ચૂંટણીપંચ પર ઊઠતા સવાલોથી તેની શાખને નુકસાન થઈ રહ્યું છે?

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (ડાબેથી બીજા ક્રમે) વ્યક્તિગત કારણોનો હવાલો આપીને પોતાના પદ પરથી રાજીનામું ચૂંટણી કમિશનર અરુણ ગોયલને સોપ્યું હતું

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (ડાબેથી બીજા ક્રમે) વ્યક્તિગત કારણોનો હવાલો આપીને પોતાના પદ પરથી રાજીનામું ચૂંટણી કમિશનર અરુણ ગોયલને સોપ્યું હતું
    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં સૌથી પહેલી સામાન્ય ચૂંટણી યોજવાની વાત 1952માં થવા લાગી ત્યારે ઘણા લોકોને થયું હતું કે એ કેવી રીતે પાર પડશે.

એ સમયે લગભગ 17 કરોડ મતદારો પૈકીના માત્ર 15 ટકા જ લખી-વાંચી શકતા હતા. ઉગ્રવાદી જૂથો એ પ્રસંગનો ઉપયોગ કોમી તંગદિલી ભડકાવવા માટે કરશે તેવો ભય હતો.

આખી દુનિયાની નજર ભારત પર હતી અને પડકારો તથા સવાલો છતાં, નવાસવા આઝાદ થયેલા ભારતમાં સફળતાપૂર્વક ચૂંટણી કરાવવા બદલ ચૂંટણીપંચના બહુ વખાણ થયાં હતાં.

આ ભારતીય લોકતાંત્રિક પ્રક્રિયાને પહેલાં સુકુમાર સેન અને પછી ટી એન શેષન તથા જે એમ લિંગદોહ જેવા વડા ચૂંટણી કમિશનરોએ મજબૂત બનાવી હતી.

સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાનો બધો દારોમદાર ચૂંટણીપંચ પર જ હોય છે.

આપણે દેશમાં 543 સંસદીય બેઠકો માટે થઈ રહેલી ચૂંટણીની મધ્યમાં છીએ અને સાત તબક્કામાં થનારી ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદાતાઓ છે, પરંતુ આ ચૂંટણીનો એવો તબક્કો છે, જ્યારે ચૂંટણીપંચ આરોપો અને વિવાદોના કેન્દ્રમાં છે.

આ આરોપોમાંથી એકની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.

ચૂંટણીપંચ પર મતદાન સંબંધિત આંકડાને મોડેથી જાહેર કરવાનો આરોપ લાગી રહ્યો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારના ભારતીય ચૂંટણીપંચને એક અઠવાડિયાની અંદર મતદાન સંબંધિત આંકડા જાહેર કરવા અંગેની અરજી પર પોતાનો પક્ષ રજૂ કરવાનું કહ્યું છે.

એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (એડીઆર) અને કૉમન કૉઝની અરજીમાં બૂથો પર વોટની સંખ્યા સંબંધિત ફૉર્મ-17ની સ્કૅન કરેલી કૉપી અપલોડ કરવા બાબતે અરજી દાખલ કરી હતી.

આ અરજીમાં માગ કરવામાં આવી છે કે ચૂંટણીપંચ મતદાનમાં મતોની કુલ ગણતરીની સંખ્યા મતદાન ખતમ થયા પછી તરત જ વેબસાઇટ પર જાહેર કરે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બૅન્ચ હવે આ મામલાની સુનાવણી 24મી મેના દિવસે કરશે. આ આરોપ ઉપરાંત ચૂટંણીપંચ પર કેટલાક અન્ય આરોપ પણ લાગ્યા છે. વિપક્ષ સરકારી એજન્સીઓના વિપક્ષના નેતાઓ સામે દુરુપયોગનો આરોપ પહેલાં પણ કરતો રહ્યો છે. ઠીક ચૂંટણી પહેલાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડને લઈને પણ વિપક્ષે સરકાર પર આક્ષેપ કર્યા છે.

વિપક્ષ અનુસાર ચૂંટણીપંચે આ ત્રણે મામલાને નૈતિક રીતે જોવા જોઈએ જોકે ચૂંટણી દરમિયાન પણ લૉ ઇન્ફોર્સમેન્ટ એજન્સી ચૂંટણીપંચ આધીન નથી અને તેઓ પોતાની કાર્યવાહી માટે સ્વતંત્ર હોય છે.

પરંતુ કેટલાક આરોપ એવા પણ છે જે સીધા ચૂંટણીપંચ હેઠળ આવે છે.

ચૂંટણીપંચ પર આરોપો શા માટે?

ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન

ઇમેજ સ્રોત, PHOTO DIVISION

ઇમેજ કૅપ્શન, ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન

ચૂંટણીપંચ પરના આરોપોની યાદી આ રહીઃ

  • ભાજપના નેતાઓનાં સાંપ્રદાયિક ચૂંટણી ભાષણો
  • કૉંગ્રેસના ઍકાઉન્ટ્સ ફ્રીઝ થવાના સમાચાર
  • ઇલેક્ટોરલ બૉન્ડનો મુદ્દો
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાંસવાડા ખાતેના ભાષણમાં "ઘૂસણખોરો" અને "વધારે સંતાનો પેદા કરતા" જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ વડા પ્રધાનને બદલે ભાજપના પ્રમુખને નોટિસ આપવામાં આવી.
  • ચૂંટણીમાં કુલ મતની સંખ્યાને બદલે વોટિંગની ટકાવારીની માહિતી જાહેર કરવામાં આવી

આ રીતે વિરોધ પક્ષ અનેક મુદ્દાઓને લઈને ચૂંટણીપંચની વિશ્વસનીયતા પર સતત સવાલ ઉઠાવી રહ્યો છે. ચૂંટણીપંચ સત્તાધારી ભાજપ બાબતે બહુ નરમ અને વિરોધ પક્ષ બાબતે બહુ ગરમ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

ટીએમસીના નેતા ડેરેક ઓબ્રાયને જણાવ્યું હતું કે ચૂંટણીપંચ "પક્ષપાતી અમ્પાયર" જેવું વર્તન કરી રહ્યું છે. પોતાની ફરિયાદો લઈને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણીપંચને પણ મળ્યું હતું.

બીબીસીના અનેક પ્રયાસો છતાં ચૂંટણીપંચ પાસેથી આ આક્ષેપો બાબતે કોઈ જવાબ મળ્યો નથી, પરંતુ કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના એક સવાલના જવાબમાં ચૂંટણીપંચે કહ્યું હતું, "ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણીપંચ રાજકીય પક્ષો બાબતે ટિપ્પણી કરવાથી દૂર રહે છે, કારણ કે તેને તમામ રાજકીય પક્ષો સાથે સન્માનપૂર્વક, સહયોગી સંબંધમાં વિશ્વાસ છે. સ્વસ્થ ભારતીય લોકતંત્ર માટે તે મહત્ત્વપૂર્ણ છે."

‘ચૂંટણીપંચ નિષ્પક્ષ હોવું જોઈએ એટલું નહીં, એવું દેખાવું પણ જોઈએ’

જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અને ‘ઇન્ડિપેન્ડન્ટ પેનલ ફૉર મૉનિટરિંગ ઇલેક્શન્શ’ના સભ્ય ડૉ. રાહુલ મુખરજી વિરોધ પક્ષની ચિંતા સાથે સહમત છે.

તેઓ કહે છે, "ચૂંટણીપંચ નિષ્પક્ષ હોવું જોઈએ એટલું જ નહીં, બલકે તે નિષ્પક્ષ દેખાવું પણ જોઈએ. ચૂંટણીપંચ વડા પ્રધાનને હેટ સ્પીચ માટે કેવી રીતે ફટકાર ન લગાવી શક્યું એ જુઓ. ચૂંટણીપંચે તો પક્ષના વડાને જવાબદાર બનાવી દીધા."

વાસ્તવમાં રાજસ્થાનના બાંસવાડામાં 21 એપ્રિલે ચૂંટણી ભાષણ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુસલમાનો વિશે ટિપ્પણી કરી હતી અને તેમણે "ઘૂસણખોરો" અને "વધુ સંતાનો પેદા કરતા લોકો" જેવા શબ્દો વાપર્યા હતા.

વિરોધ પક્ષે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા રહ્યા છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા રહ્યા છે

ઘણાં વર્તુળોમાં એ ભાષણને મુસ્લિમો વિરુદ્ધની હેટ સ્પીચ (દ્વૈષપૂર્ણ ભાષણ) ગણાવવામાં આવી હતી, પરંતુ ચૂંટણીપંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બદલે ભાજપના અધ્યક્ષને નોટિસ મોકલી હતી.

ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી એસ કૃષ્ણમૂર્તિએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીપંચના પગલાંથી વિરોધ પક્ષ રાજી ન હોય તો તેણે અદાલતનો સહારો લેવો જોઈએ.

ચૂંટણીપંચના પગલાંથી ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ઓ પી રાવત પણ સહમત નથી. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "ફરિયાદ વડા પ્રધાન વિરુદ્ધ છે તો નોટિસ પણ વડા પ્રધાનને જ મોકલો."

ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ ચૂંટણી પંચને મોકલેલા જવાબમાં વડા પ્રધાનના ભાષણનો બચાવ કર્યો હતો.

એક ટેલિવિઝન ચેનલ સાથેની વાતચીતમાં, બાંસવાડાના ભાષણ સંબંધી સવાલના જવાબમાં વડા પ્રધાન નરેદ્ર મોદીએ કહ્યું હતું, "મને આશ્ચર્ય થાય છે. તમને કોણે કહ્યું કે વધારે સંતાનોની વાત થાય ત્યારે મુસલમાનો વાત જોડી દો. મુસલમાનો સાથે તમે અન્યાય શા માટે કરો છો."

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક અન્ય જાહેર સભામાં મુસલમાનોના મુદ્દે કૉંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું, "બાબાસાહેબ ધર્મના આધારે અનામતના વિરોધી હતા, પરંતુ કૉંગ્રેસ કહે છે કે એસસી, એસટી, ઓબીસી અને ગરીબોની અનામત છીનવીને મુસલમાનોને આપી દઈશું. કૉંગ્રેસ તમારી સંપત્તિને પણ જપ્ત કરીને પોતાની વોટ બૅન્કને આપવાની તૈયારીમાં છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 21 એપ્રિલના વિવાદિત ભાષણ બાબતે ચૂંટણીપંચે અત્યાર સુધી કોઈ કૉમેન્ટ કરી નથી.

બીજી તરફ ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી એસ કૃષ્ણમૂર્તિના કહેવા મુજબ, "ચૂંટણીપંચ પર આરોપ મૂકવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી."

તેઓ કહે છે, "પક્ષોની સંખ્યા, મતદારોની સંખ્યા, પોલિંગ બૂથોની સંખ્યા બધામાં વધારો થયો છે. પક્ષો વચ્ચેની લડાઈ આકરી થઈ છે. ચૂંટણીપંચ સામેની ફરિયાદો પણ વધી છે."

‘દૃઢતા દેખાડો અથવા રાજીનામું આપો’

બિન-સરકારી સંગઠનોએ 11 મેએ અનેક શહેરોમાં ચૂંટણીપંચ વિરુદ્ધ "ગ્રો અ સ્પાઇન ઑર રિઝાઇન" (દૃઢતા દેખાડો અથવા રાજીનામું આપો) ઝૂંબેશ શરુ કરી હતી.

લોકસભા ચૂંટણી દરમિયાન આચાર સંહિતાના અનેક ઉલ્લંઘન છતાં ચૂંટણીપંચની ‘નિષ્ક્રિયતા’થી તેઓ નારાજ હતા. એ ઝુંબેશ દરમિયાન લોકોએ ચૂંટણીપંચને પોસ્ટકાર્ડ્સ લખીને સંદેશ મોકલ્યો હતો.

ઝુંબેશના આયોજકોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 12 શહેરોમાંથી લગભગ 3,000 ફરિયાદ પત્રો ચૂંટણીપંચને મોકલવામાં આવ્યા છે.

આ ઝુંબેશ સાથે જોડાયેલા વિનય કુમારના જણાવ્યા મુજબ, તેમની માગણીઓમાં ચૂંટણી દરમિયાન હેટ સ્પીચ પર નિયંત્રણનો સમાવેશ થાય છે. ચૂંટણીપંચે દરેક તબક્કામાં પડેલા કુલ મતોની સંખ્યા જાહેર કરવી જોઈએ, તેવી માંગ પણ આ ઝુંબેશની છે.

લોકસભા ચૂંટણીના પહેલા બે તબક્કામાં થયેલા મતદાનના આંકડામાં ‘મોટી અનિશ્ચિતતા’ને ધ્યાનમાં લઈને સિવિલ સોસાયટીના કેટલાક અગ્રણીઓએ ચૂંટણીપંચને અપીલ કરી છે કે તે ફૉર્મ 17 સીના પાર્ટ વનના આંકડા તેની વેબસાઇટ પર જાહેર કરે, જેથી કુલ મતદાનનો સાચો આંકડો જાણી શકાય.

ચૂંટણીના ખોટા આંકડા સામે ઊઠતા સવાલ

ઈવીએમ સેટઅપ (ડાબેથી જમણે)- બૅલેટિંગ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપૅટ

ઇમેજ સ્રોત, PHOTO BY PARWAZ KHAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઈવીએમ સેટઅપ (ડાબેથી જમણે)- બૅલેટિંગ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપૅટ

સીતારામ યેચુરી જેવા વિપક્ષી નેતાઓએ પણ સવાલ કર્યો છે કે ચૂંટણીપંચ ટકાવારીને બદલે વાસ્તવમાં થયેલા મતદાનનો કુલ આંકડો કેમ જણાવતું નથી?

તેમનું કહેવું છે કે જ્યાં સુધી આંકડાની જાણકારી ન હોય ત્યાં સુધી ટકાવારીનો કોઈ અર્થ નથી.

કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું, "આ શંકાને નિર્મૂળ કરવા માટે ચૂંટણીપંચે માત્ર દરેક સંસદીય મત વિસ્તાર (અને સંબંધિત વિધાનસભા મતવિસ્તાર)નો ડેટા જ નહીં, પરંતુ તેના દરેક મતદાન કેન્દ્રમાંના વોટર ટર્નઆઉટનો ડેટા પણ જાહેર કરવો જોઈતો હતો."

ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ઓ પી રાવતે બીબીસીને કહ્યું હતું, "અગાઉ ચૂંટણીના આંકડા મતદાનના દિવસે જ જાહેર કરવામાં આવતા હતા. મતદાનની ટકાવારી હોય, પુરુષ મતદાનની ટકાવારી હોય, મહિલા મતદાનની ટકાવારી હોય કે કુલ મતની સંખ્યા કે ટકાવારી હોય. સાથે ચૂંટણીપંચ એમ પણ જણાવતું હતું કે આંકડામાં ફેરફાર થઈ શકે છે, કારણ કે અનેક મતદાન મથકો પર મતદાન ચાલુ છે."

ચૂંટણીપંચને લખેલા પત્રમાં પત્રકાર સંગઠનોએ પણ પ્રત્યેક તબક્કામાં મતદાન પછી પત્રકાર પરિષદ યોજવાની માગણી ચૂંટણીપંચ પાસે કરી છે.

તેમણે જણાવ્યું છે કે મતદાનના આગલા દિવસ સુધી કુલ મતની સંખ્યા અને ટકાવારી કેટલી છે તે પણ ચૂંટણીપંચ જણાવે.

ચૂંટણીપંચનો જવાબ

ચૂંટણી પંચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચૂંટણીપંચ

ચૂંટણીપંચે મલ્લિકાર્જુન ખડગેને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે તમામ માહિતી વોટર ટર્નઆઉટ ઍપ પર ઉપલબ્ધ છે.

ચૂંટણીપંચે જણાવ્યું હતું, "કોઈ મતવિસ્તાર, રાજ્ય કે ચૂંટણીના એક તબક્કાના સમગ્ર વોટર ટર્નઆઉટના ડેટા પ્રકાશિત કરવા માટે ચૂંટણી પંચ કાયદેસર બંધાયેલું નથી, કારણ કે વોટર ટર્નઆઉટ મતદાન કેન્દ્ર પર ફૉર્મ 17 સીમાં નોંધવામાં આવે છે. તેને પીઠાસીન અધિકારી તૈયાર કરે છે અને ઉમેદવારોના એજન્ટ્સ તેના પર સહી કરે છે. ફૉર્મ 17 સીની કૉપી પારદર્શકતાના સૌથી મજબૂત ઉપાય તરીકે ઉપસ્થિત મતદાન એજન્ટો સાથે શેર કરવામાં આવે છે. તેથી ઉમેદવાર જાગૃત છે."

ચૂંટણીપંચે મલ્લિકાર્જુન ખડગેને જણાવ્યું હતું, "ચૂંટણીપંચ તમારા આરોપોને સ્પષ્ટ રીતે ફગાવી દે છે અને તમને સાવધાનીપૂર્વક વર્તન કરવાની અને સંયમ રાખવાની સલાહ આપે છે."

ઓ પી રાવતના જણાવ્યા મુજબ, પહેલી નજરે એવું લાગે છે કે ચૂંટણીપંચ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન માટે પસંદ કરવામાં આવેલા શબ્દો યોગ્ય ન હતા. તેનાથી બહુ "ભ્રમ" ફેલાયો હતો.

તેમણે કહ્યું હતું, "રાજકીય પક્ષ માટે અમે આવા શબ્દોનો ઉપયોગ કરતા નથી. અમે તેમની સાથે એક ભાગીદારની માફક વ્યવહાર કરીએ છીએ. તેમની સાથે સન્માનપૂર્વક વર્તન કરવું જોઈએ."

ઓ પી રાવતને કહેવા મુજબ, "ચૂંટણીપંચ સત્તાધારી પક્ષ પ્રત્યે નરમ છે એમ કહેવું પણ યોગ્ય નથી, પરંતુ મીડિયાના એક વર્ગમાં જે કારણસર ચૂંટણીપંચની આવી છાપ ઉપસી રહી છે તે કારણો ચૂંટણીપંચ શોધે અને તેના પર કામ કરે એ જરૂરી છે."

રાવતે ઉમેર્યું હતું કે સમયની સાથે રાજકીય નેતાઓ પણ વિરોધ પક્ષો પર નવી નવી રીતે હુમલા કરી રહ્યા છે. કોઈ નેતા વિરોધ પક્ષના ચૂંટણી ઢંઢેરા, નીતિ વગેરે બાબતે હુમલો કરે તો તે આચારસંહિતાનું ઉલ્લંઘન નથી.

તેમણે કહ્યું હતું, "તમે અમેરિકા જેવા બીજા લોકતાંત્રિક દેશો પર નજર કરો. અમેરિકામાં ચૂંટણી પછી કેપિટલ હિલ પર હુમલો થયો હતો, જ્યારે આપણા દેશમાં આવું કશું થયું નથી."

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણીપંચમાં ગડબડ-ગોટાળાની કોઈ શક્યતા હોતી નથી.

ચૂંટણીપંચની છાપ

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને પૂર્વ ચૂંટણી કમિશનર અરુણ ગોયલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને પૂર્વ ચૂંટણી કમિશનર અરુણ ગોયલ

ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિને ભૂમિકા પર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે, તે બાબતે સવાલ ઊઠતા રહ્યા છે, પરંતુ સરકારે તે નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

હવે ચૂંટણીપંચ પર આકરા હુમલા થઈ રહ્યા છે ત્યારે સ્વતંત્ર સંગઠન તરીકેની ચૂંટણીપંચની છબીને નુકસાન નથી થતું?

ટી એસ કૃષ્ણમૂર્તિને આવું લાગતું નથી. તેમના જણાવ્યા મુજબ, ચૂંટણીપંચની વિશ્વસનીયતા બાબતે સવાલ ઉઠાવવા એ કોઈ નવી વાત નથી.

તેમણે કહ્યું હતું, "ચૂંટણીપંચે બહુ ઓછા સમયમાં નિર્ણય લેવાના હોય છે. અદાલત સાથે તેની સરખામણીએ કરીએ તો કોર્ટમાં નિર્ણય લેવામાં મહિનાઓ તથા ક્યારેક તો વર્ષો થતાં હોય છે. હું એમ નથી કહેતો કે ચૂંટણીપંચ ભૂલ નથી કરતું."

ટી એસ કૃષ્ણમૂર્તિ રાજકીય પક્ષોને જવાબદાર ઠેરવે છે, જે આચારસંહિતાનું પાલન નથી કરતા અને નેતાઓ એકમેક પર વ્યક્તિગત હુમલા કરે છે.

તેમના કહેવા મુજબ, ચૂંટણીપંચને ડગલેને પગલે કસૂરવાર ઠેરવવાનું ફેશન જેવું બની ગયું છે. ચૂંટણી આચારસંહિતાને વધારે કડક બનાવવામાં આવે તે જરૂરી છે.

તેમણે કહ્યું હતું, "હું લાંબા સમયથી કહી રહ્યો છું કે મતદાર કે ઉમેદવારને આર્થિક દંડ અથવા આચારસંહિતાના ગંભીર ઉલ્લંઘન બદલ પક્ષ કે ઉમેદવારને અયોગ્ય જાહેર કરવાનો અધિકાર ચૂંટણીપંચને હોવો જોઈએ."

બીજી તરફ પ્રોફેસર રાહુલ મુખર્જી ચૂંટણીપંચની ટીકા કરે છે.

તેમણે કહ્યું હતું, "ઇલેક્ટોરલ બૉન્ડને સુપ્રીમ કોર્ટે જ ગંભીર બાબત ગણ્યા હતા અને તેને બહાર લાવી હતી, જ્યારે કે એ કામ ચૂંટણીપંચનું હતું. ઇલેક્ટોરલ બૉન્ડ બાબતે ચૂંટણીપંચમાં શંકા હતા, પરંતુ તે ચૂપ રહ્યું હતું."

તેમણે ઉમેર્યું હતું, "ચૂંટણીપંચના એક કમિશનરે (અરૂણ ગોયલ) અચાનક રાજીનામું આપી દીધું. તેના કારણ સ્પષ્ટ નથી. તેને કારણે સત્તાધારી પક્ષે બે ચૂંટણી કમિશનરને પસંદ કર્યા. તેથી ચૂંટણીપંચ સ્વતંત્ર હોય તેવું લાગતું નથી."

ચૂંટણી કમિશનરોની પસંદગીની પ્રક્રિયા સામે ઓ પી રાવતને કોઈ વાંધો નથી. તેઓ માને છે કે આ પ્રક્રિયા અગાઉથી બહેતર થઈ છે, કારણ કે "અગાઉ સરકાર નવા ચૂંટણી કમિશનરની પસંદગી માટે રાષ્ટ્રપતિને ભલામણ મોકલતી હતી, જ્યારે હવે એક ફોરમ તે નિર્ણય કરે છે અને તે ફોરમમાં વિરોધ પક્ષના એક નેતા પણ હોય છે."