પેરિસ ઑલિમ્પિક : બૅડમિન્ટનમાં ઇતિહાસ રચવાથી ચૂકી ગયા લક્ષ્ય સેન, બ્રૉન્ઝ મેડલ માટેની મૅચ હારી ગયા

લક્ષ્ય સેન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ સ્પોર્ટ્સ પત્રકાર, બીબીસી હિન્દી

ભારતીય બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન પેરિસ ઑલિમ્પિકમાં પુરુષ બૅડમિન્ટનમાં બ્રૉન્ઝ મેડલ માટે રમાયેલી મૅચમાં હારી ગયા છે.

મેન્સ સિંગલ્સની મૅચમાં લી ઝી જિયાએ લક્ષ્ય સેનને 13-21, 21-16, 21-11થી હરાવી દીધા છે.

જો લક્ષ્ય સેન આ મૅચ જીતી ગયા હોત તો તેઓ મેન્સ સિંગલ્સમાં મેડલ જીતનાર પ્રથમ પુરુષ બૅડમિન્ટન ખેલાડી બની ગયા હોત.

આની પહેલાં તેઓ સેમિફાઇનલ મૅચમાં લક્ષ્ય સેનનો મુકાબલો ડેનમાર્કના વિક્ટર અક્સેલસેન સાથે હતો.

ડેનમાર્કના વિક્ટર અક્સેલસેને સેમિફાઇનલ મૅચમાં લક્ષ્ય સેનને 20-22, 14-21થી હરાવ્યા હતા.

ભારતીય બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઑલિમ્પિકમાં મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો.

તેમણે ચાઇનીઝ-તાઈપેઈના ખેલાડી ચાઉ-તિએન-ચેનને હરાવીને આ સ્થાન મેળવ્યું છે. તેઓ સેમી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય પુરુષ બૅડમિન્ટન ખેલાડી પણ બન્યા છે.

લક્ષ્ય સેન ઑલિમ્પિક ગેમ્સમાં સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી અને પીવી સિંધુ અને સાઇના નેહવાલ પછી ત્રીજા ખેલાડી છે.

ભારતના ઘણા ખેલાડીઓ ઑલિમ્પિક ગેમ્સમાં પુરુષ સિંગલ્સ બૅડમિન્ટનની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા છે, પરંતુ કોઈ પુરુષ ખેલાડીનો ક્વાર્ટર ફાઇનલમાં વિજય થયો હોય એવું આ પ્રથમ વખત છે.

હવે તેઓ બ્રૉન્ઝ મેડલ જીતવાથી માત્ર એક કદમ દૂર છે.

લક્ષ્ય સેન પોતાની પહેલી ગેમ 21-19ના પાતળા માર્જિનથી હારી ગયા હતા. જો કે, તેમણે પછીની ગેમમાં ચાઇનીઝ તાઈપેઈના ચાઉ-તિએન-ચેનને 21-15થી હરાવ્યા હતા.

તેમણે ત્રીજી ગેમ 21-12થી જીતીને સેમી ફાઇનલમાં સ્થાન નક્કી કરી લીધું હતું. યુવા બૅડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનને ભારતીય બૅડમિન્ટનનું ભવિષ્ય ગણવામાં આવે છે.

લક્ષ્ય સેને 2018માં યુથ ઑલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અલ્મોડાના આ 22 વર્ષના ખેલાડી જુસ્સાથી છલકાય છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

2023નું વર્ષ નબળું રહ્યું

લક્ષ્ય સેન

ઇમેજ સ્રોત, Getty Images

2021 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેન માટે 2023ના પ્રથમ છ મહિના બહુ ખરાબ રહ્યા. તેઓ મલેશિયન ઓપનમાં ભારતના જ એચ. એસ. પ્રણય સામે હારી ગયા હતા.

લક્ષ્ય સેને ઇન્ડિયન ઓપનમાં પ્રણયને હરાવીને બદલો લીધો, પરંતુ પછી બીજા રાઉન્ડમાં ડેન્માર્કના ડોન રાસમુસ ગેમકે સામે હારી ગયા અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.

આ ઉપરાંત જર્મન ઓપનમાં ફ્રેન્ચ ખેલાડી ક્રિસ્ટિવ પોપોવ સામે પણ લક્ષ્ય સેન હારી ગયા હતા.

ઑલ ઇંગ્લૅન્ડ ઓપનમાં રાઉન્ડ ઑફ 16માં પણ તેને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, તેઓ સ્વિસ ઓપન અને એશિયન બૅડમિન્ટન ચેમ્પિયનશિપમાં પણ નિષ્ફળ રહ્યા હતા.

આ દરમિયાન, પુરુષ સિંગલ્સમાં તેમનો BWF રેન્ક પણ સરકીને 25માં સ્થાને પહોંચી ગયો હતો.

આમ થવા પાછળ તેમની નાદુરસ્ત તબિયત પણ મોટું કારણ હતું. યુરોપના પ્રવાસ દરમિયાન લક્ષ્ય સેન 'ડેવિએટેડ નેસલ સેપ્ટમ'ની તકલીફથી પીડાતા હતા.

આ માટે તેમણે સર્જરી પણ કરાવવી પડી હતી. લક્ષ્ય સેન જૂનમાં થાઇલૅન્ડ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચ્યા બાદ પુનરાગમન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

2022માં શાનદાર પ્રદર્શન

લક્ષ્ય સેન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લક્ષ્ય સેન માટે વર્ષ 2023 માનવામાં ન આવે તેવું ખરાબ હતું. પરંતુ વર્ષ 2022માં તેમનું પ્રદર્શન જોવામાં આવે તો તેમની પાસે ઘણી અપેક્ષાઓ છે.

2022નું વર્ષ તેમની કારકિર્દી માટે શાનદાર રહ્યું. જાન્યુઆરીમાં ઇન્ડિયન ઓપનમાં વર્લ્ડ ચેમ્પિયન લો કિન યુને હરાવીને તેમણે પહેલી વખત સુપર-500 ટાઇટલ જીત્યું. યુરોપિયન સર્કિટમાં પણ તેમનું પ્રદર્શન સારું હતું.

ઑલ ઇંગ્લૅન્ડ અને જર્મન ઓપનમાં તેઓ રનર્સ અપ રહ્યા. થોમસ કપની ફાઇનલમાં પણ જબ્બરજસ્ત પુનરાગમન કર્યું.

પ્રથમ મૅચમાં તેઓ ઇન્ડોનેશિયાના ઍન્થની સિનિસુકા ગિનતિંગ સામે 8-21થી પાછળ હતા, છતાં તેઓ જીતી ગયા. મિક્સ સ્પર્ધામાં તેમણે ભારતને સિલ્વર મેડલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બર્મિંઘમમાં પોતાની પહેલી જ કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેમને અર્જુન ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

લક્ષ્ય સેન ઑક્ટોબર 2022માં પુરુષોના સિંગલ્સમાં પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ આઠમા સ્થાને પહોંચ્યા હતા. પરંતુ વર્ષ 2022ના અંત પછી લક્ષ્ય સેન તકલીફોમાં ઘેરાવા લાગ્યા. તેઓ નાકના ઑપરેશનથી માંડીને કોર્ટના કેસમાં ફસાઈ ગયા.

એક હરીફ બૅડમિન્ટન ઍકેડેમીએ તેમની સામે ઉંમરને લગતી છેતરપિંડીનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. જોકે, કોર્ટમાંથી તેમને રાહત મળી છે.

કારકિર્દી પર નજર

લક્ષ્ય સેન તેમના માતા-પિતાની સાથે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, લક્ષ્ય સેન તેમના માતા-પિતાની સાથે

લક્ષ્ય સેનની કારકિર્દી શરૂઆતમાં બૂલેટ ટ્રેનની જેમ ઝડપથી આગળ વધી હતી. બૅડમિન્ટન તેમની લોહીમાં વહે છે.

તેમના પિતા ડીકે સેન બૅડમિન્ટનના નેશનલ કોચ છે, જ્યારે તેમના ભાઈ ચિરાગ સેન પણ બૅડમિન્ટન ખેલાડી છે.

લક્ષ્યની ઉંમર હજુ 10 વર્ષ પણ નહોતી ત્યારે તેઓ કોચ વિમલકુમારને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા હતા. લક્ષ્ય બહુ નાની ઉંમરે પણ જીતને બહુ ગંભીરતાથી લેતા હતા જેના કારણે વિમલ અને પ્રકાશ પાદુકોણ તેમનાથી ઘણા પ્રભાવિત થયા હતા.

એક વખત પણ હારી જાય તો લક્ષ્ય રડવા લાગતા હતા. પ્રકાશ પાદુકોણ ઍકેડેમીથી આ યુવા ખેલાડીની બૅડમિન્ટન સફર ફાસ્ટ ટ્રેક પર આવી. ત્યાર પછીનાં છ વર્ષોમાં લક્ષ્ય સેને અંડર-13, અંડર-17 અને અંડર-19ની રાષ્ટ્રીય ટુર્નામેન્ટ બહુ સરળતાથી જીતી લીધી.

આશ્ચર્યની વાત તો એ હતી કે તેઓ જ્યારે અંડર-19 નેશનલ મેડલ જીત્યા, ત્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા.

2014માં લક્ષ્ય સેન સ્વિસ જુનિયર ઇન્ટરનેશનલમાં વિજયી બન્યા, ત્યારે તેમને વૈશ્વિક મંચ પર વિજયનો પ્રથમ સ્વાદ મળ્યો. આ સફળતા પછી તેઓ જુનિયર સર્કિટમાં સતત ચમકતા રહ્યા. ફેબ્રુઆરી 2017માં જ્યારે તેમણે જુનિયર વર્લ્ડ નંબર 1 રેન્કિંગ હાંસલ કર્યું ત્યારે તેમની કારકિર્દીનો ગ્રાફ ટોચ પર પહોંચ્યો હતો.

યુવા બૅડમિન્ટન ખેલાડી માટે વર્ષ 2018 ખાસ હતું જ્યારે તેમણે જુનિયર એશિયન ટાઇટલ અને આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સ ખાતે યોજાયેલી યુથ ઑલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. માત્ર 22 વર્ષની ઉંમરે તેમનો પ્રભાવશાળી રેકોર્ડ હોવા છતાં, તેમણે ઘણા આંચકોનો પણ સામનો કરવો પડ્યો. પીઠની ઈજાને કારણે તેઓ ટોક્યો ઑલિમ્પિક ચૂકી ગયા અને કોવિડથી પ્રભાવિત બૅડમિન્ટન કેલેન્ડરમાં તેમને મર્યાદિત તકો મળી.

ઉતારચઢાવથી ભરપૂર વર્ષ 2023 ને બાજુ પર રાખીને કોઈએ એ ભૂલવું ન જોઈએ કે લક્ષ્યે વારંવાર સાબિત કર્યું છે કે તેમને કોઈ અવગણી શકે તેમ નથી. લક્ષ્ય સેનની પ્રતિભાના કારણે એવી આશા પેદા થાય છે કે તેઓ પ્રકાશ પાદુકોણ અને પુલેલા ગોપીચંદ પછી ભારતના આગામી વર્લ્ડ નંબર 1 બની શકે છે.

તેમનામાં ઘણી ખાસિયત છે, તેમની પાસે એક સારી હિટ છે. તેઓ પોતાની પ્રહાર શક્તિથી પોતાના હરીફને આશ્ચર્યચકિત કરી દે છે. અલ્મોડામાં હિમાલયના કઠિન પહાડી વિસ્તારોમાં ઉછરેલા લક્ષ્ય સેન શારીરિક રીતે અત્યંત સક્ષમ છે. તેઓ થાક્યા વગર ઘણા કલાકો સુધી સતત પ્રેક્ટિસ કરી શકે છે.

છેલ્લા એકાદ દાયકામાં વૈશ્વિક મંચ પર ભારતીય બૅડમિન્ટનનો પ્રભાવ વધ્યો છે. જો કે, એશિયન ગેમ્સના 72 વર્ષના ઈતિહાસમાં ભારતે કુલ 155 સુવર્ણ ચંદ્રક જીત્યા પરંતુ તેમાં બૅડમિન્ટનમો સુવર્ણ ચંદ્રક સામેલ નથી.

ઑલિમ્પિકમાં પણ એવો કોઈ પુરુષ ખેલાડી નથી પાક્યો જેણે આવી સિદ્ધિ હાંસલ કરી હોય. ભારત એ દિવસની આતુરતાથી રાહ જુએ છે જ્યારે કોઈ ભારતીય બૅડમિન્ટન ખેલાડીને ચમકદાર ગોલ્ડ મેડલ મળશે.

ગત એશિયન ગેમ્સમાં ભારતે બૅડમિન્ટનમાં બે મેડલ જીત્યા હતા. પીવી સિંધુએ સિલ્વર અને સાઇના નેહવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઑલિમ્પિકની વાત કરીએ તો ટોક્યો ઑલિમ્પિકમાં પીવી સિંધુએ બિંગ જિયાઓને હરાવીને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.