પાકિસ્તાનમાં આઈએસઆઈના પૂર્વ ડીજી ફૈઝ હમીદની ધરપકડ કેમ થઈ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ISPR
પાકિસ્તાનની સેનાએ કહ્યું છે કે તેમણે આઈએસઆઈના પૂર્વ ડીજી ફૈઝ હમીદની ધરપકડ કરી છે.
સેનાએ કહ્યું છે કે તેમની સામે કોર્ટ માર્શલની પ્રક્રિયા શરૂ થઈ રહી છે.
પાકિસ્તાનની સેનાની મીડિયા વિંગે કહ્યું છે કે એક અન્ય મામલામાં પાકિસ્તાનના એક પ્રોપર્ટી ટાયકૂન તરફથી કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પૂર્વ ડીજીની સામે અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હમીદને પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના ખાસ માનવામાં આવે છે. ઇમરાન ખાન તેમના કાર્યકાળ દરમિયાન જનરલ ફૈઝને ઍક્સટેન્શન આપવા માગતા હતા, જોકે તત્કાલીન આર્મી ચીફના વિરોધને કારણે આમ ન થઈ શક્યું.
બાંગ્લાદેશના ગૃહ વિભાગના સલાહકાર સખાવત હુસેને હિન્દુઓની કેમ માગી માફી

બાંગ્લાદેશના ગૃહ મામલાના સલાહકાર બ્રિગેડિયર જનરલ(નિવૃત્ત) એમ. સખાવત હુસેને લઘુમતિ સમુદાયને સુરક્ષા નહીં આપી શકવા બદલ માફી માગી છે.
તેમણે કહ્યું, “લઘુમતિને સુરક્ષા આપવી બહુમતિની જવાબદારી છે. પરંતુ તેઓ તેને સુરક્ષા આપવામાં અસફળ રહ્યા. તમે મસ્જીદમાં જઈને પાંચ વખત નમાઝ પઢો છો પરંતુ અલ્પસંખ્યકોને સુરક્ષા આપી શકતા નથી. આ આપણો ધર્મ છે. લઘુમતિને સુરક્ષા આપવી આપણી જવાબદારી છે. તમે નાકામ રહ્યા, તેનો જવાબ આપવો પડશે.”
તેમણે કહ્યું, “હું મારા ભાઈઓની માફી માગુ છું. ભાઈઓ મને માફ કરો. હાલ આપણી પરિસ્થિતિ અસ્થિર છે. અમે તમને બધી જગ્યાએ સુરક્ષા આપી નથી આપી શક્યા. કેટલાક જગ્યાએ સિવિલ સોસાયટીના લોકોએ લઘુમતિને સુરક્ષા આપી છે. પોલીસ અને રેપિડ ઍક્શન ફૉર્સની હાલત પણ સારી નથી. પરંતુ હાલત સુધારવામાં આવશે.”
સખાવત હુસેને જન્માષ્ટમી પૂજા અને દુર્ગા પૂજા માટે સુરક્ષા વ્યવસ્થાનું આશ્વાસન આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રાહમ થોર્પે કરી આત્મહત્યા, પત્નીએ કહ્યું હતાશામાં હતા

ઇમેજ સ્રોત, PA MEDIA
વિતેલા સપ્તાહમાં 55 વર્ષની ઉંમરના ઇંગ્લૅન્ડના પૂર્વ બૅટ્સમૅન ગ્રાહમ થોર્પનું મૃત્યુ થયું હતું. હવે તેમના પરિવારે કહ્યું છે કે થોર્પે પોતાનો જીવ ખુદ લીધો હતો.
થોર્પે ઇંગ્લૅન્ડ વતી 100 ટેસ્ટ મૅચ અને 82 વન-ડે મૅચ રમી હતી.
ધ ટાઇમ્સને આપેલી એક મુલાકાતમાં થોર્પનાં પત્ની અમાંડાએ કહ્યું કે તેમના પતિ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.
તેમણે કહ્યું, “પત્ની અને બે પ્રેમ કરનારી દીકરીઓ છતાં તેમની હાલતમાં સુધારો નહોતો આવ્યો. તેઓ હાલના દિવસોમાં અસ્વસ્થ હતા. તેમને લાગી રહ્યું હતું કે પરિવારને તેમની જરૂર નથી. અમે તેમના આ પગલાંથી નિરાશ છીએ.”
તેમણે દાવો કર્યો કે મે, 2022માં પણ તેમણે આત્મહત્યાની કોશિશ કરી હતી જેને કારણે તેમને આઈસીયુમાં રહેવું પડ્યું હતું.
આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થતા હોવ તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પાસેથી મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાતચીત કરવી જોઈએ.
હિંડનબર્ગે સેબીનાં ચૅરપર્સન માધબી બુચ પર ફરીથી ઉઠાવ્યા સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિંડનબર્ગે શૅર માર્કેટના નિયામક સેબીનાં ચૅરપર્સન માધબી પુરી બુચ પર રવિવારે રાતે ફરીથી સવાલો ઉઠાવ્યા હતા.
હિંડનબર્ગે પોતાના સત્તાવાર ઍક્સ અકાઉન્ટ પર દસ્તાવેજો સાથે એક પોસ્ટ કરીને કેટલાક દાવાઓ કર્યા હતા.
હિંડનબર્ગે બુચના નિવેદનવાળા એએનઆઈના પોસ્ટને રીપોસ્ટ કરીને લખ્યું, "અમારા રિપોર્ટ પર સેબી ચૅરપર્સન માધવી બુચે પોતાની પ્રતિક્રિયામાં કેટલીક જરૂરી વાતો સ્વીકારી છે. અને કેટલાક નવા મહત્ત્વપૂર્ણ સવાલ પર ઊભા થયા છે."
હિંડનબર્ગે કહ્યું કે માધબી બુચના જવાબ પરથી પુષ્ટિ મળે છે કે તેમણે બરમૂડા/મૉરિશિયસ ફંડમાં રોકાણ કર્યું હતું. આ ફંડનો ઉપયોગ વિનોદ અદાણીએ કર્યો. તેમણે (માધબી)એ પુષ્ટિ કરી કે આ ફંડ તેમના પતિના બાળપણના મિત્ર ચલાવે છે, જે ત્યારે અદાણીના ડાયરેક્ટર હતા.
હિંડનબર્ગે માધબીની પ્રતિક્રિયા પર બીજું શું કહ્યું?
અદાણી સાથે સંબંધિત રોકાણ ફંડની તપાસની જવાબદારી સેબીને સોંપવામાં આવી હતી. જેમાં માધબીના ખાનગી રોકાણવાળા ફંડ પણ સામેલ હતા.
બુચે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે તેઓ બંને કન્સલ્ટિંગ કંપનીઓમાંથી 2017માં સેબીમાં સભ્ય બન્યા બાદ હટી ગયાં હતાં. જોકે, માર્ચ 2024ની શૅર હોલ્ડિંગ જણાવે છે કે અગોરા ઍડવાઇઝરીમાં (ઇન્ડિયા) માધબીના પતિની નહીં, પરંતુ માધબીની 99 ટકા ભાગીદારી છે. તેઓ અત્યારે પણ કાર્યરત છે અને કંપનીમાંથી કમાણી કરી રહ્યા છે.
સિંગાપુરના રેકર્ડ પ્રમાણે, "માર્ચ 2016, 2022 સુધી માધબી અગોરા પાર્ટનર્સ સિંગાપુરમાં 100 ટકા ભાગીદાર હતાં. આનો અર્થ છે કે તેઓ સેબીમાં ફુલ ટાઇમ સભ્ય હતાં ત્યારે ભાગીદાર હતાં અને સેબીનાં ચૅરપર્સન બન્યાં તેનાં બે અઠવાડિયાં પછી તેમણે પોતાના શૅર પતિના નામ પર ટ્રાન્સફર કર્યા હતા."
અગોરા ઍડવાઇઝરીએ નાણાકીય વર્ષ (2022, 2023 અને 2024)માં 2.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સમયે માધબી સેબીનાં ચૅરપર્સન પણ છે.
બુચ સેબીનાં ફુલ ટાઇમ સભ્ય હતાં તે દરમિયાન પણ પોતાના ખાનગી ઇ-મેલ આઈડીથી પતિના નામનો ઉપયોગ કરીને વેપાર કર્યો.
વ્હિસલબ્લોઅરના દસ્તાવેજો પ્રમાણે, 2017માં સેબીનાં ફુલ ટાઇમ સભ્ય તરીકે તેમની નિમણૂક થઈ તેનાં થોડાંક અઠવાડિયાં પહેલાં તેમણે સુનિશ્ચિત કર્યું કે અદાણી સાથે જોડાયેલા અકાઉન્ટ માત્ર તેમના પતિ ધવલ બુચના નામ પર નોંધાયેલા રહે.
શું છે સમગ્ર મામલો?
અમેરિકન શૉર્ટ સેલર ફંડ હિંડનબર્ગે શનિવારે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોનો હવાલો આપીને કહ્યું હતું કે સેબીનાં ચૅરપર્સન માધબી પુરી અને તેમના પતિ ધવલ બુચની એ ઑફશોર કંપનીઓમાં ભાગેદારી છે, જે અદાણી જૂથની નાણાકીય ગેરરીતિ સાથે સંબંધિત છે.
સેબી ચૅરપર્સન માધબી પુરી અને તેમના પતિ ધવલ બુચે રવિવારની સાંજે બે પેજનું એક નિવેદન જાહેર કરીને હિંડનબર્ગના દાવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં જે ફંડના ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં 2015માં રોકાણ કર્યું હતું. જે માધબી સેબીનાં ફુલ ટાઇમ સભ્ય બન્યાં તેના બે વર્ષ પહેલાંનો મામલો છે.
સેબી ચૅરપર્સન અને તેમના પતિ ધવલ બુચે હિંડનબર્ગના આરોપોને ફગાવ્યા હતા.
સેબીએ શું કહ્યું?
સેબીએ 10 ઑગ્સ્ટ 2024ના રોજ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર એક નિવેદન જાહેર કર્યું હતું.
સેબીએ નિવેદનમાં કહ્યું, "રોકાણકારોએ શાંતિ જાળવવી જોઈએ અને આ પ્રકારના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા પહેલાં તે જાણકારીનું યોગ્ય આકલન કરવું જોઈએ."
હિંડનબર્ગના નવા રિપોર્ટની સેન્સેક્સ પર શું અસર થઈ
હિંડનબર્ગના નવા રિપોર્ટની અસર ભારતના શૅર બજાર પર પણ જોવા મળી રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં નહીંવત્ ઘટાડો જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ લગભગ 300 અંક અને નિફ્ટી લગભગ 90 ટકા નીચે છે.
અદાણી ગ્રૂપની વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરનાર હિંડનબર્ગ રિસર્ચે માર્કેટ રેગ્યુલેટર સેબી ચૅરપર્સન માધબી પુરી બુચ પર આરોપ લગાવ્યો છે.
અમેરિકન શૉર્ટસેલર ફંડ હિંડનબર્ગે શનિવારે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોનો હવાલો આપીને કહ્યું કે સેબીનાં ચૅરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની એ ઑફશોર કંપનીઓમાં ભાગેદારી છે, જે અદાણી ગ્રૂપની નાણકીય ગેરરીતિ સાથે સંડોવાયેલી છે.
બિહારના જહાનાબાદના મંદિરમાં નાસભાગ, સાતનાં મોત

ઇમેજ સ્રોત, Syyed Musharraf Imam
બીબીસી સંવાદદાતા સીટૂ તિવારીએ આપેલી માહિતી અનુસાર બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં સોમવારે નાસભાગ થઈ હતી.
આ નાસભાગમાં સાત લોકોનાં મોત થયાં છે અને 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ ઘટના રાત્રે 12થી 12: 30 વચ્ચે ઘટી હતી.
જહાનાબાદના એઅસડીઓ વિકાસ કુમારે કહ્યું, "આ એક દુ:ખદ ઘટના છે. બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે સ્થિતિનું નિરીક્ષણ કરીએ છીએ. અત્યાર સુધી સાત લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને 10થી વધારે લોકો ઘાયલ છે."
જહાનાબાદના ડીએમ અલંક્રિતા પાંડેએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "ડીએમ અને એસપી ઘટનાસ્થળ પર ગયા છે અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. કુલ સાત લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અમે મૃતકો અને ઘાયલોના પરિવારના સભ્યો સાથે મળીને જાણકારી મેળવી રહ્યા છીએ. મૃતકોની ઓળખાણ મેળવવાનો પ્રયત્નો ચાલુ છે. ત્યાર બાદ અમે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીશું."
ઘાયલોની સારવાર જહાનાબાદ સદર અને મખદુમપુર સદર હૉસ્પિટલમાં થઈ રહી છે. આ ઘટના મખદુમપુર પોલીસ ક્ષેત્રની ઘટના છે.
પેરિસ ઑલિમ્પિકનું સમાપન, લૉસ ઍન્જેલિસને સોંપાઈ યજમાની, કોને કેટલા મેડલ મળ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સના પાટનગર પેરિસમાં 26 જુલાઈથી ચાલી રહેલા પેરિસ ઑલિમ્પિક 2024નું રવિવારે સમાપન થયું હતું.
ભારતીય સમય પ્રમાણે ઑલિમ્પિક સમાપન સમારંભ રવિવારે રાત્રે 12 : 30 વાગ્યે પેરિસના સ્ટેડિયમમાં યોજાયો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈએ વૅરાઇટી મેગેઝિનના હવાલેથી કહ્યું હતું કે સમાપન સમારંભમાં અમેરિકાના આર્ટિસ્ટ બિલી ઇલિશ, સ્નૂપ ડૉગ અને રેડ હૉટ ચિલી પેપર્સે પર્ફૉર્મન્સ આપ્યું.
હોલિવૂડ અભિનેતા ટૉમ ક્રુઝ પણ પેરિસ ઑલિમ્પિકના સમાપન સમારંભમાં સામેલ થયા હતા અને ઑલિમ્પિકના ઝંડાને હાથમાં લીધો હતો.
સમારંભ દરમિયાન દરેક વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું અને ઑલિમ્પિકનો ઝંડો લૉસ ઍન્જેલિસને સોંપવામાં આવ્યો જે 2028માં થનારા ઑલિમ્પિકની યજમાની કરશે.
આ સમારંભમાં ભારત તરફથી ધ્વજવાહક મનુ ભાકર અને હૉકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ રહ્યા હતા.
ઑલિમ્પિકની ખાસ વાતો
- નીરજનાં માતા સરોજ અને અરશદનાં માતા રઝિયાએ ભારત-પાકિસ્તાનની 'સીમા'નું અંતર કેવી રીતે ઓછું કર્યું?
- અમન સહરાવત : 11 વર્ષની ઉંમરે માતા-પિતાને ગુમાવ્યાં, 21 વર્ષની વયે ઑલિમ્પિક મેડલ જીત્યો
- ઑલિમ્પિક મેડલ વિજેતાઓને કેટલા પૈસા મળે છે અને ગોલ્ડ મેડલની કિંમત શું હોય છે?
- વીનેશ ફોગાટ : મહિલાઓ માટે પુરુષોની તુલનાએ વજન ઘટાડવું કેટલું મુશ્કેલ?
ઑલિમ્પિકમાં કોણે જીત્યા સૌથી વધારે મેડલ?

ઇમેજ સ્રોત, Getty Images
ઑલિમ્પિકના અંતિમ દિવસે ભારતનો કોઈ મુકાબલો ન હતો. આ ઑલિમ્પિકમાં એક સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલ સાથે ભારતે કુલ છ મેડલ જીત્યા.
ઑલિમ્પિક દરમિયાન કુશ્તીના ફાઇનલમાં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને મૅચના થોડા કલાકો પહેલાં જ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરાયાં હતાં. તેમને કોઈ મેડલ આપવાનો પણ ઇનકાર કરાયો હતો.
આ મામલે તેમની અપીલ પર નિર્ણય થવાનો હજી બાકી છે. જો નિર્ણય ફોગાટના પક્ષમાં આવશે તો ભારતના મેડલની સંખ્યા સાત થઈ જશે.
ફોગાટને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ્સમાં પડકારાયો છે. કોર્ટ મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં પોતાનો નિર્ણય જણાવશે.
પેરિસ ઑલિમ્પિકમાં પદકની રેસમાં ભારત 71માં સ્થાને છે. ત્રણ વર્ષ પહેલાં યોજાયેલા ટોક્યો ઑલિમ્પિક 2020માં ભારત સાત મેડલ (એક ગોલ્ડ) સાથે પદકની રેસમાં 48માં સ્થાન પર હતું.
પેરિસ ઑલિમ્પિકમાં 40 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રૉન્ઝ સાથે અમેરિકાએ સૌથી વધારે 126 મેડલ જીત્યા. જ્યારે 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રૉન્ઝ સાથે કુલ મળીને 91 મેડલ સાથે ચીન બીજા સ્થાને રહ્યું.
ત્રીજા સ્થાને જાપાન છે, જેને કુલ 45 મેડલો જીત્યા જે પૈકી 20 ગોલ્ડ મેડલ છે. લગભગ 114 એવા દેશો છે જેને એક પણ મેડલ ન મળ્યો.
ટોક્યો ઑલિમ્પિકમાં અમેરિકા 39 ગોલ્ડ સાથે પ્રથમ ક્રમાંકે અને ચીન 38 ગોલ્ડ સાથે બીજા ક્રમાંકે હતો.
સરદાર સરોવર ડૅમમાં પાણીની આવક વધતા 25 ગામડાઓને કરાયાં એલર્ટ

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડૅમના પાણીની સપાટી વધતા નર્મદા નદીને કાંઠે આવેલાં 25 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં હતાં.
અંગ્રેજી સમાચારપત્ર ધી ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ઉપરવાસમાં સતત વરસાદ અને મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડૅમમાંથી પાણી છોડવાને કારણે સરદાર સરોવર ડૅમમાં પાણીની આવક વધી હતી. આ કારણે નવ દરવાજા 1.50 મીટર સુધી ખોલવા પડ્યા હતા.
સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે રિવરબેડ પાવર હાઉસ મશીન અને ખોલાયેલા દરવાજાને કારણે 1.35 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આ કારણે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ, અને કરજણ તાલુકાના 25 ગામોને અલર્ટ કરાયાં છે.
આ ગામડાંનાં નામ આ મુજબ છે : ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાલી, નાંદેરિયા ; શિનોર તાલુકાના અંબાલી, બરકલ, દિવેર, મલસાર, દરિયાપુર, મોલેઠા, ઝાંઝડ, માંડવા, શિનોર અને સુરાસમાલ ; કરજણ તાલુકાના પુરા, અલામપુરા, રાજળી, લીલાઇપુરા, નાની કોરળ, મોટી કોરળ, જુના સયાર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા અને અરાજપુરા.
રશિયાએ કહ્યું કે યુક્રેનના હુમલાઓનો વળતો જવાબ આપશે

ઇમેજ સ્રોત, Reuters
રશિયાએ હાલમાં થયેલા યુક્રેન હુમલાનો વળતો જવાબ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ એક નિવેદનમાં કહ્યું, “યુક્રેન રશિયાની શાંતિપૂર્ણ વસ્તીને ડરાવવાના ઇરાદા સાથે પોતાની આતંકી ગતિવિધિઓને વધારી રહ્યું છે.”
તેમણે કહ્યું, “યુક્રેનને સારી રીતે ખબર છે કે તેને હાલમાં કરેલા હુમલો કોઈ પણ રીતે સૈન્ય અભિયાન નથી.”
યુક્રેનના હુમલા વિશે જાણકારી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ક્ષેત્રીય પાટનગર કુર્સ્ક પર આખી રાત હુમલાઓ થયા હતા.
આ પહેલા કુર્સ્કના સ્થાનિક ગવર્નરે કહ્યું હતું કે શહેરમાં બહુમાળી ઇમારત પર યુક્રેનની મિસાઇલનો ભંગાર પડવાથી 13 લોકો ઘાયલ થયા હતા.
બેલગોરોદ ક્ષેત્રના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લૅદકોવે કહ્યું, "પ્રારંભિક જાણકારીમાં જાણવા મળ્યું કે શેબેકિનો શહેરમાં રહેતા વ્યક્તિના પગ અને હાથ પર ઈજા થઈ હતી. તેમની સારવાર કરવા માટે ક્ષેત્રીય પાટનગર બેલગોરોદ લઈ ગયા છે."
જોકે, તેમણે એ જાણકારી ન આપી કે આ હુમલો ક્યા હથિયાર વડે કરાયો હતો. તેમણે જણાવ્યું કે કેટલાંક ગામોમાં મિસાઇલ હુમલાઓથી ઇમારતોને નુકસાન થયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












