કર્ણાટક : જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના પર યૌન ઉત્પીડનનો આરોપ, અનેક વીડિયો વાઇરલ

કર્ણાટકના હાસન બેઠકના સાંસદ અને ચૂંટણીમાં ભાજપની સહયોગી જેડીએસના વર્તમાન ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના ચર્ચામાં છે.

પ્રજ્વલ રેવન્ના પર યૌન ઉત્પીડન, સેંકડો સેક્સ વીડિયો રેકૉર્ડ કરવાનો, ધમકાવવાનો અને કાવતરું રચવાનો આરોપ છે. અનેક વીડિયો વાઇરલ થયા બાદ પ્રજ્વલ રેવન્ના જર્મની જતા રહ્યા હોવાની વાત સામે આવી છે.

પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગૌડાના પૌત્ર છે. પ્રજ્વલ રેવન્નાના પિતા કર્ણાટકના ધારાસભ્ય અને તેમના કાકા પૂર્વ મુખ્ય મંત્રી એચડી કુમારાસ્વામી છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, જે વીડિયો વાઇરલ થયો તેમાં પોલીસ માટે એ વીડિયોના સોર્સ સુધી પહોંચવું મહત્ત્વનું હતું. પોલીસ પોતાની તપાસમાં હાસનના અનેક લોકો સાથે વાત કરશે, જેથી વાઇરલ થયેલા વીડિયો સાચા છે કે નહીં તે સાબિત કરી શકે.

પ્રજ્વલ રેવન્ના અને તેમના અંગત લોકોનો દાવો છે કે આ વીડિયો ઍડિટેડ છે અને સાચા નથી.

વીડિયોની વાત કેવી રીતે બહાર આવી?

અખબાર લખે છે કે આ વીડિયો અંગે સાર્વજનિક રીતે જૂન 2023માં સૌથી પહેલા ખબર પડી હતી, જ્યારે પ્રજ્વલ રેવન્ના બેંગલુરુ સિવિલ કોર્ટમાં ગયા હતા. પ્રજ્વલ રેવન્ના 86 મીડિયા સંસ્થાઓ અને ત્રણ વ્યક્તિઓ સામે કોર્ટમાં ગયા હતા.

રેવન્નાએ કોર્ટને આ મીડિયા સંસ્થાઓ પર વીડિયો પબ્લિશ કરવા, છાપવા કે પ્રસારિત કરવાથી રોકવાની માગ કરી હતી. પ્રજ્વલે ત્યારે આ વીડિયોને ફેક અને ઍડિટેડ ગણાવ્યા હતા. આ કેસમાં જે લોકોનાં નામ હતાં, તેમાંથી એક પ્રજ્વલ રેવન્નાનો પૂર્વ ડ્રાઇવર હતો, જેણે સાત વર્ષની નોકરી બાદ માર્ચ 2023માં નોકરી છોડી દીધી હતી.

અખબાર લખે છે, 'એવું કહેવાઈ રહ્યું છે કે આ ડ્રાઇવર પ્રજ્વલ રેવન્નાના પરિવારના સભ્ય જેવો હતો. ડ્રાઇવરની પ્રજ્વલ રેવન્નાના ફોન, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો સુધી પહોંચ હતી. પ્રજ્વલ અને ડ્રાઇવર અણબનાવ થયા બાદ તેણે પ્રજ્વલને ધમકાવવાનું શરૂ કર્યું હતું.'

ડિસેમ્બર 2023માં ડ્રાઇવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનાં પત્નીનું પ્રજ્વલ રેવન્નાએ અપહરણ કરી લીધું છે. આરોપ લાગ્યો હતો કે પ્રજ્વલ રેવન્ના તરફથી 13 એકર જમીનની માગ કરાઈ હતી. ત્યાર બાદ વીડિયોનો મુદ્દો જાન્યુઆરી 2024માં હાસનમાં વકીલ અને સ્થાનિક ભાજપ નેતા જી દેવરાજે ગૌડાએ ઉઠાવ્યો હતો.

જે દેવરાજે એ જ છે, જેમની કર્ણાટક હાઈકોર્ટમાં અરજી બાદ પ્રજ્વલ રેવન્નાને સાંસદ તરીકે અયોગ્ય ઠેરવાયા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી હતી. દેવરાજેએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં નરસીપર સીટથી ચૂંટણી લડી હતી અને પ્રજ્વલ રેવન્નાના પિતા એચ. ડી. રેવન્ના સામે ચૂંટણી હારી ગયા હતા.

ઇંદોરથી કૉંગ્રેસના ઉમેદવારે નામ પાછું લીધું- જિતુ પટવારીએ કહ્યું કે લોકતંત્ર પર ખતરો

ઇંદોરથી કૉંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામ મંગળવારે પાછું ખેંચી લીધું છે.

ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયે ટ્વીટ કરીને કહ્યું કે અક્ષય કાંતિ બમ ભાજપમાં જોડાઈ ગયા છે.

ઇંદોર સીટ પર 13 મેના રોજ મતદાન થવાનું છે. હવે આ સીટ પર કોઈ કૉંગ્રેસના ઉમેદવાર નથી.

આ મામલે મધ્યપ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જિતુ પટવારીએ કહ્યું કે 'આ લોકતંત્ર પર ખતરો છે કે મતદાન વિના જનપ્રતિનિધિ બનશે.'

પટવારીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "ઇંદોરના લોકોએ વિચારવું જોઈએ કે લોકતંત્ર ખતરામાં કેમ છે. આપણે આવી પરિસ્થિતિમાં શું કરવાનું છે, તેની વિસ્તુત રણનીતિ બનાવીશું. પત્રકારમિત્રો, તમે લોકો અમારી ટીકા કરશો કે કૉંગ્રેસના ઉમેદવારે આવું કરી લીધું અને એવું કરવાનો તમારો અધિકાર છે. પરંતુ એ પણ વિચારવું જોઈએ કે કોઈ મત વિના જનપ્રતિનિધિ બનશે તો આ શહેરનું શું થશે?"

"ગુંડા-બદમાશો સરકારના સંરક્ષણમાં વસૂલી કરશે, પ્લૉટો પર કબજો કરશે. જ્યારે માણસ અહંકારથી પરિપૂર્ણ થઈ જશે તો તમને (પત્રકારો) પણ લખવા નહીં દે, જેવું કે આપણે થતું જોઈ રહ્યા છીએ. આ માત્ર એક બેઠકની ઉમેદવારી પાછી નથી ખેંચાઈ, પરંતુ આ ઇંદોરના લોકતંત્રનું ચીરહરણ છે."

ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતની સુરત સીટ પરથી કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ કરી દેવાયું હતું અને બાદમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી વિના જીતી ગયા હતા.