મૃતદેહ પરના ટેટૂથી પોલીસે હત્યાના આરોપીને કેવી રીતે પકડ્યા અને ટેટૂમાં શું લખ્યું હતું?

- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી માટે
મુંબઈના વર્લીસ્થિત ‘સૉફ્ટ ટચ સ્પા’ સેન્ટરમાં 23-24 જુલાઈની રાત દરમિયાન રાત્રે એક શખ્સની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ વર્લી પોલીસે મૃતકના શરીર પર બનેલા ટેટૂના આધારે આરોપીને ભાળ મેળવી લીધી.
પોલીસે અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. પરંતુ આ ટેટૂ પર એવું શું લખ્યું હતું કે વર્લી પોલીસ સીધી જ આરોપી સુધી પહોંચી ગઈ?
મૃતકનું નામ ગુરુસિદપ્પા વાઘમારે છે અને આરોપીનું નામ ફિરોઝ અંસારી અને શાકીબ અંસારી છે.
પોલીસને એવી ખબર પડી છે સ્પા સેન્ટરના માલિક સંતોષ શેરેકરે જ હત્યાની સોપારી આપી હતી.
વાઘમારે 23 જુલાઈના રોજ પોતાની પ્રેમિકાનો જન્મદિન મનાવવા માટે સાયનના એક બારમાં ગયા હતા જ્યાં તેમની સાથે સ્પા સેન્ટરના બે કર્મચારી પણ હતા.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.
પાર્ટી પૂરી થયા બાદ અંદાજે સાડા બાર વાગે લોકો સ્પા સેન્ટર પહોંચ્યા. એ દરમિયાન આરોપી ફિરોઝ અને શાકીબે વાઘમારેનો પીછો કર્યો.
વાઘમારે સાથે આવેલા સ્પા સેન્ટરના બે કર્મચારીઓ ત્યાંથી જતા રહ્યા તે પછી તેમણે વાઘમારેની હત્યા કરી દીધી. આ ઘટના મધરાત્રે બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
24 જુલાઈની સવારે જ્યારે વર્લી પોલીસને ઘટનાની જાણકારી મળી ત્યારે તેમણે સ્પા સેન્ટરમાં તપાસ કરી અને મૃતદેહને કબજામાં લીધો.
ટેટૂમાં શું લખ્યું હતું?

વાઘમારેને કદાચ એ વાતનો અંદાજ હતો કે તેમની સાથે કંઈક અઘટિત થઈ શકે છે, તેથી જ તેમણે પોતાના શરીર પર ટેટૂ બનાવી રાખ્યું હતું.
પોસ્ટમૉર્ટમ દરમિયાન પોલીસને વાઘમારેની બંને સાથળ પર ટેટૂ જોવું મળ્યું હતું, જેમાં લખ્યું હતું કે, "મારા દુશ્મનોના નામ ડાયરીમાં નોંધાયેલા છે. તપાસ કરો અને પગલાં લો."
તેમજ એક ટેટૂમાં 10 લોકોનાં નામ અને બીજામાં 12 લોકોનાં નામ લખ્યાં હતાં. તેમાં ગુરુસિદપ્પાની જ્યાં હત્યા કરવામાં આવી હતી તે સ્પા સેન્ટરના માલિક સંતોષ શેરેકરનું નામ પણ સામેલ હતું.
આ કડીના આધારે પોલીસે તેની તપાસ આગળ ધપાવી હતી.
જ્યારે પોલીસે વાઘમારેના ઘરની તપાસ કરી તો તેમને કેટલીક ડાયરીઓ પણ મળી જેમાં લીલા, વાદળી અને લાલ રંગમાં ઘણી માહિતી લખવામાં આવી હતી.
તેમાં સ્પા સેન્ટરમાંથી મળેલા પૈસાની માહિતી પણ હતી, જેના કારણે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સરળતા થઈ હતી.
પોલીસે આરોપીઓની કેવી રીતે ધરપકડ કરી?

સ્પા સેન્ટરના માલિક સંતોષ શેરેકરનું નામ પણ ટેટૂ પર હતું. આથી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. બાદમાં જ્યારે પોલીસે સ્થળ પરના સીસીટીવી ચેક કર્યા તો તેમાં ફિરોઝ અને શાકીબ જોવા મળ્યા હતા.
હત્યા બાદ બંને ટુ-વ્હીલર પર કાંદીવલી ગયા હતા.
ફિરોઝ નાલાસોપારાસ્થિત તેમના ઘરે ગયા હતા, જ્યારે શાકીબ ટ્રેન પકડીને દિલ્હી ગયા હતા. વાઘમારેનો પીછો કરતાં બંનેએ સાયનમાં તમાકુ ખરીદી હતી અને તેનું ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું. તેનાથી પોલીસે આરોપીનો નંબર મેળવ્યો હતો.
પોલીસે જ્યારે બંને આરોપીઓની શોધખોળ કરી તો તેમને જાણવા મળ્યું કે શાકીબ ટ્રેનમાં છે. શાકીબની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ફિરોઝ અંસારીની નાલાસોપારામાંથી ધરપકડ કરવામાં આવી.
પોલીસે શું કહ્યું?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દત્તા નાલાવડેએ કહ્યું કે આ ઘટના 23 અને 24 જુલાઈ દરમિયાન રાતે ઘટી હતી.
તેમણે કહ્યું, "તેની માહિતી મળતા વર્લી પોલીસ સ્ટેશનને 24 તારીખ મળી હતી. આ એક સ્પામાં એક વ્યક્તિની હત્યાનો કેસ હતો."
"મૃતક આરટીઆઈ કાર્યકર તરીકે કામ કરતા અને તેમને જે વસ્તુ ખોટી લાગે તેના અંગે સવાલ કરતા. તેઓ કેટલાક સ્પામાલિકોના સંપર્કમાં હતા અને એ જ તેમનું ફુલટાઇમ પ્રોફેશન હતું. તેમની સામે આઠ કૉગ્નિઝિબલ ગુના અને 24 એનસીઆર (નૉન-કૉગ્નિઝિબલ ગુના) દાખલ છે."
"વર્લી પોલીસે આ કેસમાં એક આરોપી અને ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા એક સ્પામાલિક છે, અને બે એ લોકો છે, જેમણે સ્પામાલિક પાસેથી સોપારી લઈને હત્યા કરી હતી. હાલ તપાસ ચાલુ છે."
દત્તા નાલાવડેએ જણાવ્યું કે વર્લી પોલીસ સિવાય ક્રાઇમ બ્રાન્ચ અલગઅલગ કેસની તપાસ કરી રહી છે. તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની છ ટીમો લાગેલી છે. જેમાં ટેકનિકલ ટીમ અને ફીલ્ડ ઇન્વેસ્ટિગેશન ટીમ સામેલ છે.
તેમણે કહ્યું, "આ કેસમાં અમે વાઘમારેના સાયનથી નીકળીને સ્પા સુધી પહોંચવાના સમયની તપાસ કરી, જેમાં કેટલીક વાતો જાણવા મળી છે. એ આધારે અમે પહેલા આરોપીને નાલાસોપારાથી પકડ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે એક અન્ય આરોપી દિલ્હી તરફ ભાગી રહ્યો હતો. અમે સ્થાનિક પોલીસની મદદથી અન્ય આરોપી અને બે સંદિગ્ધને કોટામાં પકડ્યા છે."
ટેટૂ અંગે તેમણે જણાવ્યું કે "મૃતકની બંને સાથળના ટેટૂમાં કેટલાંક નામ લખેલાં હતાં કે તેમને કંઈ થાય તો જે નામ લખેલાં છે, જે જવાબદાર હશે. આ અંદાજે 22 નામ છે અને આ લોકો અલગઅલગ જગ્યાના છે."
સ્પા માલિકે વાઘમારેની કેમ હત્યા કરી?

વાઘમારે કથિત રીતે મુંબઈ અને તેની આસપાસના સ્પામાલિકો પાસેથી ખંડણી માગતા હતા. વાઘમારેએ વર્લીમાં સોફ્ટ ટચ સ્પા સેન્ટરના માલિક સંતોષ શેરેકર પાસેથી પણ કથિત રીતે પૈસાની માગણી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, વાઘમારે શેરેકર પર પૈસા માટે વારંવાર દબાણ કરતા હતા, જેના કારણે બંને વચ્ચે વિવાદ થયો હતો. સંતોષ શેરેકર વાઘમારેથી કંટાળી ગયા હતા.
આ વિવાદને કારણે તેમણે વાઘમારેની હત્યાની સોપારી ફિરોઝ અંસારી અને શાકીબ અંસારીને આપી હતી.
બીબીસી મરાઠી સાથે વાત કરતા ડેપ્યુટી પોલીસ કમિશ્નર દત્તા નલાવડેએ જણાવ્યું કે આ કેસમાં સંતોષ શેરેકર, ફિરોઝ અને શાકીબની ધરપકડ કરવામાં આવી છે.












