સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદાર સહિત ચાર સામે ભ્રષ્ટાચારનો કેસ, શું છે મામલો?

    • લેેખક, ગોપાલ કટેશિયા અને લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સુરેન્દ્રનગરના તત્કાલીન જિલ્લા કલેક્ટર કે. રાજેશ સામે 2022માં ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો અને સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ થયાને અઢી વર્ષ બાદ સુરેન્દ્રનગરના વર્તમાન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ સામે પણ 'ભ્રષ્ટાચારનો ગુનો' નોંધાયો છે.

ઍન્ફોર્સમેન્ટ ડાઇરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓએ મંગળવારે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં દરોડા પડ્યા હતા. ત્યારે બાદ ઇડીના અધિકારીઓએ એક ફરિયાદ કરતા ગુજરાતના ઍન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) એટલે કે લાંચરુશ્વતવિરોધી બ્યૂરોએ ડૉ. રાજેન્દ્ર પટેલ, સુરેન્દ્રનગર કલેક્ટરની કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ મોરી અને અન્ય બે કર્મચારી સામે કથિત રીતે લાંચ લેવા બદલ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દરમિયાન, ઇડીએ પણ ચંદ્રસિંહ મોરી અને અન્ય લોકો વિરુદ્ધ અલગથી એક ગુનો નોંધી નાયબ મામલતદારની ધરપકડ કરી છે અને તેના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે એસીબીએ ગુરુવારે જણાવ્યું કે પીસીએ હેઠળ નોંધાયેલા ગુના સંબંધે તેણે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી

કલેક્ટર સામે કથિત ભ્રષ્ટાચારનો શું છે સમગ્ર કેસ?

સુરેન્દ્રનગરના બીબીસીના સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર ઇડીએ મંગળવારે વહેલી સવારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને સુરેન્દ્રનગર કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલના સુરેન્દ્રનગરમાં આવેલા નિવાસોએ દરોડા પાડ્યા.

ઇડીના અધિકારીઓએ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને સુરેન્દ્રનગર ક્લેક્ટર ઑફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મયૂર ગોહિલ નામના કર્મચારીના ઘરે પણ દરોડા પાડ્યા.

દરોડા બાદ ઇડીના એક વરિષ્ટ અધિકારીએ ગુજરાત એસીબીને ફરિયાદ આપતાં એસીબીએ રાજ્ય સરકારના આ બે અધિકારીઓ અને બે કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7, 12, 13(1)(b), અને 13(2) મુજબ મંગળવારે જ ગુનો નોંધ્યો.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 રાજ્યસેવકો પર લાંચ લેવાનો પ્રતિબંધ મૂકે છે. આ અધિનિયમ હેઠળના ગુનામાં મદદગારી કરનારને કલમ 12 હેઠળ ઓછામાં ઓછાં ત્રણ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે.

તે જ રીતે જો કોઈ રાજ્યસેવક કોઈ પણ વ્યક્તિ માટે, કંઈ પણ જાહેરહિત સિવાય કોઈ કિંમતી વસ્તુ અથવા નાણાકીય લાભ મેળવે અથવા તેની આવકના જાણીતા સ્રોતોની સાપેક્ષ અપ્રમાણસર મિલકતના સંતોષકારક હિસાબ આપી ન શકે તો કલમ 13 (1)(b) મુજબ ગુનાહિત વર્તન ગણાય અને કલમ 13(2) હેઠળ એક વર્ષથી લઈને સાત વર્ષ સુધીની કેદ અને નાણાકીય દંડ પણ થઈ શકે છે.

એસીબીના જૉઇન્ટ ડાયરેક્ટરે શું કહ્યું?

ગુરુવારે અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા એસીબીના જૉઇન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે કહ્યું, "ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), ડૉ. રાજેન્દ્ર પટેલ (કલેક્ટર), મયૂર ગોહિલ (ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના પીએ) વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઇડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટની કલમ 7, 12, 13(1)(b), અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે. તેને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે તે અમે હાલ કરી રહ્યા છીએ."

એસીબીમાં આ ગુનો નોંધાયા બાદ ઇડીએ મોરી અને અન્ય વિરુદ્ધ ઍન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એસીઆરઆઇ) એટલે કે એક પ્રકારનો ગુનો નોંધી વિધિવત્ ધરપકડ કરી લીધી હતી.

બુધવારે અમદાવાદમાં આવેલી એક ઇડી કોર્ટમાં મોરીને રજૂ કરી તેમના 14 દિવસના રિમાન્ડ માગતા ઇડીએ જણાવ્યું પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીસીએમએલએ) હેઠળ કાર્યવાહી કરી મોરીના ઘરે પાડેલા દરોડા દરમિયાન મોટી રોકડ રકમ મળી આવી છે.

જો કોઈ સરકારી નોકર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થાય તો લાંચરુશ્વત વિરોધી બ્યૂરો કે સીબીઆઇ ભ્રષ્ટાચારનો ગુનો નોંધે છે, પરંતુ જો સરકારી નોકરો સામે નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જો લાંચ લેવા ઉપરાંત મની લૉન્ડરિંગ પણ થયું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય તો ઇડી મની લૉન્ડરિંગનો ગુનો નોંધી તેની તપાસ સ્વતંત્ર રીતે ચલાવે છે.

નામ ન આપવાની વિનંતી સાથે એક અધિકારીએ કહ્યું કે "આ કેસમાં પણ પ્રથમ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો અને ત્યારે બાદ ઇડીએ મની લૉન્ડરિંગનો ગુનો નોંધ્યો છે."

આરોપીએ 67.50 લાખ ક્યાં સંતાડ્યા હતા?

ઇડીએ તેની રિમાન્ડ અરજીમાં જણાવ્યું, "ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના ઘરે તપાસની કાર્યવાહી દરમિયાન 67.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં સંતાડી રાખી હતી.

અરજીમાં જણાવાયું છે કે આરોપીએ સ્પષ્ટ પણે સ્વીકાર્યું છે કે "જે રોકડ જપ્ત કરવામાં આવી છે તે તેમના દ્વારા કે મધ્યસ્થીઓ દ્વારા મંગાયેલી અને સ્વીકારાયેલ લાંચની રકમ છે, જે એવા અરજદારો પાસેથી મેળવાઈ હતી કે જેઓ જમીનના ઉપયોગ બાબતની તેમની અરજીઓનો ઝડપથી અથવા હકારાત્મક રીતે નિકાલ થાય તેવું ઇચ્છતા હતા."

ઇડીએ કોર્ટને એમ પણ જણાવ્યું છે કે જમીનોને બિનખેતી કરવા સહિતના હેતુફેર કરવાના કામમાં સુરેન્દ્રનગર કલેક્ટરની ઑફિસમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હતો.

મકરંદ ચૌહાણે પત્રકારોને કહ્યું કે એસીબીએ પણ આ જ સંદર્ભમાં ગુનો દાખલ કર્યો છે.

તેમણે કહ્યું, "પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટની કલમ 7, 12, 13 (1) (b) અને 13 મુજબ, એટલે કે ચંદ્રસિંહ મોરીના ઘરેથી જે પણ રોકડ મળેલી છે તે સંદર્ભમાં અમે ગુનો દાખલ કર્યો છે."

બીબીસી સાથે વાત કરતા એસીબીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું, "આ ચારેય આરોપીઓના પગારની ગણતરી કરી જે દિવસે દરોડા પાડ્યા તે દિવસે તેમની પાસે કેટલાં નાણાં હોઈ શકે તેની ગણતરી કરી તેનાથી વધારે નાણાં જણાઈ આવતાં તેમની પાસે ભ્રષ્ટાચારનાં નાણાં છે તેવું પ્રાથમિક દૃષ્ટિએ લગતાં અમે ગુનો દાખલ કર્યો છે."

કથિત ભ્રષ્ટાચાર કઈ રીતે આચરાયો?

ઇડીએ રિમાન્ડ અરજીમાં જણાવ્યું છે કે નાયબ મામલતદાર અને ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રટ તરીકે ચંદ્રસિંહ મોરીને જમીનના હેતુફેરની અરજીઓની ચકાસણી અને પ્રક્રિયા કરવાની સત્તા આપવામાં આવી હતી.

"અરજીઓ વિલંબ વિના હકારાત્મક રીતે નિકાલ કરવા માટે લાંચ માંગવામાં આવતી હતી. લાંચની રકમ પહેલા જ નક્કી કરવામાં આવતી હતી."

ઇડીએ આક્ષેપ કર્યો છે કે "આરોપીઓ અરજીના પ્રકારના આધારે જમીનના પ્રતિ ચોરસ મીટર દીઠ લાંચની રકમની ગણતરી કરતા અને ચુકવણી, મધસ્થી, કમિશન એજન્ટ/દલાલ વગેરેનાં નામ અને ભૂમિકાઓની નોંધ પણ રાખતા હતા."

ઇડીએ રિમાન્ડ અરજીમાં ચંદ્રસિંહ મોરીને મુખ્ય વ્યક્તિ અને નિર્ણય લેવા પાછળના મુખ્ય સૂત્રધાર ગણાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી અયોગ્ય રીતે અનુચિત લાભ મેળવીને 1 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. આ રૅકેટમાં કોણ કોણ સામેલ હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે તેમ ઇડી કહે છે.

આખું પ્રકરણ કઈ રીતે સામે આવ્યું?

એસીબીના અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું કે એક સોલાર પાવર કંપનીએ સુરેન્દ્રનગર જિલ્લામાં તેના પાવર પ્લાન્ટ માટે ખેતીની જમીનનો હેતુફેર કરી બિનખેતી કરાવવાની અરજી સુરેન્દ્રનગર કલેક્ટર ઑફિસમાં કરી હતી.

તેમણે કહ્યું, "આરોપીઓએ તે અરજીના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે લાંચ માંગી, પરંતુ કંપનીના માણસો દ્વારા આ બાબતે સરકારમાં ઉચ્ચ લેવલે ફરિયાદો થઈ. પરિણામે ઇડીએ તપાસ આદરી અને આ ભ્રષ્ટાચાર ઉજાગર થઈ ગયો."

જોકે એસીબીના જૉઇન્ટ ડાયરેક્ટર ઉમેર્યું કે એસીબીએ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરી નથી.

બીબીસીએ ડૉ. રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરીના પરિવારનો સંપર્ક સાધી તેમની પ્રતિક્રિયા મેળવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ કોણ છે?

ડૉ. રાજેન્દ્ર પટેલ ગુજરાતના વતની છે અને 2015ની બેચના આઇએએસ અધિકારી છે. ફેબ્રુઆરી 2025માં રાજ્ય સરકાર દ્વારા 40 વર્ષના આ અધિકારીની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાત સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર તેઓ ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે.

અહીં એ નોંધનીય છે કે ડૉ. રાજેન્દ્ર પટેલ તાજેતરનાં વર્ષોમમાં સુરેન્દ્રનગરના એવા બીજા કલેક્ટર બની ગયા છે કે જેની સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હોય. આ પહેલાં 2018થી 2021 દરમિયાન સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે સેવા આપનાર આઇએએસ અધિકારી કે. રાજેશ સામે સીબીઆઇએ મે 2022માં ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન