જાતીય સતામણી સામે લડ્યા બાદ હવે મહિલા કુસ્તીબાજોનો ઑલિમ્પિક્સમાં જંગ

રીતિકા હુડ્ડાએ આ વર્ષે પેરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ કર્યું છે
ઇમેજ કૅપ્શન, રીતિકા હુડ્ડાએ આ વર્ષે પેરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ કર્યું છે
    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

રીતિકા હુડ્ડા કદાચ ઑલિમ્પિક્સ સુધી પહોંચ્યાં જ ન હોત.

તેઓ એ પાંચ મહિલા કુસ્તીબાજો પૈકીનાં એક છે, જેમણે આ વર્ષે પેરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ કર્યું છે.

નૅશનલ અને એશિયન ગેમ્સમાં વારંવાર હાર્યાં પછી 22 વર્ષનાં રીતિકાનો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો હતો.

પોતાની ગેમ બહેતર બનાવવા માટે તેમણે તાલીમ અને સ્પર્ધાઓમાં ભાગ લેવો જરૂરી હતો, પરંતુ ભારતમાં સ્પર્ધાઓ થંભી ગઈ હતી.

ભારતીય કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર ગયા વર્ષે જાતીય સતામણીના આક્ષેપ થયા હતા. બ્રિજભૂષણ તે આરોપોનો ઈનકાર કરતા રહ્યા છે.

સ્પોર્ટ્સ મંત્રાલયે તો તેમને પદ પરથી હટાવ્યા ન હતા, પરંતુ પ્રારંભિક તપાસમાં જાતીય સતામણી નિવારણ અધિનિયમની જોગવાઈનું ઉલ્લંઘન થતું જણાયું પછી સમગ્ર કુસ્તી ફેડરેશનના વહીવટીતંત્રને બરતરફ કરવામાં આવ્યું હતું અને રોજિંદા કામકાજ પર દેખરેખ રાખવા એક ઍડહૉક સમિતિની રચના કરવામાં આવી હતી.

આવું અગાઉ ક્યારેય થયું ન હતું.

રીતિકાએ દેશના સૌથી પ્રતિષ્ઠિત કુસ્તીબાજોને બ્રિજભૂષણના રાજીનામાની માગણી સાથે રાજધાની દિલ્હીના માર્ગો પર વિરોધપ્રદર્શન કરતા નિહાળ્યા હતા.

તેમાં ભારત માટે ઑલિમ્પિક્સ મેડલ વિજેતા પહેલા અને એકમાત્ર મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક પણ સામેલ હતાં, જે રીતિકાનાં પ્રેરણાસ્રોત છે.

કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શનના સમાચાર, ખાસ કરીને તેમણે દેશની નવી સંસદ સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસે મંજૂરી ન હોવાના આરોપસર તેમની ધરપકડ કરી ત્યારે આખી દુનિયામાં ફેલાયા હતા.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક્સ સમિતિએ કુસ્તીબાજો સાથે કરવામાં આવેલા વ્યવહારની ટીકા કરી હતી અને તેમની ફરિયાદની નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી.

અમે રોહતકમાં રીતિકાના ઘરે બેઠા હતાં ત્યારે તેમણે કહ્યું, "બહુ દુખભર્યા દિવસો હતા એ. જે થયું હતું તેના કારણે અને જે ન થતું હતું એના કારણે પણ."

ઑલિમ્પિક્સની તૈયારી કેવી રીતે કરવી?

પ્રદર્શન કરનાર મહિલા પહેલવાનોમાંથી એક વીનેશ ફોગાટે પેરિસ ઑલિમ્પિકમાં ક્વૉલિફાઈ કર્યું છે (ફાઈલ ફોટો)

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રદર્શન કરનાર મહિલા પહેલવાનોમાંથી એક વીનેશ ફોગાટે પેરિસ ઑલિમ્પિકમાં ક્વૉલિફાઈ કર્યું છે (ફાઈલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી દર વર્ષે ઑલિમ્પિક્સ રમતોત્સવમાં ક્વૉલિફાઈ કરવા માટે કેટલીક સ્પર્ધાઓનું આયોજન કરે છે.

તેમાં ભાગ લેવા માટે કુસ્તીબાજોએ ટ્રાયલ્સમાં રેંકિંગ પૉઈન્ટ્સ મેળવવાના હોય છે. રાષ્ટ્રીય સ્તરે ચાર સ્પર્ધા જીતવાની હોય છે અને કુસ્તી મહાસંઘની સહમતિ મેળવવાની હોય છે.

જોકે, આ બધામાં ભાગ લેવાને બદલે રીતિકા સામે ખાલી દિવસો, ખાલી સપ્તાહો અને ખાલી મહિનાઓ હતા.

રીતિકાએ કહ્યું, "અમે ટ્રેનિંગ કરતા હતા, પણ ટ્રાયલ થતી ન હતી. અમે કુસ્તી ન લડીએ તો અમારી ખામીની ખબર કેમ પડે? કાયમ એવો ડર રહેતો હતો કે બધું ફરીથી શરૂ થશે ત્યારે અમારી તૈયારી અપૂરતી હશે.”

ભારત માટે આ ચિંતાની વાત હતી, કારણ કે અત્યાર સુધી ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત સ્પર્ધામાં મળેલા કુલ 24 મેડલ્સ પૈકીના એક ચતુર્થાંશથી વધુ મેડલ કુસ્તીમાં મળ્યાં છે.

આખરે વિરોધ પ્રદર્શન શરૂ થયાના લગભગ એક વર્ષ પછી ડિસેમ્બર 2023માં કુસ્તી મહાસંઘની ચૂંટણી યોજાઈ હતી.

બ્રિજભૂષણ સાથે સંકળાયેલા લોકોને તે ચૂંટણીમાં ભાગ લેતા અટકાવવાની માગણી કુસ્તીબાજોએ કરી હતી.

બ્રિજભૂષણ પોતે ચૂંટણી લડ્યા ન હતા, કારણ કે તેઓ મહત્તમ અવધિ (ત્રણ વખત) મહાસંઘના અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા હતા, પરંતુ તેમની નજીકના સંજય સિંહ ચૂંટણી લડ્યા હતા અને બહુમતિથી જીત્યા પણ હતા.

જાતીય સતામણી સામે અવાજ ઉઠાવનાર મહિલા કુસ્તીબાજોએ તે બાબતે દુઃખ અને પીડા વ્યક્ત કરી હતી. એ જ દિવસે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે રૂંધાયેલા ગળે કુસ્તી છોડવાની જાહેરાત પણ કરી દીધી હતી.

છ મહિના પછી મેં સાક્ષી સાથે ફરી વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું, "એ ક્ષણના આજે પણ યાદ કરું છું તો આંખો ભીની થઈ જાય છે. કુસ્તી મને આવી ઊંચાઈ પર લઈ ગઈ, મને આટલો પ્રેમ તથા સન્માન અપાવ્યું અને મારે એ જ છોડવી પડી."

જાતીય સતામણીના આરોપની અસર

કોચ સીમા સાથે યુદ્ધવીર અખાડાનાં પહેલવાનો
ઇમેજ કૅપ્શન, કોચ સીમા સાથે યુદ્ધવીર અખાડાનાં પહેલવાનો

સાક્ષીના આ નિર્ણયને કારણે યુવા કુસ્તીબાજો મૂંઝાઈ ગયા હતા, પરંતુ તેઓ ટૂંક સમયમાં કુસ્તી લડવા ફરી તૈયાર થઈ ગયાં.

હરિયાણાની 20 વર્ષીય તનુ મલિકે કહ્યું, "મેં સાક્ષી મલિકને ઑલિમ્પિક મેડલ જીતતાં જોયાં તો મારામાં પણ કુસ્તીમાં ભાગ લેવાની હિંમત આવી હતી. મારા નામથી મારા ગામનું નામ રોશન થાય. પછી મેં તેમને ટીવી પર રડતા જોયાં ત્યારે વિચાર્યું હતું કે તેઓ અમારા માટે આટલું લડ્યાં છે તો હવે આપણે કેવી રીતે હારી શકીએ.”

એ દિવસથી તનુએ નક્કી કર્યું હતું કે તેઓ વધારે મહેનત કરશે.

2016માં સાક્ષીને ઓલિમ્પિક્સ મેડલ મળ્યો પછી હરિયાણામાં મહિલા કુસ્તીને નવી ઊર્જા મળી. માતા-પિતા તેમની દીકરીઓને કુસ્તી માટે પ્રોત્સાહન આપવા લાગ્યા અને રાજ્યમાં મહિલાઓ માટે અલગ અખાડા પણ ખુલવા લાગ્યા.

આવા જ એક યુદ્ધવીર અખાડામાં તનુની ટ્રેનિંગ પરોઢિયે સાડા ચાર વાગ્યે શરૂ થઈ જાય છે.

પાંચ કલાકની સેશનમાં અલગ-અલગ પ્રકારના વ્યાયામ તથા કુસ્તીના દાવપેચ શીખવા ઉપરાંત તેમાં પચાસ કિલો વજનનું ટ્રક ટાયર ઉઠાવવાનો પણ સમાવેશ હોય છે.

આહાર અને થોડા આરામ પછી સાંજે ચાર વાગ્યે ફરીથી પાંચ કલાકની ટ્રેનિંગ સેશન હોય છે.

એ અખાડમાં મારી મુલાકાત 12થી 22 વર્ષની છોકરીઓ સાથે થઈ હતી. એ પૈકીની મોટાભાગની અહીં જ રહે છે.

એક મોટા ઓરડામાં એક સાથે રાખવામાં આવેલા પલંગ પર સૂએ છે અને મોકળાશના સમયમાં શરીર બહેતર બનાવવા માટે જરૂરી ડાયેટ વિશે બહુ ચર્ચા કરે છે.

જોકે, તેઓ અખાડાઓમાં કથિત જાતીય સતામણી અને કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ પરના આરોપો વિશે વાત કરવા ઇચ્છતાં નથી.

અલબત, કુસ્તીના આ માળખામાં તેના કાયદા મુજબ કારકિર્દી બનાવતી આ છોકરીઓમાં ભરપૂર હિંમત છે.

તેમનાં કોચ સીમા ખરબના કહેવા મુજબ, અપેક્ષાથી વિપરીત પ્રદર્શન બાદ પણ અખાડામાં છોકરીઓની સંખ્યા ઘટી નથી.

તેમણે કહ્યું હતું, "પ્રદર્શનમાં યુવા કુસ્તીબાજોએ ભરોસો અપાવ્યો હતો કે અવાજ ઉઠાવવો શક્ય છે. તે સંબંધે યોગ્ય કાર્યવાહી થશે અને સિસ્ટમની અંદરથી જ તેમને સમર્થન મળી શકે છે."

ડર અને વિશ્વાસ

કુસ્તી મહાસંઘના અધ્યક્ષ સંજયસિંહ
ઇમેજ કૅપ્શન, કુસ્તી મહાસંઘના અધ્યક્ષ સંજયસિંહ

મે 2024માં દિલ્હીની એક કોર્ટે બ્રિજભૂષણ પર જાતીય સતામણી, પીછો કરવો, ધમકી આપવી અને મહિલાની ગરિમાનું અપમાન કરવાના આરોપો ઘડ્યા હતા. બ્રિજભૂષણ સામેનો કેસ આ વર્ષે 26 જુલાઈથી શરૂ થશે.

આ દરમિયાન સંજય સિંહે કુસ્તી મહાસંઘના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળી લીધો છે.

બીબીસી સાથેની મુલાકાતમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ બ્રિજભૂષણને છેલ્લાં 30 વર્ષથી સારી રીતે જાણે છે, પરંતુ બ્રિજભૂષણ તેમના કામમાં દખલ કરતા હોવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે દાવો કર્યો હતો કે કુસ્તીબાજોએ તેમનો અધ્યક્ષ તરીકે સ્વીકાર કર્યો છે અને ફરી શરૂ થયેલી કુસ્તી સ્પર્ધાઓમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે, એ હકીકત તેની પુષ્ટિ કરે છે.

સંજય સિંહે કહ્યું હતું, "કોઈની બિનજરૂરી તરફેણ કરવામાં આવશે નહીં કે કોઈની સાથે ભેદભાવ પણ કરવામાં આવશે નહીં. દરેક કુસ્તીબાજ મને પ્રિય છે. હું પણ બે દીકરીઓનો પિતા છું. તેમને શું જોઈએ છે, એ હું સમજું છું."

જોકે, તનુ મલિક જેવાં યુવા કુસ્તીબાજો માટે ડર સામે લડવાનું હવે આ ખેલનો જરૂરી હિસ્સો બની ગયું છે.

તનુએ કહ્યું હતું, "આસાન નથી. માતા-પિતા હંમેશાં ડરે છે કે દીકરીને એકલી કેવી રીતે મોકલવી. છતાં તેઓ વિશ્વાસ કરે છે અને મોકલે છે. વિશ્વાસ ન કરે તો કેમ ચાલે. આ તો લડવા પડેલાં જ હાર સ્વીકારવા જેવું થઈ જશે."

અનેક કુસ્તીબાજો એવા પણ છે, જેઓ નિરાશા અનુભવે છે. તેમના માટે વિરોધ પ્રદર્શન બહુ મોંઘું સાબિત થયું છે.

આખું વર્ષ બરબાદ

શિક્ષા ખરબ
ઇમેજ કૅપ્શન, શિક્ષા ખરબ

એશિયન ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા બનેલાં શિક્ષા ખરબે કહ્યું હતું, "ટ્રેનિંગમાં સર્જાયેલા અવરોધ અને કુસ્તી સ્પર્ધાઓ અટકી જવાથી અનેક યુવા કુસ્તીબાજોનું આખું વર્ષ બરબાદ થઈ ગયું."

જોકે, સાક્ષી મલિકને કોઈ ખેદ નથી.

તેમણે કહ્યું હતું, "આપણે લડીએ તે સૌથી વધારે જરૂરી છે. મને નથી લાગતું કે હવે એકેય ખેલ સંઘમાં કોઈ આવું વર્તન કરી શકશે. હવે તેમને ખબર પડી ગઈ છે કે તેઓ સતામણી કરશે તો તેનું માઠું પરિણામ ભોગવવું પડશે."

રીતિકાની આ પહેલી ઑલિમ્પિક્સ છે. વિશ્વના સૌથી સારા કુસ્તીબાજો સાથે દંગલ કરવા બાબતે થોડો ગભરાટ છે, પરંતુ હિંમતની કમી નથી.

છોટુરામ અખાડામાં સાક્ષી મલિકની તસવીર લાગેલી છે
ઇમેજ કૅપ્શન, છોટુરામ અખાડામાં સાક્ષી મલિકની તસવીર લાગેલી છે

રીતિકાએ કહ્યું હતું,"હું સાક્ષી દીદીના અખાડામાં જ તાલીમ લઉં છું. તેઓ કાયમ કહેતાં કે જીત કે હાર જરૂરી નથી, માત્ર તમારી મહેનત પર ભરોસો કરો. એટલે હું એ જ કરી રહી છું."

રીતિકાના છોટુરામ અખાડામાં ભારતનો રાષ્ટ્રધ્વજ ખભા પર ઓઢીને સસ્મિત ઊભેલાં સાક્ષી મલિકનો ફોટોગ્રાફ લગાવવામાં આવ્યો છે.

રીતિકાએ કહ્યું હતું, "મારે બસ હવે ઑલિમ્પિક્સ મેડલ જીતવો છે. કોને ખબર કે એક દિવસ મારા અખાડાની દીવાલ પર મારો ફોટો પણ લગાવવામાં આવશે."