You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવીન્દ્ર જાડેજાએ માત્ર ત્રણ દિવસમાં વેસ્ટ ઇન્ડીઝ સામે જીતનો પાયો નાખ્યો
"અમુક વર્ષો પહેલાં હું આઠમા કે નવમા ક્રમે બેટિંગ કરતો હતો, પરંતુ હવે મને છઠ્ઠા ક્રમે તક મળી છે. મને ખુદને તૈયાર કરવા માટે સમય મળે છે અને હું મારી ઇનિંગને ગતિ આપી શકું છું."
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં પહેલી મૅચ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને 'પ્લેયર ઑફ ધ મૅચ' પસંદ કરવામાં આવ્યા, ત્યારે તેમણે આ વાત કહી. જાડેજાએ અણનમ 104 રન ફટકાર્યા અને ચાર વિકેટ લીધી.
આ સાથે જ ભારતમાં રમાયેલી ટેસ્ટ મૅચોમાં સૌથી વધુ વખત 'પ્લેયર ઑફ ધ મૅચ' બનનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં જાડેજા ટોચ પર આવી ગયા છે. તેઓ અત્યાર સુધીમાં 10 વખત 'પ્લેયર ઑફ ધ મૅચ' બન્યા છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચ સોમવારે પૂરી થવાની હતી, પરંતુ મહેમાન ટીમ માત્ર ત્રણ દિવસમાં બે વખત ઑલઆઉટ થઈ ગઈ અને શનિવારે જ મુકાબલો પૂરો થઈ ગયો, ભારતનો એક ઇનિંગ અને 140 રને વિજય થયો.
અમદાવાદમાં રમાયેલી આ મૅચમાં ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં વેસ્ટ ઇન્ડીઝની સામે ભારતે ત્રીજો સૌથી મોટો વિજય નોંધાવ્યો છે. વર્ષ 2018માં રાજકોટ ખાતે યોજાયેલી મૅચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે એક ઇનિંગ અને 272 રને વિજય નોંધાવ્યો હતો. જે વેસ્ટ ઇન્ડીઝની સામે ભારતનો સૌથી શ્રેષ્ઠ વિજય હતો.
રવીદ્ર જાડેજા વેસ્ટ ઇન્ડીઝ સામે જીતના હીરો
બૉલિંગ, બેટિંગ તથા ફિલ્ડિંગ આમ તમામમાં જાડેજાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભારતના વિજયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બૉલિંગની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝની બીજી ઇનિંગમાં જાડેજાએ પોતાની સ્પિન બૉલિંગ દ્વારા મહેમાન ટીમના બૅટ્સમૅનને ખૂબ જ કનડ્યા હતા. જાડેજાએ 13 ઓવરમાં ચાર વિકેટ ખેરવી હતી.
બેટિંગની વાત કરીએ તો ભારતે 218 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. એવા સમયે જાડેજા મેદાન પર આવ્યા હતા અને ધ્રુવ જુરેલની સાથે ભારતીય ઇનિંગને સંભાળી હતી. જાડેજાએ પોતાની કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી અને અણનમ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસપ્રદ વાત એ છે કે વર્ષ 2018માં જાડેજાએ તેમની ટેસ્ટ કૅરિયરની પહેલી સદી વેસ્ટ ઇન્ડીઝ સામે જ ફટકારી હતી.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની પહેલી મૅચમાં સારું પ્રદર્શન કરીને જાડેજાએ ફરી એક વખત સાબિત કર્યું છે કે તેઓ ભારતના સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડરોમાંથી એક છે.
જાડેજાએ તેમના ટી-20 અને વન-ડે ક્રિકેટના ડેબ્યૂનાં ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આમ છતાં તેમણે ક્રિકેટના આ ફૉર્મેટમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
જાડેજાએ તેમની કૅરિયરના 86 ટેસ્ટ મૅચ (હાલની અમદાવાદની મૅચ સહિત) રમ્યા છે. જેમાં તેમણે ત્રણ હજાર 990 રન બનાવ્યા છે. જેમાં છ સદી તથા 27 અડધી સદી પણ સામેલ છે.
જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 334 વિકેટો પણ લીધી છે. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બૉલરોની યાદીમાં પાંચમા ક્રમે છે.
રાહુલ, જુરેલ તથા સિરાજના જોરે ભારત મજબૂત
રવીન્દ્ર જાડેજા ઉપરાંત ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ – કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ તથા મોહમ્મદ સિરાજે પોતાના પ્રદર્શન દ્વારા ટેસ્ટ મૅચનું પરિણામ નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પ્રારંભિક બૅટસમૅન યશસ્વી જયસ્વાલ તથા કેએલ રાહુલે સારી શરૂઆત કરી હતી. 68 રનના સ્કોરે યશસ્વી સ્વરૂપે ભારતની પહેલી વિકેટ પડી અને થોડી વાર પછી માત્ર સાત રનના સ્કોરે સાઈ સુદર્શન પેવોલિયન ભેગા થઈ ગયા.
એ સમયે ભારતનો સ્કોર બે વિકેટે 90 રન હતો.
પ્રારંભિક આંચકા બાદ રાહુલ ક્રીઝ પર ટકી રહ્યા અને ધીરજની સાથે રન ઉમેરતા રહ્યા. તેમની ઇનિંગને કારણે નીચલા ક્રમે બેટિંગ કરવા આવનારા બૅટ્સમૅનને આત્મવિશ્વાસ મળ્યો. ભારતે પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 448 રન બનાવ્યા.
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ દરમિયાન રિષભ પંતને ઈજા પહોંચી હતી, જેના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ દરમિયાન ધ્રુવ જુરેલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. ધ્રુવે આ તકનો પૂરો લાભ લીધો અને શુક્રવારે વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારી.
ધ્રુવે તેમની 125 રનની ઇનિંગમાં 15 ચોગ્ગા તથા ત્રણ છગ્ગા ફટકાર્યા. વિકેટની પાછળ પણ જુરેલનું પ્રદર્શન સારું રહ્યું અને તેમણે ચાર કૅચ લીધા.
જુરેલે અત્યાર સુધીમાં માત્ર પાંચ ટેસ્ટ મૅચ રમ્યા છે. ગત એક વર્ષ દરમિયાન ધ્રુવ મોટા ભાગે બૅન્ચ ઉપર જ રહ્યા છે. ધ્રુવના કહેવા પ્રમાણે, તેમણે પોતાની જાતને પ્રેરિત રાખવા માટેનો રસ્તો શોધી લીધો છે.
જુરેલે કહ્યું, "હું મારી દિનચર્યા યથાવત્ રાખું છું. જિમ જાઉં છું અને જે કંઈ કરી શકું છું એ કરું છું. બેટિંગની સાથે વિકેટકીપિંગની પ્રેક્ટિસ અને શિસ્ત જાળવી રાખું છું. ક્યારેક મનમાં આવે છે કે 'કશું નથી થઈ રહ્યું, આ બધું શું ચાલી રહ્યું છે?' પરંતુ હું પ્રયાસ કરું છું કે મારી જાતને મૉટિવેટેડ રાખું અને મહેનત કરતો રહું."
ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે પણ તેમની બૉલિંગની કમાલ દેખાડી હતી. સિરાજે પીચની સીમ મૂવમેન્ટનો પૂરો લાભ લીધો અને વેસ્ટ ઇન્ડીઝના ટૉપ ઑર્ડરને હચમચાવી નાખ્યું.
મૅચ દરમિયાન સિરાજે ચાર વિકેટ લીધી. તેમણી આક્રમક બૉલિંગ અને સાતત્યપૂર્ણ પ્રદર્શને ભારતને અગ્રેસર રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
મહેમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝના માત્ર બે ખેલાડી 30ને પાર પહોંચ્યા
બે ટેસ્ટમૅચની સિરીઝની પ્રથમ મૅચમાં ભારતીય ટીમને મજબૂત માનવામાં આવતી હતી અને એવું જ થયું.
ટૉસ જીતીને બેટિંગ કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમની શરૂઆત સારી નહોતી રહી અને માત્ર 42 રનમાં ચાર બૅટ્સમૅન પેલેલિયન ભેગા થઈ ગયા. આ ચાર બૅટ્સમૅન તેજનારાયણ ચંદ્રપૉલ (0), જૉન કૅમ્પબેલ (8), બ્રૅન્ડન કિંગ (13) અને ઍૅલિક ઍથનાઝ (12) હતા.
શરૂઆતની ચારમાંથી ત્રણ વિકેટ એકલા ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે લીધી અને વેસ્ટ ઇન્ડીઝના ટૉપ ઑર્ડરને વિખેરી નાખ્યું.
ત્યાર બાદ કૅપ્ટન રૉસ્ટન ચેસ (24) અને વિકેટકીપર બૅસ્ટમૅન શે હોપ (26)એ ઇનિંગ સંભાળી. આ જોડીને સ્પિનર કુલદીપ યાદવે તોડી. તેમણે શે હોમને ક્લિન બોલ્ડ કર્યા હતા. પછી વેસ્ટ ઇન્ડીઝની નિયમિત અંતરે વિકેટ પડતી રહી અને આખી ટીમ 44.1 ઓવરમાં માત્ર 162 રન પર સમેટાઈ ગઈ.
વેસ્ડ ઇન્ડીઝ માટે સૌથી વધુ 32 રન જસ્ટિન ગ્રીવ્સે બનાવ્યા અને ભારત તરફથી સિરાજે સૌથી વધુ ચાર વિકેટ અને જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી.
ત્યાર બાદ ભારતીય ટીમે પહેલી ઇનિંગ 448 પર જાહેર કરી. ટીમને પ્રથમ ઇનિંગના આધારે 286 રનની સરસાઈ મળી.
શનિવારે બીજી ઇનિંગમાં પણ વેસ્ટ ઇન્ડીઝનું નબળું પ્રદર્શન ચાલુ રહ્યું અને ટીમ એક દિવસ પણ રમી ન શકી. વેસ્ટ ઇન્ડીઝની બીજી ઇનિંગ 146 રનમાં સમેટાઈ ગઈ.
ભારતીય બૉલરો સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ વામણી પુરવાર થઈ. ઍલિક ઍૅથનાઝ (38) અને જસ્ટીન ગ્રીવ્સ (25) ઘણું મથ્યા, પરંતુ એ મહેતન હારને ટાળવા માટે પૂરતી નહોતી.
બીજી ઇનિંગમાં રવીન્દ્ર જાડેજાએ ચાર વિકેટ લીધી અને સિરાજે ત્રણ વિકેટ લીધી. આ સિવાય કુલદીપ યાદવે બે અને વૉશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી.
વેસ્ટ ઇન્ડીઝે પહેલા દિવસે બે સેશનમાં 10 વિકેટ ગુમાવી. ટીમ માટે ત્રીજો દિવસ પણ એવો રહ્યો.
માત્ર બે ખેલાડી બીજી ઇનિંગમાં 30 રનને પાર પહોંચી શક્યા. એક ઇનિંગના આધારે માત્ર બે ખેલાડી- ઍલિક ઍથનાઝ અને જસ્ટિન ગ્રીવ્સે 50 કે તેનાથી વધુ બૉલનો સામનો કર્યો. બંને ઇનિંગમાં મળીને માત્ર એક ખેલાડી જસ્ટિન ગ્રીવ્સે 100 બૉલ રમ્યા.
સિરીઝની બીજી મૅચ 10-14 ઑક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન