સ્વપ્નિલ કુસાળેને શૂટિંગમાં બ્રૉન્ઝ મેડલ : એક સમયે ગોળી ખરીદવાનાય પૈસા ન હતા, કોલ્હાપુરથી ઑલિમ્પિક સુધીની સફર

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ગણેશ પોળ અને જ્હાન્વી મુળે
- પદ, બીબીસી મરાઠી
ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાળે પેરિસ ઑલિમ્પિકમાં 50 મીટર થ્રી પોઝિશન રાઇફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
28 વર્ષીય સ્વપ્નિલ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલા રાધાનગરીના રહેવાસી છે. તેમણે શૂટિંગનો પ્રાથમિક અભ્યાસ ક્રિડા પ્રબોધિની, નાસિક અને પુણેની રેલ્વે સર્વિસમાં કર્યો હતો.
સ્વપ્નિલે 2022માં એશિયન ગેમ્સમાં ટીમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મહારાષ્ટ્રમાં શૂટિંગની દુનિયા માટે સ્વપ્નિલ કુસાળે કોઈ નવું નામ નથી. છેલ્લાં 10-12 વર્ષોથી પહેલા જૂનિયર અને પછી સિનિયર લેવલે સ્વપ્નિલે રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં ભાગ લીધો છે.
જોકે, આ વખતે તેઓ પ્રથમ વખત ઑલિમ્પિકમાં ઊતર્યા અને સીધા ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.
આવો જાણીએ કોલ્હાપુરની રાધાનગરીથી પેરિસ ઑલિમ્પિક સુધી સ્વપ્નિલની યાત્રા કેવી રહી.

'ગોળીઓ ખરીદવા માટે બૅન્ક પાસેથી લોન લીધી'

ઇમેજ સ્રોત, Swapnil Kusale
સ્વપ્નિલના પિતા સુરેશ કુસાળેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મને યાદ નથી કે તે (સ્વપ્નિલ) શૂટિંગથી ક્યારેય પણ કંટાળ્યો હોય. તેઓ શૂટિંગનો અભ્યાસ કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. આ ઉપરાંત તેઓ ખૂબ જ શાંત અને શિસ્તબદ્ધ બાળક છે."
સુરેશનો પરિવાર મૂળરૂપે રાધાનગરીના કંબલવાળી ગામના રહેવાસી છે. તેઓ નોકરી કરે છે જ્યારે સ્વપ્નિલનાં માતા અનીતા કંબલવાળી ગામનાં સરપંચ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોતાના દીકરાની રમત-ગમતમાં રુચિને જોઈને સુરેશે સ્વપ્નિલનું ઍડમિશન નાસિકની સ્પોર્ટ્સ શાળામાં કરાવ્યું. સ્વપ્નિલે ત્યાં શૂટિંગમાં રુચિ દાખવી. સ્વપ્નિલ 14 વર્ષની ઉંમરથી વર્ષ 2009થી શૂટિંગનો અભ્યાસ કરી રહ્યા છે.
જોકે, શૂટિંગ એક ખર્ચાળ રમત છે. તમારે રાઇફલ અને જૅકેટ પર ખર્ચો કરવો પડે છે. એક ગોળી પણ ખૂબ જ કિંમતી હોય છે.
એક સમય હતો જ્યારે શૂટિંગના અભ્યાસ માટે ગોળી ખરીદવાના પૈસા ન હતા. જોકે, પિતાએ દેવું કરીને દીકરાને શૂટિંગ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.
સ્વપ્નિલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "આ અભ્યાસ ન રોકાઈ તે માટે મારા પિતાએ બૅન્ક પાસેથી લોન લીધી અને ગોળીઓ ખરીદવા માટે પૈસા આપ્યા."
"તે સમયે એક ગોળીની કિંમત 120 રૂપિયા હતી. આ કારણે જ શૂટિંગનો અભ્યાસ કરતી વખતે દરેક ગોળીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કર્યો. કારણ કે તે ખૂબ જ ખર્ચાળ છે. મેં જ્યારે શૂટિંગની શરૂઆત કરી ત્યારે મારે પાસે જરૂર પ્રમાણે ઉપકરણો પણ ન હતાં."
સ્વપ્નિલે કહ્યું કે, લામારી સફળતામાં મારાં માતા-પિતાની સાથે-સાથે મારાં કોચ દીપાલી દેશપાંડેનો પણ મોટો ફાળો છે.લા
સ્વપ્નિલે કહ્યું, "દીપાલી મૅડમે અમને જીવન અને રમતમાં જરૂર શિસ્ત વિશે શિખવાડ્યું. તેમણે પોતાના કામ થકી આ વાત પુરવાર કરી. તેમણે અમને શૂટિંગ ઉપરાંત એક માણસ તરીકે વ્યવહાર કરતા પણ શિખવ્યું.લા
ટૉન્સિલાઇટિસ છતાં પણ શાનદાર પ્રદર્શન

ઇમેજ સ્રોત, Swapnil Kusale
શૂટર વિશ્વજીત શિંદે અને દીપાલી દેશપાંડે અત્યાર સુધી સ્વપ્નિલને સલાહ આપતાં હતાં.
સ્વપ્નિલ વિશે તેમના કોચ વિશ્વજીત શિંદેએ કહ્યું, "સ્વપ્નિલ ખૂબ જ શાંત છોકરો છે અને ક્યારેય વાત કરતો નથી. તે કોઈપણ પ્રકારના દેખાવમાં પડ્યા વગર માત્ર પ્રેક્ટિસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે."
શૂટિંગમાં રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા પછી પણ સ્વપ્નિલની યાત્રા સરળ ન હતી.
તેઓ કેટલાંક વર્ષો સુધી ગંભીર દુ:ખાવા, તાવ અને નબળાઈથી પીડાયા. ટૉન્સિલાઇટિસમાં અચાનક ભારે દુ:ખાવો થાય છે.
આવું શા માટે થઈ રહ્યું છે તેનું તરત જ નિદાન થઈ શક્યું નહીં. આ કારણે તેમને દુ:ખાવો હોવા છતાં રમત ચાલુ રાખી.
અંતે ડિસેમ્બર 2023માં આ તકલીફનું સાચું કારણ સામે આવ્યું. ખબર પડી કે સ્વપ્નિલને દુધથી એલર્જી છે. દૂઘમાં લૅક્ટોઝ હોવાને કારણે દૂધ અને તેમાંથી બનેલી વાનગીઓનું સેવન બંધ કરવું પડ્યું.
જોકે, ત્યાર બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે.
સ્વપ્નિલ શૂટિંગની કઈ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, Swapnil Kusale
શૂટિંગના મુખ્ય ત્રણ પ્રકાર રાઇફલ, પિસ્તોલ અને શૉટગન છે. આ શૂટિંગ સ્પર્ધામાં કઈ બંદૂકનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.
સ્વપ્નિલ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગની સ્પર્ધામાં ભાગ લે છે.
આ સ્પર્ધામાં શૂટર ઘૂંટણે બેસીને, જમીન પર સૂતાં અને ઊભા રહીને શૂટિંગ કરે છે.
કોચ વિશ્વજીત શિંદેએ કહ્યું કે આ પ્રકારની શૂટિંગ બીજી શૂટિંગની તુલનામાં વધારે પડકારજનક છે.
આ સ્પર્ધામાં શૂટરે ત્રણ અલગ-અલગ પોઝિશનમાં નિશાનો સાધવો પડે છે અને સટીક લક્ષ સાધવાનું હોય છે.












