આઇપીએલ : એ સિનિયર ખેલાડીઓ, જે જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે

    • લેેખક, પરાગ ફાટક
    • પદ, બીબીસી મરાઠી, સંવાદદાતા

ક્રિકેટરોના જીવનમાં 35 કે તેથી વધુ ઉંમરનો અર્થ કારકિર્દીનો અંતિમ તબક્કો એવું થાય છે.

ટી-20 ફૉર્મેટ માટે યુવાન ખેલાડીઓને પ્રાથમિકતા અપાય છે.

પરંતુ આ વખતની સિઝનમાં કંઈક અલગ જ વલણ જોવા મળ્યું.

ઘણા ખેલાડીઓ, જેઓ પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં દેખાઈ રહ્યા છે, તેમણે પોતાના પ્રદર્શન વડે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ યાદીમાં રહાણે, અમિત મિશ્રા અને પીયૂષ ચાવલા જેવા ખેલાડી સામેલ છે.

અજિંક્ય રહાણે

તેઓ એક એવા ખેલાડી છે, જેઓ ભૂતકાળમાં ભારતીય ટીમની કમાન સંભાળી ચૂક્યા છે. તેના નામે આઇપીએલમાં સદી અને અઢળક રન છે.

પરંતુ આ સિઝનમાં તેમને તક મળશે કે નહીં, એ વાતને લઈને શંકા હતી.

ઈજાગ્રસ્ત થયેલા ખેલાડીઓના સ્થાને તેમને તક મળી અને તે બાદ આપણને એક નવા અજિંક્ય રહાણેની ઝલક જોવા મળી.

ગત 22 ડિસેમ્બરના રોજ કોચ્ચીમાં થયેલ લિલામમાં અજિંક્ય રહાણેનું નામ આવ્યું ત્યારે માત્ર ચેન્નાઈ સુપરકિંગ્સે રસ દાખવ્યો.

ભારતીય ટીમમાંથી બહાર થનાર અને આઇપીએલમાં ગત સિઝનમાં કોલકાતા માટે ખાસ પ્રદર્શન ન કરનારા રહાણેને તક આપવા માટે અન્ય ટીમો ઉત્સુક નહોતી.

તેથી રહાણે પોતાની બેઝ પ્રાઇઝે જ એટલે કે 50 લાખ રૂપિયાની કિંમતે ચેન્નાઈની ટીમમાં સામેલ થઈ ગયા.

પરંતુ રહાણેના પડકારો ઓછા નહોતા થયા. 27 માર્ચના રોજ બીસીસીઆઈએ વાર્ષિક કરાર યાદી જાહેર કરી અને અજિંક્ય રહાણેનું નામ તેમાં નહોતું.

મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ બેન સ્ટોક્સ પગે ઈજા થવાને કારણે રમી ન શક્યા. મોઇન અલી પણ ફિટ નહોતા. આ કારણે મૅચમાં રહાણેને તક મળી.

મૅચમાં ચેન્નાઈએ મુંબઈને 157 રને રોકી દીધું. આ લક્ષ્ય મોટું તો નહોતું, પરંતુ ચેન્નાઈએ પહેલી જ ઓવરમાં કૉનવેની વિકેટ ગુમાવી દીધી.

ટીમમાં સ્ટોક્સ નહોતા. ઈજાને કારણે ધોની બેટિંગ કરવા અંતે ઊતરે છે. આવી સ્થિતિમાં પાવરપ્લેની ઓવરોનો લાભ ઉઠાવવાની જરૂરિયાત હતી.

એ મૅચમાં અજિંક્ય રહાણેએ 27 બૉલમાં 61 રનની ઇનિંગ રમી. એ ઇનિંગે ચેન્નાઈના વિજયનો પાયો નાખ્યો.

2020 બાદ આઇપીએલમાં આ તેમની પ્રથમ અર્ધ સદી હતી.

કોલકાતા વિરુદ્ધ અજિંક્ય રહાણેએ 29 બૉલમાં અણનમ રહીને 71 રનની અવિશ્વસનીય ઇનિંગ રમી.

ચેન્નાઈના વિજયમાં આ ઇનિંગે નિર્ણાયક ભૂમિકા ભજવી. રહાણે ક્લાસિક અને પરંપરાગત શૈલી માટે ઓળખાય છે.

તેઓ ઝડપથી રન જરૂર બનાવી શકે છે, પરંતુ કોઈ અજીબ પ્રકારના સ્ટ્રોક તેઓ નથી રમતા. રહાણેની બેટિંગ માણવી એ દર્શકો માટે સુખદ અનુભવ રહ્યો છે.

આ સિઝનમાં તેઓ કંઈક અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા છે. તેઓ દબાણ વિના મુક્ત મને રમી રહ્યા છે.

બીસીસીઆઈએ જૂનમાં યોજાનાર વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે ટીમ પસંદ કરી, તેમાં અજિંક્ય રહાણેનું નામ છે.

શ્રેયસ અય્યર અને ઋષભ પંત ઈજાને કારણે નહીં રમી શકે. આવી સ્થિતિમાં શાનદાર ફૉર્મમાં રમી રહેલા અજિંક્યનો અનુભવ ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ઈશાંત શર્મા

ભારત માટે 100 ટેસ્ટ રમી ચૂકેલા ઈશાંત શર્મા ટીમ ઇન્ડિયામાં પરત ફરે એ વાત હાલ તો મુશ્કેલ લાગી રહી છે અને તેઓ બીસીસીઆઈની વ્યૂહરચનાનો ભાગ હોય તેવું નથી લાગી રહ્યું.

અમુક દિવસ પહેલાં ઈશાંતને પણ બીસીસીઆઈએ વાર્ષિક કરારની પોતાની યાદીમાંથી બહાર કરી દીધા હતા.

બે વર્ષ સુધી ઈશાંત આઇપીએલનો ભાગ પણ નહોતા. પરંતુ આ અનુભવી બૉલરે વાપસી માટે ખૂબ મહેનત કરી.

દિલ્હીની શરૂઆતની મૅચમાં તેમને તક ન મળી.

કોલકાતા વિરુદ્ધ મૅચમાં દિલ્હીની ટીમના મૅનેજમૅન્ટે ઈશાંતને તક આપવાનો નિર્ણય કર્યો.

ઈશાંતે માત્ર વાપસી જ ન કરી, પરંતુ શાનદાર પ્રદર્શનના બળે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર પણ મેળવ્યો.

ઈશાંતે ચાર ઓવરમાં માત્ર 19 રન આપીને બે વિકેટ ખેરવી. દિલ્હીનું અરુણ જેટલી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ઈશાંતનું ઘરેલુ મેદાન છે.

અહીં રમવાનો અનુભવ ધરાવતા ઈશાંતે કોલકાતા નાઇટ રાઇડર્સના કપ્તાન નીતીશ રાણાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. રાણા ઘણાં વર્ષોથી આઇપીએલમાં રમી રહ્યા છે.

ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી માટે રમતા રાણા આ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સની કપ્તાની કરી રહ્યા છે.

ઈશાંતે તેમને આઉટ કરીને કોલકાતાને ઝટકા આપ્યા. પિંચ હિટર તરીકે રમતા સુનીલ નરેનને પણ ઈશાંતે આઉટ કર્યા.

હૈદરાબાદ વિરુદ્ધ યોજાયેલી મૅચમાં દિલ્હીએ ઈશાંત પર વિશ્વાસ કર્યો. ઈશાંતે ત્રણ ઓવરમાં 18 રન આપીને રાહુલ ત્રિપાઠીની વિકેટ ખેરવી.

ઈશાંતે આઇપીએલમાં અત્યાર સુધી કોલકાતા નાઇટ રાઇડર્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યા છે.

34 વર્ષીય ઈશાંતે બતાવી દીધું કે હજુ પણ તેઓ વિકેટ ખેરવવાનું ભૂલ્યા નથી.

લિલામમાં દિલ્હી કૅપિટલ્સે ઈશાંતને 50 લાખ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

કારકિર્દીના અંતિમ તબક્કામાં રહેલા ઈશાંત ટી-20માં બેટરોના ચોગ્ગા-છગ્ગાવાળા ફૉર્મેટ વચ્ચે પોતાની ઉપયોગિતા સાબિત કરી શકશે, એ વાતે સવાલ ઊઠી રહ્યા હતા.

ઇમ્પૅક્ટ પ્લેયર જેવા નિયમથી ઈશાંત જેવા સિનિયર ખેલાડી પૂરા 40 ઓવર સુધી રમે એ જરૂરી નથી.

ચાર ઓવર નાખ્યા બાદ તેમના સ્થાને બેટરને સામેલ કરાય છે. જો પ્રથમ બેટિંગ હોય, તો અમુક બેટરના સ્થાને બાદમાં તેમને સામેલ કરાય છે.

ઈશાંત એવા ગણતરીના ખેલાડીઓ પૈકી એક છે, જેઓ આઇપીએલના પ્રથમ સંસ્કરણથી રમી રહ્યા છે.

મોહિત શર્મા

“નેટ બૉલર હોવું એ ખરાબ વાત નથી. મોટા ખેલાડીઓ સાથે રમવાની તક સાંપડે છે. ફિટનેસ જળવાઈ રહે છે. રમત સાથે જોડાઈ રહેવું એ મારા માટે મહત્ત્વપૂર્ણ હતું. નેટ બૉલર છું એ વાતને લઈને કોઈ દુ:ખ નથી. કારણ કે અમારી ટીમે પ્રથમ સિઝનમાં જ આઇપીએલની ટ્રૉફી જીતવામાં સફળતા મેળવી. અમે ખૂબ ઉજવણી કરી. ટીમમાં કોઈ ભેદભાવ ન દેખાયો.”

આ વાત મોહિત શર્માએ કહી હતી.

મોહિત શર્માનું નામ ક્રિકેટપ્રેમીઓ માટે નવું નથી. વર્ષ 2014માં મોહિત શર્માએ આઇપીએલમાં પર્પલ કૅપનો પુરસ્કાર મળ્યો હતો.

સિઝનમાં સૌથી વધુ વિકેટ મેળવનાર બૉલરને આ સન્માન હાંસલ થાય છે.

વર્ષ 2015માં ઑસ્ટ્રેલિયામાં થયેલા વર્લ્ડકપમાં મોહિત ભારતીય ટીમનો ભાગ હતા.

જ્યારે તેઓ ચેન્નાઈ સુપરકિંગ્સ માટે રમતા, ત્યારે મહેન્દ્રસિંહ ધોની ડેથ ઓવર કરવા માટે તેમના પર વિશ્વાસ કરતા.

ચેન્નાઈ બાદ મોહિત પંજાબ ટીમ માટે રમ્યા. તેમના ફૉર્મમાં પડતી આવી. બાદમાં તેઓ દિલ્લી કૅપિટલ્સ માટે રમવા લાગ્યા. 2020 અને 2021ની આઇપીએલ સિઝનમાં કુલ ચાર મૅચોમાં રમવાની તક મળી.

2022 સિઝન માટે થયેલ લિલામમાં તેમને કોઈ ટીમે સમાવ્યા નહોતા.

નવી ટીમ ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશીષ નેહરાએ તેમને ફોન કર્યો. નેટ બૉલર તરીકે ટીમ સાથે જોડાઈ શકો કે કેમ? એવો પ્રશ્ન પુછાયો.

પીઠની સર્જરી બાદ પરત ફરવા માટે તૈયાર મોહિતે નેહરાને હા પાડી દીધી.

આ પહેલાં મુક્ય બૉલર તરીકે રમી રહેલા મોહિત નેટ બૉલર બન્યા. નેટ બૉલર પાસેથી બેટરોના અભ્યાસ વખતે બૉલિંગ કરાવાયા છે. મોહિતે આ કામ ખૂબ સારી રીતે કરી બતાવ્યું.

2023ની સિઝન પહેલાં થયેલ લિલામમાં ગુજરાત ટાઇટન્સે મોહિતને ટીમમાં સામેલ કર્યા.

શરૂઆતની મૅચોમાં મોહિતને તક ન મળી. 13 એપ્રિલના રોજ મોહાલીમાં રમાયેલ મૅચમાં મોહિતે 18 રન આપીને બે વિકેટ લીધી.

આ પ્રદર્શનના બલે મોહિતને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર પણ મળ્યો. 22 એપ્રિલના રોજ મોહિતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી.

લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમની ધીમી પિચ પર ગુજરાત ટાઇટન્સની ટીમ 135 રન જ બનાવી શકી.

પરંતુ આ લક્ષ્ય ચૅઝ કરવામાં પણ લખનૌની ટીમને ફાંફાં પડ્યાં. અંતિમ ઓવરમાં ટીમને જીત માટે છ બૉલમાં 12 રનની જરૂરિયાત હતી.

મોહિત શર્માએ કે. એલ. રાહુલ અને માર્ક્સ સ્ટૉઇનસને આઉટ કરીને મૅચનું પાસું જ બદલી નાખ્યું.

એ ઓવરમાં માત્ર ચાર જ રન બન્યા અને ગુજરાતના ભાગે શાનદાર વિજય નોંધાયો.

મોહિતને ફરી એક વાર આ પ્રદર્શન માટે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો.

સંદીપ શર્મા

આઇપીએલની 16મી સિઝન પહેલાં થયેલ હરાજીમાં સંદીપ શર્માનું નામ આવ્યું ત્યારે લાગી રહ્યું હતું કે ટીમો બોલી લગાવશે. પરંતુ એવું ન થયું.

આઇપીએલમાં 100 કરતાં વધારે વિકેટ લેનારા સંદીપનો અનુભવ લાભપ્રદ સાબિત થવાની શક્યતા હતી.

સંદીપ આ વાતને કારણે નિરાશ ન થયા. રાજસ્થાન રૉયલ્સના ફાસ્ટ બૉલર પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા.

રાજસ્થાને સમય ગુમાવ્યા વગર સંદીપને પોતાની ટીમમાં સામેલ કર્યા.

ચેન્નાઈ વિરુદ્ધની મૅચમાં સંદીપે કારકિર્દીનો સૌથી મહત્ત્વનો બૉલ નાખ્યો.

ચેન્નાઈને 176 રનનું લક્ષ્ય મળ્યું હતું. મૅચ અંતિમ ઓવર સુધી ખેંચાઈ. છ બૉલમાં ચેન્નાઈને 21 રનોની જરૂરિયાત હતી.

ચેન્નાઈના પ્રશંસકોને જીતની આશા હતી, કારણ કે પિચ પર મહેન્દ્રસિંહ ધોની અને રવીન્દ્ર જાડેજા હાજર હતા.

સંદીપનો પહેલો બૉલ વાઇડ રહ્યો. બીજો પણ વાઇડ હતો. આના કારણે સંદીપ પર દબાણ વધ્યું.

પરંતુ ત્રીજો બૉલ ડૉટ રહ્યો. ધોની જેવા ફિનિશર વિરુદ્ધ સંદીપે યૉર્કર ફેંક્યો.

બીજા બૉલે ધોનીએ છગ્ગો ફટકારી દીધો. હવે ચાર બૉલે 13 રનની જરૂરિયાત હતી. ત્રીજા બૉલે ધોનીએ વધુ એક છગ્ગો ફટકાર્યો.

સંદીપ માટે વાપસી કરવાનું મુશ્કેલ દેખાઈ રહ્યું હતું. પરંતુ ચોથા બૉલે સંદીપે ધોનીને માત્ર સિંગલ જ લેવા દીધો.

પાંચમા બૉલે જાડેજા પણ એક જ રન બનાવી શક્યા. અંતિમ બૉલે ચેન્નાઈને છ રનની જરૂરિયાત હતી. ધોની માટે આખું સ્ટેડિયમ નારા પોકારી રહ્યું હતું.

ધોની એક નાનકડી ભૂલનો લાભ લઈને બૉલને બાઉન્ડ્રી પાર પહોંચાડવા સક્ષમ છે, એ વાત બધા જાણે છે. પરંતુ સંદીપે પોતાના યૉર્કર પર વિશ્વાસ કર્યો.

ધોનીએ આ બૉલને નીચેથી રમવાનો પ્રયત્ન કર્યો, પંરતુ તેઓ માત્ર એક જ રન લઈ શક્યા.

સંદીપે ભગવાનનો પાડ માન્યો અને આકાશ તરફ જોયું. ધોની જેવા મહાન બેટરને જીતથી સંદીપ દૂર રાખવામાં સફળ રહ્યા.

લિલામમાં અનસોલ્ડ રહેલા આ બૉલરે એ મૅચના મહત્ત્વપૂર્ણ વળાંકે પોતાની તાકત બતાવી.

પીયૂષ ચાવલા

34 વર્ષીય પીયૂષ 2011ની વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યા છે.

તેઓ ચેન્નાઈ સુપરકિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી ચૂક્યા છે.

લિલામમાં મુંબઈ ઇન્ડિયન્સ પીયૂષમાં રસ દાખવ્યો, ત્યારે ઘણાને આશ્ચર્ય થયો હતો. પરંતુ પીયૂષની બૉલિંગ હજુ પણ બેટરો માટે માથાનો દુખાવો બની રહી છે.

22 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં થયેલા મુકાબલાથી આ વાતનો અંદાજો મળે છે.

તેમણે ત્રણ ઓવરમાં 15 રન આપીને બે વિકેટ ખેરવી. તેમને ચોથી ઓવર ન કરવા દેવાનો કપ્તાન રોહિત શર્માનો નિર્ણય ક્રિકેટપ્રેમીઓ માટે વિચારતા કરી મૂકે એવી વાત હતી.

પીયૂષ માત્ર વિકેટ લઈ રહ્યા છે, એવું નથી, બલકે તેઓ રનોની ગતિ પર પણ નિયંત્રણ રાખી શકે છે. મુંબઈની ટીમ માટે આ સિઝન ખૂબ જ પડકારભરી છે.

મુખ્ય બૉલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ઉપલબ્ધ નથી.

જોફ્રા આર્ચર પણ અત્યાર સુધી સંપૂર્ણપણે ફિટ નથી થઈ શક્યા. બૉલિંગ ક્ષેત્રે અનુભવનો અભાવ નડી રહ્યો છે.

આવી સ્થિતિમાં પીયૂષ ચાવલા ટીમ માટે મજબૂત કડી બની ગયા છે.

અમિત મિશ્રા

આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેવા બાબતે અમિત મિશ્રાનું નામ ત્રીજા ક્રમે છે.

આ ટુર્નામેન્ટમાં તેમના નામે ત્રણ હેટ્રિક છે. 40 વર્ષના મિશ્રા આઇપીએલનું એક મોટું નામ છે.

લખનૌ સુપરજાયન્ટ્સ ટીમે તેમને ટીમમાં સામેલ કર્યા, ત્યારે લોકો ચકિત રહી ગયા હતા.

પરંતુ અમિત મિશ્રાએ પોતાના પ્રદર્શનથી સમીક્ષકોને બરાબર જવાબ આપ્યો છે.

અમિત મિશ્રા સતત મહત્ત્વપૂર્ણ વિકેટો ખેરવી રહ્યા છે અને તેઓ રન આપવા બાબતે અત્યંત કંજૂસ છે.

અમિત મિશ્રાની ચાર ઓવરોમાં બેટરો મોટા સ્ટ્રોક રમવાનું જોખમ નથી ઉઠાવતા.

ડેક્કન ચાર્જર્સ, દિલ્લી કૅપિટલ્સ અને સનરાઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂકેલા અમિત મિશ્રાનો અનુભવ લખનૌ માટે કારગત સાબિત થઈ રહ્યો છે.