રૉથ ઑફ ગૉડ : ઇઝરાયલનું ગુપ્ત ઑપરેશન, જેમાં મ્યુનિખ ઑલિમ્પિકમાં તેના રમતવીરોનાં મૃત્યુનો બદલો લીધો હતો

    • લેેખક, નોર્બેટ્રો પેરેડેઝ
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

1972માં સમર ઑલિમ્પિકની મેજબાની કરીને જર્મની દુનિયાને બતાવવા માગતું હતું કે તે 1936 કરતાં ખૂબ અલગ દેશ છે. 1936માં એડોલ્ફ હિટલરે વિવાદાસ્પદ ઑલિમ્પિકની શરૂઆત કરી હતી જેમાં તેઓ જર્મનીની ભવ્યતા રજૂ કરવા માગતા હતા.

જોકે, 50 વર્ષ બાદ રમતગમતની ઘટનાઓ કરતાં મ્યુનિખમાં યોજાયેલી દુર્ઘટનાઓ લોકોને વધારે યાદ આવે છે જે લોકો સાથે ઘટી હતી.

તે વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ સવારે ચાર વાગ્યે આઠ હથિયારબદ્ધ વ્યક્તિઓ જેઓ પૅલેસ્ટાઇનના ઉગ્રવાદી ગ્રૂપ બ્લૅક સપ્ટેમ્બર સાથે જોડાયેલી હતી, તેઓ છ ફૂટ ઊંચી વાડને પાર કરીને મ્યુનિખસ્થિત ઑલિમ્પિક વિલેજમાં ઇઝરાયલી રમતવીરોના ઍપાર્ટમૅન્ટમાં ઘૂસી આવ્યા હતા.

4.25 વાગ્યે હુમલાખોરોએ નકલી ચાવીનો ઉપયોગ કરી તાળું ખોલ્યું અને ઍપાર્ટમૅન્ટ તરફ જતો દરવાજો ખોલ્યો.

કેટલાક રમતવીરોને પકડ્યા બાદ પૅલેસ્ટિનિયન ઉગ્રવાદીઓએ બે રમતવીરોને મારી નાખ્યા અને નવ ઇઝરાયલી રમતવીરો તેમજ કોચને બંધક બનાવ્યા હતા.

તેમને મુક્ત કરવા માટે હુમલાખોરોએ પૅલેસ્ટાઇનના 200 કેદીઓને છોડવાની માગ કરી જેમને ઇઝરાયલે પકડ્યા હતા અને બંધકોને શહેરના એક ઍરપૉર્ટ પર મોકલ્યા જ્યાં પશ્ચિમ જર્મન સિક્યૉરિટી ફોર્સ દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

પરંતુ તેમને બચાવવાની યોજના નિષ્ફળ નીવડી અને હત્યાકાંડ થયો, જેમાં ઇઝરાયલી ઑલિમ્પિક કમિટીના બધા જ નવ સભ્યોની હત્યા કરી દેવામાં આવી અને સાથે-સાથે પશ્ચિમ જર્મનીના પોલીસ અધિકારી અને આઠમાંથી પાંચ બંદૂકધારીઓની પણ હત્યા કરી દેવામાં આવી હતી.

બાકી બચેલા ત્રણ બંદૂકધારીની ઓળખ અદનાન અલ ગેશે, જમાલ અલ ગેશે અને મોહમ્મદ સફાદી તરીકે થઈ હતી જેમને જર્મન પોલીસે પકડ્યા હતા. જોકે, ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા કેમ કે તેમને છોડાવવા માટે અન્ય ઉગ્રવાદીઓએ જર્મન ઍરલાઇન લુફ્થાન્સાના પ્લૅનને હાઇજેક કરી લીધું હતું.

નિષ્ણાતોના મતે તેમને મુક્ત કર્યા બાદ ત્રણેય ઉગ્રવાદીઓને લિબિયા મોકલવામાં આવ્યા હતા જ્યાં મુઆમ્મર ગદ્દાફીએ તેમનું હીરોની જેમ સ્વાગત કર્યું હતું.

ત્યાર પછીના મહિનાઓ દરમિયાન બ્લૅક સપ્ટેમ્બર ગ્રૂપના ઘણા સભ્યો જેઓ મ્યુનિખ હત્યાકાંડનો ભાગ હતા તેમને મારી નાખવામાં આવ્યા હતા.

આ હત્યાઓ પાછળ ઇઝરાયલી ઇન્ટેલિજન્સનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે, જે એક ગુપ્ત ઑપરેશનનો ભાગ હોઈ શકે છે જેનું નામ છે "રૉથ ઑફ ગૉડ" એટલે કે "ઇશ્વરનો ક્રોધ".

હુમલાખોરોમાંથી એક જમાલ-અલ ગશેવ બચી ગયા હતા અને 1990 સુધી તે જીવતા હોવાનું મનાઈ રહ્યું હતું.

ઇઝરાયલે વેસ્ટ જર્મન ઑથૉરિટી પર આરોપ લગાવ્યો છે કે તેઓ રમત દરમિયાન પૂરતી સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે. આનો ઉલ્લેખ દાયકાઓ પહેલાં ઇઝરાયલી દસ્તાવેજોમાં થયો હતો.

હુમલાના બીજા દિવસે પણ રમતો ચાલી રહી હતી. તે વર્ષે મેડલ ટેબલ જાણે સોવિયત યુનિયનના નામે હતું જેણે 50 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે અમેરિકા 33 મેડલ સાથે બીજા નંબર પર હતું અને 20 મેડલ સાથે પૂર્વ જર્મની ત્રીજા નંબરે હતું.

"રૉથ ઑફ ગૉડ"

દુર્ઘટનાના તુરંત બાદ ઇઝરાયલનાં વડાં પ્રધાન ગોલ્ડા મેયરે દેશની સંસદમાં 'આતંકવાદ સામે યુદ્ધ'નું એલાન કર્યું હતું.

બીબીસી પત્રકાર ફર્ગેલ કિઆને 2014માં ઇઝરાયલી એજન્સી વિશે જાહેર થયેલા એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે વડાં પ્રધાને હુમલા પાછળ જવાબદાર લોકોની ઓળખ માટે ગુપ્ત કમિટીની રચના કરી હતી અને ઇઝરાયલી ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદને તેમને શોધીને તેમને મારી નાખવાનું કામ સોંપ્યું હતું.

1998થી 2002 સુધી મોસાદના પ્રમુખ રહી ચૂકેલા એફ્રેમ હેલેવેએ જણાવ્યું હતું, "આંતકવાદની આ ઘટના માટે તેમણે કિંમત ચૂકવવાની હતી. તે માત્ર ન્યાયની વાત ન હતી, તે આંખના બદલે આંખ કે દાંતના બદલે દાંતની વાત ન હતી. આ એક અવરોધક અસર ઊભી કરવાની વાત હતી."

રૉથ ઑફ ગૉડ ઑપરેશન દરમિયાન હુમલાની જવાબદારી લેનારા બ્લૅક સપ્ટેમ્બર ગ્રૂપના ઉગ્રવાદીઓને યુરોપ અને મધ્ય પૂર્વમાં સજા આપવામાં આવી હતી. બ્લૅક સપ્ટેમ્બર ગ્રૂપે દાવો કર્યો હતો કે તેમણે આ હુમલો પૅલેસ્ટાઇનના લોકોના પક્ષમાં કર્યો હતો.

માઇક હરારી ઇઝરાયલના સૌથી જાણીતા જાસૂસ છે તેમણે આ 'બદલા અભિયાન'ની દેખરેખ કરી હતી અને તેમાં પૅલેસ્ટાઇનના ડઝન કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે કે તેમાંથી ખરેખર કેટલા લોકો મ્યુનિખ હત્યાકાંડમાં સંડોવાયેલા હતા.

ઇઝરાયલના એક હુમલામાં મોસાદના એજન્ટો જોડાયા હતા જેમાંથી કેટલાક લોકોએ મહિલાઓનો વેશ ધારણ કર્યો હતો. તેઓ લેબનનની રાજધાની બૈરુતમાં એક વૉટરફ્રન્ટ પર ટોરપીડો બોટની મદદથી પહોંચ્યા હતા. ત્યાં તેમણે લિબરેશન ઑર્ગેનાઇઝેશન ઑફ પૅલેસ્ટાઇનના ત્રણ નેતાઓની તેમજ ગ્રૂપના અન્ય સભ્યોની હત્યા કરી નાખી હતી.

રૉથ ઑફ ગૉડ અભિયાન હેઠળ આ દરમિયાન ઘણા લેબેનીઝ અને પૅલેસ્ટાઇનના નાગરિકોનાં તેમજ બે ઇઝરાયલી એજન્ટોનાં પણ મૃત્યુ થયાં હતાં.

બદલો

1984માં લખાયેલા પુસ્તક 'વેન્જન્સ'માં કૅનેડિયન લેખક અને પત્રકાર જ્યોર્જ જોનાસ "રૉથ ઑફ ગૉડ" ઑપરેશન વિશે માહિતી આપે છે. તેમના માટે મુખ્ય સ્રોત યુવાલ અવીવ હતા જેઓ મોસાદના એક અધિકારી હતા અને તેમનો દાવો હતો કે તેઓ અભિયાનનો ભાગ હતા.

તેના પર 'મ્યુનિખ' નામની ફિલ્મ પણ બની જેને અમેરિકન ફિલ્મનિર્માતા સ્ટીવન સ્પીલબર્ગ દ્વારા બનાવવામાં આવી હતી. તેમાં બૈરુત વૉટરફ્રન્ટ પર થયેલા હુમલા પહેલાં અને પછી યુરોપિયન દેશોમાં થયેલાં મૃત્યુ અંગે જાણકારી અપાઈ હતી.

જોનાસ પ્રમાણે, 16 ઑક્ટોબર 1972ના રોજ પૅલેસ્ટાઇનના ટ્રાન્સલેટર વાઈલ વેઇટર યુરોપમાં રૉથ ઑફ ગૉડ ઑપરેશનનો પહેલો નિશાન બન્યા હતા.

ઘણા સ્રોતોએ એ પુષ્ટિ કરી છે કે મોસાદને શંકા હતી કે વેઇટર રોમમાં બ્લૅક સપ્ટેમ્બરના પ્રમુખ હતા અને જ્યારે તેઓ ઇટાલીની રાજધાનીમાં પોતાના ઘરે પરત ફર્યા હતા ત્યારે બે ઇઝરાયલી એજન્ટોએ તેમને 11 વખત ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી.

બીજો નિશાન મહમૂદ હમશારી બની શકતા હતા જેઓ ફ્રાન્સમાં પીએલઓ પ્રતિનિધિ હતા. ઇઝરાયલે તેમને ફ્રાન્સમાં બ્લૅક સપ્ટેમ્બર ગ્રૂપના પ્રમુખ તરીકે માન્યા હતા. 8 ડિસેમ્બરના રોજ તેમના ટેબલ નીચે બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તેના કેટલાંક અઠવાડિયાં બાદ તેમનું મૃત્યુ થયું હતું.

ચાર મહિના બાદ 6 એપ્રિલ 1973ના રોજ બાસિલ અલ કુબૈસીની લેબેનીઝ મીડિયાએ પૉપ્યુલર ફ્રન્ટ ફૉર ધ લિબરેશન ઑફ પૅલેસ્ટાઇનના સભ્ય તરીકે ઓળખ કરી હતી. તેમની પણ પેરિસના રસ્તાઓ પર હત્યા કરી દેવાઈ હતી.

હત્યાઓ અહીં રોકાઈ ન હતી. સાઇપ્રસમાં પીએલઓના પ્રતિનિધિ ઝૈદ મન્યાસીની ગ્રીસની રાજધાની એથેન્સમાં એક હોટેલ રૂમમાં બૉમ્બ બ્લાસ્ટ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ પીએફએલપીના યુરોપમાં ચીફ ઑફ ઑપરેશન્સ મોહમદ બૌદિયાની પેરિસમાં એક કાર બૉમ્બની મદદથી હત્યા કરી દેવાઈ હતી.

ઉદ્દેશ

બીબીસી મુંડો સાથે એક ઇન્ટરવ્યૂમાં મ્યુનિખસ્થિત યુનિવર્સિટી ઑફ ઇઝરાયલમાં યહૂદીઓના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે ભણાવતા પ્રોફેસર માઇરલ બ્રેનર જણાવે છે કે રૉથ ઑફ ગૉડ ઑપરેશનનો મુખ્ય ઉદ્દેશ હતો પીડિતોના પરિવારને ન્યાય અપાવવો અને દુનિયાને બતાવવું કે ઇઝરાયલ તેના નાગરિકો વિરુદ્ધ કરવામાં આવેલા ગુનાહોને માફ નહીં કરે અને તેમને છોડશે નહીં.

અમેરિકન યુનિવર્સિટી (વૉશિંગટન ડીસી)માં ઇઝરાયલી સ્ટડીઝના સેન્ટરના ડાયરેક્ટર વધુમાં ઉમેરે છે, "બે વસ્તુઓ સાથે આવી. ઑલિમ્પિકની રમત દરમિયાન ગુનાની પ્રકૃતિ અને જર્મન અધિકારીઓએ ત્રણ આતંકવાદીઓને તેમની ધરપકડના થોડાં જ અઠવાડિયાંમાં છોડી દીધા."

બ્રેનર નોંધે છે કે તેવી અટકળો હતી જે હજુ સુધી ચાલે છે કે લુફ્થાન્સા પ્લૅનનું હાઇજેક જર્મની દ્વારા જ આયોજિત કરવામાં આવ્યું હતું અથવા તો તે કમ સે કમ પૅલેસ્ટાઇનના આતંકવાદીઓથી છૂટકારો મેળવવા અને તેમને જર્મનીમાંથી બહાર કાઢવાની તક હતી.

"એટલે ઇઝરાયલને લાગ્યું કે તેની સાથે બમણો અન્યાય થયો છે અને તેણે એ દેખાડવાનો પ્રયાસ કર્યો કે તે એ કરવા સક્ષમ છે જે જર્મન સત્તાધીશો કરી શકતા ન હતા."

તેમના માટે ઑપરેશન સફળ હતું.

"તેનાથી તેમનો મુખ્ય ઉદ્દેશ પૂર્ણ થયો જે હતો વિદેશમાં ઇઝરાયલીઓ સામે સમાન હુમલાઓ કરતા જૂથોને અટકાવવું. તેમણે ઇઝરાયલના લોકોને પણ એ દેખાડ્યું કે ન્યાય મેળવવા માટે તેમનો દેશ સક્ષમ છે."

પરંતુ તેઓ તેમનો વેર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા કેમ કે ઇઝરાયલી ઇન્ટેલિજન્સ ક્યારેય ત્રીજા હુમલાખોર જમાલ અલ ગેશેને શોધી શકી ન હતી. તેઓ 1999 માં "વન ડે ઇન સપ્ટેમ્બર..." ડૉક્યુમેન્ટરીમાં દેખાડવા માટે અસ્થાયી રૂપે છુપાઈને બહાર આવ્યા હતા. તેમાં તેમનો રૂપ બદલાયેલો હતો અને ચહેરો પણ છુપાયેલો હતો.

ડૉક્યુમેન્ટરીમાં તેઓ કહે છે, "મ્યુનિખમાં મેં જે કર્યું તેનો મને ગર્વ છે કેમ કે તેણે પૅલેસ્ટાઇનની ખૂબ મદદ કરી હતી. મ્યુનિખકાંડ પહેલાં દુનિયાને અમારા સંઘર્ષ વિશે કોઈને ખબર ન હતી. પરંતુ તે દિવસે પૅલેસ્ટાઇનનું નામ આખી દુનિયામાં છવાયેલું હતું."

50 હોલોકૉસ્ટ

ઑગસ્ટમાં જર્મનીની મુલાકાત દરમિયાન પૅલેસ્ટાઇનના પ્રમુખ મહમૂદ અબ્બાસે મ્યુનિખ હત્યાકાંડ માટે માફી માગવાની ના પાડી દીધી હતી અને તેમણે બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલફ સ્કોલ્ઝની પ્રેસ કૉન્ફરન્સમાં ઇઝરાયલ પર 50 હોલોકૉસ્ટ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

50 વર્ષ પહેલાં મ્યુનિખમાં થયેલા હુમલા અંગે માફી માગવા વિશે જ્યારે જર્મન પત્રકારે પૅલેસ્ટાઇનના નેતાને સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું, "જો આપણે ભૂતકાળમાં ઊંડા ઊતરવાનો પ્રયાસ કરીએ તો જાણવા મળશે કે ઇઝરાયલ દ્વારા 50 હત્યાકાંડ કરવામાં આવ્યા છે."

અબ્બાસ ઉમેરે છે, "50 હત્યાકાંડ, 50 હોલોકૉસ્ટ અને આજ દિન સુધી દરરોજ ઇઝરાયલી સેના દ્વારા અમારા લોકોની હત્યા કરવામાં આવે છે."

તેમના વિવાદાસ્પદ ભાષણની ટીકા જર્મન સરકાર અને ઇઝરાયલે કરી હતી. ઇઝરાયલના વડા પ્રધાન યૈર લાપિદે દાવો કર્યો કે અબ્બાસની ટિપ્પણી "ન માત્ર એક નૈતિક બદનામી છે પણ ખૂબ મોટું જૂઠાણું પણ છે." ખાસ કરીને આ જૂઠાણું જર્મન ધરતી પર કહેવામાં આવ્યું જ્યાં આશરે છ મિલિયન યહૂદીઓની નાઝીઓ દ્વારા દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હત્યા કરી દેવાઈ હતી.

બ્લૅક સપ્ટેમ્બર ઉગ્રવાદી જૂથ જેણે મ્યુનિખ હત્યાકાંડની જવાબદારી લીધી હતી તેના તે સમયે અબ્બાસની રાજકીય પાર્ટી સાથે તાર જોડાયેલા હતા.

ઇતિહાસકાર માઇકલ બ્રેનર નોંધે છે કે મ્યુનિખ હત્યાકાંડને 50 વર્ષ પૂર્ણ થવા પર કેવા પ્રકારનો કાર્યક્રમ કરવો તેના વિશે ઘણી ચર્ચા કરવામાં આવી છે કારણ કે હત્યાકાંડ બાદ જર્મની કટોકટીનો ઉકેલ લાવવાના પ્રયાસમાં 'અનવ્યાવસાયિક' હતું.

બ્રેનર ઉમેરે છે, "પીડિતોના પરિવારોમાં હજુ પણ અન્યાયની ભાવના છે."

1972માં મ્યુનિખમાં મૃત્યુ પામેલા ઇઝરાયલી રમતવીરોના પરિવારજનોએ ઑગસ્ટમાં જાહેરાત કરી હતી કે તેઓ 50 વર્ષ પૂર્ણ થવા પર કોઈ પણ કાર્યક્રમ થશે તેનો તેઓ બહિષ્કાર કરશે કેમ કે વળતર મુદ્દે જર્મન સરકાર સાથે તેમનો તણાવ ચાલી રહ્યો છે.

એંકી સ્પિત્ઝરના પતિ હુમલામાં મૃત્યુ પામ્યા હતા. તેમણે રૉયટર્સ સાથે વાત કરતાં જણાવ્યું, "અમે ત્યાં સુધી કોઈ મેમોરિયલ સર્વિસમાં નહીં જઈએ જ્યાં સુધી જર્મની આ ઘટનાની વાસ્તિવક જવાબદારી નહીં સ્વીકારે."

મૃતકોના પરિવારજનો માને છે કે વળતર આપવાની જવાબદારી જર્મનીના માથે છે કેમ કે તેમના દેશમાં ગેઇમ દરમિયાન રમતવીરોને પૂરતી સુરક્ષા મળી ન હતી.

ટાઇમ્સ ઑફ ઇઝરાયલના રિપોર્ટ પ્રમાણે જર્મનીએ પીડિત પરિવારોને હત્યાકાંડ બાદ તુરંત આશરે બે મિલિયન ડૉલર જેટલી સહાય આપી હતી અને 2002માં અતિરિક્ત ત્રણ મિલિયન યુરોની સહાય આપવામાં આવી હતી.

અઠવાડિયાં સુધી ચાલેલી વાટાઘાટો બાદ, જર્મની અંતે ગયા અઠવાડિયે 50મી વર્ષગાંઠના પાંચ દિવસ પહેલાં પીડિત પરિવારોને 28 મિલિયન યુરો વળતર તરીકે આપવા માટે તૈયાર થયું છે.

ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગે તુરંત આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું અને તેને જર્મન સરકાર દ્વારા એક મહત્ત્વનું પગલું ગણાવ્યું હતું.

ઇઝરાયલ રૉથ ઑફ ગૉડ ઑપરેશન કર્યું હોવાની વાતને ફગાવે છે, પરંતુ બ્રેનર કહે છે કે આ એવું છે જ્યારે કોઈ પરમાણુ હથિયાર હોવાની વાતને નકારે છે પણ ખરેખર હોય છે.

તેઓ જણાવે છે, "ઇઝરાયલની દરેક વ્યક્તિ જાણે છે કે ઇઝરાયલે પરમાણુ હથિયારોનો વિકાસ કર્યો છે અને તે તેની પાસે છે. પરંતુ તેનો તેઓ ઔપચારિકરૂપે સ્વીકાર કરતાં નથી. જોકે, તેમને એ પણ ખબર છે કે દરેક વ્યક્તિ જાણે છે કે તેમની પાસે પરમાણુ હથિયાર છે."

"આ એવી ગેઇમ છે જે તેમને શોભે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો