લમીન યમાલ : એ સ્ટાર ફૂટબૉલર, જેના માટે ત્રણ દેશો વચ્ચે છે 'મુકાબલો'

16 વર્ષીય લમીન યમાલે પોતના પ્રદર્શનની આખા વિશ્વને ચોંકાવી દીધું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 16 વર્ષીય લમીન યમાલે પોતાના પ્રદર્શનની આખા વિશ્વને ચોંકાવી દીધું છે
    • લેેખક, પિયર્સ ઍડવર્ડસ
    • પદ, બીબીસી સ્પૉર્ટ

આફ્રિકન દેશ ઇક્વોરિયલ ગિનીના ફૂટબૉલ મહાસંઘનું કહેવું છે કે જે પ્રકારનું પ્રદર્શન લમીન યમાલે યુરોપિયન ચૅમ્પિયનશિપમાં કર્યું છે તેને કારણે તેમના દેશમાં આ રમતની લોકપ્રિયતા વધશે.

યુરો કપ ટુર્નામેન્ટમાં 16 વર્ષીય લમીન યમાલે પોતાના પ્રદર્શનથી આખા વિશ્વને અચરજમાં મૂકી દીધા છે.

યમાલનાં માતા ઇક્વોટોરિયલ ગિનીના છે અને પિતા મોરક્કોના છે તેમ છતાં યમાલ સ્પેન તરફથી રમે છે.

યમાલ બાર્સિલોનામાં પેદા થયા, અભ્યાસ કર્યો અને લા માસિયા ઍકેડૅમીમાં તેમની ટ્રેનિંગ થઈ, ત્યાં તેઓ એક સત્ર પૂર્ણ કરી ચૂક્યા છે.

ઇક્વોટોરિયલ ગિનીના ફૂટબૉલ ફેડરેશનના અધ્યક્ષ વેનેસિયો ટૉમસ ડૉન્ગ મીચાએ બીબીસી સ્પૉર્ટ સાથેની વાતચીતમાં કહ્યું, “લમીન યમાલ ભલે ઇક્વોટોરિયલ ગિની માટે ન રમતા હોય, પરંતુ તેઓ અમારા દિલની ખૂબ જ નજીક છે અને અમને લાગે છે કે તેઓ ઇક્વોટોરિયલ ગિનીના ફૂટબૉલ માટે ઘણું કરશે.”

તેમણે કહ્યું, “અમે યુરો કપમાં તેમના શાનદાર પ્રદર્શન અને એફસી બાર્સિલોના સાથે શાનદાર સિઝનનો આનંદ લઈ રહ્યા છીએ. તેમનાં મૂળ અમારા દેશ સાથે છે અને તે દર્શાવે છે કે અમારો દેશ સારા ફૂટબૉલરોનો દેશ છે.”

ઓછી ઉંમર છતાં પોતાના ઑલરાઉન્ડ પ્રદર્શનને કારણે સૌને ચોંકાવી રહ્યા છે. ફ્રાન્સ વિરુદ્ધ ગોલ અને ક્રોએશિયા, જ્યૉર્જિયા અને જર્મની વિરુદ્ધ ગોલ કરવામાં મદદ કરીને યમાલે પોતાની ક્ષમતાઓને પુરવાર કરી છે.

યમાલ રવિવારે ઇંગ્લૅન્ડની વિરુદ્ધ ફાઇનલ રમશે અને તેના એક દિવસ પછી તેઓ 17 વર્ષના થઈ જશે. યમાલ યુરો કે વર્લ્ડકપની ફાઇનલ રમનાર સૌથી ઓછી ઉંમરના ખેલાડી બની જશે.

બ્રાઝીલના પેલે હાલમાં વર્લ્ડકપની ફાઇનલ રમનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી છે. વર્ષ 1958માં જ્યારે ફાઇનલ મુકાબલામાં બ્રાઝીલે સ્વીડનને 5-2થી હારવ્યું હતું તે સમયે પેલેની ઉંમર 17 વર્ષ 249 દિવસની હતી. આ મુકાબલામાં પેલેએ બે ગોલ કર્યા હતા.

યમાલ 16 વર્ષ અને 361ની ઉંમર સાથે યુરો કપના ઇતિહાસમાં ગોલ કરનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બની ચૂક્યા છે.

યમાલ બાર્સિલોના સાથે લીગ ગેમ શરૂ કરનાર સૌથી નાની ઉંમરના (16 વર્ષ 38 દિવસ) ખેલાડી છે. યમાલ સ્પેનની ફૂટબૉલ લીગ લા લીગાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ગોલ કરનાર વ્યક્તિ (16 વર્ષ 87 દિવસ) છે.

આ બધા રેકૉર્ડ તોડવા ખૂબ જ મુશ્કેલ હશે.

બીબીસી ગુજરાતી

'તેઓ પોતાનું મૂળ નહીં ભૂલે'

લમીન યમાલે યુરો 2024ના સેમીફાઇનલમાં મહત્ત્વપૂર્ણ ગોલ ઉપારંત ત્રણ ગોલ કરવામાં ટીમને મદદ કરી હતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, લમીન યમાલે યુરો 2024ની સેમિફાઇનલમાં મહત્ત્વપૂર્ણ ગોલ ઉપરાંત બીજી મૅચોમાં ત્રણ ગોલ કરવામાં ટીમને મદદ કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇક્વોટોરિયલ ગિની બે ભાગોમાં વહેંચાયેલો દેશ છે. દેશનું પાટનગર માલાબો દ્વીપવાળા વિસ્તારમાં છે. દેશનું આફ્રિકા મેનલૅન્ડના ભાગમાં સૌથી મોટું શહેર બાટા છે, જ્યાં યમાલનાં માતાનો જન્મ થયો હતો.

તેઓ બાદમાં સ્પેન ચાલ્યાં ગયાં અને એક વેઇટર તરીકે કામ કરવા લાગ્યાં ત્યાં તેમની મુલાકાત યમાલના પિતા સાથે થઈ હતી. તેઓ હાલમાં યમાલના પિતાથી અલગ થઈ ચૂક્યાં છે.

યમાલનાં માતા અને નાની બાર્સિલોનામાં રહે છે. જોકે, તેમનાં માતાના પરિવારના બીજા સભ્યો હજુ પણ ઇક્વોટોરિયલ ગિનીમાં જ રહે છે.

નાનો દેશ હોવા છતાં પણ ઇક્વોટોરિયલ ગિની છેલ્લા બે આફ્રિકા કપ ઑફ નેશન્સના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યો હતો.

ત્રણ વર્ષ પહેલાં ઇક્વોટોરિયલ ગિનીના ફૂટબૉલ ફેડરેશને યમાલની સેવાઓ લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ફેડરેશન સ્પેનથી ખૂબ જ પાછળ હતું.

ઇક્વોટોરિયલ ગિની ફીફા રૅન્કિંગમાં 89મા સ્થાને છે, જ્યારે સ્પેન રવિવારે યુરોપિયન ચૅમ્પિયનશિપની ફાઇનલ રમશે.

ડૉન્ગ મીચાએ કહ્યું, “અમે 2021માં તેમના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સ્પેનના ફૂટબૉલ ફેડરેશન સાથે તેમના સંબંધો ખૂબ જ સારા હતા.”

“જોકે, અમે પ્રયત્નો કર્યા, કારણ કે હું તેમના પરિવારનો સારો મિત્ર હતો. ખાસ કરીને તેમના નાના અને આખો પરિવાર યમાલનાં ખૂબ જ વખાણ કરતાં હતાં.”

તેમણે ઉમેર્યું, “ત્યાર બાદ મોરક્કોવાળા પણ યમાલની પાછળ પડ્યા, પરંતુ સ્પેને બધાને પાછળ છોડી દીધા.”

મોરક્કો ફૂટબૉલ ફેડરેશનના અધ્યક્ષ ફૉઉલી લેક્જાએ બતાવ્યું કે ગત વર્ષે યમાલને મેળવવાના તેમના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા.

જોકે, આફ્રિકાના આ બંને દેશો યમાલના દિલની ખૂબ જ નજીક છે. આ વાત યમાલના ફૂટબૉલ બૂટને જોઈને પણ સમજી શકાય છે, જેમાં બંને દેશોના ધ્વજોને જગ્યા આપવામાં આવી છે.

ડૉન્ગ મીચાએ કહ્યું, “આ દર્શાવે છે કે તેઓ ભલે સ્પેનની તરફથી રમતા હોય, પરંતુ તેઓ પોતાની ઇક્વોટોરિયલ ગિનીનાં મૂળને ભૂલ્યા નથી.”

'યમાલ ઇક્વોટોરિયલ ગિનીને વૈશ્વિકસ્તરે લઈ જઈ રહ્યા છે'

યમાલના ફુટબૉલ બૂટમાં ઇક્કેટોરિયલ ગિની અને મોરક્કોનો ધ્વજને જગ્યા આપી છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, યમાલના ફૂટબૉલ બૂટમાં ઇક્વોટોરિયલ ગિની અને મોરક્કોના ધ્વજને સ્થાન અપાયું છે

ડૉન્ગ મીચાનું માનવું છે કે યમાલ પોતાના માતાનાં દેશને મજબૂતી સાથે વૈશ્વિકસ્તરે લઈ જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે યમાલનું આ પ્રદર્શન અંસુ ફાતીને નાની ઉંમરે મળેલી સફળતાની યાદ અપાવે છે. અંસુ ફાતીના પ્રદર્શનને કારણે તેમના દેશ હિની બિસાઉ વિશે જાણવા મળ્યું.

ડૉન્ગ મીચાએ કહ્યું, “તેમના (યમાલના) પ્રદર્શનથી જાણકારી મળે છે ઇક્વોટોરિયલ ગિનીના ખેલાડીઓની રમતની સ્ટાઇલ મોટા ભાગના આફ્રિકાના દેશોથી ખૂબ જ અલગ છે.”

“તેમની પ્રતિભા અને મૂળિયાંને જોતા લાગે છે કે યમાલ જેવા બીજા ખેલાડીઓ પણ હશે.”

યમાલ આ વર્ષે ચર્ચામાં રહેનાર ઇક્વોટોરિયલ ગિની મૂળના સ્પેનના પહેલા ખેલાડી નથી. આ પહેલાં એમિલિયો ન્સૂએ 34 વર્ષની ઉંમરે આ વર્ષે આફ્રિકા કપ ઑફ નેશન્સમાં સૌથી વધુ ગોલ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

ડૉન્ગ મીચાએ કહ્યું, “અમારે સારી તૈયારી ચાલુ રાખવી પડશે. સરકાર જલદી જ ફૂટબૉલની ઍકેડૅમીઓમાં રોકાણ કરશે જેથી અમે ભવિષ્યમાં યમાલ અને એમિલિયો જેવા ખેલાડીઓને શોધી શકીએ.”

“હું આવ્યો તે પહેલાં અમે યોગ્યતાના આધારે નેશન્સ કપ માટે ક્વૉલિફાઈ કર્યું ન હતું. જોકે, અમે બે વખત એફકોનમાં ક્વૉલિફાઈ કર્યું છે.”

“અમે રમતના સ્તરે ફીફા, કંફેડરેશન ઑફ આફ્રિકન ફૂટબૉલ અને સરકાર સાથે મળીને ફૂટબૉલને આગળ વધારીશું, જેથી ઇક્વોટોરિયલ ગિની મોટા દેશોને હરાવનાર નાના દેશો માટે મૉડલ બની શકે.”

ડૉન્ગ મીચા જો પોતાના રસ્તા પર આગળ વધશે અને મધ્ય આફ્રિકાનો આ નાનકડો દેશ વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ કરશે તો એવું પણ થશે કે યમાલ એક વૈશ્વિક સ્ટેજ પર પોતાનાં માતાના દેશની સામે રમી શકે છે.