વીનેશ ફોગાટ : મહિલાઓ માટે પુરુષોની તુલનાએ વજન ઘટાડવું કેટલું મુશ્કેલ?

સેમિફાઇનલ મૅચ બાદ વીનેશનું વજન 2.7 કિલો વધું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેમિફાઇનલ મૅચ બાદ વીનેશનું વજન 2.7 કિલો વધુ હતું

ભારતીય કુસ્તીબાજ વીનેશ ફોગાટને પેરિસ ઑલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે અયોગ્ય જાહેર કરાયાં છે.

વીનેશ ફોગાટ મહિલાઓના 50 કિલો વજનની ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં બુધવારે ફાઇનલ મૅચ રમવાનાં હતાં, પરંતુ સવારે જ્યારે તેમનું વજન કરવામાં આવ્યું ત્યારે માન્ય વજન કરતાં 100 ગ્રામ વધુ આવ્યું હતું.

ખેલમંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં આ મુદ્દે જણાવ્યું હતું કે, "ભારતીય કુસ્તીબાજ વીનેશ ફોગાટને નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વધુ હોવાને કારણે પેરિસ ઑલિમ્પિકમાં બહાર થવું પડ્યું હતું.

વીનેશ 50 કિલોગ્રામ ભાર વર્ગની ઇવેન્ટમાં રમી રહ્યાં હતાં. સ્પર્ધા માટે તેમનું વજન 50 કિલોગ્રામ હોવું જરૂરી હતું.

વીનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યાં બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું એક દિવસમાં વજન વધારી અથવા ઘટાડી શકાય કે કેમ.

આ મુદ્દાને લગતો બીજો પ્રશ્ન એ છે કે શું પુરુષોની સરખામણીમાં મહિલાઓ માટે વજન ઓછું કરવું વધુ મુશ્કેલ છે?

વીનેશ ફોગાટે 53 કિલોગ્રામ ભાર વર્ગના બદલે આ વખતે 50 કિલોગ્રામ ભાર વર્ગની ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ માટે તેમણે પોતાનું વજન પણ ઓછું કર્યું હતું.

ભારતીય ઑલિમ્પિક ખેલાડી બજરંગ પુનિયાએ બીબીસીને જણાવ્યું હતું કે વજન ઘટાડવા માટે વીનેશ ફોગાટે ઘણી મહેનત કરી છે.

શું મહિલાઓ માટે વજન ઓછું કરવું વધુ મુશ્કેલ છે?

વીનેશ ફોગાટનું જ્યારે વજન કરવામાં આવ્યું ત્યારે માન્ય વજન કરતાં 100 ગ્રામ વધુ આવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીનેશ ફોગાટનું જ્યારે વજન કરવામાં આવ્યું ત્યારે માન્ય વજન કરતાં 100 ગ્રામ વધુ આવ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પુનિયા કહે છે કે, “વજન ઘટાડવાની બાબતમાં સ્ત્રીઓ અને પુરુષોમાં મોટું અંતર હોય હોય છે. છોકરાને વધુ પરસેવો થાય છે અને માટે તેમનું વજન ઝડપથી ઘટે છે. વીનેશ છેલ્લાં છ મહિનાથી થોડું પાણી લેતાં હતાં અને એક અથવા બે રોટલી ખાતાં હતાં.”

ફાઇનલ મૅચ પહેલાં પણ વીનેશ ફોગાટે પોતાનું વજન ઘટાડવાની કોશિશ કરી હતી પરંતુ છેલ્લે સુધી તેમનું વજન માન્ય વજન કરતાં વધુ રહ્યું હતું.

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ટુકડીની મેડિકલ ટીમનું નેતૃત્વ કરનાર ડૉ. દીનશા પારડીવાલાએ કહે છે, "વીનેશને 1.5 કિલો ખોરાકની જરૂર હતી, કારણ કે તેઓ ત્રણ મૅચ રમી ચૂક્યાં હતાં. એટલા માટે તેમને પાણી અને ખોરાકની જરૂર હતી. સેમિફાઇનલ મૅચ બાદ વીનેશનું વજન 2.7 કિલો વધું હતું."

"વજન ઘટાડવા માટે જે સમય જોઈએ છે તે અમારી પાસે નહોતો. અમે વીનેશનું વજન ઘટાડવા માટે બધી કોશિશ કરી હતી."

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સ દિલ્હીમાં મેડિસિન વિભાગના પ્રોફેસર નવલ કે. વિક્રમે લોકોના વજન સંબંધિત મુદ્દાઓ પર ઘણું સંશોધન કર્યું છે.

તેઓ કહે છે, “હું માનતો નથી કે વજન ઘટાડવામાં સ્ત્રીઓની ક્ષમતા પુરુષો કરતાં અલગ છે. પરંતુ બંનેની શારીરિક રચના જુદી છે અને મહિલામાં વજન વધવા પાછળ ઘણાં કારણો છે.''

મહિલાઓ અને પુરુષોમાં વજન ઘટાડવાની ક્ષમતા પરસેવાના કારણે મોટો ફેર પાડે છે તે વાત સાથે ડૉક્ટર નવલ સહમત નથી.

જોકે, ડાયેટિશિયન અને વેલનેસ ઍક્સપર્ટ દિવ્યા પ્રકાશ કહે છે, ''જો શરીરમાંથી પાણી નીકળી જશે તો વજન ચોક્કસ ઘટશે. જો તમે એક લિટર પરસેવો પાડો છો તો તમારું વજન પણ આશરે એક કિલોગ્રામ જેટલું ઘટી જશે.''

શું એક દિવસમાં વજન વધી અથવા ઘટી શકે છે?

મહિલાઓનાં શરીર અને હોર્મોન્સમાં થતા ફેરફારોના કારણે તેમના વજનમાં વધારો અથવા ધટાડો થાય છે.

દિવ્યા પ્રકાશ જણાવે છે કે, ''માસિક દરમિયાન મહિલાનું વજન વધી જાય છે. મહિલાનું વજન 700 ગ્રામથી લઈને એક કિલોગ્રામ સુધી વધી શકે છે. જોકે, આ સ્ત્રીઓનાં શરીર અને તેમનાં કાર્ય પર આધાર રાખે છે.''

દિવ્યા કહે છે કે આ અંગત મામલો છે અને એટલા માટે વ્યક્તિનું વજન કેમ વધ્યું તે વિશે વધુ કંઈ કહી શકાય નહીં.

''પરસેવો પાડવો એ વજન ઘટાડવાનો એક રસ્તો હોઈ શકે છે પરંતુ વજન કાયમ ધીમે-ધીમે ઘટાડવું જોઈએ નહીંતર શરીરમાં પાણીની ઊણપ થઈ શકે છે.''

"વીનેશ ફોગાટને કદાચ એટલો પરસેવો વળ્યો કે તેમનું શરીર ડિહાઇડ્રેટ થઈ ગયું અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં."

પરસેવો થવા પાછળ શરીરના સરફેસ એરિયાની મહત્ત્વની ભૂમિકા હોય છે. પુરુષના શરીરનો સરફેસ એરિયા વધારે હોય છે અને એટલા માટે તેમને વધુ પરસેવો થાય છે.

નિષ્ણાતોના મતે પુરુષ જેટલી વારમાં 300 કૅલરી બાળે છે તેટલી વારમાં મહિલાઓ માત્ર 180 કૅલરી બાળી શકે છે.

આ સિવાય પુરુષોની સરખામણીમાં મહિલાઓનું શરીર ઓછું ઍથ્લેટિક હોય છે. તેમના શરીરમાં ‘લિન મસલ્સ’ ઓછા હોય છે. ‘લિન મસલ્સ’ એટલે એવા સ્નાયુ જેમાં વધારાનું ફેટ હોતું નથી. ‘લિન મસલ્સ’ ઓછા હોવાના કારણે મહિલામાં તેમનો BMR (બેઝલ મેટાબોલિક રેટ) વધારે હોય છે.

દિવ્યા પ્રકાશ વધુમાં કહે છે કે BMR રેટ મહિલામાં વજન વધારવાની અથવા વજન ઘટાડવાની ગતિને ધીમી કરી નાંખે છે.

મહિલાનાં શરીર અને હોર્મોન્સમાં થતા ફેરફારોના કારણે તેમના વજનમાં વધારો અથવા ઘટાડો થાય છે.

ડૉ. નવલ કહે છે, ''પીરિયડ્સ શરૂ થયા પછી ગર્ભાવસ્થા દરમિયાન બાળકના જન્મ બાદ અને પીરિયડ્સ બંધ થવા સુધી મહિલાના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો આવે છે. પુરુષોમાં આવું થતું નથી.''

પુરુષો અને મહિલાના શરીર વચ્ચે બીજો મોટો તફાવત ચરબીનું પ્રમાણ છે. સમાન વય અને વજનના પુરુષોમાં વધુ સ્નાયુ હોય છે, જ્યારે સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ ચરબી હોય છે.

પુરુષનું શરીર મહિલા કરતાં અલગ હોય છે

જો તમે વધુ પ્રવાહીની સાથેસાથે વધુ કેલરીવાળો ખોરાક ખાવો છો તો તમારું વજન એક દિવસમાં 1.5 કિલો સુધી વધી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો તમે વધુ પ્રવાહીની સાથેસાથે વધુ કૅલરીવાળો ખોરાક ખાવો છો તો તમારું વજન એક દિવસમાં 1.5 કિલો સુધી વધી શકે છે

ફોર્ટિસ હૉસ્પિટલના સી-ડીઓસીના ચૅરમૅન અનુપ મિશ્રા કહે છે, ''મહિલા માટે દરેક ઉંમરે વજન ઘટાડવું મુશ્કેલ હોતું નથી. જો મહિલાની ઉંમર 20 અથવા 25 વર્ષ હોય અને જો તેનામાં વધુ ચરબી ન હોય.

"મહિલાઓમાં ઉંમર વધવાની સાથે તેમના હોર્મોન્સમાં ફેરફાર આવે છે અને એટલા માટે તેમને વજન ઘટાડવામાં મુશ્કેલી થઈ શકે છે. જ્યાં સુધી પરસેવાની વાત છે તો પુરુષોને પણ ઓછો પરસેવો વળે છે પરંતુ તેનાથી વજન ઘટાડવામાં બહુ ફરક પડતો નથી."

તેઓ વધુમાં કહે છે કે જો આપણે પ્રવાહી લેવાનું ઓછું કરી નાખીએ અને વધુ પેશાબ કરીએ તો તેનાથી પરસેવો પાડીએ તેના કરતાં વધુ સારી રીતે વજન ઘટશે.

પીરિયડ્સ પહેલાં અને તેના પછી મહિલાઓમાં વધુ પ્રમાણમાં પ્રવાહી વહે છે અને આવા સમયે તેમનું વજન વધી શકે છે.

જો તમે વધુ પ્રવાહીની સાથેસાથે વધુ કૅલરીવાળો ખોરાક ખાવ તો તમારું વજન એક દિવસમાં 1.5 કિલો સુધી વધી શકે છે.

એવું માનવામાં આવે છે કે પિત્ઝામાં સામાન્ય રીતે 1800 કૅલરી, એક પેસ્ટ્રીમાં 400 કૅલરી અને સમોસાંમાં લગભગ 250 કૅલરી હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ વધુ પાણી પીવે છે અને વધુ કૅલરીયુક્ત ખોરાક ખાય છે, તો તેનું વજન તરત જ વધી શકે છે.

નિષ્ણાતો અનુસાર એક કિલોગ્રામ વજન ઘટાડવા માટે વ્યક્તિએ 7200 કૅલરી બાળવી પડે છે અથવા ઘટાડવી પડે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.