You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત એટીએસે 'કથિત કેમિકલ હુમલો કરવાની તૈયારી' કરી રહેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી, પૂછપરછમાં શું બહાર આવ્યું?
ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડે એક તબીબ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ ગુજરાત બહારના છે.
ગુજરાત એટીએસના અધિકારીઓના કહેવા પ્રમાણે, આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, કારતૂસ તથા રાઇસીન નામનું ખતરનાક કેમિકલ બનાવવાની સામગ્રી મળી આવી હતી.
રાઇસીન ખૂબ જ ખતરનાક કેમિકલ છે અને એક ગ્રામનો હજારમો ભાગ પણ એક પુખ્તવયની વ્યક્તિને મારી નાખવા માટે પૂરતો હોય છે.
આરોપીઓએ કેટલાક ભીડવાળા વિસ્તારોની રેકી કરી હતી અને મોટા હુમલાને અંજામ આપવા પ્રયાસ કરી રહ્યા હતા.
એટીએસે હથિયારોના સ્રોતની બાબતમાં તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનો દાવો પણ કર્યો હતો.
એટીએસે શું કહ્યું?
રવિવારે આના વિશે માહિતી આપતા એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કથિત રીતે હથિયારો અને કેમિકલની મદદથી મોટા હુમલાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
એટીએસના ડીઆઈજી (ડૅપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) સુનીલ જોશીએ જણાવ્યું હતું, "ટેક્નિકલ સર્વેલન્સના આધારે એક શકમંદ ગુજરાતમાં હોવાની માહિતી અમને શુક્રવારે સવારે મળી હતી. જેના આધારે અધિકારીઓએ તપાસ હાથ ધરી, ત્યારે ગાંધીનગરના અડાલજ ટોલનાકા પાસેથી આંધ્ર પ્રદેશના પાસિંગવાળી કારમાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી."
"જેમાં અહમદ મોઇનુદ્દીન નામના આરોપીની કારની તપાસ કરતા તેની પાસેથી બે ગ્લૉક પિસ્તોલ, એક બૅરેટા પિસ્તોલ તથા 30 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ગાડીની તપાસ કરતા તેમાંથી લિક્વિડ મળી આવ્યું હતું, જે રાઇસિન નામનું ખતરનાક કેમિકલ બનાવવા માટેનો કાચો માલ હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મૂળ તેલંગણાના હૈદરાબાદના રહીશ અહમદ મોઇનુદ્દીને ચીનમાંથી તબીબી અભ્યાસ કર્યો છે અને તેણે હૈદરાબાદમાં રાઇસીન કેમિકલ બનાવવા માટે જરૂરી સાધનો હાંસલ કર્યા હોવાની માહિતી તેના મોબાઇલ ફોનમાંથી મળી હતી."
એટીએસનું કહેવું છે કે અહમદ મોઇનુદ્દીન કેટલાક કટ્ટરવાદી શખ્સો અને સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાનું તેના સોશિયલ મીડિયા હૅન્ડલની તપાસ પરથી બહાર આવ્યું છે.
એટીએસે અહમદ મોઇનુદ્દીનને અદાલતમાં રજૂ કરતા તેના 17 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે.
ડેડ ડ્રૉપમાંથી કડી
ડીઆઈજી સુનીલ જોશીના જણાવ્યા પ્રમાણે, આરોપીએ કલોલ પાસે એક અવાવરૂ જગ્યાએથી 'ડેડ ડ્રૉપ' (જેમાં આપનાર તથા લેનાર શખ્સ મળતા નથી, જેથી કરીને તપાસની સગડ લંબાઈ નહીં) થયેલાં હથિયારો ઉઠાવ્યાં હતાં. ત્યારે તેના મોબાઇલની તપાસ કરતાં જે નંબર સંપર્કમાં હતો, તે ગુજરાતમાં સક્રિય હતો. એ પછી તે બનાસકાંઠામાં સ્થિર થયો હતો.
એ પછી એટીએસે બનાસકાંઠા ખાતેથી આઝાદ સુલેમાન શેખ તથા મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનની ધરપકડ કરી છે. આ બંને મૂળતઋ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી તથા શામલીના રહીશ છે.
આ બંને શખ્સોનું કહેવું છે કે તેમણે રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આવેલા હનુમાનગઢમાંથી અવાવરૂ સ્થળે 'ડેડ ડ્રૉપ' થયેલાં હથિયાર ઉઠાવ્યાં હતાં અને અહમદ મોઇનુદ્દીન સૈયદ સુધી પહોંચાડ્યા હતા.
એટીએસે આરોપીઓ ઉપર યુએપીએ (અનલોફૂલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ), બીએનએસ તથા અલગ-અલગ કલમો લગાડીને ધરપકડ કરીને બાકીના બે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ગુજરાત એટીએસનું કહેવું છે કે આરોપીઓએ ભીડવાળા વિસ્તારોની રેકી કરી હતી અને તેઓ રાઇસીનથી કેમિકલ હુમલો કરવા માંગતા હતા. તેઓ આના માટે જરૂરી નાણાં, તાલીમ તથા માર્ગદર્શન મેળવવા માટે 'વિદેશી તત્ત્વો'ના સંપર્કમાં હતા.
સુનીલ જોશીએ ખુલાસો કર્યો હતો કે તેમના હૅન્ડલર તેમને પાકિસ્તાનની સરહદ ઉપર ડ્રોન મારફત હથિયાર મોકલાવે છે.
શું છે રાઇસીન?
રાઇસીન કુદરતી રીતે મળી આવતો ખૂબ જ ઝેરી પદાર્થ છે, તે એરંડામાંથી મળે છે. શ્વાસમાં, લોહીમાં કે ખાવામાં 'રાઇસીનના એક ગ્રામનો હજારમો ભાગ' પણ એક પુખ્ત વ્યક્તિને મારી નાખવા માટે પૂરતો હોય છે.
રાઇસીનના સંપર્કમાં આવ્યાના કલાકોમાં વ્યક્તિમાં ફ્લૂ જેવાં લક્ષ્ણો જોવા મળે છે. તેને તાવ આવે છે, ઊલ્ટી થવા લાગે છે અને ઉધરસ આવે છે.
વ્યક્તિનાં ફેફસાં, લિવર, કિડની અને ઇમ્યુન સિસ્ટમ ઉપર તે પ્રહાર કરે છે, તેનો કોઈ ઍન્ટિડોટ નથી.
અને ત્રણેક દિવસમાં પીડિત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. જોકે, તે ચેપી નથી. માસ્કથી રાઇસીનના ગૅસ સ્વરૂપે સંપર્કથી બચાવ થઈ શકે છે.
રાઇસીન એરંડામાંથી મળી આવે છે અને તે પ્રવાહી, કણ કે પાઉડર સ્વરૂપમાં હોઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન