પેરિસ ઑલિમ્પિક: મનુ ભાકરે બીજો મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો, સરબજોત સાથે કાંસ્યપદક મેળવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
મનુ ભાકર તથા સરબજોતે મિક્સ્ડમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. એક જ ઑલિમ્પિક ઇવેન્ટ દરમિયાન બે મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં છે.
પેરિસ ઑલિમ્પિકમાં મનુ ભાકર સાથે અંબાલાના ધીન ગામના સરબજોતસિંહે મંગળવારે દસ મિટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે.
ત્રીજા સ્થાન માટે રમાયેલી આ મૅચમાં ભારતીય ખેલાડીઓની આ જોડીએ સાઉથ કોરિયાની ટીમને માત આપી હતી.
28મી જુલાઈએ ઑલિમ્પિક પદક જીતીને શૂટિંગમાં મૅડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં હતાં.
ભારતનાં પહેલવાન સુશીલકુમાર તથા બૅડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બે-બે ઑલિમ્પિક મૅડલ જીત્યાં છે, પરંતુ તેમણે બે અલગ-અલગ ઑલિમ્પિક રમતોત્સવ દરમિયાન આ સિદ્ધિઓ મેળવી હતી.
સુશીલકુમારે 2008 ઑલિમ્પિક દરમિયાન કાંસ્ય તથા વર્ષ 2012નાં લંડન ઑલિમ્પિક દરમિયાન રજતપદક જીત્યાં હતાં. જ્યારે પીવી સિદ્ધુએ વર્ષ 2016ના રિયો ઑલિમ્પિક સમયે રજત તથા વર્ષ 2020માં ટોકિયો ઑલિમ્પિક સમયે કાંસ્યપદક જીત્યાં હતાં. એક નજર મનુ ભાકરની કૅરિયર ઉપર.

સરબજોતની કહાણી વાંચો

ઇમેજ સ્રોત, Getty Images
“આ કહાણીએ મને ખૂબ જ પ્રેરણા આપી. આ કહાણીએ મને શીખવ્યું કે ગમે એટલી ખરાબ પરિસ્થિતિમાં પણ દૃઢ મનોબળ થકી તમે ગમે એ લક્ષ્ય હાંસલ કરી શકો છો. હું હંમેશાં આ કહાણી ટ્રેનિંગ દરમિયાન સરબજોતને કહેતો. જેના કારણે અમારી પ્રેરણા અને લક્ષ્ય તરફ એકાગ્રતા જણાવાઈ રહેતાં.”
જ્યારે સરબજોત સોમવારે દસ મિટર ઍર પિસ્તોલ ઇવેન્ટના ફાઇનલમાં ક્વૉલિફાય કરવામાં અસફળ રહેતા તેઓ હતાશ દેખાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિષેકે કહ્યું કે, “મને લાગ્યું કે જાણે તેના ચહેરા પરથી સ્મિત જ ગાયબ થઈ ગયું. પરંતુ સાંજે, મેં ફરી એક વાર તેને પ્રેરિત કર્યો, ફરી એક વાર તેને હંગેરિયન શૂટરની કહાણી યાદ કરાવી. આ વાતે અમને પ્રેરિત રાખ્યા અને બીજા દિવસે એ મિક્સ્ડ ઇવેન્ટ માટે ક્વૉલિફાય કરી ગયો. બ્રોન્ઝ મેડલ મૅચ પહેલાં મેં એને એક જ વાત કહી : બધું ભૂલીને તારી એકાગ્રતા જાળવી રાખ. મજબૂત રહો.”

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે અભિષેક વર્ષ 2016માં અંબાલામાં શૂટિંગ એકેડમીની શરૂઆત કરી ત્યારે સરબજોત ત્યાં જોડાયા હતા. વર્ષ 2017માં તેમણે જુનિયર નૅશનલ ચૅમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ સ્વરૂપે પ્રથમ વખત મેડલ જીત્યો. આ સફળતાએ આ રમતક્ષેત્રે તેમને નવી પ્રેરણા આપી.
અભિષેક કુરુક્ષેત્ર ગુરુકુળમાં ભણ્યા છે અને ત્યાં જ તેમના મનમાં આ રમત માટે રસ જાગ્યો હતો.
તેઓ કહે છે કે, “સરબજોતે એ બાદ પાછા વળીને ક્યારેય ન જોયું. તેણે નૅશનલમાં તો જાણે પોતાનો દબદબો જાળવી રાખ્યો. તેની સફળતા માટે તેની મહેનત અને માનસિક મજૂબતી ચાવીરૂપ સાબિત થઈ.”
“હું ગુરુકુળ સેટઅપમાંથી આવતો હોઈ મારા માટે શિસ્ત અને ડિજિટલ વર્લ્ડની ધ્યાનભંગ કરનારી પ્રવૃત્તિઓ ઘટાડવું એ પ્રાથમિકતા હતી. મેં મારી ટ્રેનિંગમાં આ વાત પર ભાર આપ્યું. મને યાદ છે કે એક વખત સરબજોતે તેના ફોનમાં ‘પપ્પી’ ઍપ ડાઉનલોડ કરી હતી, અમુક દિવસ બાદ તેનાં માતાપિતાએ તે તેના પર ઘણો સમય પસાર કરી રહ્યો હોવાની ફરિયાદ કરતાં મેં તરત એ ઍપ ડિલીટ કરી દીધી અને એનું ફોકસ જળવાઈ રહે એ સુનિશ્ચિત કર્યું.”
અભિષેક રાણા જાતે વર્ષ 2007 અને 2009માં ઇન્ડિયન જુનિયર ટીમમાં સ્થાન બનાવી ચૂક્યા છે. ખેલાડી બાદ પોતાની ટ્રેનર તરીકેની કારકિર્દીને આગળ વધારવા માટે તેમણે વર્ષ 2016માં એકેડમી શરૂ કરી.
તેઓ કહે છે કે, “મેં જે મારા માટે વિચારેલું, પરંતુ પૂરું ન કરી શકેલો, એ તમામ સિદ્ધિઓ હું મારા શિષ્યો મારફતે હાંસલ કરવા માંગું છું. સરબજોતે મારું ઑલિમ્પિકનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ મારા અને ઑલિમ્પિકની આ સફરમાં યોગદાન કરનાર તમામ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષણ છે.”
મનુ ભાકર : બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ઇયર 2020

વર્ષ 2020માં મનુ ભાકરે 'બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ઇયર 2020'નો પુરસ્કાર જીત્યો હતો. આ સન્માન મેળવતી વખતે તેમણે દેશ માટે વધુમાં વધુ મેડલ જીતવાની નેમ વ્યક્ત કરી હતી.
પોતનાં પ્રાસંગિક ઉદ્દબોધનમાં મનુ ભાકરે કહ્યું હતું, "જ્યારે મને જાણવા મળ્યું કે તમે લોકો લાઇફ ટાઇમ અચિવેન્ટ ઍવૉર્ડની સાથે મને ઇમર્જિંગ ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમનનો પુરસ્કાર આપી રહ્યાં છો, તો મને ખૂબ જ સારું લાગ્યું હતું."
"લાઇફ ટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ મેળવવા માટે તમારે લાંબા સમય સુધી સારું પ્રદર્શન કરવું પડે, ત્યારે તે સન્માન મળે. જ્યારે સારું કરી શકે તેમ હોય, જે દેશ માટે વધુ મેડલ મેળવી શકે તેમ હોય, તેમને ઇમર્જિંગ ઍવૉર્ડ મળે છે."
'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ ઇયર' હેઠળ 'બીબીસી ઇમર્જિંગ પ્લૅયર ઑફ ધ ઇયર 2020' ઍવૉર્ડ કૅટેગરી હેઠળ આશાસ્પદ મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવે છે.
'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ ઇયર'નો હેતુ ભારતનાં મહિલા ખેલાડીઓને તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરવાનો, મહિલા ખેલાડીઓનાં પડકારો વિશે ચર્ચા કરવાનો તથા તેમની સાંભળેલી કે નહીં સાંભળેલી કહાણીઓને દુનિયા સામે લાવવાનો છે.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ ઇયર કાર્યક્રમમાં સન્માન મેળવતી વખતે મનુ ભાકરે જે વાત કહી હતી, તેને પોતાના ઇરાદા સાથે જોડીને એક તાંતણે બાંધી દીધી છે.
કમબૅકની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
પેરિસ ઑલિમ્પિકમાં મનુ ભાકરનું દમદાર પ્રદર્શન એ નિષ્ફળતા બાદ જોરદાર કમબૅકની કહાણી પણ છે.
વર્ષ 2021માં જાપાનમાં ઑલિમ્પિક રમતોત્સવ ઉજવાયો હતો, જે ટોકિયો 2020 તરીકે ઓળખાય છે. એ સમયે મનુ 19 વર્ષનાં હતાં, તેમની ઉપર દેશને ભારે આશાઓ હતી, પરંતુ મનુના ઇરાદા ડગી ગયા હતા અને તેઓ પદક માટેની સ્પર્ધામાં સામેલ થઈ શક્યાં ન હતાં.
આ તેમના માટે ખૂબ જ આંચકાજનક હતું. હારની નિરાશાની વચ્ચે તેઓ આશા ગુમાવવા લાગ્યાં હતાં અને તેમનું મન શૂટિંગની રમતમાંથી ઉઠવા લાગ્યું હતું. બૉક્સિંગ, ઍથ્લૅટિક્સ, સ્કૅટિંગ, જુડો તથા કરાટે જેવી રમતોને અજમાવ્યા બાદ તેમણે 14 વર્ષની ઉંમરે શૂટિંગ સ્વીકાર્યું હતું.
વર્ષ 2016માં મનુ ભાકરે શૂટિંગમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું હતું. એ પછી તેમના પિતા રામકિશન ભાકરે મરીન એંજિનિયરની નોકરી છોડી દીધી અને દીકરીનાં સપનાં પૂર્ણ કરવા માટે દિવસરાત એક કરી દીધી.
પાંચ વર્ષમાં મનુને અનેક સફળતાઓ મળી. વર્ષ 2017માં નેશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપની 10 મીટર ઍર પિસ્ટલ સ્પર્ધામાં તેમણે વિશ્વમાં પ્રથમ ક્રમે રહેલાં હીના સિદ્ધુને હરાવ્યાં હતાં.
વર્ષ 2018માં વૂમન્સ વર્લ્ડકપમાં મનુએ 10 મીટર ઍર પિસ્ટલમાં એક જ દિવસમાં બે ગોલ્ડમેડલ જીત્યાં હતાં. આ માટે તેમણે બે વખતનાં વર્લ્ડ ચૅમ્પિયન મૅક્સિકોના નિશાનચી અલજાંદ્રા જવાલાને હરાવ્યાં હતાં.
વર્ષ 2019માં તેમણે ઑલિમ્પિક 2020 માટેનું સ્થાન મેળવ લીધું હતું, જેના કારણે તેમનાંમાં થોડો ઍટિટ્યૂટડ પણ આવી ગયો હતો. જોકે, નિશાનબાજીની દુનિયામાં તેમનો સિતારો ચમકી રહ્યો હતો.
ટોકિય ઑલિમ્પિક દરમિયાન ભારતીય રમતો ઉપર નજર રાખનારા દરેક રસિકની નજર મનુ ભાકરના પર્ફૉર્મન્સ ઉપર હતી, પરંતુ એક ઇવેન્ટ દરમિયાન તેમની પિસ્ટલ બગડી ગઈ હતી, એ પછી તેમનું ઑલિમ્પિકઅભિયાન પાટા ઉપરથી ઉતરી ગયું હતું અને બાકીની કસર ઍટિટ્યૂડે પૂરી કરી હતી.
આશાઓના અશ્વ ઉપર સવાર મનુ ભાકર પોતાની નિષ્ફળતાને પચાવી ન શક્યાં અને અસફળતાનો દોષ તેમના તત્કાલીન કૉચ જશપાલ રાણાને દીધો. પૂર્વ કૉચ રાણાએ મનુના નિવેદનને 'અપરિપક્વ' ગણાવ્યું, એ પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા.
એ પછી રમત પ્રત્યે મનુ ભાકરનું મન ઉતરી રહ્યું હતું. અનેક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ શૂટિંગ છોડીને ભણતર માટે વિદેશ જવાનું વિચારવા લાગ્યાં હતાં. જોકે, પેરિસ ઑલિમ્પિક જેમ-જેમ નજીક આવની રહ્યો હતો, તેમ-તેમ તેઓ પોતાને એક તક આપવા વિશે પણ વિચારી રહ્યા હતા.
જશપાલ રાણાને કર્યો કોલ

ઇમેજ સ્રોત, Getty Images
મનુ ભાકર ઉપર કવિયત્રી અને માનવાધિકાર કાર્યકર્તા માયા એંજેલોની કવિતા 'સ્ટિલ આઈ રાઇઝ' તથા ગીતાના 'કર્મનો સિદ્ધાંત' શૂટિંગની દુનિયામાં પરત ફરવા માટે તેમનાંમાં આશાનો સંચાર કરી રહ્યાં હતાં.
આ બધાની વચ્ચે એક દિવસ મનુ ભાકરે એવું કર્યું, જેની તેમની આસપાસના લોકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી.
પેરિસ ઑલિમ્પિકના લગભગ એક વર્ષ અગાઉ મનુ રાણાએ પૂર્વ કોચ જસપાલ રાણાને ફોન કર્યો અને મદદ માગી, જસપાલ પણ પૂર્વ શાગિરદને ના ન કહી શક્યાં.
નજીકનાં લોકોએ મનુને સલાહ આપી હતી કે તેઓ જસપાલ રાણાને કોલ ન કરે, પરંતુ મનુએ એક વર્ષમાં ચાર કોચ બદલ્યા હતા અને તેમને અહેસાસ થઈ ગયો હતો કે માત્ર જસપાલ રાણા જ તેમનું નસીબ પલટી શકે તેમ છે.
પેરિસ ઑલિમ્પિક પહેલાં મનુ ભાકરે કહ્યું હતું કે માત્ર જશપાલ રાણા જ તેમની પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવી શકે છે. મનુ ભાકરે કાંસ્યપદક જીત્યો એ પછી જશપાલ રાણાએ અનેક મીડિયા આઉટલેટ્સ સાથે વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મનુ ઇતિહાસ રચવાની ક્ષમતા ધરાવે છે એવી મને આશા હતી એટલે તેઓ મનુને ના ન કહી શક્યા. જશપાલ આ સફળતાનો શ્રેય મનુને જ આપે છે.
આ એક વર્ષ દરમિયાન જશપાલ રાણા પોતાની ઍકેડમીના લગભગ 100 તાલીમાર્થીઓને ભૂલી ગયા. જશપાલના કહેવા પ્રમાણે, તેમણે પોતાની તમામ ઊર્જા મનુ ભાકરને ઑલિમ્પિકની તૈયારીઓ કરાવવામાં લગાડી દીધી.
આ ગાળામાં મનુ ભાકરને ભારત સરકારના 'ખેલો ઇન્ડિયા' કાર્યક્રમ હેઠળ બનેલી ઇકૉસિસ્ટમની પણ મદદ મળી. રવિવારે આના વિશે માહિતી આપતી વેળાએ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, "મનુ ભાકરને ટ્રૅનિંગ આપવા માટે સરકારે રૂ. બે કરોડ ખર્ચ્યા હતા. અમે મનુને ટ્રૅનિંગ માટે જર્મની તથા સ્વિટ્ઝરલૅન્ડ મોકલ્યાં. આ આર્થિકમદદથી તેમને મનપસંદ કોચ રાખવામાં પણ મદદ મળી"
આ ઇતિહાસ સર્જશે મનુ?

ઇમેજ સ્રોત, Ram Kishan Bhakar
મનુની પહેલી સફળતા બાદ જશપાલ રાણાએ આશા વ્યક્ત કરી રહતી કે મનુ વધુ મેડલ પણ જીતી શકે છે. તેઓ પણ મનુ સાથે પેરિસના ખેલગામમાં હતા અને ત્યાં કલાકો સુધી પ્રૅક્ટિસ કરી રહ્યાં હતાં.
એક જ ઑલિમ્પિક રમતોત્સવ દરમિયાન સૌથી વધુ મૅડલ જીતવાનો રેકૉર્ડ અમેરિકાના તરવૈયા માઇકલ ફ્લૅપ્સના નામે છે, જેમણે બીજિંગ રમતોત્સવ દરમિયાન આઠ ગોલ્ડમૅડલ જીત્યા હતા.
એ રમતોત્સવ દરમિયાન તેમણે જે કોઈ ઈવેન્ટમાં ભાગ લીધો, એ દરેકમાં ગૉલ્ડમેડલ જીત્યો. 23 ગૉલ્ડમેડલ સહિત 28 ઑલિમ્પિક પદક જીતવાના તેમના રેકૉર્ડને તોડવો કોઈ પણ ખેલાડી માટે મુશ્કેલ હશે.
બીજી બાજુ, જર્મન સ્વીમર ક્રિસ્ટીન ઓટોએ વર્ષ 1988માં સિઓલ ઑલિમ્પિક દરમિયાન છ સુવર્ણપદક જીત્યા હતા.
આ બધા આંકડા જોતા મનુ ભાકરની સિદ્ધિ આંકડાકીય દૃષ્ટિએ વામણી લાગે, પરંતુ ભારતીય રમતોમાં મહિલાઓની સ્થિતિને જોતાં આ સિદ્ધિને ઓછી ન આંકવી જોઈએ.













