અમન સહરાવત : 11 વર્ષની ઉંમરે માતા-પિતાને ગુમાવ્યાં, 21 વર્ષની વયે ઑલિમ્પિક મેડલ જીત્યો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય કુસ્તીબાજ અમન સહરાવતે પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિલોગ્રામ વર્ગની કુસ્તી સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો.
આ સાથે જ આ ઑલિમ્પિકમાં ભારતના પદકોની સંખ્યા છ થઈ ગઈ હતી.
બ્રૉન્ઝ મેડલ જીતવા માટે જરૂરી મુકાબલામાં અમન સહરાવતે પોતાના પ્રતિસ્પર્ધી પ્યૂર્ટો રિકોના ડેરિયન ટોઈ ક્રૂઝને 13-5થી હરાવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર અમનને અભિનંદન આપ્યા હતા.
તેમણે લખ્યું, "અમારા કુસ્તીબાજો પર અમને ગર્વ છે. પેરિસ ઑલિમ્પિકમાં પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિલોગ્રામ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીતવા બદલ અમન સહરાવતને અભિનંદન. તેમનું સમર્પણ અને દૃઢ નિશ્ચય સ્પષ્ટપણે દેખાય છે. આખો દેશ આ ઉલ્લેખનીય સિદ્ધિની ઉજવણી કરી રહ્યો છે."
કૉંગ્રેસ નેતા અને સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ અમન સહરાવતને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રૉન્ઝ મેડલ જીતવા બદલ અમન સહરાવતને હાર્દિક અભિનંદન. પેરિસ ઑલિમ્પિકમાં ભારતને પોતાનું છઠ્ઠું મેડલ જીતવાની ખુશી છે. આપણી ઑલિમ્પિક ટીમના પ્રદર્શન પર આખા દેશને ગર્વ છે."
અમન સહરાવતને ગુરુવારે રમાયેલી સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેમિફાઇનલમાં અમનનો મુકાબલો જાપાનના રેઈ હિગુચી સાથે હતો.
આ મૅચમાં અમનનો 10-0થી કારમો પરાજય થયો હતો.
અમને ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં અલ્બાનિયાના અબકારોવને 12-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અમને પ્રથમ રાઉન્ડમાં પૂર્વ યૂરોપીય ચૅમ્પિયન વ્લાદિમીર એગોરોવને 10-0થી માત આપી હતી.
જોકે, આ ઑલિમ્પિકમાં ભારતને કુશ્તીમાં અત્યાર સુધી એક પણ મેડલ મળ્યો ન હતો.
મહિલા કુસ્તીમાં વિનેશ ફોગાટ પાસેથી મેડલની આશા હતી. જોકે, તેમને ફાઇનલ પહેલાં વધારે વજનને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.
પેરિસ ઑલિમ્પિકમાં કરી શાનદાર શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
21 વર્ષીય અમને પેરિસ ઑલિમ્પિકમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. તેમણે રાઉન્ડ ઑફ 16માં 2022ના યૂરોપીય ચૅમ્પિયન વ્લાદિમીર એગારોવને 10-0થી હરાવ્યાં હતા.
ક્વાર્ટર ફાઇનલમાં તેમણે 2022ના વર્લ્ડ ચૅમ્પિયન કુસ્તીબાજ અબકારોવ સામે જીત મેળવી હતી. તેમણે અલ્બાનિયાના કુસ્તીબાજ અબકારોવને 12-0થી માત આપી હતી.
અમને પોતાની ઓળખાણ ત્યારે બનાવી જ્યારે ભારતીય કુસ્તી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. દેશના કુસ્તીબાજ સુશીલ કુમારને જેલની સજા થઈ હતી. ગયા વર્ષે પ્રદર્શનોને કારણે કુસ્તીને લગતી બધી જ પ્રવૃત્તિ ઠપ્પ થઈ ગઈ હતી.
આ દરમિયાન ટોક્યો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ સ્થિતિમાં પુરુષો કુસ્તીમાં અમન સહરાવત ભારતીય કુસ્તીની આશાના કિરણ તરીકે ઊભરી આવ્યા.
રસપ્રદ વાત એ છે કે ભારતીય ઑલિમ્પિક ખેલાડીઓ પૈકી તેમની ઉંમર સૌથી ઓછી છે. તેમણે પેરિસ ઑલિમ્પિકમાં પુરુષ કુસ્તીમાં ભારત તરફથી એક પણ ખેલાડી ન હોવાની શરમજનક સ્થિતિમાંથી ભારતને બચાવ્યું.
દિલ્હીના છત્રશાલ સ્ટેડિયમથી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમન સહરાવત હરિયાણાના જજ્જરના બિરોહર ગામના રહેવાસી છે. તેઓ દિલ્હીના પ્રખ્યાત છત્રશાલ સ્ટેડિયમના વિશ્વસ્તરીય કુસ્તીબાજ છે.
છત્રશાલ સ્ટેડિયમમાં એ અખાડો છે જ્યાંથી ઑલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, રવિ દહિયા, બજરંગ પુનિયા સહિત કેટલાક કુસ્તીબાજો બન્યા અને પોતાની ઓળખાણ બનાવી.
અમનનો જન્મ 2003માં થયો હતો અને તેમણે 11 વર્ષની ઉંમરે પોતાનાં માતા-પિતાને ગુમાવ્યાં હતાં. અમનના દાદાએ તેમને ઉછેર્યા અને આ દુર્ઘટનામાંથી અમનને બહાર લાવવામાં મદદ કરી હતી.
અમનની નાની ઉંમરે જ કુસ્તીમાં રુચિને ધ્યાનમાં રાખીને તેમને છત્રશાલ સ્ટેડિયમમાં ભરતી કરવામાં આવ્યા.
અમનને કુસ્તીમાં જવાની પ્રેરણા સુશીલ કુમાર પાસેથી મળી. સુશીલ કુમારે 2008 બેઇજિંગ ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ અને 2012 લંડન ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
અમનને નૂર-સુલ્તાનમાં 2019 એશિયાઈ કૅડેટ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
ત્રણ વર્ષ પછી અમન અંડર-23 વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા.
તેમનું પ્રદર્શન 2023માં પણ શાનદાર રહ્યું. તેમણે અસ્તાનામાં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ અને હાંગ્જો એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
અમન વર્લ્ડ ઑલિમ્પિક ક્વૉલિફાયર દરમિયાન પેરિસ 2024 માટે ક્વૉલિફાય કરનાર એકમાત્ર ભારતીય પુરુષ કુસ્તીબાજ બન્યા. અંતે પુરુષની 57 કિલોગ્રામ સ્પર્ધા માટે ટોક્યો 2020ના સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયાની જગ્યાએ અમનની પસંદગી કરવામાં આવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












