ઉનાળાની શરૂઆતે જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કલાકો સુધી વીજળી ગુલ કેમ થઈ ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આવતા બે દિવસ માટે અમુક જિલ્લાઓમાં ઑરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
એવામાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત ઓછામાં ઓછા પાંચ જિલ્લાઓમાં ઉનાળાની શરૂઆતે જ એકીસાથે વીજળી ગુલ થઈ જતા વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા હતા.
બુધવારે બપોરે આવેલા અચાનક લોડ ડ્રૉપને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર પાવર પ્લાન્ટ બંધ પડી ગયા હતા.
સુરત સહિત ભરૂચ, નવસારી, વાપી અને વલસાડના પણ મોટાભાગના વિસ્તારોમાં ઓછામાં ઓછા ચાર કલાક સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી.
એક સાથે પાંચ જિલ્લાઓમાં વીજળી ડુલ થતા આ મુદ્દો લોકોમાં વ્યાપક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) અને ટૉરેન્ટ પાવર થકી વીજળી પહોંચે છે.
પરંતુ અચાનક આવું કેમ થયું અને એકીસાથે ગુજરાત સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વીજળી કેમ ચાલી ગઈ? જાણીએ આ અહેવાલમાં...
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
ગુજરાત સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરે વીજળી ઠપ થવા પાછળનું કારણ આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે માહિતી આપતા કહ્યું હતું કે, "12 માર્ચે બપોરે 2:50 કલાકે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમમાં અવરોધ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં લગભગ 4500 મેગાવૉટનો અચાનક લોડ ડ્રૉપ નોંધાયો હતો. પરિણામે તીવ્ર વૉલ્ટેજ ડ્રૉપ સર્જાતા સિસ્ટમમાંથી મોટા પ્રમાણમાં લોડ નીકળી ગયો હતો."
"આ વિક્ષેપના કારણે સાત 400kv ટ્રાન્સમિશન લાઇનો ટ્રિપ થઈ ગઈ હતી અને તેનાથી વીજ ઉત્પાદન પ્લાન્ટ પણ પ્રભાવિત થયા હતા અને તીવ્ર વૉલ્ટેજનો ફેરફાર થયો હતો."
તેના કારણે ઉકાઈ, કાકરાપાર અને સુરત લિગ્નાઈટ પાવર પ્લાન્ટ (એસએલપીપી) પણ બંધ થઈ ગયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં તારાપુર પાવર પ્લાન્ટ બંધ થઈ ગયો હતો.
આ મામલે GETCO, વડોદરાના એમડી ઉપેન્દ્ર પાંડેએ નિવેદન બહાર પાડીને પણ આ અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, "ગુજરાતમાં 4500 મેગાવૉટ અને મહારાષ્ટ્રમાં પણ 5000 મેગાવૉટનો લોડ ડ્રૉપ નોંધાયો હતો. તેના કારણે કુલ ચાર પાવર પ્લાન્ટ પ્રભાવિત થઈને બંધ પડી ગયા. એસએલપીપી અને તેમની સહયોગી ટીમોએ માત્ર દોઢ કલાકમાં જ 50 ટકા પાવર રિસ્ટોર કરી દીધો હતો. સાંજે સાત વાગ્યા સુધીમાં જ સંપૂર્ણપણે તમામ જગ્યાએ વીજળી પૂર્વવત કરી દેવામાં આવી હતી."
ડીજીવીસીએલે કહ્યું હતું કે, "5200 મેગાવૉટની માંગ સામે વીજળી આપૂર્તિ ફક્ત 700 મેગાવૉટની જ હતી."
જોકે, હજુ સુધી આ અવરોધ કેવી રીતે આવ્યો હતો તેની સ્પષ્ટ માહિતી મળી નથી.
પરંતુ ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ અંગ્રેજી અખબાર ધી ઇન્ડિયન ઍક્સપ્રૅસને આપેલી માહિતી અનુસાર, "હેવી ગ્રિડ લાઇન આખા દેશમાં ઇન્ટરકનેક્ટેડ હોય છે. વીજળીનું ઉત્પાદન અને ખપત એ રિઅલ ટાઇમ હોય છે અને તેનું નિયમન લોડ ડિસ્પેચ સેન્ટરથી થતું હોય છે. આથી કદાચ કોઈ ઉત્પાદન કરતાં પ્લાન્ટમાં કોઈ ખામી થઈ હોય એવું હોઈ શકે અથવા તો કોઈ હાઈ-વૉલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં કોઈ સમસ્યા હોઈ શકે છે."
સુરતના વ્યાપર અને રોજગારને અસર

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
અચાનક વીજળી ગુલ થઈ જતા ગરમીમાં લોકો ખૂબ પરેશાન થયા હતા.
બીજી તરફ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગોનું હબ ગણાતા સુરતમાં વીજળી ગુલ થઈ જવાને કારણે કપડાં ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ પ્રભાવિત થયો હતો.
સુરતના વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં મોટેપાયે હીરાના કારખાના છે. છ વાગ્યા સુધી પણ વીજળી ન આવતા કારખાનાઓમાંથી કામદારોને રજા આપી દેવાઈ હતી.
ઘનશ્યામ ચાવડા સુરતના પાંડેસરા વિસ્તારમાં સંચાખાતા ચલાવે છે. તેમના યુનિટમાં 60 પાવલૂમ મશીનો છે.
બીબીસી ગુજરાતી સહયોગી રૂપેશ સોનવણે સાથે વાત કરતા તેઓ કહે છે, "બપોરે બે વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી વીજળી પુરવઠો ખોરવાઈ જતા કાપડનું ઉત્પાદન ઠપ્પ થઈ ગયું હતું. વીજળી ન હોવાના કારણે અમારા કર્મચારીઓને કામ વગર બેસી રહેવાનો વારો આવ્યો હતો. વીજળી ન હોવાના કારણે અમારા દૈનિક ઉત્પાદનમાં અસર થઈ છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, જેમની પાસે વધારે મશીન છે તેમને વધુ નુકસાન થયું છે.
સુરતમાં કાપડના ઉત્પાદન સિવાય ડાઇંગ અને પ્રિન્ટિંગનું પણ કામ થાય છે. વીજળી ન હોવાના કારણે ફિનિશ્ડ કાપડના ઉત્પાદન ઉપર પણ વ્યાપક અસર થઈ હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મૅન્યુફેક્ચર પ્રવીણ ગુપ્તા કહે છે કે, વીજળી ન રહેતા પ્રોડક્શન, પૅકેજિંગ અને ટ્રાન્પોર્ટની સમગ્ર પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે અમને મોટું નુકસાન થયું છે. હવે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે?
કાપડની સાથેસાથે હીરા ઉદ્યોગમાં પણ વીજળી ન હોવાના કારણે હીરાના કારખાનેદારોને નુકસાન વેઠવો પડ્યો છે.
વરાછાના કુબેરનગરમાં ડાયમંડ પૉલિશિંગનું કામ કરતા ધર્મેશ ધામેલિયા બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ડામયંડ પૉલિશિંગનું કામ આધુનિક મશીનોથી કરવામાં આવે છે. અચાનક વીજકાપ થવાના કારણે અમારી મશીનોના સૉફ્ટવેયરમાં ખામી સર્જાઈ ગઈ છે, જેના કારણે અમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે ઑર્ડર સમયસર પૂરો નહીં થાય જેના કારણે વધુ સહવાનો વારો આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












