પેરિસ ઑલિમ્પિકમાં નીરજ ચોપરાએ ભાલાફેંકમાં સિલ્વર મેડલ જીત્યો, પાકિસ્તાનના અરશદ નદીમે જીત્યો ગોલ્ડ

ઇમેજ સ્રોત, Reuters
નીરજ ચોપરાએ પેરિસ ઑલિમ્પિકમાં ભાલાફેંકની રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ 89.45 મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યા હતા.
આ સ્પર્ધામાં પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર દૂર ભાલો ફેંકીને ઑલિમ્પિકના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા હતા.
તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
નીરજ ચોપરા આ સાથે જ ઑલિમ્પિકમાં ભાલાફેંકની રમતમાં સતત બે વાર મેડલ જીતનારા પહેલા ભારતીય બન્યા છે.
તેમણે આ પહેલાં ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પેરિસ ઑલિમ્પિકની ભાલાફેંક સ્પર્ધામાં ભારતના નીરજ ચોપરા અને પાકિસ્તાનના અરશદ નદીમ વચ્ચે ભારે ટક્કર જોવા મળી હતી.
એક ખાસ વાત એ છે કે અરશદ નદીમ દક્ષિણ એશિયાના પ્રથમ અને એકમાત્ર ઍથ્લીટ છે, જેમની પાસે 90 મીટરનું લક્ષ્ય પાર કરવાનું સન્માન છે.
નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને ભારતની 100 વર્ષની પ્રતીક્ષાનો અંત આણ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતે 1920માં ઑલિમ્પિક રમતોમાં ખેલાડીઓને મોકલવાનું શરૂ કર્યું હતું, પરંતુ ભારતને ટ્રૅક ઍન્ડ ફિલ્ડની સ્પર્ધામાં પહેલો મેડલ અને એ પણ ગોલ્ડ મેડલ જિતાડવાનું કામ નીરજ ચોપરાએ કર્યું હતું.
નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને અનેક રેકૉર્ડ બનાવ્યા હતા. ઑલિમ્પિકની વેબસાઇટ અનુસાર નીરજ ચોપરા પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા પહેલા એશિયન ખેલાડી છે.
23 વર્ષની સૌથી યુવાવયે ઑલિમ્પિક ચૅમ્પિયન બનનાર ભારતીય ખેલાડી છે. અભિનવ બિંદ્રા (શૂટિંગ, બીજિંગ ઑલિમ્પિક 2008) બાદ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય ખેલાડી નીરજ ચોપરા છે.
વાંચો પાનીપતના એક નાનકડા ગામથી શરૂ થયેલી એક કહાણીની વાત...
ગામનો 'સરપંચ'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'80 કિલો વજન, શરૂ કરી કસરત’
‘ભાલાફેંક વિશે કશું જાણતો ન હતો’
26 વર્ષીય નીરજ ચોપરાનો જન્મ 24 ડિસેમ્બર, 1997ના રોજ હરિયાણાના પાનીપતમાં થયો હતો.
નીરજ ચોપરા જ્યારે 11 વર્ષના હતા ત્યારે તેમનું વજન 80 કિલો હતું. તેઓ કહે છે, ‘હું ખૂબ જ ગળ્યું ખાતો. દૂધ, મલાઈ અને રોટલીઓ મારો મુખ્ય ખોરાક હતો.’
નીરજ કુરતો પાયજામો પહેરતાં ત્યારે લોકો તેમને ‘સરપંચ’ કહેતા હતા. તેમનું વજન ઘટે એ માટે તેમને પહેલાં જિમમાં મોકલવામાં આવ્યા પરંતુ તેમને મજા ન આવતા તેઓ પોતાના ગામના મેદાનમાં કસરત કરવા માટે જતા હતા.
નીરજે પહેલી વખત ભાલો હાથમાં પકડ્યો ત્યારે તેઓ ભાલાફેંક વિશે કશું જાણતા ન હતા. નીરજ કહે છે, ‘હું ભાલાફેંક વિશે કશું જાણતો ન હતો. હું મેદાનમાં ફિટનેસ માટે જતો હતો. મેં મારા મિત્રોને ભાલો ફેંકતા જોયા. મને ભાલો ઊંચે ઊડે અને નીચે આવે તે જોવું ગમતું હતું. મને થયું લાવ હું પણ ભાલો ફેંકું. બે ત્રણ મહિના પછી જ્યારે હું ફિટ થયો ત્યારે મેં ભાલો ફેંક્યો. તે ખૂબ જ સારી રીતે ફેંકાયો હતો.
નીરજ ચોપરા વધુમાં કહે છે, ‘જ્યારે તમે પહેલી વખત થ્રો કરો છો તો તમને ટેકનિકની ખબર હોતી નથી પરંતુ એ થ્રો સારો હતો અને મારા મિત્રોને ગમ્યો અને એમણે કહ્યું મારી સાથે ભાલા ફેંકવાનું શરૂ કરો.’ ત્યાંથી આ સફરની શરૂઆત થઈ.
’15 કિલોમીટર ચાલીને ઘરે આવું પડતું’

ઇમેજ સ્રોત, Getty Images
નીરજ આ પછી પાનીપતના સ્ટેડિયમમાં જવા લાગ્યા. નીરજ ચોપરા માટે રોજ પાનીપત જવું પણ અઘરું હતું.
તેઓ બીબીસી સાઉન્ડને આપેલા ઇન્ટરવ્યૂમાં કહે છે, ‘મારા ગામથી પાનીપતનું સ્ટેડિયમ 15 કિલોમીટર દૂર હતું. મારે જવા માટે ક્યારેક એકથી દોઢ કલાક સુધી બસની રાહ જોવી પડતી. તેમાં પણ ટ્રેનિંગ કર્યા પછી પરત ફરવું એ ખૂબ અઘરું હતું. પાનીપત શહેરથી છેલ્લી બસ સાત વાગે હતી.
જો હું મોડો પડું તો મારે ચાલતા જવું પડે તો રાતે ક્યારેક હું દસ કે અગિયાર વાગે પણ ઘરે જતો હતો. પણ હું જ્યારે એ જૂની સ્ટ્રગલને જોઉં છું તો લાગે છે જ્યારે તમે કોઈ વસ્તુને પ્રેમ કરો છો તો આકરી મહેનત કરો અને તમારું શ્રેષ્ઠ આપો.’
નીરજ ચોપરા સારી સુવિધાઓ શોધતા પંચકૂલા શિફ્ટ થઈ ગયા ત્યાં તેમનો પહેલો સામનો રાષ્ટ્રીય ખેલાડીઓ સાથે થયો. રાષ્ટ્રીય સ્તરે રમવાનું શરૂ કરતા ખરાબ ગુણવત્તાવાળા ભાલાના સ્થાને સારો ભાલો તેમના હાથમાં આવી ગયો. આકરી મહેનત અને ધીરજના કારણે નીરજની રમત બદલાઈ ગઈ.
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ, ઑલિમ્પિકનું સપનું અને નિરાશા

નીરજ ચોપરાએ 2016માં U-20 વિશ્વ ચૅમ્પિયનશિપમાં 86.48 મીટર દૂર ભાલો ફેંકીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. તેમણે લાટિવિયાના ખેલાડીનો 84.60 મીટરના રેકૉર્ડને તોડી નાખ્યો હતો. નીરજ ચોપરાના આ રેકૉર્ડને આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી.
વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપમાં રેકૉર્ડ બનાવવા છતાં નીરજ ચોપરાને રિયો ઑલિમ્પિકમાં જગ્યા ન મળી. ઑલિમ્પિકમાં ક્વૉલિફાય કરવા માટેની તારીખ નીરજ ચોપરા રેકૉર્ડ બનાવે તેના 10 દિવસ પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી. નીરજ ચોપરા માટે આ પળ થોડીક નિરાશાજનક રહી હશે પરંતુ ઑલિમ્પિક માટે તેમને પ્રેરણા મળી.
નીરજનો ગોલ ઑલિમ્પિક બન્યું. નીરજ ચોપરાએ કહ્યું, ‘2016માં વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપમાં સારા પ્રદર્શન બાદ મને થયું હું વૈશ્વિકસ્તરે પહોંચી ગયો છું અને હું સારું પ્રદર્શન કરી શકું છું. મારા પરિવાર, મિત્રો અને દેશના લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો. એ મારી પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી અને મેં તેમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું અને ત્યારે મને લાગ્યું કે હું ઑલિમ્પિકમાં પણ સારું કરી શકું છું.’
નીરજ ચોપરાએ 2017માં ભુવનેશ્વર ખાતે યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં 85.23 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
2018માં એશિયન રમતોમાં 88.07 મીટર દૂર ભાલો ફેંકી રાષ્ટ્રીય રેકૉર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
2018માં ગોસ્ડ કોસ્ટ ખાતે યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં 86.47 મીટરનો ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરા માટે 2019નું વર્ષ ખૂબ જ મુશ્કેલીભર્યું રહ્યું. ખભાની ઈજાના કારણે તેઓ રમી ન શકયા અને સર્જરી બાદ ઘણા મહિનાઓ સુધી તેમને આરામ કરવો પડ્યો. 2020માં કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ નહોતી.
નીરજ ચોપરાએ પોતાના કૅરિયરમાં ઈજાઓના કારણે અનેક વખત પાછીપાની કરવી પડી છે. વર્ષ 2012માં જ્યારે બાસ્કેટબૉલ રમી રહ્યા ત્યારે તેમનું કાંડું ભાંગી ગયું હતું, એ જ કાંડું જેનાથી તેઓ ભાલો ફેંકે છે. ત્યારે નીરજે કહ્યું હતું કે એક વખતે મને લાગ્યું કે હું કદાચ હવે રમી નહીં શકું.
નીરજની સતત મહેનત અને તેમની ટીમની કોશિશથી તેઓ આ પડાવ પણ પાર કરી ગયા.
આજની તારીખમાં ભલે તેમની પાસે વિદેશી કોચ છે, બાયોમિકેનિકલ નિષ્ણાત છે પરંતુ 2015ની આસપાસ સુધી નીરજ એક પ્રકારે આપમેળે જ ટ્રેનિંગ કરતા. જેમાં ઈજાગ્રસ્ત થવાનો ખતરો હંમેશાં રહે છે. ત્યાર બાદ જ તેમને સારા કોચ અને અન્ય સુવિધાઓ મળવા લાગી.
રમત માટે માંસાહાર શરૂ કરવો પડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
નીરજ ચોપરા બાઇક ચલાવવાના શોખીન છે. ખરીદી કરવી એ તેમની હૉબી છે. તેઓ કહે છે, ‘શૉપિંગ કરવું મને ખૂબ ગમે છે. જૂતાં, કપડાં અને સ્પૉર્ટ્સ ગિયર ખરીદું છું.’
નીરજ ચોપરાને ગીતો સાંભળવા ગમે છે. તેમના પ્લેલિસ્ટમાં પંજાબી ગીતો અને બબ્બુમાનનાં ગીતો હોય છે.
પાણીપુરીને પોતાનું મનપસંદ જંકફૂડ માનતા નીરજ ચોપરા 2016 પહેલાં સંપૂર્ણ શાકાહારી હતા.
તેઓ કહે છે, ‘શરૂઆતમાં મને વિદેશમાં ખાવાને લઈને ખૂબ તકલીફ પડતી. હું ખૂબ ભાત અને શાકભાજી ખાતો જેના કારણે મારું વજન પાંચથી છ કિલો ઘટી ગયું હતું. મારા કોચે મને કહ્યું કે તારે જો લાંબો અને પાવરથી ભાલો ફેંકવો હશે તો તારે ચિકન અને માછલી ખાવાં પડશે પછી મેં માંસાહાર શરૂ કર્યો. આજે સૅલમન માછલી મારો ફેવરિટ ખોરાક છે.’
નીરજ ચોપરાને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે. તેઓ કહે છે, ‘ફોટોગ્રાફી કરવી મને ખૂબ ગમે છે. મારે સારી ફોટોગ્રાફી શીખવી છે. હું સ્પૉર્ટ્સ પૂર્ણ કરીને ફોટોગ્રાફી શીખીશ અને ફોટોગ્રાફી કરીશ.’
ટોક્યો ઑલિમ્પિકની મૅચ પહેલાં આખી રાત ઊંઘ ન આવી

ઇમેજ સ્રોત, EPA
નીરજ ચોપરાનું ટોક્યો ઑલિમ્પિકમાં પ્રદર્શન અદભુત હતું. નીરજ ચોપરા ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પણ પ્રથમ ક્રમે રહ્યા હતા અને ટુર્નામેન્ટ પૂર્ણ થઈ ત્યાં સુધી તેઓ ટોચના સ્થાને રહ્યા હતા.
23 વર્ષના નીરજ ચોપરાએ ભાલાફેંકની સ્પર્ધામાં માત્ર ફાઇનલ માટે ક્વૉલિફાય જ નહોતું કર્યું પરંતુ બંને ગ્રૂપના જે 31 ખેલાડીએ ભાલા ફેંક્યા તેમાં સૌથી દૂર ભાલો નીરજ ચોપરાએ ફેંક્યો હતો.
ફાઇનલમાં ક્વૉલિફાય થવા માટે 83.50 મીટર કે તેથી વધારે દૂર સુધી ભાલો ફેંકવો એ માપદંડ હતો, નીરજે 86.65 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તેમણે પહેલાં જ પ્રયાસમાં આટલો દૂર ભાલો ફેંકતા તે ક્વૉલિફાય થઈ ગયા હતા.
ટોક્યો ઑલિમ્પિકમાં નીરજ ચોપરાએ ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભાલાફેંક સ્પર્ધામાં ચેક રિપબ્લિકના ખેલાડીઓએ સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. બીજા સ્થાન પર 86.67 મીટરનો થ્રો કરીને યાકૂબ વેડલે અને ત્રીજા સ્થાન પર 85.44 મીટર થ્રો કરીને વી વેસલે રહ્યા.
નીરજ ચોપરા કહે છે, ‘હું મૅચના આગલા દિવસે બીટ મ્યુઝિક સાંભળતો હતો. હું દસ વાગ્યાથી સૂવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ રાત્રે એક-બે વાગે મને ઊંઘ આવી. હું ખૂબ જ ઍક્સાઇટેડ હતો, મારા માટે સૂઈ જવું અઘરું હતું.’
ભાલાફેંકનો વર્લ્ડ રેકૉર્ડ ચેક રિપબ્લિકના જૅન ઝેલેઝ્નીના નામે છે. તેમણે 25 મે 1996માં 98.48 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો.
જ્યારે ઑલિમ્પિક રેકૉર્ડ નોર્વેના આન્દ્રેયસ થોર્કિલસેને 2008માં બનાવ્યો હતો. તેમણે બીજિંગ ઑલિમ્પિકમાં 90.57 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પ્રેસવાર્તામાં કહ્યું કે તેઓ પોતાની જીતને મિલખાસિંહ સહિત તેવા ઍથ્લીટ્સને સમર્પિત કરી રહ્યા છે જે ખૂબ નાના અંતરથી મેડલથી ચૂકી ગયા હતા.
નીરજ ચોપરાની ઑલિમ્પિક જીત બાદ જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું. દિલ્હી ઍરપૉર્ટ પર સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેમણે આવીને મેડલ પોતાનાં માતા-પિતાને પહેરાવ્યો હતો.
તેઓ માતા-પિતા વિશે કહે છે, ‘મારાં માતાપિતાએ મારા માટે ઘણી મહેનત કરી હતી. જો હું ગોલ્ડ મેડલ ના જીત્યો હોત તો પણ ખુશ હોત. હું ખુશ તો તેઓ ખુશ.’
નીરજ ચોપરા ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા ત્યારે તેમના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ એક જ રાતમાં 1 લાખ 30 હજારમાંથી 20 લાખે પહોંચી ગયા હતા. નીરજ ચોપરાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા ગામડે હું પહોંચ્યો ત્યારે 25 હજાર લોકો મારા સ્વાગતમાં આવ્યા હતા. હું ભારતમાં આવ્યો ત્યારે મારી જિંદગી સાવ બદલાઈ ગઈ હતી. આવું મેં વિચાર્યું ન હતું.’

ઇમેજ સ્રોત, Getty Images
ટોક્યો ઑલિમ્પિક બાદ નીરજ ચોપરા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. ભારતભરમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. નીરજ ચોપરાને 2018માં અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2022માં નીરજ ચોપરાને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
ટોક્યો ઑલિમ્પિક બાદ નીરજ ચોપરા સામે એક મોટો પડકાર ઊભો થયો હતો કે તેઓ 90 મીટરથી લાંબો ભાલો ફેંકી શકશે કે નહીં.
નીરજ ચોપરાએ 90 મીટરનું અંતર પાર કરવાના ઘણા પ્રયત્નો કર્યા છે પંરતુ હાલ સુધી કરી શક્યા નથી. તેઓએ 2022માં સ્ટોકહોમ ડાયમન્ડ લીગમાં 89.94 મીટર લાંબો ભાલો ફેંક્યો હતો. આ અગાઉ ફિનલૅન્ડના પાવો નુર્મી ગેમ્સમાં 89.30 મીટર લાંબો ભાલો ફેંક્યો હતો. 2023માં હાંગઝૌ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં 88.88 મીટર લાંબો ભાલો ફેંક્યો હતો.
2024માં યોજાયેલી દોહા ડાયમન્ડ લીગમાં પણ નીરજ ચોપરાએ 88.36 મીટર લાંબો ભાલો ફેંક્યો હતો. આમ નીરજ ચોપરા માટે હવે 90 મીટરનું અંતર કાપવું લક્ષ્ય બની ગયું છે.












