અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ : ‘ભાઈ ઍપ્રનને બદલે કફનમાં ઘરે આવ્યો’, વિખેરાયેલા પરિવારોની વ્યથા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

26 જુલાઈ 2008નો દિવસ સમગ્ર ગુજરાત માટે ‘ગોઝારી યાદો’ છોડી ગયો. એ દિવસે સાંજે પોણા સાત વાગ્યે અમદાવાદમાં વિભિન્ન સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટનો સિલસિલો શરૂ થયો અને 70 મિનિટના ગાળામાં એક પછી એક એમ 21 બૉમ્બ બ્લાસ્ટ થતાં રાજ્યમાં ‘અજંપાની લહેર’ પ્રસરી ગઈ. શહેરને ધ્રુજાવી દેનારા એ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

‘આતંકિત કરનારી’ આ ઘટનામાં ઘણાય પરિવારોએ ‘સ્વજનોનાં અકાળ મૃત્યુનું દુ:ખ જીરવવું પડ્યું’ હતું.

આવો જ એક પરિવાર છે મીત અંધારિયાનો.

મીત અંધારિયા એ દિવસને યાદ કરતાં કહે છે :

"બૉમ્બ બ્લાસ્ટના સમાચાર સાંભળ્યા એટલે મેં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મેડિકલના વિદ્યાર્થી મારા ભાઈને ફોન કર્યો. તેણે કહ્યું કે તે હૉસ્પિટલમાં છે અને બધું બરાબર છે. અમે નિશ્ચિંત થઈ ગયા. બે કલાકમાં અમને ફોન આવ્યો કે સિવિલ હૉસ્પિટલમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં તમારા ભાઈનું મૃત્યુ થયું છે."

એ ઘટના ગુજરાતના ઇતિહાસમાં ‘અનેક દુ:ખદ સ્મૃતિઓનું નિમિત્ત’ બનવાની હતી. આ બનાવમાં અનેક પરિવારોની જિંદગી વિખેરાઈ ગઈ અને હજી સુધી તેમના માટે સ્થિતિ પૂર્વવત્ નથી બની શકી.

વર્ષ 2022માં 11 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટે ‘સિમાચિહ્નરૂપ ચુકાદા’માં અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસના 38 આરોપીઓને ફાંસી, 11ને જનમટીપની સજા ફટકારી હતી.

અદાલતે સાત હજાર પાનાંના આ ચુકાદામાં સમગ્ર ઘટનાને ‘રેરેસ્ટ ઑફ રેર’ ગણાવી હતી.

કોર્ટે આ કેસમાં 28 વ્યક્તિને નિર્દોષ પણ છોડી મૂક્યા હતા.

ઘટનાનાં લગભગ 15 વર્ષ બાદ પણ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના સ્મૃતિપટલ પર આ ઘટનાની ‘નકારાત્મક યાદો’ તાજી છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

ઘટનાના આરંભથી માંડીને દોષિતોના અંજામ સુધીની કહાણી પર નજર કરતા પહેલાં એ પરિવારોની વ્યથા વિશે જાણીએ જેમણે ઘટનામાં પોતાના ‘લાડકવાયા’ ગુમાવવા પડ્યા.

‘ઍપ્રનને બદલે કફનમાં ઘરે આવ્યો ભાઈ’

મીત અંધારિયાએ એ સમયે પોતાના પરિવારની સ્થિતિ વિશે જણાવતાં કહ્યું, "ભાવનગરમાં મારા પિતા ધંધો કરતા. હું ખૂબ જ નાનો હતો, ત્યારે મારા પિતાને કૅન્સર થયું હતું. તેમની બીમારીમાં બધા પૈસા વપરાઈ ગયા. છતાં તેમને બચાવી ન શકાયા. એ સમયે મારો ભાઈ સંકેત બારમા ધોરણમાં ભણતો હતો. તેણે ખૂબ જ મહેનત કરી અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો."

તબીબ બનવા માટે સંકેત અને પરિવારના સંઘર્ષ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "પિતાના અવસાન પછી અમારી સ્થિતિ ખાસ સારી ન હતી. અમારાં સગાં અમને મદદ કરતાં હતાં. મારો ભાઈ સંકેત અમદાવાદ હૉસ્ટેલમાં રહેતો. તે ભણવા માટે બીજાનાં પુસ્તક લાવતો હતો, જેથી ખર્ચ ઓછો થાય."

બૉમ્બ બ્લાસ્ટના દિવસ અંગેની યાદો વિશે તેઓ કહે છે કે, "તા. 26 જુલાઈ 2008ના દિવસે ભાવનગરમાં અમારા ઘરે કેટલાંક સગાં ભેગાં થયાં હતાં. એ સમયે સમાચાર આવ્યા કે અમદાવાદમાં બૉમ્બ બ્લાસ્ટ થયો છે."

"આ સાંભળીને ચિંતા થતાં અમે સંકેતને ફોન કર્યો, ત્યારે એણે કહ્યું હતું કે આવતા મહિને મારી ઇન્ટરનલ પરીક્ષા છે. એની તૈયારી કરી રહ્યો છું, અત્યારે હૉસ્પિટલમાં છું. આ સાંભળીને અમને ધરપત થઈ."

"જોકે, બે કલાકમાં જ ફોન આવ્યો કે બ્લાસ્ટમાં ઘાયલ લોકોને સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા. ત્યારે ટ્રોમા સેન્ટરમાં મદદ કરવા માટે મારો ભાઈ પહોંચ્યો હતો. એવા સમયે બ્લાસ્ટ થયો, જેમાં મારા ભાઈનું મૃત્યુ થયું છે."

પોતાની વાતને આગળ વધારતાં મીત કહે છે, "એ સમયે હું 15 વર્ષનો હતો. મારાં માતા ઉપર જાણે આભ ફાટી પડ્યું. અમને એમ હતું કે બે-ત્રણ વર્ષમાં મારો ભાઈ ભણી લેશે અને ડૉક્ટર બની જશે, એટલે અમારી ઉપર આવી પડેલી મુશ્કેલીઓ દૂર થઈ જશે. પણ અમે તેને ઍપ્રનના બદલે કફનમાં જોયો. શું એ બ્લાસ્ટ પીડિતોને મદદ કરવા ગયો એ એની ભૂલ હતી?"

અંધારિયા પરિવારની જેમ જ અમદાવાદના અગ્રવાલ પરિવારની જિંદગી એ સાંજે બદલાઈ ગઈ હતી. પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો અને અગાઉથી જ સંઘર્ષ કરી રહેલા પરિવાર પર વધુ એક આપત્તિ આવી પડી.

‘પુત્ર-પત્ની પરથી ઘાત ટળી, પણ...’

મુરારીલાલ અગ્રવાલ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા હતા.

તેમના દીકરા પવન પણ ભણતર મૂકીને લારી ચલાવીને પાંચ ભાઈબહેનના પરિવારનું ભરણપોષણ કરવામાં મદદરૂપ થતા.

એ દિવસને યાદ કરતાં પવન કહે છે, "હું ખોખરા વિસ્તારમાં લારી ચલાવતો હતો, ત્યારે સાંજે મને ફોન આવ્યો કે હાટકેશ્વર વિસ્તારમાં બૉમ્બ ધડાકો થયો છે અને મારા પિતા તેમાં ઘાયલ થયા છે. હું મોટરસાઇકલ લઈને ઘરે પહોંચ્યો. ત્યારે ખબર પડી કે મારા પિતાને એલજી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હું મારાં માતાને લઈને હૉસ્પિટલે પહોંચ્યો."

"હૉસ્પિટલમાં ભારે અફરાતફરીનો માહોલ હતો. મેં અને મારાં માતાએ પિતા અંગે પૂછપરછ શરૂ કરી. અચાનક જ ત્યાં પણ બ્લાસ્ટ થયો. હું મારાં માતાને બચાવવા ત્યાંથી નીકળી ઘરે પહોંચ્યો. હૉસ્પિટલે પહોંચીને જોયું તો પોલીસે વિસ્તાર કૉર્ડન કરી દીધો હતો."

"મને મારા પિતાનો મૃતદેહ બીજા દિવસે મળ્યો. મેં મારું બાઇક શોધ્યું તો તેના બે ટુકડા થઈ ગયા હતા."

પોતાની વાતને આગળ વધારતાં પવન કહે છે, "મારા પિતાની ઇચ્છા નાની બહેનનાં ધામધૂમથી લગ્ન કરાવવાની હતી. એ માટે અમે બંને મહેનત કરતા અને પાઈ-પાઈ ભેગી કરતા હતા. પરિવારના મોભીનું મૃત્યુ થવાથી અમે વિખેરાઈ ગયા. નાની બહેનનાં લગ્ન સાદાઈથી કરવાનો અફસોસ આજે પણ મારાં માતા કરે છે."

પવન ઉમેરે છે કે, “આજે અમે થોડા સુખી છીએ, પરંતુ અમારી આ સ્થિતિ જોવા માટે પિતા હયાત નથી.”

બ્લાસ્ટ થોડો મોડો થયો હોત તો? એ સમયે પવન ત્યાં હોત તો? જો એ સમયે પવન તથા તેમનાં માતા ત્યાં હોત તો?

જેવા અનેક સવાલ આજે પણ અગ્રવાલ પરિવારના મગજમાં આવે છે અને તેઓ ઘાત ટળી હોવાનું અનુભવે છે.

ગુજરાતમાં વિસ્ફોટો

આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન (આઈએમ) અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.

આઈએમની સ્થાપના કરવામાં યાસીન ભટકલે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને મોટા પાયે એવું માનવમાં આવતું હતું કે ગુજરાતનાં 2002નાં કોમી રમખાણોને પગલે આ બ્લાસ્ટનું કાવતરું રચવામાં આવ્યું હતું.

સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમૅન્ટ ઑફ ઇન્ડિયા (સિમી)ના સભ્યોને લાગતું હતું કે વર્ષ 2002ના ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં હુલ્લડોમાં લઘુમતી સમુદાયે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી વેર લેવાના હેતુથી તેમણે અલગ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી.

25મી જુલાઈ 2008ના દિવસે દેશની 'આઈટી સિટી' એવા બૅંગ્લુરૂમાં એક પછી એક આઠ બૉમ્બ વિસ્ફોટ થયા હતા, જેના બીજા દિવસે ગુજરાતની 'આર્થિક રાજધાની' અમદાવાદના રહેણાક, વ્યવસાયિક વિસ્તારો, જાહેર પરિવહન વ્યવસ્થા અને હૉસ્પિટલોમાં એક પછી એક વિસ્ફોટો થયા હતા.

આ વિસ્ફોટ મણિનગર, હાટકેશ્વર સર્કલ, એલજી હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટર સહિતના વિસ્તારોમાં થયા હતા.

સંખ્યાબંધ વિસ્ફોટો મણિનગર વિધાનસભા બેઠક હેઠળ આવતા વિસ્તારોમાં થયા હતા. એ સમયે ગુજરાત વિધાનસભામાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા.

કાવતરાખોરો દ્વારા વિસ્ફોટનો સમય એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા વિસ્ફોટોના પીડિતોને જ્યારે નજીકની હૉસ્પિટલોમાં લાવવામાં આવે ત્યારે વિસ્ફોટ થાય. જેથી બચાવ કામગીરીમાં જોતરાયેલા તથા સેવાભાવી લોકોમાં ફફડાટ ફેલાઈ જાય અને મોટા પ્રમાણમાં ખુવારી થાય.

એ સમયે વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હતા.

‘કામ હો ગયા હૈ’નો એ કૉલ

બીબીસીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખે બ્લાસ્ટ તથા તેની તપાસ વિશે વાત કરતાં જણાવ્યું હતું, "અમદાવાદ બ્લાસ્ટના બીજા દિવસે ખોખરા તથા બાપુનગર ખાતે બબ્બે બૉમ્બ મળી આવ્યા હતા. ખોખરામાં મળેલા બૉમ્બને ડિફ્યૂઝ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે બાપુનગરમાંથી મળેલા બૉમ્બને કારણે પોલીસને તપાસની મહત્ત્વપૂર્ણ કડી મળી હતી."

તેમના જણાવ્યાનુસાર અમદાવાદ બાદ સુરતમાં પણ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બીજા દિવસે સુરતના હીરાબજાર અને રહેણાક વિસ્તારોમાંથી કારમાંથી બૉમ્બ મળી આવ્યા હતા.

જોકે, બાપુનગરમાંથી જે બૉમ્બ મળી આવ્યો, તે વડોદરામાંથી પ્રકાશિત થતા અખબારમાં વીંટળાયેલો હતો, જેના કારણે તપાસના તાર વડોદરામાં પણ જોડાયા હતા. આથી, તપાસનીશ અધિકારીઓને શંકા ગઈ હતી કે બૉમ્બ વડોદરા લાવવા આવ્યા હશે અને ત્યાંથી સુરત તથા અમદાવાદ મોકલવામાં આવ્યા હશે, કારણ કે ભૌગોલિક રીતે વડોદરા અમદાવાદ અને સુરતની વચ્ચે પડે છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના સીસીટીવીની (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરા) તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે એક વેગનઆર ગાડીએ પાંચ-છ વખત અમદાવાદ અને વડોદરાની વચ્ચે ખેપ કરી હતી, જેને મુંબઈ ખાતેથી ચોરવામાં આવી હતી.

એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી) અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે દરેક બૉમ્બ બનાવવા માટે લગભગ 700 ગ્રામ ઍમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કાવતરાખોરો દ્વારા બ્લાસ્ટને અંજામ આપવા માટે ખોટા નામે પાંચ પ્રિપેઇડ સીમકાર્ડ ખરીદવામાં આવ્યાં હતાં તથા તેની મદદથી સંકલનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના એક ડૉક્ટરે એક શખ્સને ફોન ઉપર 'કામ હો ગયા હૈ' કહેતા સાંભળ્યો હતો, જેના આધારે મોબાઇલ કાર્ડ તથા સીમકાર્ડની તાપસ હાથ ધરવામાં આવી હતી.

ટેલિકૉમ ઑપરેટરો પાસેથી મળેલા ડેટા તથા મોબાઇલ ટાવરોના ડેટાની વિસ્તૃત છણાવટ કરતાં બ્લાસ્ટના વિસ્તારોમાં ઍક્ટિવ હોય, પરંતુ તે પછી બંધ થઈ ગયેલા પાંચ મોબાઇલ નંબર મળી આવ્યા હતા.

બાદમાં એક પછી એક કડીઓ જોડાતી ગઈ હતી અને અમદાવાદ બ્લાસ્ટના તાર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તથા બિહાર સુધી જોડાયા હતા અને 19 દિવસમાં કેસ પરથી પડદો ઊંચકાયો હતો.

કેસની વિગતો

અમદાવાદ બાદ કેટલાંક સ્થળોએથી ગુજરાત પોલીસને સુરતને ટાર્ગેટ બનાવીને મૂકવામાં આવેલા બૉમ્બ મળી આવ્યા હતા. શ્રેણીબદ્ધ વિસ્ફોટો તથા તેના પ્રયાસના કાવતરા બદલ અમદાવાદમાં 20 તથા સુરતમાં 15 એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી હતી.

અદાલત દ્વારા તમામ 35 એફઆઈઆરને મર્જ કરીને ખટલો ચલાવવામાં આવ્યો હતો. આરોપીઓ સામે આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ), વિસ્ફોટક ધારા, યુએપીએ (અનલૉફૂલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ)ની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ કેસમાં કુલ 78 શખ્સોને આરોપી બનાવવામાં આવ્યા હતા, પાછળથી એક શખ્સ તાજનો સાક્ષી બની ગયો હતો. આથી આરોપીઓની સંખ્યા ઘટીને 77 થઈ જવા પામી હતી.

સુનાવણી દરમિયાન અદાલત દ્વારા 1,100 કરતાં વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેસના કેટલાક આરોપીઓ હજુ નાસતા ફરે છે અથવા તો કેટલાક આરોપીઓ મોડેથી ઝડપાયા હતા, જેમની સામે કેસ ચાલવાનો બાકી છે.

અમદાવાદ બ્લાસ્ટના મુખ્ય આરોપી મનાતા અબ્દુલ સુભાન કુરૈશીની વર્ષ 2018ની શરૂઆતમાં નવી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી.

'ટેકી બૉમ્બર’ તરીકે ઓળખાતા કુરૈશી કેટલીક આઈટી કંપનીઓમાં કામ કર્યું હતું અને આઈએમની નાણાકીય બાબતોની જવાબદારી સ્વીકારી હતી. નોંધનીય છે કે કુરૈશીને અમદાવાદ બ્લાસ્ટ કેસનો 'માસ્ટરમાઇન્ડ' માનવામાં આવે છે.

વિસ્ફોટકોની હેરફેર માટે વપરાયેલી કાર ચોરવાના તથા વિસ્ફોટકો ગોઠવવાના આરોપી અફઝલ ઉસ્માની સપ્ટેમ્બર-2013માં પોલીસના જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ એક મહિના બાદ તેમને ફરી ઝડપી લેવામાં આવ્યો હતો.

સાબરમતી જેલ સુરંગકાંડ

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓને અમદાવાદની સલામત મનાતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. સુનાવણીના પ્રારંભિક તબક્કે વિશેષ અદાલત સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ બેસતી હતી.

આ કેસની સુનાવણી વર્ષ 2009થી શરૂ થઈ હતી. પાછળથી મોટા ભાગની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવી હતી.

બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા કથિત રીતે સાબરમતી જેલમાં 200 ફૂટ કરતાં લાંબી ટનલ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ કરાયો હતો. ફેબ્રુઆરી 2013માં જેલ ઑથૉરિટીને આ અંગે ખુલાસો કર્યો હતો. એ મુદ્દે અલગથી આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, જેની સુનાવણી હજુ બાકી છે.

ઇન્ડિયન મુજાહિદ્દીન એટલે...

સ્ટુડન્ટ્સ ઑફ ઇસ્લામિક મુવમેન્ટ ઑફ ઇન્ડિયાના ઉદ્દામવાદીઓએ ઉગ્રવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી. જેણે ભારતના અનેક શહેરોમાં 'સૉફ્ટ ટાર્ગેટ'ને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ કર્યા હતા. આમ છતાં તે લૉ-પ્રોફાઇલ રહેવામાં સફળ રહ્યું હતું.

2006માં મુંબઈમાં લોકલ ટ્રેનોમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં 185 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને તેમાં આઈએમની સંડોવણી બહાર આવી હતી. એ પછી પણ કેટલાક વિસ્ફોટોને અંજામ આપવામાં આવ્યો હતો.

2010માં પુણેની જર્મન બેકરી ખાતે વિસ્ફોટ થયો એ પછી ભારત સરકારે તેની ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. 2011માં યુએસ તથા 2012માં યુકેએ તેની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

ઇન્ડિયન મુજાહિદ્દીનની મૉડસ ઑપરેન્ડી પ્રમાણે, જે-તે શહેરમાં વિસ્ફોટો પહેલાં 'રોક સકો તો રોક લો...' એવા ઇમેઇલ થકી પોલીસ, મીડિયા તથા ઉચ્ચ અધિકારીઓને પડકારવામાં આવતા. જે મોટા ભાગે ઓપન વાઈફાઈ દ્વારા મોકલવામાં આવતા. ઇમેઇલમાં 'કાફરો'ને ધમકી આપવામાં આવતી અને તેમને ઇસ્લામનો અંગીકાર કરવા અથવા તો મરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવતું.

કેટલાંક ગુપ્તચર સૂત્રોના મતે ઇન્ડિયન મુજાહિદ્દીનએ પાકિસ્તાનસ્થિત ઉગ્રવાદી સંગઠનોનોનો 'ચહેરો' હતું. ભારતસ્થિત સંગઠનના ભારતીય સભ્યો દ્વારા જ ભારતમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવે છે, તે માટે પાકિસ્તાનસ્થિત સંગઠનો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો.

આ સિવાય તેના બૉમ્બની રચના ખૂબ જ સામાન્ય હતી. વિસ્ફોટકોને ટાઇમિંગ ડિવાઇસ સાથે બૉલ-બૅરિંગ મૂકવામાં આવતાં, જેથી કરીને મોટા પ્રમાણમાં લોકો ઈજાગ્રસ્ત થાય.

યાસીન ભટકલને ભારત-નેપાળ સરહદ પરથી બિહારના મોતીહારીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.

મૂળતઃ કર્ણાટકના ભટકલ શહેરના યાસીનના ભાઈઓ રિયાઝ તથા ઇકબાલ પણ આ સંગઠન સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ કાયદાની પહોંચથી દૂર છે.

યાસીન ભટકલને ઝડપી લેવા માટે ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા હાથ ધરવામાં આવેલા ઑપરેશન ઉપરથી 'ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ' નામની ફિલ્મ બની હતી. જેમાં અર્જુન કપૂરે આઇબી ઑફિસરની ભૂમિકા ભજવી હતી.

ઇન્ડિયન મુજાહિદ્દીની ઉપર અમદાવાદ (56 મૃત્યુ), સુરત (નિષ્ફળ પ્રયાસ) ઉપરાંત પુણે (17 મૃત્યુ), હૈદરાબાદ (42 મૃત્યુ), મુંબઈ (186 અને 27 મૃત્યુ), દિલ્હી (18 મૃત્યુ), બૅંગ્લુરૂ (બે મૃત્યુ) અને જયપુર (63 મૃત્યુ)માં પણ બૉમ્બ વિસ્ફોટોને અંજામ આપવાનો આરોપ છે.

2008 બાદ તેના અનેક મોટા ઑપરેટિવ સિક્યૉરિટી એજન્સીઓના હાથે ઝડપાઈ ગયા હતા અથવા તો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જેના કારણે તેની કમર તૂટી ગઈ. અબ્દુલ સુભાન કુરૈશીએ ફરી તેને ઍક્ટિવેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ ઝડપાઈ ગયો હતો.