You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાહોદઃ ભાજપના 'બળવાખોર' નેતાએ કેવી રીતે દેવગઢ બારિયા નગરપાલિકાની સત્તા ઝૂંટવી લીધી?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવવી પડી છે. અપક્ષ, કૉંગ્રેસ અને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા સભ્યોએ ભેગા મળીને સત્તા પર કાબૂ મેળવ્યો છે.
ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નીલ સોનીએ ભાજપના ધર્મેશ કલાલને હરાવીને પ્રમુખ પદ હાંસલ કર્યું છે.
17 ઑક્ટોબરના રોજ ભાજપમાંથી ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ સામે અપક્ષ સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા. ત્યાર બાદ પ્રમુખે સામાન્ય સભા બોલાવી હતી. જેમાં મોટા ભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા.
ત્યાર બાદ ભાજપે બળવો કરનાર સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.
જો કે રાજકીય વિશ્લેષક આ ઘટનાને ભાજપના વિરોધ તરીકે નહીં પરંતુ આંતરિક જૂથવાદ માને છે. તેમજ ભાજપને તેમનો આત્મવિશ્વાસ નડ્યો હોવાનું પણ માને છે.
ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે નવા ચૂંટાયેલા પ્રમુખ ચાર્જ સંભાળે તે પહેલાં પણ પરિણામ અલગ જોવા મળી શકે છે.
જોકે નવા પ્રમુખે ચૂંટાયા બાદ ભાજપના વખાણ કર્યાં હતાં.
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ પ્રમુખની ચૂંટણી પર રોક લગાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે પ્રમુખની ચૂંટણી પર રોક ન લગાવતા 10 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના નીલ સોનીને મળેલા 16 મતમાં છ ભાજપમાંથી ચૂંટાયેલા (સસ્પેન્ડ કરાયેલા), બે કૉંગ્રેસના સભ્યો અને આઠ અપક્ષ સભ્યોના મત મળ્યા હતા. જ્યારે ભાજપ તરફથી ઊભા રહેલા ધર્મેશ કલાલને સાત મત ભાજપના સભ્યોના અને એક કૉંગ્રેસના સભ્યનો મત મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2025માં દેવગઢ બારિયાની નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે જીત મેળવી સર્વસંમતિથી ભાજપના સભ્યની પ્રમુખ તરીકે વરણી કરી હતી.
નવા ચૂંટાયેલા પ્રમુખે શું કહ્યું?
નવા ચૂંટાયેલા પ્રમુખે ચૂંટણી બાદ પણ ભાજપ સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ તેમના લોહીમાં છે અને તેઓ બીજા પક્ષમાં જઈ શકશે નહીં.
નવા ચૂંટાયેલા નીલ સોનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ફેબ્રુઆરીમાં ચૂંટણી બાદ 24 સભ્યોએ સર્વસંમતિથી ધર્મેશ કલાલને પ્રમુખ તરીકે વરણ કરી હતી. જોકે છેલ્લા સાત મહિનામાં તેમણે વિકાસનાં કોઈ કામ કર્યાં નથી. તેમજ નાગરિકોને તેમની સમસ્યા અંગે યોગ્ય જવાબ મળતો ન હતો. જેથી અમારા વિસ્તારના લોકો અમારી પાસે આવીને ફરિયાદ કરતા હતા."
નગરપાલિકાના પ્રમુખ સામે અપક્ષના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા. જે અંગે નીલ સોનીએ જણાવ્યું કે, "પ્રમુખના વલણથી કંટાળીને અપક્ષ સભ્યો તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા. જ્યાર બાદ પ્રમુખે સામાન્ય સભા બોલાવી હતી જેમાં 16 સભ્યો તેમના વિરોધમાં હતા. અમારી કોઈ પણ પ્રકારની વાત સાંભળ્યા વગર અમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમારો વિરોધ પ્રમુખ સામે હતો પાર્ટી સામે પહેલાં પણ વિરોધ ન હતો અને આજે પણ વિરોધ નથી."
નીલ સોનીએ ધર્મેશ કલાલ પર સગાવાદનો આરોપ લગાવતા કહ્યુંં હતું કે, "નગરપાલિકામાં દરેક કામના કૉન્ટ્રેક્ટ તેમના કાકાને જ આપવામાં આવતા હતા. જેમાં ગુણવત્તા જળવાતી ન હતી. તેમ છતાં પગલાં લેવામાં આવતાં ન હતાં."
આ આક્ષેપ અંગે ધર્મેશ કલાલે બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, "મારા કાકા મારા પ્રમુખ બન્યા પહેલાં પણ નગરપાલિકામાં કામ કરતા હતા. દરેક કામના ઑનલાઇન ટેન્ડર મંગાવવામાં આવતાં હતાં. મારા કાકા ટેન્ડરમાં સૌથી ઓછી રકમ ભરી હોય તો તેમને કાયદેસર રીતે કૉન્ટ્રેક્ટ મળતા હતા. ટેન્ડરની દરેક કાયદેસરની પ્રક્રિયાને અનુસરવામાં આવી હતી."
ઘડિયાલ ટાવરનો મુદ્દો કેમ ચર્ચામાં છે?
દેવગઢ બારિયામાં આવેલા ઐતિહાસિક ઘડિયાલ ટાવરનો મુદ્દો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.
છેલ્લા સાત મહિનાથી સમારકામ ન થતાં ઘડિયાલ બંધ થઈ ગઈ હતી. તે અંગે પણ અવારનવાર વિરોધ થતો હતો.
નીલ સોનીનો દાવો છે કે આ ઘડિયાલ 1915માં બનાવવામાં આવી હતી.
નીલ સોનીએ જણાવ્યું કે, "ઐતિહાસિક ઘડિયાલ ટાવર અમારા દેવગઢ બારીઆની ઓળખ છે. આ ટાવર ક્લૉકમાં કાયમી ચાવી ભરવી પડે છે. જેનાથી તે ચાલે છે. છેલ્લા સાત મહિનાથી તેના સમારકામનું કામ કોઈને આપવામાં આવ્યું નથી. જેથી તે બંધ છે. હું 15 તારીખે નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ લઉં તે પહેલાં તે ઘડિયાલ ચાલુ કરાવીશું."
ઘડિયાલ ટાવર અંગે ધર્મેશ કલાલે જણાવ્યું કે, "ટાવર ઘડિયાલ ચાલુ રાખવા માટેનો એક વર્ષનો ખર્ચ પાંચ લાખ રૂપિયા છે. જે પ્રજાના ટૅક્સના પૈસામાંથી જાય છે. હવે દરેક લોકો પોતાના હાથ પર અથવા તો મોબાઇલમાં સમય જોઈ લેતા હોય છે. મને લાગતું ન હતું કે આટલો મોટો ખર્ચ કરવો જોઈએ.જો કે અમે અન્ય કોઈ કારીગરની શોધ પણ કરી રહ્યા હતા જે થોડાક સસ્તામાં વર્ષનો કૉન્ટ્રેક્ટ આપીને પ્રજાના રૂપિયા બચાવી શકાય."
નગરપાલિકાના પૂર્વ પ્રમુખે શું કહ્યું?
દેવગઢ બારિયા નગરપાલિકાની ફેબ્રુઆરી 2025માં ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાની સત્તા હાંસલ કરી હતી. ધર્મેશ કલાલને સર્વાનુમતે નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
ધર્મેશ કલાલ સામે લોકોના કામ ન કરવા અને સગાવાદ સહિતના આરોપ લાગ્યા હતા.
17 ઑક્ટોબરે અપક્ષ દ્વારા તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી.
ધર્મેશ કલાલે તેમની સામે કામ ન કરવા અંગે થયેલા આક્ષેપ ફગાવતા કહ્યું હતું કે "મેં છેલ્લા સાત મહિનામાં નગરપાલિકામાં ત્રણ કરોડના વિકાસનાં કામ કર્યાં છે. તેમજ સાત કરોડનાં કામોનાં ટેન્ડર મંગાવીને કામ આપવાની કાર્યવાહી શરૂ કરી છે. મેં દરેક ફળિયામાં જઈને લોકો સાથે મુલાકાત કરીને તેમનાં કામોનું લિસ્ટ પણ બનાવ્યું હતું."
અવિશ્વાસની દરખાસ્ત અને ચૂંટણી અંગે વાત કરતાં ધર્મેશ કલાલ જણાવે છે કે, "મને એવું લાગે છે કે આ લોભ લાલચમાં આવીને ભાજપના સભ્યો મારા વિરોધમાં ગયા છે. પ્રમુખની ચૂંટણી રોકવા માટે મેં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પર રોક લગાવી ન હતી. જોકે મારી અરજી પર સુનાવણી 24 નવેમ્બરે છે."
નિષ્ણાતો શું માને છે?
દાહોદ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર શેતલ કોઠારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ આખી ઘટના ઘીના ઠામમાં ઘી ઢોળાવા જેવી છે. કારણ કે જે પ્રમુખ તરીકે ચૂંટાયા છે તે ભાજપમાંથી જ ચૂંટાયા હતા. પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેઓ હજુ કોઈ બીજા પક્ષમાં ગયા નથી. જો કે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી જ્યારે ચૂંટણી હતી ત્યારે અપક્ષ ઉમેદવાર પણ ભાજપના સમર્થકો જ હતા."
તેમણે વધુમાં જણાવ્યું કે, "આખી ઘટનામાં સભ્યોનો અંદરો અંદરનો જૂથવાદ અને તાકાત દેખાડી દેવાની હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જો કે સમગ્ર ઘટનામાં ભાજપનો વધુ પડતો આત્મવિશ્વાસ નડી ગયો હોવાનું પણ લાગી રહ્યું છે. નવા ચૂંટાયેલા પ્રમુખ અને તેમના સાથી સભ્યો માનતા હોય કે અમે ભાજપ વગર પણ સત્તા મેળવી શકીએ છીએ. આ શક્તિ પ્રદર્શન પણ માની શકાય."
ચૂંટણી પ્રક્રિયા અંગે પ્રાંત અધિકારી હિતેશ ભગોરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "દેવગઢ નગરપાલિકાની પ્રમુખપદને ચૂંટણી યોજાઈ હતી.જેમાં 24 એ 24 સભ્યો હાજર હતા. પ્રમુખપદ માટે ધર્મેશ કલાલ અને નીલ સોની નામના બે સભ્યોએ ઉમેદવારી કરી હતી. ધર્મેશ કલાલને 8 અને નીલ સોનીને 16 મત મળતા નીલ સોનીને દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટેલા જોવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ રીતે અને ખૂબ જ શાંતિપૂર્વક કરવામાં આવી છે."
ભાજપ અને કૉંગ્રેસનું શું કહેવું છે?
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "સમગ્ર ઘટના અંગે મારે જોવું પડશે. પરંતુ પ્રાથમિક તબક્કે મને લાગી રહ્યું છે કે સભ્યોને કોઈ લોભ લાલચ આપી હોવી જોઈએ. જો કે નવી બનેલી બૉડી ચાર્જ સંભાળે તે પહેલાં તેમાં બદલાવ પણ થઈ શકે છે."
જ્યારે કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ભાજપની બહુમતી ધરાવતી દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપના સભ્ય દ્વારા જ બળવો થવો તે ભાજપ માટે હાર છે."
"દેવગઢ બારિયા નગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હતો જેના કારણે ભાજપના સભ્યો તેમની સામે પડ્યા હતા. જનતાના પ્રશ્નોને વાચા મળે અને જનતાના વિકાસનાં કામ થયાં તે માટે કૉંગ્રેસના સભ્યોએ અપક્ષ અને ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા સભ્યોને ટેકો આપ્યો છે. આગામી સમયમાં જો ચૂંટાયેલા લોકો જનતાને ન્યાય આપવામાં નિષ્ફળ જશે તો કૉંગ્રેસ પક્ષના સભ્યો તેમનો ટેકો પાછો ખેંચી લેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન