જો બાઇડને અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી, કમલા હેરિસને સમર્થન

biden and harris

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાન રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તેમનાં સહયોગી અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને સર્મથન આપ્યું છે.

બાઇડને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને થવાને માત્ર ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે.

તેમના આ નિર્ણયથી હવે વ્હાઇટ હાઉસની રેસ રસપ્રદ થઈ ગઈ છે. બાઇડને ફરીથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પરત લેતા કહ્યું કે આ તેમની પાર્ટી અને રાષ્ટ્રના હિતમાં છે.

બાઇડને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નિવેદન આપીને આ જાણકારી આપી હતી.

રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે, હવે તેમની સામે કમલા હેરિસ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.

જૂનના અંતમાં રાષ્ટ્રપતિ બાઇડને પૂર્વ રાષ્ટ્રતિ અને રિપ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની સામે કરેલી ચર્ચામાં તેમનું ખૂબ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. જે બાદ તેમની જ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી પરત લેવાનું તેમના પર દબાણ હતું.

રવિવારે પોતાની ઉમેદવારી પરત લેવાની વાત કરવાની સાથે જો બાઇડને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદ માટે સમર્થન આપવાની વાત કહી છે.

બીબીસી ગુજરાતી

બાઇડને શું કહીને ઉમેદવારી પરત લીધી?

ડોનાલ્ડ ટ્ર્મ્પ અને જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્ર્મ્પ અને જો બાઇડન

સોશિયલ મીડિયા પર બાઇડને લખ્યું કે રાષ્ટ્રપતિ પદની જવાબદારી નિભાવવી તેમના માટે જીવનનું સૌથી મોટું સન્માન છે.

પોતાના નિર્ણય બાદ રાષ્ટ્રપતિ બાઇડને પોતાનાં સહયોગી કમલા હેરિસને અભિનંદન આપતા કહ્યું કે તેઓ એક 'અસાધારણ પાર્ટનર' છે.

ગયા અઠવાડિયે જ બાઇડન કોરોના સંક્રમિત થયા હતા અને પોતાના ગૃહ રાજ્ય ડેલાવેયર પરત ફર્યા હતા.

કોરોના અંગે જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે આગામી અઠવાડિયામાં તેઓ ચૂંટણી અભિયાનમાં પરત ફરશે.

આ પહેલાં રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે માત્ર ઇશ્વર જ તેમની ઉમેદવારી પરત ખેંચાવી શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેમને કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ તો તેઓ ઉમેદવારી પરત ખેંચી શકે છે.

આ નિર્ણય પર ટ્રમ્પ શું બોલ્યા?

ડોનાલ્ડ ટ્ર્મ્પ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના આ નિર્ણય પર રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રૂથસોશિયલ પર પ્રતિક્રિયા આપી છે.

ટ્રમ્પે કહ્યું કે બાઇડન ક્યારે પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ફિટ નહોતા અને નિશ્વિત રીતે તેઓ આ પદ માટે ફિટ નથી અને ક્યારે નહોતા.

ટ્રમ્પે બાઇડનને 'કપટી' કહ્યા છે.' ટ્રમ્પે કહ્યું, 'તેઓ જૂઠી વાતોના દમ પર જ રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા હતા. તેઓ પોતાના બેઝમેન્ટમાંથી પણ બહાર નીકળ્યા નથી. તેમની આસપાસ બધા લોકો, જેમાં ડૉક્ટર અને મીડિયા સામેલ છે, જાણતા હતા કે બાઇડન રાષ્ટ્રપતિ પદ માટે સક્ષમ નથી અને પહેલાં પણ ન હતા.'

'હવે જુઓ, તેમણે આપણા દેશનું શું કરી દીધું છે, લાખો લોકો આપણી સીમા પાર કરીને આવી રહ્યા છે. તેમની કોઈ તપાસ થઈ રહી નથી. કેટલાક જેલ અને સ્વાસ્થ્ય સંસ્થાનામાંથી આવી રહ્યા છે.'

'રેકૉર્ડ સંખ્યામાં આતંકવાદી આવી રહ્યા છે, તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળને કારણે આપણે ભારે પીડા ભોગવવી પડી છે. પરંતુ તેમણે જે નુકસાન પહોંચાડ્યું છે, તેને અમે ખૂબ જ જલદીથી ઠીક કરી દઈશું'

બાઇડનના ઉમેદવારી પાછી ખેંચવાના નિર્ણય પર ઓબામાએ શું કહ્યું?

રાષ્ટ્રપતિ જો બાઇડન અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ જો બાઇડન અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફરીથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

બાઇડને આ નિર્ણય ત્યારે ક્રયો જ્યારે તેમના પર ડૅમોક્રેટિક પાર્ટીના નેતાઓ તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થવાનું દબાણ સતત વધી રહ્યું હતું.

બાઇડને ડૅમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હૅરિસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

જો બાઇડનના આ નિર્ણય પર પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રતિક્રિયા આપી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું કે બાઇડન અમેરિકાના સૌથી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રપતિઓ પૈકીના એક છે.

ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ હતાં ત્યારે બાઇડન તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ હતા.

તેમણે ઉમેર્યું, “રાષ્ટ્રપતિ બન્યા પછી બાઇડને પોતાને પુરવાર કર્યા છે. કોવિડ મહામારીને ખતમ કરવામાં બાઇડને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લાખો નોકરીઓ ઊભી કરી, દવાઓની કિંમત ઘટાડી અને 30 વર્ષોમાં ગન સુરક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા.”

જોકે, ઓબામાએ બાઇડનની જેમ ઉપ રાષ્ટ્રપતિ કમલા હૅરિસની ઉમેદવારી વિશે કોઈ વાત કરી ન હતી. માનવામાં આવે છે કે ઓબામા કમલા હૅરિસની ઉમેદવારીને લઈને કોઈ નિર્ણય પર પહોંચ્યાં નથી.

ઓબામાએ કહ્યું કે બાઇડને જળવાયુ પરિવર્તન માટે ઇતિહાસમાં સૌથી વધારે રોકાણ કર્યું. શ્રમજીવી લોકોના અધિકારોને સુરક્ષિત કરવા માટે લડાઈ લડી.

ઓબામાએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની સ્થિતિને ફરીથી મજબૂત કરી. નેટોને ફરીથી જીવીત કર્યું અને યુક્રેન પર થયેલા હુમલાઓ પછી વિશ્વને રશિયાની વિરુદ્ધ સંગઠિત કર્યું. હું અને મિશેલ જો બાઇડન અને જિલ બાઇડન પ્રત્યે અમારો પ્રેમ અને આભાર વ્યક્ત કરીએ છીએ.”