અમેરિકાએ રશિયાના ઝંડા સાથેનું વેનેઝુએલાનું બીજું ઑઇલ જહાજ જપ્ત કર્યું – ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી અમેરિકા રશિયા વેનેઝુએલા ઑઇલ ટેન્કર

ઇમેજ સ્રોત, Hakon Rimmereid / Reuters / RT

ઇમેજ કૅપ્શન, અમેરિકાનું તટરક્ષક દળ કેટલાય સપ્તાહથી જહાજનો પીછો કરતું હતું

અમેરિકાએ કહ્યું છે કે તેણે વેનેઝુએલા સાથે સંકળાયેલાં બે ઑઇલ જહાજ કબજે કર્યાં છે.

તેમાં એક જહાજ (જેમાં કોઈ ઑઇલ ન હતું તેમ જણાવાય છે) ઉત્તર ઍટલાન્ટિક સમુદ્રમાં (આઇસલૅન્ડ અને બ્રિટન વચ્ચે) જપ્ત કરવામાં આવ્યું હતું.

અમેરિકન કોસ્ટગાર્ડે વેનેઝુએલા પાસે આ ઑઇલ જહાજ રોકાયા પછી કેટલાંય અઠવાડિયાં સુધી તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન જહાજે પોતાનું નામ બદલી નાખ્યું અને રશિયાનો ઝંડો લહેરાવી દીધો.

જહાજને બચાવવા માટે રશિયા તરફથી સબમરીન સહિતનો સપોર્ટ રસ્તામાં હતો, પરંતુ આ અગાઉ જ કબજે કરવામાં આવ્યું.

બીજું જહાજ ઑઇલ લઈ જતું હતું અને કેમેરુનના ઝંડા સાથે સફર કરતું હતું. તેને કેરેબિયન સમુદ્રમાં પકડવામાં આવ્યું અને અમેરિકાના એક બંદર પર લઈ જવાયું છે.

દરમિયાન રશિયાએ પોતાના ઝંડા હેઠળ જતા ઑઇલ જહાજને જપ્ત કરવાની આકરી ટીકા કરી છે. રશિયાના પરિવહન મંત્રાલયે જણાવ્યું કે તેમણે આ જહાજ (મેરિનેરા)ને રશિયાના ઝંડાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.

'ધુરંધર' ફિલ્મે તોડ્યો 'પુષ્પા-2' નો રેકૉર્ડ, અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી?

ધુરંધર, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જાણીતી ફિલ્મનિર્માણ કંપની યશરાજ ફિલ્મ્સે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર'ની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તે અત્યાર સુધીની કોઈ એક ભાષામાં બનેલી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ છે.

યશરાજ ફિલ્મ્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "ધુરંધર માત્ર એક ફિલ્મ નથી, તે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ પળ છે, જે હંમેશાં યાદ રહેશે."

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આદિત્ય ધર અને જિયો સ્ટુડિયોને એક જ ભાષામાં બનેલી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન."

"આ જહાજના કૅપ્ટન તરીકે આદિત્ય ધરની સ્પષ્ટ વિચારસરણી, નિર્ભય વાર્તા કહેવાને લઈને ભારતીય સિનેમા માટે એક નવું ધોરણ સ્થાપિત કર્યો છે."

યશરાજ ફિલ્મ્સે પણ આ ફિલ્મ સાથે સંકળાયેલા દરેક કલાકાર અને ટૅકનિશિયનને અભિનંદન પાઠવ્યા છે.

ફિલ્મ વિવેચક અને ટ્ર્રૅડ ઍનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું કે હિંદી સિનેમાના ઇતિહાસમાં આ સૌથી મોટી ક્ષણ છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું , "આજ સુધીમાં હિંદી માર્કેટમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ, પુષ્પા-2 ના આજીવન કલેક્શનને વટાવી જવું અકલ્પનીય લાગતું હતું. પરંતુ રેકૉર્ડ તોડવા માટે જ બન્યા હોય છે, અને ધુરંધરે તે જ કર્યું છે."

તરણ આદર્શ પ્રમાણે ફિલ્મ ધુરંધરે અત્યાર સુધીમાં ભારતમાં 831.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

રશિયાના ઑઇલ ટૅન્કરનો અમેરિકાએ જ્યારે પીછો કર્યો ત્યારે રશિયાએ શું કર્યું?

રશિયાના ઑઇલ ટૅન્કરનો અમેરિકાએ જ્યારે પીછો કર્યો ત્યારે રશિયાએ શું કર્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીના અમેરિકા ખાતેના સહયોગી મીડિયા પાર્ટનર સીબીએસ ન્યૂઝ અનુસાર, રશિયાએ તેનાં ઑઇલ ટૅન્કરોને સુરક્ષા આપવા માટે પોતાના નૌસૈનિક સંસાધનો તહેનાત કર્યાં છે.

આ એ જ ટૅન્કર છે, જેનો પીછો અમેરિકાનાં સુરક્ષાદળો ઍટલાન્ટિક મહાસાગરમાં કરી રહ્યાં છે.

જણાવાય છે કે, આ જહાજ હાલ ખાલી છે. પરંતુ તે પહેલા તે વેનેઝુએલામાં કાચુ તેલ ઠાલવી ચૂક્યું છે.

મંગળવારે તેની સ્કૉટલૅન્ડ અને આઇસલૅન્ડ વચ્ચે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગત મહિને કહ્યું હતું કે વેનેઝુએલામાં આવી રહેલાં પ્રતિબંધિત ઑઇલ ટૅન્કરો પર 'નાકાબંધી'નો આદેશ આપવામાં આવ્યો છે. વેનેઝુએલા સરકારે આ પગલાંને 'ચોરી' ગણાવ્યું હતું.

શનિવારે વેનેઝુએલાના પૂર્વ નેતા નિકોલસ માદુરોને અમેરિકા તરફથી પકડી લીધા તે પહેલાં ટ્રમ્પ સતત આરોપ લગાવતા હતા કે 'વેનેઝુએલાની સરકાર જહાજો મારફતે અમેરિકામાં ડ્રગ્સ પહોંચાડી રહી છે'.

ગત મહિને અમેરિકાના કોસ્ટગાર્ડે કૅરેબિયન સમુદ્રમાં 'બેલા 1' નામના જહાજ પર ચઢવાની કોશિશ પણ કરી હતી.

તે સમયે મનાતું હતું કે આ જહાજ વેનેઝુએલા તરફ આવી રહ્યું છે. અમેરિકાના અધિકારીઓની પાસે આ જહાજને જપ્ત કરવાનું વૉરંટ હતું. તેના પર અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો તથા ઈરાની ઑઇલને વહન કરવાનો આરોપ હતો.

ત્યાર બાદ આ જહાજે પોતાનો રસ્તો બદલી દીધો અને પોતાનું નામ બદલીને 'મૅરિનેરા' રાખ્યું.

રિપોર્ટ પ્રમાણે, તેણે તેનો ઝંડો પણ બદલીને ગયાનાથી રશિયાના જહાજ તરીકે ઓળખાવ્યું.

યુરોપ તરફ તેના પહોંચવાને સમયે અમેરિકાનાં લગભગ દસ સૈન્ય પરિવહન વિમાનો અને હેલિકૉપ્ટર આ ક્ષેત્રમાં પહોંચ્યાં છે.

રશિયાએ કહ્યું છે કે તે આ જહાજ સાથે જોડાયેલી સ્થિતિ પર 'નજર' રાખી રહ્યું છે.

ઈરાનમાં વિરોધપ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 36 લોકોનાં મોત- એચઆરએએનએ

ઈરાનમાં વિરોધપ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 36 લોકોનાં મોત- એચઆરએએનએ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, BBC Persian

એક માનવાધિકાર સંગઠને જણાવ્યું છે કે, ઈરાનમાં છેલ્લા 10 દિવસોથી ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો દરમયાન ઓછામાં ઓછા 36 લોકોનાં મોત થયાં છે.

ઈરાનની બહાર સ્થિત હ્યૂમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી એટલે કે એચઆરએએનએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્યા ગયેલામાં 34 પ્રદર્શનકારીઓ હતા જ્યારે કે બે લોકો સુરક્ષાદળ તરફથી હતા.

ઈરાની અધિકારીઓએ અત્યારસુધી મોતનો કોઈ આંકડો બહાર પાડ્યો નથી. જોકે તેમનું કહેવું છે કે આ પ્રદર્શનોમાં ત્રણ સુરક્ષાદળના જવાનોનાં મોત થયાં છે.

બીબીસી ફારસી અત્યાર સુધી 20 લોકોનાં મોત અને તેની ઓળખની પુષ્ટિ કરી ચૂક્યું છે.

એચઆરએએનએ અનુસાર, હિંસા દરમિયાન 60 કરતાં વધારે પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે જ્યારે કે 2,076 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ વિરોધપ્રદર્શન આર્થિક સંકટને કારણે શરૂ થયાં હતાં અને દેશના 31 પૈકી 27 પ્રાંતોમાં ફેલાઈ ગયાં છે.

'ભારતમાં રમો અથવા પૉઇન્ટ ગુમાવો' - ICC એ બાંગ્લાદેશને શું કહ્યું

'ભારતમાં રમો અથવા પૉઇન્ટ ગુમાવો' - ICC એ બાંગ્લાદેશને શું કહ્યું - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે(આઈસીસી) બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે "કાં તો ભારતમાં રમો અથવા પૉઇન્ટ ગુમાવવાનું જોખમ લો અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાઓ."

ક્રિકેટ પૉર્ટલ ઈએસપીએન ક્રિકઇન્ફોમાં જણાવ્યા પ્રમાણે આઈસીસીએ મંગળવારે વર્ચ્યુઅલ મિટિંગ પછી બાંગ્લાદેશને તેના આ નિર્ણયની જાણ કરી દીધી હતી.

જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો દાવો છે કે તેમને હજુ સુધી આઈસીસી તરફથી આ વિશે કોઈ સંદેશો મળ્યો નથી. આ વિશે આ લખાય છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઑફ ઇન્ડિયા (બીસીસીઆઈ)એ પણ કોઈ જાણકારી આપી નથી.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની ટીમે સુરક્ષાના કારણોસર ટી20 વર્લ્ડકપમાં ભારત સિવાયના દેશમાં મૅચનું આયોજન કરવાની વિનંતી કરી હતી.

આ પરિસ્થિતિ ત્યારે ઊભી થઈ છે જ્યારે ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજાનાર ટી20 વર્લ્ડકપ માટેનું આયોજન કરે છે. આ વર્લ્ડકપના આયોજનને માત્ર એક મહિના વાર છે. આ ટુર્નામેન્ટ 7મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8મી માર્ચે સમાપ્ત થશે.

અગાઉ નક્કી થયા પ્રમાણે ગ્રુપ સીમાં રહેલી બાંગ્લાદેશની ટીમ પ્રથમ ત્રણ મૅચ કોલકતામાં રમશે. જ્યારે ગ્રૂપ સ્ટેજની છેલ્લી મૅચ મુંબઈમાં 17મી ફેબ્રુઆરીના રોજ રમાશે.

આઈપીએલમાંથી મુસ્તફિઝુર રહેમાનને બહાર કરવાના નિર્ણય બાદ, બાંગ્લાદેશી ટીમના ટી20 વર્લ્ડકપ દરમિયાન ભારત પ્રવાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાંગ્લાદેશમાં આઈપીએલનું પ્રસારણ રોકવાની પણ ખબરો વહેતી થઈ હતી.

'પીએમ મોદી મારાથી ખુશ નથી...' – ટ્રમ્પે આવું કેમ કહ્યું?

પીએમ મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી એવો દાવો કર્યો છે કે ભારત એ રશિયા પાસેથી તેલ લેવાનું ઘટાડી રહ્યું છે. જોકે, તેમણે કહ્યું છે કે 'પીએમ મોદી નાખુશ' છે.

વૉશિંગ્ટન ડીસીમાં હાઉસ રિપબ્લિકન પાર્ટીના સદસ્યોના સંમેલનને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે દાવો કર્યો હતો કે, "પીએમ મોદી મને મળવા આવ્યા હતા અને કહ્યું હતું કે, સર, હું તમને મળી શકું?"

તેમણે કહ્યું કે, "મેં તેમને હા પાડી. મારે તેમની સાથે ઘણા સારા સંબંધો છે. પરંતુ તેઓ મારાથી નાખુશ છે કારણ કે તેમને ઘણો ટેરિફ ચૂકવવો પડી રહ્યો છે. પણ હવે તેઓ રશિયા પાસેથી તેલ લેવાનું ઘટાડી રહ્યા છે."

ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટૅરિફ લગાવ્યો છે જેમાંથી 25 ટકા ટૅરિફ રશિયા પાસેથી તેલ ખરીદવા માટેની 'સજા' રૂપે છે.

પીએમ મોદી અને અમિત શાહ સામે જેએનયુમાં નારેબાજી પછી યુનિવર્સિટીએ શું કહ્યું?

જેએનયુ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ નારેબાજીના આરોપમાં યુનિવર્સિટી પ્રશાસને નિવેદન બહાર પાડ્યું છે.

જેએનયુ ઍડમિનિસ્ટ્રેશને આ નિવેદનમાં કહ્યું છે કે નારેબાજીમાં સામેલ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરીને તેમને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે અથવા તો સ્થાયીપણે બહાર કરી દેવામાં આવશે.

વર્ષ 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણો મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીને ફગાવી દીધી હતી. એ પછી જેએનયુમાં વિદ્યાર્થીઓના એક સમૂહે સોમવારે રાત્રે કથિતપણે યુનિવર્સિટી કૅમ્પસમાં નારેબાજી કરી હતી, જેનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

જેએનયુ ઍડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે આ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

બીજી તરફ જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનનાં અધ્યક્ષ અદિતિ મિશ્રાએ કથિત નારેબાજીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ પાંચમી જાન્યુઆરીએ 2020માં કૅમ્પસમાં થયેલી હિંસાની નિંદા કરવા માટે એકઠાં થઈને વિરોધપ્રદર્શન કરે છે.

તેમણે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "વિરોધપ્રદર્શનમાં લગાવવામાં આવેલા નારા વૈચારિક હતા અને કોઈની ઉપર વ્યક્તિગત હુમલો નથી કરવામાં આવ્યો. કોઈને નિશાન બનાવીને નારેબાજી કરવામાં આવી નથી."

વેનેઝુએલામાં હુમલા પછી ગ્રીનલૅન્ડને લઈને ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર અમેરિકા હવે ગ્રીનલૅન્ડ મેળવવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, જેમાં લશ્કરી બળનો ઉપયોગ પણ સામેલ છે.

વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલૅન્ડ મેળવવા માટે લશ્કરીદળોના ઉપયોગ સહિત 'ઘણા વિકલ્પો' પર વિચાર કરી રહ્યા છે.

એક નિવેદનમાં વ્હાઇટ હાઉસે બીબીસીને જણાવ્યું હતું કે ગ્રીનલૅન્ડનું મેળવવું એ 'રાષ્ટ્રીય સુરક્ષા માટે પ્રાથમિકતા' છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે ત્રણ દિવસ પહેલાં જ એ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે સુરક્ષા કારણોસર અમેરિકાને ગ્રીનલૅન્ડની 'જરૂર' છે.

આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ડૅનમાર્કના વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસને ચેતવણી આપી હતી કે અમેરિકા તરફથી કોઈપણ હુમલો એ નાટોનો અંત લાવશે.

વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ અને તેમની ટીમ આ મહત્ત્વપૂર્ણ વિદેશનીતિના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિવિધ વિકલ્પોની ચર્ચા કરી રહ્યા છે. ચોક્કસપણે કમાન્ડર ઇન-ચીફ પાસે તેના માટે અમેરિકાની સેનાનો ઉપયોગ કરવો એ હંમેશાં એક વિકલ્પ હોય છે."

ત્યારબાદ છ યુરોપિયન સાથીદેશોએ ડૅનમાર્કના સમર્થનમાં એક નિવેદન બહાર પાડ્યું હતું.

બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પૉલેન્ડ, સ્પેન અને ડૅનમાર્કના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગ્રીનલૅન્ડ તેના લોકોનું છે. ડૅનમાર્ક અને ગ્રીનલૅન્ડ જ તેમના પરસ્પર સંબંધોને લગતા મુદ્દાઓ પર નિર્ણય લઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન