પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકી ટીમે બ્રૉન્ઝ જીત્યો, સ્પેનને 2-1થી હરાવ્યું

હૉકી, ભારત, પેરિસ ઑલિમ્પિક, બ્રૉન્ઝ

ઇમેજ સ્રોત, EPA

પેરિસ ઑલિમ્પિક 2024માં ભારતીય પુરુષ હૉકી ટીમે સ્પેનને હરાવીને બ્રૉન્ઝ જીતી લીધો છે. ભારતે સ્પેનને 2-1થી હરાવી દીધું છે. ટોક્યો ઑલિમ્પિકમાં પણ ભારતે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

પેરિસ ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ માટે રમાયેલી મૅચમાં ભારતીય હૉકી ટીમનો મુકાબલો સ્પેન સામે હતો.

મૅચના પ્રથમ ભાગમાં બંને ટીમો એક પણ ગોલ ન કરી શકી. જોકે, બીજા ભાગમાં સ્પેને પ્રથમ ગોલ કર્યો.

આ રીતે મૅચમાં સ્પેન ભારત સામે 1-0થી આગળ ચાલી રહ્યું હતું. જોકે, ભારતે વળતો પ્રહાર કરતા સ્પેન સામે ગોલ કરીને 1-1થી બરોબરી કરી હતી.

ભારતના કૅપ્ટન હરમનપ્રીતસિંહે ભાર માટે પેનલ્ટી કૉર્નર થકી ગોલ કર્યો હતો.

ત્યારબાદ ભારતના કૅપ્ટન હરમનપ્રીતસિંહે ફરીથી પેનલ્ટી કૉર્નર થકી ભારત માટે ગોલ કર્યો. આ સાથે જ ભારતીય ટીમ સ્પેન સામે 2-1થી આગળ નીકળી ગઈ.

આ મૅચમાં ફર્સ્ટ રશર અમિત રોહિદાસની વાપસી થઈ હતી.

રોહિદાસને ગ્રેટ બ્રિટન સામે રમાયેલા ક્વાર્ટર મૅચમાં રેડકાર્ડ મળ્યું હતું અને તેમના પર એક મૅચનો પ્રતિબંધ લાગ્યો હતો. આ કારણે તેઓ સેમિફાઇનલ મૅચ ન રમી શક્યા.

ગોલ્ડનું સપનું કેવી રીતે તૂટ્યું?

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતને સેમિફાઇનલમાં જર્મની સામે 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે નેધરલૅન્ડે સ્પેનને હરાવ્યું હતું.

સેમિફાઇનલમાં જર્મની સામે ભારતીય ટીમે આક્રમક રમત દેખાડી હતી. ભારતે પ્રથમ ક્વાર્ટર ફાઇનલની સાતમી મિનિટે જ ગોલ કરીને ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. આ ગોલ પણ હરમનપ્રિતસિંહે કર્યો હતો.

જોકે, ભારતની ટીમ લય જાળવી ન શકી. જોકે, ત્રીજા ક્વાર્ટરમાં ભારતે જર્મનીની બરાબરી કરી હતી.

આ મૅચમાં ભારતીય ટીમને રોહિદાસની ગેરહાજરી વર્તાઈ હતી. ટીમની વિરુદ્ધ પેનલ્ટી કૉર્નર લેતી વખતે રશર તરીકે અને જર્મનીના હુમલામાં બચાવ દરમિયાન પણ તેમની ગેરહાજરી વર્તાઈ.

આ મુકાબલા પહેલાં માનવામાં આવતું હતું કે ભારતીય ટીમ માનસિક રૂપે મજબૂત થઈ છે. જોકે, અંતિમ ક્વાર્ટરમાં જર્મનીએ જ્યારે ત્રીજો ગોલ ફટકાર્યા બાદ ટીમમાં તાલમેલનો અભાવ જોવા મળ્યો હતો.

ભારતીય હૉકીનો ગોલ્ડન ઇતિહાસ ઑલિમ્પિકમાં ભારતીય હૉકી ટીમનો રેકૉર્ડ સ્વર્ણિમ રહ્યો છે.

ભારતની હોકી ટીમે કુલ 13 ઑલિમ્પિક મેડલો મેળવ્યા છે.

1936માં બર્લિન ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનો ઉલ્લેખ આજે પણ થાય છે. ત્યારે જર્મનીમાં નાઝી પાર્ટીનું શાસન હતું અને હિટલર પોતે મૅચ જોવા આવ્યા હતા.

ભારતે અત્યાર સુધી આઠ ગોલ્ડ મેડલ, એક સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.

ભારતની હૉકી ટીમે 1980ની મોસ્કો ઑલિમ્પિકમાં અંતિમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના 41 વર્ષ પછી ટોક્યો ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો.

સ્પેન સામે ભારત કાયમ મજબૂત રહ્યું છે

પેરિસ ઑલિમ્પિક

ઇમેજ સ્રોત, Getty Images

ઑલિમ્પિકમાં હૉકીની સ્પર્ધામાં સ્પેન સામે ભારત કાયમ મજબૂત સ્થિતિમાં રહ્યું છે. ભારત અને સ્પેન વચ્ચે ઑલિમ્પિકમાં દસ વખત મુકાબલો થયો છે, જેમાં ભારતે સાત મૅચમાં જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી પાંચ મૅચમાં ચારમાં ભારતે જીત મેળવી છે એટલે સ્વાભાવિક છે કે ગુરુવારની મૅચમાં પણ ભારત મજબૂત સ્થિતિમાં હતું.

મૅચ પહેલાં ભારતીય હૉકી ટીમના મહત્ત્વના ખેલાડી અમિત રોહીદાસ ટીમમાં પરત ફરતા ટીમ વધુ મજબૂત બની હતી.

અત્રે નોંધનીય છે કે સ્પેનની ટીમે પણ આ વખતે જર્મની અને બેલ્જિયમ જેવી ટીમોને હરાવ્યું હતું.

‘દીવાલ’ પીઆર શ્રીજેશની મહત્ત્વની ભૂમિકા

ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ

ઇમેજ સ્રોત, Lars Baron/Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ

સ્પેન સામેની ક્વાર્ટર ફાઇનલ મૅચમાં ભારતીય ટીમની જીતમાં ગોલકીપર પીઆર શ્રીજેશે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શ્રીજેશને ભારતીય હૉકી ટીમની દીવાલ પણ કહેવામાં આવે છે.

ગુરુવારની મૅચમાં સામેની ટીમ પેનલ્ટી શૂટઆઉટનો લાભ ન લઈ શકે તે માટે પીઆર શ્રીજેશે એડીચોટીનું જોર લગાવ્યું હતું, જેનો લાભ ભારતીય ટીમને મળ્યો હતો.

સ્પેન સામેની ઑલિમ્પિક ક્વાર્ટર ફાઇનલ મૅચ શ્રીજેશની છેલ્લી મૅચ હતી. તેમણે હૉકીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને આ સાથે તેમની 18 વર્ષ લાંબી કારર્કિદીનો અંત આવ્યો છે.

કેરળના ઍર્નાકુલમમાં જન્મેલા શ્રીજેશ બાળપણમાં દોડવીર હતા. તેમણે લૉંગજમ્પ અને વૉલીબૉલમાં પણ હાથ આજમાવ્યો હતો. 12 વર્ષની ઉંમરે તેઓ થીરુવનંતપુરમની જીવી રાજા સ્પૉર્ટસ સ્કૂલમાં જોડાયા ત્યારે તેમના કોચે તેમને ગોલકીપર બનવાની સલાહ આપી હતી.

2004માં તેમણે જુનિયર નૅશનલ ટીમમાં પહેલી વખત ભાગ લીધો અને ત્યારબાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. 2008માં જુનિયર એશિયા કપમાં તેમને બેસ્ટ ગોલકીપર ઑફ ધ ટુનામેન્ટનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

2014 એશિયન ગેમ્સમાં ભારતની ટીમે પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જેમાં શ્રીજેશની મહત્ત્વની ભૂમિકા હતી. 2016 રિયો ઑલિમ્પિકમાં ભારતીય ટીમને ક્વાર્ટર ફાઇનલ સુધી લઈ ગયા હતા.

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યાં

ભારતીય ટીમની આ સફળતા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યાં છે.

તેમણે લખ્યું, “આ સફળતા આવનારી પેઢી યાદ રાખશે! ભારતીય ટીમે ઑલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને કાંસ્યચંદ્રક જીત્યો! આ વધારે ખાસ છે, કારણ કે ઑલિમ્પિકમાં આ સતત તેમનું બીજું પદક છે.”

મોદીએ ઉમેર્યું, “તેમની સફળતા કૌશલ, દૃઢતા અને ટીમ ભાવનાની જીત છે. તેમણે ખૂબ જ હિંમત અને લચીલાપણું દેખાડ્યું. ખેલાડીઓને અભિનંદન. દરેક ભારતીયનું હૉકી સાથે ભાવનાત્મક જોડાણ છે. આ સફળતા આપણા દેશના યુવાનો વચ્ચે આ રમતને વધારે લોકપ્રિય બનાવશે.”

રાહુલ ગાંધીએ પણ ભારતીય હૉકી ટીમને અભિનંદન આપ્યાં છે.

તેમણે લખ્યું, “ભારતીય હૉકી ટીમને અભૂતપૂર્વ મૅચ. તમને બધાને કાંસ્યચંદ્રક જીતતા જોઈને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે.”

રાહુલે ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશનો આભાર માનતા લખ્યું, “આભાર, શ્રીજેશ. તમારી નિરંતર પ્રતિબદ્ધતાએ અમને પ્રેરિત રાખ્યા છે.”

ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રાએ લખ્યું, “ભારતીય પુરુષ હૉકી ટીમ, દરેક પગલે સાહસની સાથે કાંસ્યચંદ્રક જીત્યો છે તે સોનાની ચમક જેવો ચમકે છે.”

ટીમના દરેક ખેલાડીને પંજાબ સરકાર આપશે એક કરોડ રૂપિયા

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Reuters

ભારતીય હૉકી ટીમની જીત પર ખેલાડીઓને ચારે તરફથી અભિનંદન મળી રહ્યાં છે.

પંજાબ સરકારે કહ્યું કે બ્રૉન્ઝ મેડલ જીતનારી ટીમના દરેક સભ્યને એક કરોડ રૂપિયા આપવામાં આવશે.

સરકારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “અમારી સ્પૉર્ટ્સ પૉલિસી પ્રમાણે બ્રૉન્ઝ મેડલ જીતનારી ટીમના દરેક ખેલાડીને એક કરોડ રૂપિયા આપવામાં આવશે.”

હૉકી ટીમના ખેલાડી લલિત ઉપાધ્યાયનાં બહેને કહ્યું, “અમને ખૂબ જ ખુશી થાય છે કે ઇન્ડિયા મૅચ જીત્યું. આ લોકોએ ખૂબ જ સરસ રમત દેખાડી. આ અમારા માટે ઘા પર મલમ છે.”

હૉકી ટીમના કૅપ્ટન હરમનપ્રીતસિંહની ઘરે પણ ઉજવણી થઈ રહી છે.

હરમનપ્રીતસિંહના પિતા સરબજિતસિંહે કહ્યું, “બધું ઇશ્વરનું છે. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો.”

કેન્દ્રિય મંત્રી જેપી નડ્ડાએ પણ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે કહ્યું, “ટીમે જે લગન સાથે આ મૅચમાં લડત આપી અને જીતી તેના કારણે ભારતના લોકો તેમના પર ગર્વ કરે છે.”

કૅપ્ટન હરમનપ્રિતસિંહનાં માતાએ કહ્યું, “જીતનારી ટીમના બધા જ ખેલાડીઓ અમારાં બાળકો છે. તેમને ખૂબ-ખૂબ અભિનંદન. હું મૅચ દરમિયાન સતત પાઠ અને અરદાસ કરી રહી હતી.”

ભારતીય ટીમના સભ્ય રાજકુમાર પાલના ભાઈએ પણ ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “આ દેશની જીત છે. જે યુવાઓ મૅચ જોઈ રહ્યા છે તેમનાં સપનાંને પાંખ મળશે. આ કારણે જીતની પ્રેરણા મળશે.”