You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વિસ્તારની કહાણી જ્યાં એકના ગુનાની સજા અંગ્રેજો આખેઆખા ગામને આપતા
- લેેખક, ટૉમ બૅટમૅન
- પદ, બીબીસી મધ્ય-પૂર્વ સંવાદદાતા
આ તસવીરમાં ઈદ હદાદનાં માતાપિતા દેખાઈ રહ્યાં છે. વર્ષ 1938માં તેઓ પોતે એક કિશોર હતા, એ જ સમયે પેલેસ્ટાઇન વિસ્તારમાં તેમણે બ્રિટિશ શાસનની હાજરી ખૂબ નજીકથી જોઈ હતી.
પોતાનાં માતાપિતાના એ સમયના અનુભવો વિશે વાત કરતાં ઈદ હદાદ કહે છે કે, “તેમની આંખ સામે બ્રિટિશ સેના આવીને લોકો પર હુમલા કરતી. મારા પિતાએ એક વખત એક વ્યક્તિને માથે લાકડાના હથોડાથી માર મરાયાની વાત કરી હતી, તેનો ઉપયોગ પરંપરાગત રીતે માંસ કૂટવા માટે થાય છે.”
વધુ એક આવા પ્રસંગ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “એક વખત તો એક વ્યક્તિ અને તેના દીકરાને એ સમયે પાછળથી ગોળી મારી દેવાઈ જ્યારે તેઓ તમાકુનાં પત્તાં સૂકવી રહ્યા હતા. એ સમયે ચારેકોર આવી જ અરાજકતા જોવા મળતી.”
ઈદ હદાદનાં માતાપિતા પેલેસ્ટાઇનના એ અલ-બાસ્સા ગામમાં રહેતાં, જેને બ્રિટિશ સૈન્યે સામૂહિક સજાની શ્રેણીમાં રાખેલું હતું. આ પ્રકારની કાર્યવાહીને બ્રિટિશ સૈન્ય ‘દંડાત્મક ઉપાય’ની સંજ્ઞા આપતી. જે અંતર્ગત જો સૈન્ય પર કોઈ પણ વિદ્રોહી જૂથનો હુમલો થાય તો એ સ્થિતિમાં સજા આખા ગામને અપાતી.
બીબીસી રેડિયો-4ની સ્પેશિયલ સિરીઝમાં છલકી ઊઠ્યું દર્દ
ઈદ હદાદે અન્યા અને શોષણની આવી તમામ કહાણીઓ બીબીસી રેડિયો-4 પર પ્રસારિત થયેલી નવી સિરીઝ ‘ધ મૅન્ડેટ’માં શૅર કરી હતી. બીબીસીની આ ખાસ સિરીઝ એક સદી પહેલાં મધ્ય-પૂર્વ પર બ્રિટન અને ફ્રાન્સના નિયંત્રણની તપાસ કરે છે, જેના પડઘા આજેય એ સમગ્ર ક્ષેત્રમાં પડી રહ્યા છે.
બીબીસીની ટીમે આ સિરીઝ માટે ઘણા ઇતિહાસકારો અને વિશેષજ્ઞો સાથે વાતચીત કરીને એ સમજવાની કોશિશ કરી કે સંસ્થાનવાદી શાસન દરમિયાન આજનાં ઇઝરાયલ, પેલેસ્ટાઇનિયન ક્ષેત્ર, જૉર્ડન, લેબનન અને સીરિયામાં કેવી સ્થિતિ હતી.
અમે એ મહિલાઓ અને પુરુષો સાથે પણ વાતચીત કરી, જેમના પર એ સ્થિતિની અસર થઈ છે. એ ઘટનાઓની કડવી યાદો આગામી પેઢીઓની સ્મૃતિમાં પણ અંકિત છે.
ઈદ હદાદ આવા જ કેટલાક અસરગ્રસ્ત લોકો પૈકી એક છે. હદાદ સાથે મારી મુલાકાત ગત વર્ષે થયેલી, એ સમયે હું પેલેસ્ટાઇન તરફથી કરાયેલી એક મોટી માગ સંબંધિત સમાચારોનું રિપોર્ટિંગ કરી રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેલેસ્ટાઇનની માગણી હતી કે બ્રિટન વર્ષ 1917થી 1948 સુધીના પોતાના કબજા દરમિયાન ક્ષેત્રમાં કરાયેલા કથિત યુદ્ધ અપરાધો માટે માફીની માગે.
જ્યારે અમે ઈદ હદાદ સાથે વાત કરી ત્યારે તેઓ પોતાના ડેન્માર્કસ્થિત ઘરે હતા.
ફોન પર થયેલી વાતચીતમાં તેમણે લેબનનમાં પસાર થયેલા પોતાના બાળપણના એ દિવસો યાદ કર્યા જ્યારે ખુનામરકી અને ઊથલપાથલને કારણે તેમના પરિવારે પોતાનો દેશ છોડવો પડેલો.
એ બ્રિટિશ અને ફ્રેન્ચ શાસનનો સમય હતો, જેમાં વર્ષો સુધી આખાય ક્ષેત્રમાં સંઘર્ષ અને સાંપ્રદાયિક ઊથલપાથલની સ્થિતિ જોવા મળેલી.
ઊથલપાથલ અને ઉત્પીડનનો એ સમયગાળો
હદાદના બાળપણમાં એ સમયગાળાની સ્મૃતિઓ પણ સામેલ છે, જ્યારે મધ્યપૂર્વમાં યુરોપિયન શક્તિઓએ દખલ બંધ કરી, પરંતુ દાયકાઓ સુધી આખા ક્ષેત્રમાં હિંસા અને અસ્થિરતા છવાયેલી રહી.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે બ્રિટન નબળા પડી રહેલા ઑટોમન સામ્રાજ્ય પર આક્રમણ અને કબજો કર્યો ત્યારે તેણે ‘આત્મનિર્ણય’માં માનતી શક્તિઓનો આશરો લીધો.
બ્રિટને ત્યારે મોટા ક્ષેત્ર અંગે ઘણા મોટા મોટા વાયદા કર્યા. ખાસ કરીને આરબ લોકોને, જેઓ સમગ્ર ક્ષેત્રની સ્વતંત્રતાની માગ કરી રહ્યા હતા.
આ સાથે જ બ્રિટને યહુદીઓનેય વાયદો કર્યો, જે પેલેસ્ટાઇનમાં યહુદીઓના સ્થાયી નિવાસની માગ કરી રહ્યા હતા.
બ્રિટન અને ફ્રાન્સે આ ક્ષેત્ર પર પોતાનું નિયંત્રણ એ કથિત જનાદેશ દ્વારા મજબૂત બનાવેલું, જે નવી નવી બનેલી ‘લીગ ઑફ નૅશન્સ’એ તેમને આપ્યો હતો.
અહીં એ વાતની ઉલ્લેખ કરવાની જરૂર નથી કે આ સંગઠનમાં બ્રિટન અને ફ્રાન્સ એમ આ બંને રાજાશાહી શક્તિઓનું જ વર્ચસ્વ હતું.
પેલેસ્ટાઇનિયન વિસ્તારમાં બ્રિટનની નીતિઓના કારણે રાષ્ટ્રીય આંદોલન પહેલાં બે ભાગમાં વહેંચાયું અને પછી એકમેક સાથે ઘર્ષણના માર્ગે આગળ વધી ગયું.
1930ના દાયકાનાં અંતિમ વર્ષોમાં બ્રિટન આરબ વિદ્રોહને કચડી નાખવામાં કામિયાબ રહ્યું હતું. જોકે, બ્રિટિશ સૈન્યે બાદમાં યહૂદી મિલિશિયાના વિદ્રોહનોય સામનો કરવો પડેલો. એ દરમિયાન બ્રિટને પોતાની ઘણી નીતિઓમાં ફેરફાર કરેલા.
તેમાં યુરોપ અંગેની ઇમિગ્રેશન પૉલિસેય સામેલ હતી. પોતાના વાયદાથી વિપરીત બ્રિટને એ શરણાર્થી જહાજોને પરત મોકલવાનું શરૂ કરી દીધેલું, જેમાં હોલોકૉસ્ટમાંથી જીવિત બચેલા લોકો સવાર હતા.
આ લોકો નાઝી કબજાવાળા યુરોપથી ભાગી છૂટ્યા હતા.
ઇઝરાયલી ઇતિહાસકાર ટૉમ સેગેવ કહે છે કે, “બ્રિટનને એ વાતની ખબર નહોતી કે આ બધું કેવી રીતે મૅનેજ કરાશે.”
જ્યારે ફ્રાન્સે અજમાવી બ્રિટિશ ‘ડિવાઇડ ઍન્ડ રૂલ’ પૉલિસી
બીજી તરફ ફ્રાન્સે પોતાની જનાદેશ શક્તિને આધારે લેબનનને સીરિયાથી અલગ કરી દીધું હતું. હેતુ હતો પોતાના વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્ત્વ સમુદ્રકાંઠો હાંસલ કરવાનો.
આ રીતે 1920ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં ફ્રાન્સે સમગ્ર ક્ષેત્રમાં બે નવી બૉર્ડરો બનાવી દીધી. એ આરબ વિદ્રોહ પહેલાંની વાત છે, જેને દયનીય રીતે કચડી નખાયો હતો.
ઇતિહાસકાર જેમ્સ બર્ર જણાવે છે કે, “ફ્રાન્સે ક્ષેત્રોનું વિભાજન ધર્મ અને જાતિને આધારે કરેલું. જેને ‘ભાગલા પાડો ને રાજ કરો’ની નિંદનીય નીતિ ગણાવી શકો.”
બીજા વિશ્વયુદ્ધનાં અમુક વર્ષો બાદ બ્રિટન અને ફ્રાન્સ મધ્ય-પૂર્વ છોડીને ચાલ્યાં ગયાં.
જોકે, બ્રિટન એ વાત જાણતું હતું કે તેમના પરત ફર્યા બાદ પેલેસ્ટાઇન જેવાં ક્ષેત્રોમાં સંઘર્ષ ક્ષેત્રીય યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો. કારણ કે, એ સમય સુધી ઇઝરાયલની જાહેરાત થઈ ચૂકી હતી.
ઈદ હદાદનાં માતાપિતાને પોતાના ગામ અલ-બસ્સાસામાંથી નાસી છૂટવું પડ્યું કારણ કે યહૂદી અર્ધસૈનિક દળોએ આખા ગામને તબાહ કરી નાખ્યું હતું.
1947-48ના સંઘર્ષમાં લગભગ સાડા સાત લાખ પેલેસ્ટાઇનિયન લોકોએ કાં તો નાસી છૂટવું પડ્યું કાં તો તેમને બળજબરીપૂર્વક ઘરમાં કાઢી મુકાયા. પેલેસ્ટાઇનિયન લોકો આજેય એ પ્રસંગને 'નક્બા' કે 'કયામત' કહે છે.
લેબનનના રૅફ્યૂજી કૅમ્પમાં જન્મ અને બાળપણ
ઈદ હદાદનો જન્મ પેલેસ્ટાઇનથી નાસી છૂટેલા આવા જ એક પરિવારમાં થયેલો, જે પાડોશી લેબનનનાં શરણાર્થી કૅમ્પમાં રહેવા મજબૂર હતા. લેબનનમાં પેલેસ્ટાઇનિયન શરણાર્થીઓની વધતી જતી સંખ્યાની અસર એવી થઈ કે ત્યાં ફ્રેન્ચ શાસન બાદ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે કાયમ થયેલા સદ્ભાવના પાયા હચમચી ગયા.
જેની સ્થિતિ પીએલઓ(પેલેસ્ટાઇનિયન લિબરેશન ઑર્ગેનાઇઝેશન)ની સ્થાપના બાદ વધુ ખરાબ થઈ. પેલેસ્ટાઇનિયનોનું આ સશસ્ત્ર ગ્રૂપ ઇઝરાયલ પર સતત હુમલા કરતું.
જોકે, દેશામાં હજુય એવા પ્રભાવશાળી ઑફિસરો હતા, જેઓ સીરિયા અને મિસર સાથે ‘પૅન આરબ ઍલાયન્સ’ના પક્ષમાં હતા.
કારણ કે આ એ ગઠબંધન હતું, જે યુરોપિયન દેશોને અપાયેલા જનાદેશ વિરુદ્ધ વિદ્રોહની સાથોસાથ મજબૂત થયેલું. બાદમાં લેબનન સાંપ્રદાયિક ગૃહયુદ્ધમાં જકડાતું ગયું.
ઈદ હદાદ, જેઓ પેલેસ્ટાઇનિયન મૂળના ખ્રિસ્તી છે, એ લેબનાનના ખ્રિસ્તી અતિરાષ્ટ્રવાદીઓના એક સમૂહે તેમના 16 વર્ષના ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવાયાની વાત જણાવી હતી.
ઉગ્રવાદીઓનો એ સમૂહ પેલેસ્ટાઇનથી આવેલા શરણાર્થીઓને નિશાન બનાવતા. 1975માં આ જ સમૂહે બેરૂતના શરણાર્થી કૅમ્પ પર હુમલો કરેલો.
હદાદેય એ વર્ષે એક સામૂહિક નરસંહારથી માંડ માંડ બચ્યા હતા. તેમણે એક વૉર્ડરોબમાં છુપાઈને પોતાની જાતને બચાવ્યા હતા.
ઉગ્રવાદીઓએ હુમલા દરમિયાન જે બર્બરતા અને અપમાનજનક વર્તન કર્યું એના પણ તેઓ સાક્ષી રહ્યા.
હદાદ જણાવે છે કે તેઓ બાળપણથી માંડીને યુવાની સુધી એ ઘટનાઓને કારણે પોસ્ટૉમેટિક સ્ટ્રેસ ડિસૉર્ડર (પીટીએસડી)નો શિકાર થયા હતા.
હદાદ જણાવે છે કે, “મને લાગે છે કે મારાં માતાપિતા પણ આવા જ ડિસૉર્ડરનાં શિકાર થયાં હતાં, કારણ કે તેમણેય બાળપણથી જ આ બધી ઘટનાઓ જોઈ હશે. તમે વિચારો કે મારા પિતા પર એ સમયે શું વીતી હશે જ્યારે બ્રિટિશ સૈન્ય તેમને કડક પૂછપરછ માટે લઈ જઈ રહ્યું હતું.”
ન પિતા વતન પરત ફર્યા, ન ઈદ હદાદ
હદાદ જણાવે છે કે 1938માં અલ-બાસ્સા પર કાર્યવાહી દરમિયાન બ્રિટિશ સૈન્ય મહિલાઓને ડિટેઇન કરેલા પુરુષોથી અલગ કરી દેતું. ત્યારે તેમના પિતા કિશોર હતા. તેમને બચાવવા માટે એક ગ્રામજને તેમને છોકરીનાં કપડાં પહેરાવી દીધેલાં.
હદાદ પ્રમાણે, “તેમણે મારા પિતાના માથે સ્કાર્ફ બાંધી દીધો અને છોકરીનાં કપડાં પહેરાવી દીધાં. આવી રીતે એ લોકોએ મારા પિતાને બ્રિટિશ ફોજની યાતનાથી બચાવી લીધા.”
જોકે, બ્રિટનની સરકારે અલ-બાસ્સામાં કરાયેલા ઉત્પીડન અંગે ક્યારેય કબૂલાત નથી કરી. એવું મનાય છે કે ત્યાં થયેલી ઘટનાઓમાં 30 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
સાથે જ હદાદ એ કારણ પણ જણાવે છે કે આખરે તેઓ અત્યાર સુધી પોતાના દેશ કેમ પરત નથી ફર્યા. તેઓ કહે છે કે, “મને હંમેશાં લાગે છે કે મારા વજૂદનો એક મોટો ભાગ ગાયબ છે. હું મારી જાતને એક એવા સમુદ્રી દ્વીપ માફક લાગું છું, જે હજુય મારા માટે વિદેશ સમાન છે.”