You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોર-પોલીસની રમત રમાડીને વહુએ સાસુની કઈ રીતે હત્યા કરી દીધી?
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
(આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે.)
પોલીસના જણાવ્યાનુસાર એક વહુએ 'ચોર-પોલીસ'ની રમત રમવાની આડશમાં પોતાનાં સાસુને જીવતાં સળગાવીને તેમની હત્યા કરી દીધી છે.
પોલીસે આ મામલામાં કહ્યું છે કે વહુએ આ હત્યાને એક દુર્ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કર્યો. જોકે, પૂછપરછ દરમિયાન પોતાની સાસુની હત્યા કરી હોવાની કબૂલાત કરી.
આરોપી વહુએ કહ્યું કે તેમણે યૂટ્યૂબ પર 'વૃદ્ધ મહિલાની હત્યા કેવી રીતે કરવી' એવું સર્ચ કર્યું હતું અને પોતાનાં સાસુની હત્યા માટે વીડિયો જોયા હતા.
આ મામલે પોલીસે આરોપી વહુ જયંથિ લલિતાની ધરપકડ કરી છે.
પરંતુ અહીં સવાલ એ થાય છે કે આ ઘટનામાં વહુ લલિતા આખરે પોતાનાં સાસુ જયંથિ કનકામહાલક્ષ્મીને કેમ મારવા માગતાં હતાં?
લલિતાએ પોલીસની પૂછપરછમાં શું કહ્યું?
પોતાનાં સાસુની કથિત હત્યાના આગોતરા આયોજન માટે વહુએ શું કર્યું હતું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના પેંદુરથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પેંદુરથી પોલીસ અને વેસ્ટ ઝોન એસીપી પૃથ્વી તેજે આ ઘટના અંગે બીબીસીને માહિતી આપી.
ખરેખર શું બન્યું?
પોલીસ પ્રમાણે :
શુક્રવારે સવારે પેંદુરથી પોલીસ સ્ટેશન પાસે અન્નાપાલમ વિસ્તારમાંથી એક કૉલ આવ્યો.
આ ફોન મારફતે સામે છેડેથી એક પુરુષે વર્ષિની હોમ્સ નામની રહેણાક વસાહતમાં એક ફ્લૅટમાં આગની ઘટના બની હોવાની માહિતી આપી, આ આગમાં એક વૃદ્ધ મહિલા બળી રહ્યાં હતાં.
તુરંત જ પેંદુરથીના સર્કલ ઇન્સ્પેક્ટર સતીશકુમાર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ત્યાં તેમને 63 વર્ષીય જયંથિ કનકામહાલક્ષ્મી એક ખુરશી પર મૃત હાલતમાં મળી આવ્યાં. તેમના હાથ અને પગ બંધાયેલા હોય તેવાં નિશાન હતાં અને તેમની આંખ પર પાટો બંધાયેલો હોવાનાં પણ નિશાન મળી આવ્યાં.
પોલીસે કહ્યું કે પ્રારંભિક પૂછપરછ દરમિયાન વહુએ તેમનાં સાસુ ટીવીમાં શૉર્ટ-સર્કિટ થવાને કારણે ગુજરી ગયાં હતાં.
એસીપી પૃથ્વીરાજે કહ્યું, "જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે વહુ લલિતા સાથે ઘરમાં બે બાળકો પણ હતાં. લલિતાએ કહ્યું કે ટીવીના વાયર બળી જવાને કારણે શૉર્ટ-સર્કિટ થયું, જેના કારણે આગ લાગી ગઈ હતી. અમને ઘટનાસ્થળે શૉર્ટ-સર્કિટના કોઈ પુરાવા ન મળ્યા."
લલિતાએ પોલીસને જણાવ્યું, "મારાં સાસુ અને બાળકો ચોર-પોલીસની રમત રમી રહ્યાં હતાં. જેના ભાગરૂપે તેમના આંખે પાટો બાંધવામાં આવ્યો હતો. સાસુ ખુરશી પર બેઠાં હતાં અને તેમના હાથ અને પગ પણ બંધાયેલા હતા અને એ દરમિયાન જ ટીવીમાં શૉર્ટ-સર્કિટ થયું અને આ અકસ્માત થયો."
એસીપીએ કહ્યું કે આ ઘટનામાં લલિતાની દીકરીને પણ કેટલીક હળવી ઈજા થઈ છે.
એસીપીએ કહ્યું, "લલિતાના પતિ પૂજારી છે. તેઓ ઘટનાની જાણ થયા બાદ ઘરે આવ્યા હતા. તેમની સાથે વાત કર્યા બાદ પોલીસને વહુ લલિતા પર શંકા ગઈ. એ બાદ અમે લલિતાનો ફોન લઈને સર્ચ હિસ્ટ્રીની તપાસ કરી."
યૂટ્યૂબ પર સર્ચ કર્યું,'વૃદ્ધાની હત્યા કેવી રીતે કરવી'
પોલીસે કહ્યું, "જ્યારે લલિતાના ફોનની સર્ચ હિસ્ટ્રીની તપાસ કરાઈ ત્યારે પોલીસને 'વૃદ્ધાની હત્યા કેવી રીતે કરવી' એવી સર્ચ ટર્મ ઘણી વાર જોવા મળી હતી. આનાથી અમારી શંકા વધુ મજબૂત થઈ. જ્યારે તેની પૂછપરછ કરાઈ, તો તેણે તેની સાસુની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી. લગ્ન બાદથી જ તેના સાસુ સાથેના સંબંધ સારા નહોતા. તેણે કહ્યું કે સાસુ તેમને દરેક નાની વાતે ટોકતી અને દરરોજ કોઈને કોઈ વાતે તેને ખખડાવતી. આ જ કારણે તે સાસુને મારી નાખવા માગતી હતી."
એસીપી પૃથ્વી તેજે કહ્યું, "પોતાની સાસુની હત્યા કરવાનો ઇરાદો ઘડી લીધા બાદ તે પોતાના ટુ-વ્હીલર પર સિંહાચલમ નજીક ગોશાલા પાસે આવેલા પેટ્રોલ પંપ પાસેથી 100 રૂ.નું પેટ્રોલ ખરીદી લાવી અને તેને ઘરમાં જ સંતાડી દીધું."
આરોપી લલિતાએ તપાસ અધિકારીઓને જણાવ્યું, "મેં બાળકોને મારી સાસુ સાથે ચોર-પોલીસની રમત રમવા કહ્યું. તેઓ રમી રહ્યાં હતાં. રમતના ભાગરૂપે મેં મારી સાસુના હાથ-પગ ખુરશી પર બાંધી દીધા અને તેમના આંખે પાટો બાંધ્યો. મેં તેમને આ બધું રમતનો ભાગ હોવાનું કહ્યું."
પોલીસના જણાવ્યાનુસાર એ બાદ લલિતાએ સાસુને આયોજન પ્રમાણે આગ ચાંપી દીધી.
"સાસુની ચીસો ન સંભળાય એ માટે તેમણે ટીવીનો અવાજ વધારી દીધો. એ બાદ તેમણે પાડોશીઓને મદદનો પોકાર કરીને બોલાવવાનો પ્રયાસ કર્યો."
પોલીસ જણાવે છે કે વહુના ચોર-પોલીસની રમતવાળા આઇડિયા અંગે જાણીને તેમને પણ નવાઈ થઈ હતી. પોલીસે કહ્યું લલિતાએ તપાસ અધિકારીઓને કહ્યું કે તેમની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો હતો, જેના કારણ તેમણે પોતાનાં સાસુની હત્યા કરવાનું ઠરાવ્યું હતું.
વેસ્ટ ઝોન એસીપીએ કહ્યું કે આ મામલામાં પતિની ફરિયાદને આધારે ગુનો દાખલ કરાયો છે અને જયંથિ લલિતા રિમાન્ડ પર છે.
'ભાવનાઓનો ઊભરો આવી ઘટનાઓ માટે કારણભૂત'
આ ઘટના પાછળનાં સંભવિત મનોવૈજ્ઞાનિક કારણો અંગે જાણવા માટે બીબીસીએ મનૌચિકિત્સક સાથે વાત કરી.
વિશાખાપટ્ટનમસ્થિત મનોચિકિત્સક અને સાયકૉ-લીગલ ઍડ્વાઇઝર ડૉ. પૂજિતા જોસ્યુલાએ બીબીસીને જણાવ્યું, "કોઈ વ્યક્તિ હત્યા કરવા સુધીનું પગલું ભરી લે તેની પાછળ ભાવનાઓનો ઊભરો જવાબદાર હોય છે. કેટલાક પરિવારોમાં કઠોર સામાજિક અને સાંસ્કૃતિક નિયમો... વ્યક્તિની લાગણીઓને દબાવે છે, જે અંતે તો જોખમી નિર્ણયોમાં પરીણમે છે."
પૂજિતાએ કહ્યું, "કેટલાક લોકોને ટાઇપ-બી અને ટાઇપ-સી પર્સનાલિટી ડિસૉર્ડર હોઈ શકે છે. તેઓ ખૂબ ભાવુક હોય છે અને અણધારી પ્રતિક્રિયા આપે છે. તેઓ પોતાની જાતમાં વધુ રસ ધરાવતા હોય છે. તેમને અન્યોની લાગણીની પરવા હોતી નથી. આત્મમુગ્ધ, શંકા અને અતિ સંવેદનશીલતા સમયે ભાવનાત્મક બદલાવો આત્યંતિક હોય છે. આવા કિસ્સામાં, લોકો ભાવનાત્મક તણાવને કંટ્રોલ નથી કરતી શકતા અને જોખમી કૃત્યો કરી બેસે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન