેદન બહાર પાડ્યું છે.
તેમાં ફરી એકવાર સીઈબી ચીફના નિવેદનને નકારતાં કહેવામાં આવ્યું કે, "શ્રીલંકા હાલમાં ગંભીર ઊર્જા કટોકટીનો સામનો કરી રહ્યું છે અને રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે મેગા પાવર પ્રોજેક્ટ શક્ય તેટલી વહેલી તકે ચાલુ થઈ જાય."
તેમણે ઉમેર્યું છે, "અલબત્ત, આ પરિયોજનાને લઈને કોઈ દબાણ ઊભું કરવામાં આવ્યું નથી. આ ટૅન્ડરો એવી કંપનીઓને આપવામાં આવે છે જે શ્રીલંકા સરકાર દ્વારા નિર્ધારિત નિષ્પક્ષ અને પારદર્શક પ્રણાલીનું ચુસ્તપણે પાલન કરે છે."
'એનડીટીવી'ના અહેવાલ મુજબ, નિવેદનના ત્રણ દિવસ બાદ સીઈબીના વડાએ તેમનું પદ છોડી દીધું છે.
તેમણે રાજીનામું આપ્યું કે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, તે અટકળોનો વિષય છે.
અન્ય એક અહેવાલમાં એનડીટીવીએ ફર્નાન્ડોના પત્રને પ્રકાશિત કર્યો છે, જે તેમણે તત્કાલીન નાણાસચિવને લખેલો છે.
જેમાં તેઓ પવનઊર્જા પ્રોજેક્ટ વિશે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને ભારતના વડા પ્રધાન વચ્ચે વાત થઈ હોવાની ધારણા સેવી રહ્યા છે, તથા અદાણી જૂથે નોંધપાત્ર સીધું વિદેશી મૂડીરોકાણ કરવાની ખાતરી ઉચ્ચારી હોવાની વાત પણ કહી છે.
અદાણી જૂથના પ્રવક્તાને ટાંકતાં એનડીટીવી લખે છે, "અમે મૂલ્યવાન પાડોશી તરીકે શ્રીલંકાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ત્યાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો. સમગ્ર વિવાદથી અમે 'હતાશ' થયા છીએ. હવે, શ્રીલંકાની સરકારે તેનું આંતરિક રીતે નિરાકરણ લાવી દીધું. "
બીજી તરફ આ સમગ્ર વિવાદ અંગે ભારત સરકારે મૌન સેવ્યું છે.
અદાણી ગ્રૂપને પ્રોજેક્ટ આપવાથી શ્રીલંકાના લોકો નારાજ છે?
આ વિવાદ એવા સમયે ઊભો થયો છે કે જ્યારે શ્રીલંકાની સરકારે થોડા દિવસ પહેલાં જ ઊર્જા પ્રોજેક્ટ માટે બિડિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.
દેશની વિપક્ષી પાર્ટી સમાગી જન બલવેગયા પાર્ટીએ સંસદમાં આરોપ લગાવ્યો હતો કે આ ફેરફાર મન્નારનો કૉન્ટ્રાક્ટ અદાણી ગ્રૂપને આપવાના ઇરાદાથી કરવામાં આવી રહ્યો છે.
પાર્ટીના સાંસદ નલિન બંડારાએ કહ્યું હતું કે અદાણી ગ્રૂપને પ્રોજેક્ટ અપાવવા રસ્તો સાફ કરવા માટે બિડિંગ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પક્ષના અન્ય સભ્ય હર્ષા ડિસિલ્વાએ તો નવા નિયમોમાં સુધારાનું સૂચન પણ કરી દીધું હતું, જે મુજબ 10 મેગા વૉટથી વધુના પ્રોજેક્ટ હરાજી પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ કોઈપણ કંપનીને ફાળવવામાં આવે.
તેમણે કહ્યું કે આમ ન કરવાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે.
ઇન્ડિયન ઍક્સપ્રેસે તેના અહેવાલમાં જણાવ્યું છે કે સીઈબી યુનિયન પણ અદાણી ગ્રૂપને પ્રોજેક્ટ ફાળવવાથી નારાજ છે અને તેણે દેશવ્યાપી હડતાળની ધમકી આપી હતી.
સીઈબી ઇજનેરોના યુનિયને એક નિવેદનમાં કહ્યું, "અદાણી ગ્રૂપને પવનઊર્જા પ્રોજેક્ટની ભેટ આપવા માટે ઝડપથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે."
ઇજનેરોના યુનિયને સરકાર પાસે માંગ કરી છે કે હરાજી પ્રક્રિયામાંથી પસાર થયા વિના અદાણી ગ્રૂપને દેશના પવન અને સૌર પ્રોજેક્ટ આપવાનું બંધ કરે.
આ વિવાદ પર ભારત સરકાર કે અદાણી ગ્રૂપ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં, શ્રીલંકામાં ઘણા પ્રોજેક્ટ અદાણી ગ્રૂપને આપવામાં આવ્યા છે.
ગયા વર્ષે, અદાણી ગ્રૂપને કોલંબો પૉર્ટના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલના નિર્માણ અને સંચાલનનો કૉન્ટ્રાક્ટ પણ મળ્યો હતો. આ પૉર્ટ વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગત વર્ષે જ ઑક્ટોબરમાં અદાણી ગ્રૂપના ચૅરમૅન ગૌતમ અદાણીએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને ત્યાંના રોકાણની સંભાવનાઓ અંગે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે વાતચીત કરી હતી.
આ સમયગાળા દરમિયાન તેમણે મન્નાર, જાફના અને કિલીનોચી જેવા દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી હતી.
અંગ્રેજી અખબાર ધ હિંદુના અહેવાલ મુજબ, અદાણી ગ્રૂપે મન્નાર જિલ્લામાં અને કિલીનોચીના પુનેરિન વિસ્તારમાં બે અક્ષયઊર્જા પ્રોજેક્ટ શરૂ કરવા માટે શ્રીલંકાની સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.
આ વર્ષે 12 માર્ચે બંને પક્ષો વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા હતા પરંતુ તેની શરતો જાહેર કરવામાં આવી ન હતી.
આ કરાર એવા સમયે થયો છે જ્યારે ભારત સરકારે મુશ્કેલીમાં મૂકાયેલા શ્રીલંકાને આર્થિક મદદ આપવાનું શરૂ કર્યું હતું.
આ કરારમાં પારદર્શિતાનો અભાવ હોવાથી શ્રીલંકામાં તેની વ્યાપક ટીકા કરવામાં આવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો