પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્યપદક જીતનારા શૂટર સરબજોતસિંહને કોની કહાણીથી પ્રેરણા મળી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌરભ દુગ્ગલ
- પદ, બીબીસી સ્પૉર્ટ્સ કૉન્ટ્રિબ્યૂટર
મનુ ભાકર સાથે અંબાલાના ધીન ગામના સરબજોતસિંહે મંગળવારે દસ મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. ત્રીજા સ્થાન માટે રમાયેલ આ મૅચમાં ભારતીય ખેલાડીઓની આ જોડીએ સાઉથ કોરિયાની ટીમને માત આપી હતી.
સરબજોતના કોચ અભિષેક રાણાએ જણાવ્યું કે કેવી રીતે તેમના માટે હંગેરિયન શૂટર કારોલી ટકાસની કહાણી પ્રેરણાનો સ્રોત બની રહી.
આ જીતથી ગદગદ થઈ ગયેલા કોચ અભિષેક રાણા કહે છે કે, “મેં મૉટિવેશનલ સ્પીકર મહેશ્વર પાસેથી હંગેરિયન શૂટર કારલી ટકાસની કહાણી સાંભળી હતી અને જાણ્યું હતું કે કેવી રીતે ગ્રૅનેડ ધડાકામાં પોતાનો જમણો હાથ ગુમાવ્યા બાદ તેઓ ડાબા હાથે શૂટિંગ કરતા શીખ્યા અને ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવવામાં સફળ રહ્યા.”
“આ કહાણીએ મને ખૂબ જ પ્રેરણા આપી. આ કહાણીએ મને શીખવ્યું કે ગમે એટલી ખરાબ પરિસ્થિતિમાં પણ દૃઢ મનોબળ થકી તમે ગમે તે લક્ષ્ય હાંસલ કરી શકો છો. હું હંમેશાં આ કહાણી ટ્રેનિંગ દરમિયાન સરબજોતને કહેતો. જેના કારણે અમારી પ્રેરણા અને લક્ષ્ય તરફ એકાગ્રતા જળવાઈ રહેતાં.”

નિષ્ફળતા બાદ સફળતા

જ્યારે સરબજોત સોમવારે દસ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં ક્વૉલિફાય કરવામાં અસફળ રહેતા તેઓ હતાશ હતા.
અભિષેકે કહ્યું કે, “મને લાગ્યું કે જાણે તેના ચહેરા પરથી સ્મિત જ ગાયબ થઈ ગયું. પરંતુ સાંજે, મેં ફરી એક વાર તેને પ્રેરિત કર્યો, ફરી એક વાર તેને હંગેરિયન શૂટરની કહાણી યાદ કરાવી. આ વાતે અમને પ્રેરિત રાખ્યા અને બીજા દિવસે એ મિક્સ્ડ ઇવેન્ટ માટે ક્વૉલિફાય કર્યું. કાંસ્યપદકની સ્પર્ધા પહેલાં મેં એને એક જ વાત કહી : બધું ભૂલીને તારી એકાગ્રતા જાળવી રાખ. મજબૂત રહો.”
જ્યારે અભિષેક વર્ષ 2016માં અંબાલામાં શૂટિંગ ઍકેડમીની શરૂઆત કરી ત્યારે સરબજોત ત્યાં જોડાયા હતા. વર્ષ 2017માં તેમણે જુનિયર નૅશનલ ચૅમ્પિયનશિપના બ્રૉન્ઝ મેડલ સ્વરૂપે પ્રથમ વખત મેડલ જીત્યો. આ સફળતાએ આ રમતક્ષેત્રે તેમને નવી પ્રેરણા આપી.

અભિષેક કુરુક્ષેત્ર ગુરુકુળમાં ભણ્યા છે અને ત્યાં જ તેમના મનમાં આ રમત માટે રસ જાગ્યો હતો. તેઓ કહે છે કે, “સરબજોતે એ બાદ પાછા વળીને ક્યારેય ન જોયું. તેણે નૅશનલમાં તો જાણે પોતાનો દબદબો જાળવી રાખ્યો. તેની સફળતા માટે તેની મહેનત અને માનસિક મજૂબતી ચાવીરૂપ સાબિત થઈ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“હું ગુરુકુળ સૅટઅપમાંથી આવતો હોઈ મારા માટે શિસ્ત અને ડિજિટલ વર્લ્ડની ધ્યાનભંગ કરનારી પ્રવૃત્તિઓ ઘટાડવી એ પ્રાથમિકતા હતી. મેં મારી ટ્રેનિંગમાં આ વાત પર ભાર આપ્યો. મને યાદ છે કે એક વખત સરબજોતે તેના ફોનમાં એક ઍપ ડાઉનલોડ કરી હતી, અમુક દિવસ બાદ તેનાં માતાપિતાએ તે તેના પર ઘણો સમય પસાર કરી રહ્યો હોવાની ફરિયાદ કરતાં મેં તરત એ ઍપ ડિલીટ કરી દીધી અને એનું ફોકસ જળવાઈ રહે એ સુનિશ્ચિત કર્યું.”

અભિષેક રાણા પોતે વર્ષ 2007 અને 2009માં ઇન્ડિયન જુનિયર ટીમમાં સ્થાન બનાવી ચૂક્યા છે. ખેલાડી બાદ પોતાની ટ્રેનર તરીકેની કારકિર્દીને આગળ વધારવા માટે તેમણે વર્ષ 2016માં ઍકેડમી શરૂ કરી.
અભિષેક રાણા કહે છે કે, “મેં જે મારા માટે વિચારેલું, પરંતુ પૂરું ન કરી શકેલો, એ તમામ સિદ્ધિઓ હું મારા શિષ્યો મારફતે હાંસલ કરવા માંગું છું. સરબજોતે મારું ઑલિમ્પિકનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ મારા અને ઑલિમ્પિકની આ સફરમાં યોગદાન કરનાર તમામ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષણ છે.”












